For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરની તબીબી વિદ્યાર્થિની અને ધોરાજીના અગ્રણીનું ડેન્ગ્યુથી મોત

- ભયંકર રોગચાળાને કાબુમાં લેવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ

- જામનગરમાં ડેન્ગ્યુના વધુ 57 કેસ પોઝીટીવ: બગસરાના ડેરી પીપળીયા ગામમાં પણ 12 લોકો ડેન્ગ્યુની ઝપટે ચડતા ફફડાટ

Updated: Oct 19th, 2019

Article Content Image

રાજકોટ, તા. 19 ઓક્ટોબર 2019, શનિવાર

સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબુ બન્યો છે અને કાબુમાં લેવામાં આરોગ્ય તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું છે. ગંભીર રોગચાળા વચ્ચે જામનગરની તબીબી વિદ્યાર્થિની અને ધોરાજીના અગ્રણીનું ડેન્ગ્યુથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ આજે જામનગરમાં ડેન્ગ્યુના વધુ ૫૭ કેસ પોઝીટીવ આવ્યા હતા. જ્યારે બગસરાના ડેરી પીપળીયા ગામમાં ૧૨ લોકો ડેન્ગ્યુની ઝપટે ચડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રીયા પટેલ નામની તબીબી વિદ્યાર્થીનીને તાવની બીમારીના કારણે જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને તેણીને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યાં તેણીની તબીયતમાં થોડો સુધારો થતા તા. ૧૧ના તેની જામનગરથી પોતાના વતન પાટણ ચાલી ગઈ હતી. જ્યાં તેણીને ફરીથી તબીયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ગઈ રાત્રે સારવાર દરમિયાન  મૃત્યુ નિપજ્યું છે.

જામનગરની સરકારી ગુરુગોવિંદસિંહ હોસ્પિટલમાં ગઈકાલે દાખલ થયેલા ૯૦થી વધુ દર્દીઓના લોહીના નમુનાઓ ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૫૭ દર્દીઓના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ ઉપરાંત ૯૫ જેટલા દર્દીઓની સઘન સારવાર પછી તેઓની તબીયતમાં સુધારો થતા આજે જીજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ જીજી હોસ્પિટલમાં ૧૫૦થી વધુ ડેન્ગ્યુની બીમારીના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ધોરાજીમાં ધાર્મિક સંસ્થા સ્થા સાથે જોડાયેલા શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ મંડળના પ્રમુખ ભીખાભાઈ ચાવડા (ઉ.૫૮) ડેન્ગ્યુની ઝપટમાં આવતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના બંને પુત્રોને પણ ઝેરી તાવે ભરડો લઈ લીધો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા પિતા ભીખાભાઇ ચાવડાનું ગઇકાલે અવસાન થતાં સમગ્ર ધોરાજીમાં શોક છવાઈ ગયો હતો.

બગસરામાં બેદિવસ પૂર્વે ડેન્ગ્યુથી એક બાળકના મોત બાદ હવે માત્ર ત્રણ જ કિ.મી. દુર અને ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવતા ડેરી પીપળીયા ગામમાં ૧૨ પોઝીટીવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ બગસરાના સરકારી દવાખાનામાં રોજના ૫૦૦ જેટલા કેસ વાયરલ રોગચાળાના આવી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લીધાનું જાણવા મળ્યું નથી. જેથી લોકરોષ ભભૂકવા લાગ્યો છે.

Gujarat