For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગરમાં 3 દિવસ હિટવેવ : આકાશમાંથી અગનવર્ષા સાથે સિઝનની સર્વાધિક ગરમી નોંધાઈ

Updated: Apr 30th, 2024

ભાવનગરમાં 3 દિવસ હિટવેવ : આકાશમાંથી અગનવર્ષા સાથે સિઝનની સર્વાધિક ગરમી નોંધાઈ

- એપ્રીલ મહિનામાં ત્રીજી વખત મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર થયું, રાત્રે પણ આકરી ગરમી

- 29, 30 અને 1લી મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, સોમવારે ગરમીનો પારો 40.5 ડિગ્રીએ સ્થિર

ભાવનગર : ભાવનગરમાં ૧૦ દિવસ ગરમીમાં રાહત પછી ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. એપ્રીલ મહિનામાં આજે સતત ત્રીજીવાર મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થયું છે અને સાથે લઘુતમ તાપમાન પણ ઉંચકાતા રાત્રે પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ભાવનગરમાં શરૂ સિઝનની સૌથી વધારે ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સ્થિતિ સર્જાશે. આજે આકાશમાંથી અગનવર્ષા થઈ હોય તેમ ભાવનગરવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. આજે ગરમીનો પારો ૪૦.૫ ડિગ્રીએ રહ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે આકાશમાંથી અગનવર્ષા થઈ હોય તેવી સ્થિતિ સાથે સિઝનની સૌથી વધારે ગરમી નોંધાઈ છે. ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી વધીને ૪૦.૫ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૧ ડિગ્રી વધીને ૨૯ ડિગ્રી નોંધાયું છે. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા હતું જે બપોર સુધીમાં ઘટીને ૧૮ ટકા રહ્યું હતું તથા સવારે પવનની ગતિ ૧૨ કિમી હતી જે દિવસ દરમિયાન વધીને  ૧૪ કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી. ગરમ અને ભેજવાળી હવાના કારણે દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે આકરી ગરમીનો અહેસાસ ભાવનગરવાસીઓને થયો હતો. ગઈકાલે મહત્ત તાપમાન ૩૯.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં એપ્રીલ મહિનામાં ત્રીજી વખત મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પાર થયો છે. ગત તા. ૧૭ અને ૧૮મી એપ્રીલ દરમિયાન ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર થયો હતો જે બાદ ૧૦ દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત રહી હતી અને ત્રણ દિવસ પૂર્વે વહેલી સવારે ઝરમર વરસાદ પડયો હતો. પરંતુ તે બાદ ત્રણ દિવસમાં ગરમીનો પારો ૨.૮ ડિગ્રી સુધી ઉંચકાયો છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સ્થિતિ સર્જાશે. ભાવનગરના કેટલાક ભાગોમાં આગામી ૨૯, ૩૦ અને ૧લી મે એમ ત્રણ દિવસ હીટવેવની સ્થિતિને પગલે આકરી ગરમી પડવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Gujarat