૫૨૪૭ વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણના અવતરણ વખતે પણ હતો મુશળધાર વરસાદ
રાજકોટ,તા. 13 ઑગસ્ટ, 2020, ગુરૂવાર
દક્ષિણ ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન પર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેસર સહિતના પરિબળોના પગલે આજે સૌરાષ્ટ્રમાં ૬૦થી વધુ સ્થળોએ એક ઈંચથી માંડીને આઠ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં મોરબી જિલ્લાના આમરણ ચોવીસી તથા સુરેન્દ્રનગરના લખતર પંથકમાં ૮ ઈંચ, દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ૬ ઈંચ, મોરબી, ગોંડલ, સુરેન્દ્રનગર અને રાજકોટ નજીકના કોટડાસાંગાણી, લોધિકા પંથકમાં પાંચ ઈંચ સહિત અનેક સ્થળે વરસાદ સાથે મેઘાવી માહૌલ પૂરબહારમાં ખિલ્યો હતો. ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું અને જળાશયો છલકાવા સાથે નદીઓમાં ધસમસતા પૂર આવ્યા હતા. આવતીકાલ શુક્રવારે પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાએ ઉચ્ચારી છે.
ભગવાન શ્રી કૃષ્ણના માનવ દેહે અવતર પ્રસંગ જન્માષ્ટમીના પાવન પર્વ અને આજે નોમ નંદ મહોત્સવ દરમિયાન સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે મેઘવર્ષા થઈ હતી. આજથી આશરે ૫૨૪૭ વર્ષ પહેલા એટલે કે ઈસ્વી સન શરુ થયાના ૩૨૨૭ વર્ષ પહેલા જ્યારે કૃષ્ણનો મધ્યરાત્રિએ જન્મ થયો ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો અને આજે આટલા મિલેનિયમ બાદ પણ જન્માષ્ટમીએ સાર્વત્રિક મધ્યમ-ભારે વરસાદે ભાવિકોને રોમાંચિત કર્યા હતા.
આમરણ ચોવીસી વિસ્તારમાં આજે સાંજ સુધીના ચોવીસ કલાકમાં આઠ ઈંચ વરસાદથીખેતરોમાં પાણી ભરાયા હતા, જામનગર કંડલા કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયા હતા. નીચાણવાળા ટાટાનગરમાં ત્રીસ જેટલા મકાનોમાં એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને રહેવાસીઓનું સ્થળાંતર કરાયું હતું. તો બસ સ્ટેશન વિસ્તારમાં હોટલોમાં પાણી ઘુસી ગયું હતું, ડેમી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને ધુળકોટ, અંબાલા,, માવનુગામ, બેલા, ઉંટબેટ, ફડસર, ઝીંઝુડા, કોઠારિયા સહિતના ગામોના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, આમરણ-જીવાપર-મોરબી રોડ બંધ થઈ ગયો હતો.ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં પણ ધોધમાર ૮ ઈંચ વરસાદે પાણી ભરાયા હતા.
શ્રી કૃષ્ણનું દ્વારિકાધામ આવેલ છે તે દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામકલ્યાણ પુર તાલુકાના રાવલ ગામે તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે દિવસમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે પરંતુ, અમુક ગ્રામ્ય વિસ્તારમાં સાત-આઠ ઈંચ વરસાદના અહેવાલો છે. વર્તુ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાતા રાવલ સહિતના ગ્રામ્ય પંથકમાં પાણી ફરી વળતા હોડીઓ ચાલુ થઈ હતી.
મેઘરાજાની કૃપા આ વખતે સાર્વત્રિક રહી હતી અને લગભગ કોઈ જિલ્લો કે તાલુકો બાકી રહ્યો ન્હોતો. મોરબી, સુરેન્દ્રનગર, કોટડાસાંગાણી, ગોંડલ, લોધિકા વગેરે સ્થળે ૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લાના જસદણમાં ૪ જ્યારે ઈંચ ધ્રાંગધ્રા, દસાડા, જોડિયા, જામકંડોરણા બોટાદ, કલ્યાણપુરમાં સાડાત્રણ ઈંચ, ટંકારા, લિંબડી, ધોરાજી, વલ્લભીપૂર, બરવાળા, હળવદ, ભેંસાણ વગેરે વિસ્તારમાં ૩ ઈંચ, રાજકોટ ગ્રામ્ય, ચૂડાસ ઉપલેટા, લાલપુર, ભાવનગર પંથકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે રાજકોટ, જામજોધપુર, જેતપુર, રાણાવાવ, ગઢડા, મુળી, કાલાવડ, બાબરા, ઘોઘા પંથકમાં ૨ ઈંચ, જ્યારે ચોટીલા, વડીયા, તળાજા, જેસર, સિહોર, સાયલા, થાનગઢ, ધ્રોલ, વાંકાનેર, ઉમરાળા, રાજુલા, લાઠી, અમરેલી, વિસાવદર, પોરબંદર સહિત અનેક સ્થળે ૧થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાયના અન્ય ગામો, શહેરોમાં અર્ધા ઈંચથી માંડીને હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા.
હવામાન ખાતા અનુસાર આવતીકાલે પણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી થઈ છે. તા.૧૫ ઓગષ્ટ પછી વરસાદનું જોર ઘટી જાય તેવા એંધાણ મળે છે. પરંતુ, છૂટાછવાયા સ્થળે હળવા ભારે વરસાદ વરસતો રહેશે.


