For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

RTEના ત્રીજા રાઉન્ડમાં 2166 વિદ્યાર્થીમાંથી 33 સીટો ફાળવાશે

Updated: Sep 15th, 2021

Article Content Image

- પ્રથમ અને બીજા રાઉન્ડમાં 967 પ્રવેશ બાદ

- શહેરની 116 શાળામાં 1000 વિદ્યાર્થીનો ટાર્ગેટ ફાળવાયો હતો

ભાવનગર : રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે કુલ ૯૬૭ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફોર્મ થયા બાદ વધેલી ૩૩ સીટો માટે ત્રીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. જેમાં શાળા પસંદગી પ્રક્રિયા તા. ૧૫થી ૧૭ દરમ્યાન કરવાની રહેશે. 

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રવેશ પ્રક્રિયા માટેનો પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ જાહેર કરવામાં આવેલ હતો. જેમાં ભાવનગર શહેરની ખાનગી શાળાઓમાં ૧૦૦૦ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ હતો. જે પૈકી ૯૬૭ વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયેલ છે અને ૩૩ જગ્યાઓ ખાલી જગ્યાઓ સામે ૨૧૬૬ અરજદારો બાકી રહેવા પામેલ. જે વિદ્યાર્થીઓની અરજી જિલ્લા કક્ષાએ મંજુર થયેલ હોય અને આર.ટી.ઈ. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ. હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી છે. આર.ટી.ઈ. હેઠળ ૩૨૮૨ ફોર્મ ભરાયા બાદ પ્રથમ રાઉન્ડમાં ૧૦૦૦માંથી ૮૮૧ પ્રવેશ કન્ફોર્મ થયા હતા જ્યારે બાકી રહેલા ૧૧૯ માટે બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયા બાદ ૮૬ એડમીશન કન્ફર્મ થયા હતા. આમ ૯૬૭ એડમીશન કન્ફર્મ થયા બાદ બાકી રહેલ કુલ ૩૩ સીટો માટે ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ આર.ટી.ઈ. હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ૧૫-૯ બુધવારથી તા. ૧૭-૯ શુક્રવાર સુધીમાં આર.ટી.ઈ.ના વેબ પોર્ટલ પર જઈ શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદગી કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં એડમિશન થઈ ગયેલ હોય તેમજ ફોર્મ રીજેક્ટ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને આ પ્રક્રિયામાં લાભ આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. 


Gujarat