For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નારણપર ગામનાં પાટિયાં પાસે કારે બાઇકને હડફેટે લેતા પતિ-પત્નીનાં મોત

Updated: Apr 29th, 2024

નારણપર ગામનાં પાટિયાં પાસે કારે બાઇકને હડફેટે લેતા પતિ-પત્નીનાં મોત

જામનગરમાં કાકાને ત્યાં આંટો દઇ નારણપર પરત આવતા હતા ત્યારે કાળનો ભેટો

પૂરપાટ વેગે રોંગ સાઇડમાં આવી રહેલી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા દંપતી બાઇક સાથે ૫૦ ફૂટ સુધી ઘસડાયું

જામનગર :  જામનગરની ભાગોળે નારણપર ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવવામાં  નારણપર ગામના  દંપત્તિએ જીવ ખોયો છે. પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહેતી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ભાનુશાળી દંપતી ૫૦ ફૂટ દૂર સુધી બાઈક સાથે ધસડાયું હતું, અને બંનેના કરુણ મૃત્યુ નીપજતાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે. પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

 આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા જયેશભાઈ જયંતીભાઈ ફલિયા (ઉં.વ.૪૦) અને તેમના પત્ની કાજલબેન જયેશભાઈ ફલિયા ( ઉ.વ.૩૮) કે જેઓ બંને પોતાના કાકા જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા હોવાથી તેમના ઘેર આંટો દેવા તેમજ ખરીદી કરવાની હોવાથી રવિવારની સાંજે પોતાના બાઈક પર બેસીને જામનગર આવ્યા હતા, અને ત્યારબાદ મોડી રાતે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ બાઈક પર પોતાના ઘેર નારણપર જવા માટે પરત ફર્યા હતા.

દરમિયાન નારણપર ગામની ગોલાઈ પાસે હાઈવે રોડ પર સ્વીફ્ટ કારના ચાલકે રોંગ સાઈડમાં આવી બાઈકને ઠોકરે ચડાવી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારચાલકની સ્પીડ એટલી હતી, કે બાઈકની ટક્કર સાથે  દંપત્તિ બાઈક સહિત ૫૦ ફૂટ દૂર સુધી ઢસડાયા હતા. જેમાં કાજલબેન નું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજયું હતું, જ્યારે તેની નજર સમક્ષ તેણીના પતિ જયેશભાઈ જીવન મરણના ઝોલાં ખાઈ રહ્યા હતા, તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં થોડી ક્ષણોમાંજ તેનું પણ મૃત્યુ નિપજતાં આ ગોઝારા અકસ્માતમાં પતિ-પત્ની બંનેના મૃત્યુ થયા હતા, અને પરિવારમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું હતું.

 ઉપરોક્ત અકસ્માતના બનાવની જાણ થતા મૃતક જયેશભાઈ ના ભાઈ મનોજભાઈ ફલિયા કે જેઓ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં એએસઆઈ એમ.એલ. જાડેજાએ જયેશભાઈ અને તેમના પત્નીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે જી.જે. ૩ એમ.કે. ૨૬૪૧ નંબરની કાર ના ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Gujarat