For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારી મુદ્રણાલયમાં નહીં પણ ખાનગી એજન્સીમાં છપાતા ગ્રામ પંચાયતના મતપત્રકો

- મહાપાલિકા, વિધાનસભા, લોકસભા કરતાં આ ચૂંટણી અનેક રીતે જુદી

Updated: Nov 23rd, 2021

સરકારી મુદ્રણાલયમાં નહીં પણ ખાનગી એજન્સીમાં છપાતા  ગ્રામ પંચાયતના મતપત્રકો

- જો કે, સો ટકા ગાઈડલાઈન મુજબ ચૂંટણી કરવી અશક્ય જણાતાં સ્થાનિક તંત્ર પોતાની રીતે લેશે થોડીઘણી છૂટછાટ

- મે-૨૦૦૬ પછી ત્રીજું સંતાન આવ્યું હોય એને ઉમેદવારીની છૂટ નહીં,બૂથમાં અપાનારા એરોક્રોસથી બે મત નાખવાના,કૂટિરમાં સ્ટેમ્પ પેડ રાખવાની મનાઈ

રાજકોટ

આગામી મહિને રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે પાલિકા- મહાપાલિકા, વિધાનસભા અને લોકસભા ચૂંટણી કરતાં અનેક રીતે જુદી પડતી હશે. જેમ કે, મતદાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી નહીં બલ્કે બેલેટ પેપર્સથી જ થશે અને આ માટે લાખોની સંખ્યામાં મતપત્રકો છપાવવા પડે તેમ હોવાથી સરકારી પ્રેસ તેમાં ટૂંકું પડે તેમ હોવાથી લાખો મતપત્રકો ખાનગી એજન્સી મારફત છપાવાતા હોય છે.

રાજકોટ જિલ્લાની ૫૪૮ ગ્રામ પંચાયતોના મતપત્રકો જિલ્લામથકે છપાવાશે અને આ માટેનો કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં આપી દેવાશે. હરીફ ઉમેદવારોની અંતિમ યાદી બની જાય અને પ્રતીક ફાળળણી થઈ જાય પછી મતપત્રકો અહીં છાપીને જે-તે રિટર્નિંગ ઓફિસરને પહોંચતા કરાશે. સરપંચપદની ચૂંટણી માટેનું બેલેટ પેપર ગુલાબી રંગનું અને સભ્યપદ માટેનું સફેદ હશે. મતપત્રકોની સંખ્યા પણ ક્યાં કેટલાં ઉમેદવારો રહે છે તેના પર નિર્ભર રહેશે, કેમ કે ક્યાંક ઉમેદવાર સંખ્યા વધુ રહે તો મતપત્રકો પણ બમણી સંખ્યામાં છાપવા પડે. જ્યાં જ્યાં આખી ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે ત્યાં તમામ મતદારો બે-બે મત આપી શકશે.એક મત સરપંચપદ માટે અને બીજો મત મતદારે પોતાનાં વોર્ડનાં ઉમેદવારને આપવાનો રહેશે. 

માર્ગદર્શિકા તો એવી છે કે મતદાર મતદાન મથકમાં પ્રવેશીને બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ કરે તે પછી  પ્રિસાઈડિંગ ઓફિસર મતદારને એરોક્રોસ (રબ્બર સ્ટેમ્પ) આપશે, જે લઈને મતદારે મતકૂટિરમાં જઈ બંને મતપત્રક ઉપર સિક્કો મારીને ઘડ કરેલું મતપત્રક મતપેટીમાં નાખી દેવાનું રહેશે. ભૂતકાળમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન કેટલાંક બૂથ પર મતકૂટિરમાં સ્ટેમ્પ પેડ રખાયું હોવાથી અનેક મતદારો તેમાં આંગળી કે અંગુઠો શાહીવાળો કરીને મતપત્રકમાં આંગળી કે અંગુઠો મારી દેતા હતા, અને એવા મત રદ્દ ગણાતા હોવાથી સંખ્યાબંધ મતો બાતલ જતા હતા. આ ભયસ્થાન ધ્યાને લઈને આ વખતે મતકૂટિરમાં સ્ટેમ્પ પેડ રાખવાની મનાઈ ફરમાવીને દરેક મતદાન મથકે બે-બે એરોક્રોસ રાખવાની પુનઃ સુચના અપાઈ છે. જો કે, કેટલાંક સ્થાનિક અધિકારીઓ કહે છે કે સો ટકા ગાઈડલાઈન મુજબ ચૂંટણી કરવી શક્ય નહીં હોવાથી એરોક્રોસ તો મતકૂટિરમાં જ રખાશે અને સ્ટેમ્પપેડ પણ ત્યાં જ પ્રિસાઈડિંગ ઓફિસર જોઈ શકે તેમ રાખીને મતદારને કઈ રીતે મતદાન કરવું તે સમજાવીને જ અંદર મોકલશે.

બેથી વધુ સંતાન ધરાવતા લોકો આ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતા નથી અને આ માટેનો કટ ઓફ પિરિયડ મે- ૨૦૦૬ રાખવામાં આવ્યો હોવાથી જેમને ત્યાં એ પછી ત્રીજું સંતાન આવ્યું હશે તેમને ઉમેદવારી કરવા નહીં મળે.

રાજકોટ તાલુકાની ૧૨ ગ્રામ પંચાયતો માટે તાલુકા મામલતદાર કચેરી ખાતે રિટર્નિંગ ઓફિસરો માટે ૧૨ ચેમ્બર ઉભી કરવામાં આવી રહી છે, જયાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો રહેશે. અન્ય ૧૨ રિટર્નિંગ ઓફિસરો તાલુકા વિકાલ અધિકારીને ત્યાં બેસશે. આવી જ વ્યવસ્થા અન્ય તાલુકાઓમાં પણ કરવી પડશે.

તૂટેલી- ખરાબ મતપેટીઓ રીપેર કરાવવા કારીગરો શોધવા પડયા

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હજારો મતપેટીઓની જરુર પડતી હોય છે, જે રાજકોટ જિલ્લામાં તમામ મામલતદારો હસ્તક પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ તો છે પરંતુ કોટડાસાંગાણી, પડધરી જેવા અમુક તાલુકાઓમાં કેટલીક મતપેટીઓ તૂટી ગયેલી હાલતમાં હોવાથી તેની મરમ્મત જરુરી હતી. આ માટેના કારીગરોની શોધખોળ માટે અમુકે તો સોશ્યલ મીડિયાની મદદ પણ લેવી પડયા બાદ હવે મતપેટીઓ તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

Gujarat