For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધોરાજીમાં સરકારી હોસ્પિટલનાં જૂના બિલ્ડીંગને તોડવામાં પણ ભ્રષ્ટાચાર

Updated: Jan 25th, 2023

Article Content Image

- વિધાનસભામાં પણ પડઘો છતાં અસરકારક પગલાં નથી લેવાયા

- રાજાશાહી સમયનાં બિલ્ડીંગમાં વપરોલું રૂા. 50 લાખની કિંમતનું બર્માટીક લાકડું સગેવગે કરી દેનારા સામે કડક પગલા ભરો : વસોયા

ધોરાજી:  ધોરાજી સરકારી હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર મામલે સરકારી બાબુઓ ઢાંક પીછોડો કરે છે. તેમજ સરકાર દ્વારા કોઈ જાતની કાર્યવાહી થતી ન હોવાનો ધોરાજીના પૂર્વ કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. 

ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોક્ટરી વિભાગોને લઈ સંકળાશ પડી રહી છે. જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડીંગ પાડી ત્યાં નવું બેટીંગ બનાવી વધારાની સુવિધા ઉભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જુનુ બિલ્ડીંગ તોડવા કોન્ટ્રાક્ટ અપાયેલો હતો, જે બિલ્ડીંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ઘાલમેલ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના જુના બિલ્ડિંગ તોડવામાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. જેમાં ખાસ કરીને રાજાશાહી સમયમાં બનેલા બિલ્ડીંગમાં ખૂબ જ કીંમતી બર્માટીક લાકડું વપરાયું હતું એ અંદાજે ૫૦ લાખ રૂપિયાની કિંમતનું લાકડું ક્યાંક સગે વગે વગેરે કરી દેવામાં આવ્યું છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે. જેમાં સરકારી અધિકારીઓની સાથે ધારાસભ્ય તરીકે હું પણ સમિતિનો સદસ્ય હતો. હોસ્પિટલ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું મારી જાણ સમક્ષ આવતા જે તે સમયે મેં પોતે રોગી કલ્યાણ સમિતિ તરફથી સંબંધિત અને જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ઉચ્ચકક્ષાએ પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વિધાનસભા ગૃહમાં પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નક્કર પગલા ભરાયા નથી.

 આ ઉપરાંત મળતી વિગતો પ્રમાણે સરકારી વિભાગો દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ પાઠવવામાં આવી છે. બે વર્ષ પૂર્વે ઈમારતનો ઇમલો તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ભ્રષ્ટાચાર સામેની અનેક રજૂઆતો હોવા છતાં સરકાર દ્વારા કે સરકારી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી કે ત્યાંથી ગુમ થયેલ ૫૦ લાખનું બર્માટીક લાકડું હાલ ક્યાં છે તેનો પણ કોઈ પતો લગાવવામાં આવતો નથી.

ધોરાજી સરકારી હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં તોડી પડાયેલ ઈમલો અને ખૂબ જ કીંમતી ગણાતું લાકડું ક્યાં અને કેવી રીતે બારોબાર સગે વગે કરવામાં આવ્યું અને કોના દ્વારા કરવામાં આવ્યું તે મામલો ખૂબ જ ગંભીર છે. આ બાબતે સંબંધિત વિભાગ અને સરકારે કડક પગલાં ભરવા જોઈએ, તેમ અંતમાંતેણે જણાવ્યું છે.

Gujarat