Gujarat

કોડીનારની શ્રમિક પુત્રી આયર્લેન્ડ ખાતે આયોજિત વર્લ્ડકપમાં ઝળકશે

By GS Team
4 Jan 20222 mins read
This article was originally published on 4 Jan 2022
કોડીનારની શ્રમિક પુત્રી આયર્લેન્ડ ખાતે આયોજિત વર્લ્ડકપમાં ઝળકશે

- પારાવાર આર્થિક તકલીફો છતાં સખત મહેનત ફળી

- કિક બોક્સિંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડકપ માટે પસંદગીઃ જુદી-જુદી સ્પર્ધામાં 9 વાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે

પ્રભાસપાટણ : 'કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી' આ પંક્તિઓને સાર્થક કરી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા વાળાએ. એક સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતી મનીષાના પિતા એક સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કરે છે. પરંતુ પારાવાર આથક તકલીફો સામે ઝૂક્યા વગર આ શ્રમિક પુત્રી કિક બોક્સિંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. મનીષા માર્ચ-૨૦૨૨માં આયર્લેેન્ડના ડબલીન ખાતે કિક બોક્સિંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ૬૦ વેઈટ કેટેગરીમાં ક્વોલીફાઈ થઈ છે. આમ, ગીર સોમનાથ જિલ્લાની વધુ દીકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત તરફથી રમતી જોવા મળશે.

ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં કેટેગરીમાં ક્વોલીફાઈ થવા માટે ઓગસ્ટમાં ગોવાના દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ (સ્ટેડિયમ) ખાતે સીનીયર નેશનલ કિક બોક્સિંગના કેમ્પમાં તેણીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે હિમાચલ પ્રદેશના ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતેના ઈન્ડિયા કેમ્પમાં સામેલ કરવામાં આવી. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી હતી. કિક બોક્સિંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સારા કોચ મળવા મુશ્કેલ હોય છે. પણ હાલ સિદ્ધાર્થ ભાલેગરે  પાસે કોચિંગ મેળવી રહી છે. જે કિક બોક્સિંગમાં ખ્યાતિ પ્રાપ્ત કોચની સાથે કિક બોક્સિંગના સારા ખેલાડી રહી ચૂક્યા છે.

સૌરાષ્ટ્રમાં ઓછી પ્રચલિત એવી રમત બોક્સિંગની વાત કરતા તેણીએ જણાવ્યું હતું કે, કિક બોક્સિંગ એ લાત અને પંચિગ આપ આધારિત સ્ટેન્ડઅપ કોમ્બેટ સ્પોર્ટસનું એક જૂથ છે. જે ઐતિહાસિક રીતે બોક્સિંગ સાથે મિશ્રિત કરાટેમાંથી વિકસાવવામાં આવ્યું છે. બાળપણમાં પીટી ટીચર જ્યારે જૂડો શીખવતા ત્યારથી જ માર્શલ આર્ટસમાં મારો રસ કેળવાયો. સાથે જ બધા સ્પોર્ટસનો સંગમ પણ કિક બોક્સિંગ જોવા મળે છે. જેમાં તમે પંચની સાથે કિકનો પણ ઉપયોગ કરી શકો છો. કિક બોક્સિંગમાં ફોકસની સાથે સ્પીડ વધુ મહત્વની છે. જે તમને કિક બોક્સિંગમાં સફળતા અપાવે છે. ઉપરાંત મનીષા ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો અને એથ્લેટિક્સની સારી ખેલાડી છે. તેણે જુદી-જુદી સ્પર્ધામાં ૯ વાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે.