For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૂર્યનારાયણ આકરા : શહેરમાં 39.2 ડિગ્રીની ગરમીએ રજાની મજા બગાડી

Updated: Apr 29th, 2024

સૂર્યનારાયણ આકરા : શહેરમાં 39.2 ડિગ્રીની ગરમીએ રજાની મજા બગાડી

- ભાવનગરમાં 10 દિવસ બાદ ગરમીનો પારો 39 ડિગ્રીને પાર

- બપોરે એસી ફૂલ કરવા પડયાં, પંખામાંથી ગરમ હવા ફૂંકાઈ, બફારાથી અકળામણ : વરરાજા-જાનૈયા પરસેવે રેબઝેબ

ભાવનગર : રવિવારની રજામાં સૂર્યનારાયણ આકરા બન્યા હતા. ૧૦ દિવસ બાદ ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર પહોંચી જતાં ભાવેણાંવાસીઓએ બપોરના સમયે હાશતોબા પોકારતી ગરમીનો અહેસાસ કર્યો હતો. ખાસ કરીને બપોરના સમયે પંખા પણ રાહત આપતા બંધ થઈ થયા હોય તેમ ગરમ હવા ફૂંકતા હોવાથી લોકોને ઘરમાં રહી સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો.

ચૈત્ર માસના અંતિમ પખવાડિયાના આરંભ સાથે જ ગરમીનું જોર ફરી વધવા લાગ્યું છે. આજે રવિવારે ભાવનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯.૨ ડિગ્રીને આંબી ગયો હતો. જેથી શહેરીજનોની રજાની મજા બગડી હતી. સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય તેમ આભમાંથી આકરો તાપ વરસાવી રહ્યા હતા. જેના કારણે બપોર પડતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. ઉનાળાના આકરા તાપથી બચવા મોટાભાગના લોકોએ ઘરની બહાર જવાનું ટાળી એસી ફૂલ કરી દીધા હતા. તો બીજી તરફ એસી ન હોય તેવા ઘરોમાં પંખાની ગરમ હવા ફૂંકવાથી ગરમી અને બફારાથી લોકોએ અકળામણ અનુભવી હતી.

સવારથી સાંજ સુધી ચૈત્રી તાપ અને બફારાનો સામનો કર્યા બાદ સાંજ ઢળતા જ ગરમીમાંથી રાહત મેળવવા અને રજાની મજા માણવા લોકો પરિવાર સાથે હરવા-ફરવાના સ્થળોએ નીકળી ગયા હતા. જેના કારણે બપોરે સુમસામ ભાંસતા સ્થળો-માર્ગો પર સૂર્યાસ્ત બાદ મોડી રાત સુધી લોકો-વાહનોની ચહલ-પહલ રહી હતી. વધુમાં આકરા તાપે વરરાજાઓની મુશ્કેલ વધારી હતી. તો જાનૈયાઓ પરસેવે રેબઝેબ થઈ વરઘોડામાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, છેલ્લે ૧૮મી એપ્રિલે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયા બાદ આજે રવિવારે ગરમીનો પારો પ્રથમ વખત ૩૯ ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો. આજના તાપમાન પર નજર કરીએ તો મહત્તમ તાપમાન ૩૯.૨, લઘુતમ તાપમાન સતત ત્રીજી રાત્રે ૨૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૬ ટકા રહ્યું હતું. તો પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાકની નોંધાઈ હોવાનું હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

4 દિવસમાં તાપમાન 1.7 ડિગ્રી ઉંચકાયું

ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના પરિણામે ચાર દિવસમાં પોણા બે (૧.૭) ડિગ્રી તાપમાન ઉંચકાયું છે. ગત ૨૫મીએ શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી હતું. ૨૬મીએ ૩૭.૭, ૨૭મીએ ૩૮.૬ અને આજે રવિવારે ૨૮મીએ ૦.૬ ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો ૩૯.૨ ડિગ્રીને આંબી ગયો હતો.

Gujarat