For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અન્ય રાજ્યો સાથેની હરિફાઈ તથા વીજદરના તફાવત સામે ઝઝુમતી ભાવનગરની રોલિંગ મીલો

Updated: Apr 28th, 2024

અન્ય રાજ્યો સાથેની હરિફાઈ તથા વીજદરના તફાવત સામે ઝઝુમતી ભાવનગરની રોલિંગ મીલો

- 5 હજાર લોકોને પ્રત્યક તથા પરોક્ષ રીતે રોજગારી આપતો 4 દાયકા જુના ભાવનગરના રી-રોલિંગ મીલ ઉદ્યોગ

- 1984 માં શરૂ થયેલો રી-રોલિંગ મીલ ઉદ્યોગ, શરૂઆતમાં 28 રોલિંગ મીલો હતી, વર્ષ 1995 માં 125 મીલો બાદ વર્ષ 1995 માં સર્વાધિત 128 મીલો થઈ હતી

ભાવનગર : ભાવનગરના ૫ હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપતા ભાવનગરનો રોલિંગ મીલ ઉદ્યોગ અલંગ પર નિર્ભર છે. અલંગમાં આવતી શીપોના પ્લેટમાંથી રોલિંગ મીલો દ્વારા કન્સ્ટ્રક્શન કામમાં ઉપયોગમાં લેવાતા સળિયા બનાવવામાં આવે છે. ચાર દાયકા જુના ભાવનગરનો આ ઉદ્યોગ હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૧૯૮૪માં પ્રારંભ થયેલો આ ઉદ્યોગ વર્ષ ૧૯૯૫માં સારી સ્થિતિમાં હતો પરંતુ તે પછી અલંગની મંદી અને વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ આ ઉદ્યોગ સામે અનેક પડકારો આવ્યા છે. સરકારની નીતિ, અલંગમાં શીપોની ઘટતી સંખ્યા અન્ય રાજ્યો અને આંતરિક હરિફાઈ જેવી સ્થિતિ વચ્ચે  ભાવનગરની રોલિંગ મીલો ઝઝુમી રહી છે. આવી સ્થિતિ વચ્ચે પણ ઈન્ડક્શન ફરનેસ ટેક્નોલોજી અપનાવીને ભાવનગરની રોલિંગ મીલો સ્પર્ધામાં ટકી રહેલી છે.

રિ-રોલિંગ મીલ ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણ વ્યાપેલો છે. અલંગમાં આવતી શીપોના પ્લેટમાંથી રોલિંગ મીલો દ્વારા કન્સ્ટ્રક્શન કામમાં ઉપયોગમાં લેવાતા સળિયા બનાવવામાં આવે છે. અલંગ પર નિર્ભર ચાર દાયકા જુના ભાવનગરનો આ ઉદ્યોગ હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૧૯૮૪માં શરૂ થયેલા આ ઉદ્યોગમાં પ્રારંભિક તબક્કે ૨૮ રોલિંગ મીલો હતો. અલંગમાં તેજી અને બજારમાં ડિમાન્ડના કારણે વર્ષ ૧૯૯૫ સુધીમાં ભાવનગરમાં સર્વાધિક ૧૨૮ રોલિંગ મીલો કાર્યરત થઈ અને આ સમયગાળામાં રોલિંગ મીલ ઉદ્યોગ સૌથી સારી સ્થિતિમાં હતો. પરંતુ તે બાદ વર્ષ ૧૯૯૭ની મંદીએ આ ઉદ્યોગને મોટો ફટકો આપ્યો, ભાવનગરમાં બનતા મોટા ભાગના સળિયા અલંગની પ્લેટમાંથી બનતા હતા. વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ શીપની પ્લેટમાંથી બનતા સળિય પર પ્રતિબંધ લાગતા આ ઉદ્યોગને વધુ એક ફટકો પડયો અને તેના કારણે રોલિંગ મીલ ઉદ્યોગ મોટી અસર પડી. રાજ્યની મોટાભાગની રોલિંગ મીલો ઈન્ડક્શન ફરનેસ ટેક્નોલોજીનો અપનાવવા લાગી પરંતુ આ ટેક્નોલોજી અપનાવવામાં આશરે દોઢથી બે કરોડ સુધીનો ખર્ચો થતો હોવાથી ભાવનગરની ઘણી નાની રોલિંગ મીલો તે અપનાવી શકે એવી સ્થિતિ નહી હોવાથી આવી મીલોએ પ્લેટોમાંથી સળિયા બનાવવાનું બંધ કર્યું અને પટ્ટી-પાટા, રાઉન્ડ બાર, ખેતીના સાધનો બનાવવાનું શરૂ રાખ્યું અને જે રોલિંગ મીલોને ઈન્ડક્શન ફરનેસ ટેક્નોલોજી અપનાવવી પોસાય તેમ હતી તેમણે તે અપનાવી લીધી. ઉપરાંત અલંગમાં દિવસેને દિવસે શીપોની સંખ્યા પણ ઘટી જેના કારણે રિ-રોલિંગ મીલોને સીધી અસર પડી. ભાવનગરની મોટાભાગની રોલિંગ મીલો સિહોરમાં આવેલી છે. સમગ્ર ગુજરાતમાં દરરોજનું ૨૦ હજાર ટન ટીએમટી અને સ્ટીલ પ્રોડક્શન થાય છે. જેમાં ભાવનગરમાં ઈન્ગોટ, બીલેટ અને ટીએમટી સહિત ૭ હજાર ટનનું પ્રોડક્શન થાય છે. રોલિંગ મીલો પોતાની ક્ષમતા કરતા ઓછું પ્રોડક્શન કરે છે કારણ કે અન્ય રાજ્યો સાથેની હરિફાઈ તથા અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વીજ દરોમાં તફાવતના લીધે પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે અને તેના કારણે અન્ય રાજ્યોમાંથી મળતો ઓછા દરનો માલ લોકો ખરીદવાનો આગ્રહ રાખે છે.

ભાવનગરમાં રિ-રોલિંગ મીલો

ઈન્ડક્શન ફરનેસ

૬૫

પટ્ટી-પાટા બનાવતી

૪૦

ઈન્ગોટ-બીલેટ મીલો

૨૦

બંધ મીલો

૨૦

કુલ રોલિંગ મીલો

૧૪૫

સરકાર અમારા પ્રત્યે પોઝિટિવ છે : રોલિંગ મીલ એસો. પ્રમુખ

ભાવનગર રિ-રોલિંગ મીલ એસોસિએશન પ્રમુખ હરેશભાઈ પટેલે જણાવ્યું કે, ઉદ્યોગ માટે સરકાર પોઝિટિવ છે અને અમારી રજૂઆતો પ્રત્યે ધ્યાન આપે છે. બહારના રાજ્યો સાથેની હરિફાઈ સામે ગુજરાતનો રિ-રોલિંગ મીલ ઉદ્યોગ ટકી શકે તેવા અમારા પ્રયાસો છે.

ઓછા પ્રોડક્શન પાછળના કારણો

છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ગુજરાતની સરખામણીએ સસ્તા ભાવે વીજળી મળે છે. ગુજરાતમાં જ્યાં રોલિંગ મીલોને પ્રતિ યુનિટ રૂ.૧૦ થી ૧૧ના ભાવે વીજળી મળે છે તેની સામે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પ્રતિ યુનિટ રૂ.૭ થી ૮ના ભાવે વીજળી મળવાથી ત્યાં ઉત્પાદિત સળિયાની પ્રોડક્શન કોસ્ટ નીચી  હોય છે અને તેથી તે સળિયા ઓછા ભાવે મળતા હોવાથી સુરત સુધી તેમનો માલ વેચાણઅર્થે આવે છે. જેથી સ્થાનિક મીલોના વેચાણને અસર પડે છે. સરકાર જો હજુ રૂ. ૧ થી ૧.૫૦ સુધી વીજદરો ઘટાડે તો આ રાજ્યો સાથે સ્પર્ધામાં ભાવનગર અને ગુજરાતની રોલિંગ મીલો ટકી શકે.

Gujarat