For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશિષ્ઠ મતદારો : ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત દિવ્યાંગ મતદારો લોકશાહીનું પર્વ ઉજવશે

Updated: Apr 28th, 2024

વિશિષ્ઠ મતદારો : ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત દિવ્યાંગ મતદારો લોકશાહીનું પર્વ ઉજવશે

- દિવ્યાંગ મતદારો કેવી રીતે મતદાન કરશે? અંકુર શાળામાં તાલીમ અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- શહેરના 50 થી વધારે દિવ્યાંગ મતદાતાઓએ ઈવીએમમાં કેવી રીતે મત આપવો તે જાણ્યું, મતદાન કરવા પણ જશે

ભાવનગર : લોકશાહીનું પર્વ નજીક આવી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટીઓના વચનો વાયદાઓ કરી મતદારોને આકર્ષિ રહી છે તો બીજી બાજુ ચૂંટણીપંચ પણ મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે શહેરના સરદારનગર સ્થિત અંકુર દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળામાં ભાવનગરના વિશિષ્ઠ મતદારો એટલે કે દિવ્યાંગ મતદારોએ કેવી રીતે મતદાન કરવું તે અંગેનું માર્ગદર્શન આપવા અને ઈવીએમ નિદર્શન માટેનો દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજીત થયો હતો. જેમાં શાળાના ૫૦થી વધારે બાળકો તથા ૨૨ જેટલા દિવ્યાંગ મતદારો જોડાયા હતા. રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત રહેલા આ મતદારો લોકશાહીએ તેમને આપેલા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ઉજવશે.

શહેરના સરદારનગરમાં આવેલી અંકુર મંદબુદ્ધિના બાળકો માટેની વિશિષ્ટ શાળામાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા ખાતાની કચેરી તેમજ અંકુર શાળાના સંયુક્ત ઉ૫ક્રમે દિવ્યાંગ મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. દિવ્યાંગ મતદારોને અવરોધ મુક્ત વ્યવસ્થા મળે તે માટે આયોજીત આ કાર્યક્રમમાં ૫૦થી વધારે બૌધ્ધિક અક્ષમતા, બધિર, મગજના લકવાગ્રસ્ત, પ્રજ્ઞાાચક્ષુ તથા શારીરિક દિવ્યાંગ બાળકો તથા આશરે ૨૨ જેટલા દિવ્યાંગ મતદાતાઓ જોડાયા હતા. આ મતદાતાઓને માસ્ટર ટ્રેનર ધ્વારા ઈવીએમ મશીનનું નિર્દશન કરાવવામાં આવ્યું હતું. ચૂંટણી ચિહ્ન, ઉમેદાવારો, નોટા મતદાન વગેરે સહિતની વિગત સાથે આ મતદારોને કેવી રીતે મતદાન કરવું તેની તાલીમ આપવામાં આવી હતી અને સક્ષમ એપ્લીકેશન અંગેની માહિતી અપાઇ હતી. જેમાં એપમાંથી કેવી રીતે મતદાન માટે નોંધણી કરાવવી, મતદાન મથક શોધવા તથા મતદાન મથક પર વ્હિલચેર, દિવ્યાંગ મતદાતા માકગ, વાહન, રેમ્પ, મથક-ઉમેદવાર ઓળખ, ઘર બેઠા પોસ્ટલ બેલેટ જેવી અનેકવિધ સુવિધાઓતથા અન્ય સુગમતા માટેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૮ વર્ષથી ઉપરના મતદારોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞાા લેવડાવવામાં આવી હતી તેમજ ૧૮  વર્ષથી નીચેના દિવ્યાંગ બાળકોને પણ ભવિષ્યમાં મતાધિકાર મળ્યા બાદ મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

કોઈ પણ વચનો કે વાયદા વિના નિઃસ્વાર્થભાવે મતદાન કરશે

સામાન્ય મતદાર રાજકીય પાર્ટીઓના વચનો અને વાયદાના આધારે મતદાન કરે છે. રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં કેટલું મળ્યું છે કેટલું મળશે તેના આધારે સામાન્ય મતદાર મતદાન કરતો હોય છે. પરંતુ રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત રહેલા આ વિશિષ્ઠ મતદારો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના લોકશાહીને મજબૂત કરવા લોકશાહીનું પર્વ ઉજવશે કારણે કે રાજનીતિના વાયદા વચનોની દુનિયાથી દુર તેમની એક અલગ દુનિયા છે.

Gujarat