For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજુલાના મોડલ એસટી ડેપોમાં રાતે નવ વાગ્યા પછી ટોઈલેટને પણ તાળા

Updated: Apr 30th, 2024

રાજુલાના મોડલ એસટી ડેપોમાં રાતે નવ વાગ્યા પછી ટોઈલેટને પણ તાળા

- અનેક મુશ્કેલીઓ તથા અસુવિધા છતાં એસટી ડેપો મોડલ ડેપો કેવી રીતે? 

- વાવાઝોડામાં પડી ગયેલી દિવાલ ત્રણ વર્ષ પછી પણ ચણાઈ નથી, પુછપરછ માટેનો ફોન બંધ, ભારે ગરમીમાં પંખા બંધ

રાજુલા : રાજુલાના એસટી ડેપોને થોડાં દિવસો પૂર્વે મોડલ ડેપો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ આ મોડલ એસ ટી ડેપો ફક્ત ને ફક્ત કાગળ પર હોય તેવી સ્થિતિ છે. રાજુલાના મોડલ એસટી ડેપોના ટોઈલેટ રાતે ૯ વાગ્યે તાળા લાગી જાય છે. ઉપરાંત વાવાઝોડામાં પડી ગયેલી દિવાલ ત્રણ વર્ષ પછી પણ ચણાઈ નથી, પુછપરછ માટેનો ફોન બંધ, ભારે ગરમીમાં પંખા બંધ રહે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે.

રાજુલાના એસટી ડેપોને થોડા સમય પહેલા મોડલ ડેપો તરીકે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ  આ મોડલ એસ ટી ડેપો ફક્તને ફક્ત કાગળ પર હોય તેવું લાગે છે. ઉનાળાની આકરી ગરમીમાં રાજુલા ડેપો માં નવ પંખા ફીટ કરવામાં આવેલ છે, જેમાંથી ચાર પંખા બંધ અને બાકીના પંખા ખુબ જ ધીમાં ચાલતા હોવાથી મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યાં છે. નિગમ મોટી મોટી વાતો કરે છે ત્યારે આ મુશ્કેલી કેવી કોને ? અદ્યતન સુવિધા આપવાની વાત ફક્ત કાગળ પર જ થાય છે. રાજુલા એસટી ડેપોમાં રાત્રે ટોયલેટ બાથરૂમ ૯.૦૦ વાગે બંધ થઈ જાય છે અને સવારે ટોયલેટ બાથરૂમ ક્યારે ખૂલે તે નક્કી હોતું નથી. તેમજ ટોઈલેટમાં પણ ભારે ગંદકી રહેતી હોવાથી મુસાફરો ઉપયોગ કરતા પણ અચકાય છે. રાજુલા ડેપોની દીવાલ વાવાઝોડા સમયથી પડી ગયેલ છે. જેને આજે અંદાજિત ત્રણ વર્ષ જેવો સમય થયો પણ આ દીવાલ હજુ રિપેર કરવામાં આવી નથી. તે સિવાય પુછપરછ માટે રાજુલા એસટી ડેપોનો ટેલિફોન ચાલુ છે છતાં બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ છે. ક્યારેક ફોન લાગે, ક્યારેક ફોન ના લાગે. ડેપોની ૮થી ૧૦ લાઈટ રાતના સમયે બંધ હાલતમાં હોય છે. ગુરુવારે વીજકાપ હોય ત્યારે રિઝર્વેશન બંધ રહે છે. આવી સ્થિતિમાં રાજુલા એસટી ડેપો કંઈ રીતે મોડલ ડેપો કહેવાય તે પ્રશ્ન છે ત્યારે બસ ડેપોની આ અસુવિધાની બાબતે રાજુલાના જનપ્રતિનિધિ રસ લઈ નિરાકરણ લાવે તેવું રાજુલાના નાગરિકો ઈચ્છી રહ્યાં છે.

Gujarat