For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રિન્સિપાલે તોફાની ઝમ્પેરિનિને કડક શિક્ષા ફરમાવી

Updated: Jul 21st, 2021

Article Content Image

- સ્કૂલમાં ઝમ્પેરિનિ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને બેફામ તોફાન-મસ્તી કરતો હતો..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-2

- રસ્તામાં પોલીસ પર સડેલું ટામેટું ફેંકી લુઈ ઝમ્પેરિનિ ભાગી જતો હતો

- સ્કૂલે જતી વખતે કોઈ છોકરો એની આગળ ચાલે તો ઝમ્પેરિનિ એને ધોઈ નાંખતો હતો

ના નાકડા લુઈના તોફાનોથી કંટાળેલી મા લુઈસ ક્યારેક આંખમાં આંસુ સાથે કહેતી કે મારો આ નાનકડો લુઈ, મારા મોટા પીટે જેવો હોત તો કેવું સારૂં...!

જો કે એવું નહોતું કે પીટે ક્યારેય તોફાન કરતો જ નહોતો. નાની બહેન સિલ્વીઆના કહેવા મુજબ હકીકત તો એ હતી કે તોફાન કરતા કે પડોશીના ઘરમાંથી બ્રેડ-બટર ચોરતા લુઈ લગભગ દર વખતે પકડાઈ જતો'તો પણ પીટે એટલો નશીબદાર કે તે ક્યારેય પકડાયો જ નથી.

લુઈ જેમ મોટો થતો ગયો તેમ તે વધારેને વધારે તોફાની અને અળવીતરો થતો ગયો. ક્યારેક એ કોઈ છોકરાની ટીખળ કરતો કે શાળામાં કોઈ શિક્ષકને પાછળથી ધક્કો મારીને છૂપાઈ જતો હતો. રસ્તામાં ઊભેલા પોલીસ પર ક્યારેક તે સડેલું ટામેટું ફેંકતો. પોલીસ પર ટામેટું ફેંકતા તેને સ્હેજેય બીક પણ લાગતી નહોતી.

લુઈ શાળાએ જવા નીકળે ત્યારે તેનો એક વણલખ્યો આદેશ હતો કે કોઈ છોકરાએ તેની આગળ નીકળી જવું નહીં, ભૂલેચૂકે કોઈ છોકરો એને ક્રોસ કરીને આગળ જવાની કોશિશ કરે એટલે લુઈનો પિત્તો સાતમા આસમાને પહોંચી જાય. એને ક્રોસ કરી આગળ જવાની ગુસ્તાખી કરનાર છોકરાને લુઈ ધીબી નાંખતો.

લુઈના આ બધા તોફાન-મસ્તીમાં સહન કરવાનું મોટાભાગે તેના પિતાના ભાગે આવતું'તું. પિતા એન્થનીએ પડોશીની, પોલીસની કે લુઈના શિક્ષકની માફી માંગવાની નોબત અવારનવાર આવી પડતી હતી. 

એક મધરાતે લુઈ રખડવા માટે ઘરની બહાર નીકળવા ચુપકીદીથી ખુલ્લી બારી પર ચઢીને કુદવા જતો હતો, બરાબર એ જ વખતે એના પિતાની નજર પડતા, તેમણે લુઈને એટલા જોરથી પાછળ લાત મારી કે લુઈ ગડથોલિયું ખાઈને બહારની તરફ નીચે પટકાઈ પડયો. પણ લુઈ જેનું નામ. એ ન તો રડયો કે ન બાપાના પગે પડી માફી માંગી. બિન્ધાસ્ત રીતે ધૂળ ખંખેરીને એ ઊભો થઈ ગયો અને ચૂપચાપ ત્યાં જ ઊભો રહ્યો. ગુસ્સે ભરાયેલા બાપાની જોરદાર લાત ખાધા પછી પણ એ નફફટની જેમ ત્યાં જ ઊભો રહ્યો.

વાત જો કે આટલાથી જ નહોતી પતી. બીજો કોઈ છોકરો હોત તો ફરી આ રીતે મધરાતે બહાર ભટકવા જવાનું નામ ન લેત, પણ આ તો લુઈ હતો. બીજી મધરાતે પણ લુઈ આગલી રાતની જેમ જ બારી પર ચઢીને બેફિકરાઈથી બહાર રખડવા જતો રહ્યો'તો.

એક વખત દોસ્તારો સાથે ભારે મજાક-મસ્તી અને તોફાને ચઢેલો લુઈ એટલા જોરથી નીચે પટકાયો કે તેના ઘુંટણમાંથી લોહી વહેવા માંડયું. આ ગંભીર ઈજામાં તેને ૨૭ ટાંકા લેવા પડયા હતા છતાં તેના તોફાન-મસ્તીમાં કોઈ ઓટ આવતી નહોતી.

શાળામાં સાથે ભણતા એક છોકરાને તેણે મોઢા પર એટલા જોરથી મુક્કો માર્યો કે પેલા બિચારાનું નાક છુંદાઈ ગયું'તું. એક વખત એવું થયું કે ચાર-પાંચ છોકરાઓ સાથે ઊભા રહી લુઈ ટોળાટપ્પા કરતો હતો,  તે વેળા એકાદ છોકરો તેની સામે બોલવા જતા જ લુઈના મગજની કમાન છટકી. તેણે એ છોકરાના મોઢામાં પેપર નેપ્કિનનો ડૂચો ઠોંસી દઈ એની બોલતી જ બંધ કરી દીધી હતી. 

લુઈની આવી બેફામ દાદાગીરીની વાતો આખા ગામમાં ફેલાઈ ગઈ હોવાથી ઘણાં બધા વાલીઓ તો પોતાના સંતાનોને ક્યારેય લુઈની નજીક નહીં ફરકવાની સલાહ આપતા હતા.

ગામમાં તેના વિશે ચર્ચાતી ખરાબ વાતોની લુઈ પર કોઈ ઝાઝી અસર નહોતી થતી, કારણ લુઈ મનોમન પોતાના વિશે કોઈ મોટી મહત્વાકાંક્ષા વિનાનો છોકરો હતો.

ગામનો કોઈક માણસ ક્યારેક તેને પૂછી બેસે કે અલ્યા, લુઈ મોટો થઈને તું શું બનવા માંગે છે ? તો લુઈ ફટ દઈને જવાબ આપતો કે મોટો થઈને તો હું ગામના ઢોર ચરાવનાર ગોવાળિયો બનવાનો છું.'

સ્કૂલમાં વારંવાર ટીખળ અને મજાક-મસ્તી ઉપરાંત અવારનવાર તોફાન કરતા લુઈને દર બે-ચાર દિવસે પ્રિન્સિપાલની ઓફિસનું અચૂક તેડુું આવતું. પ્રિન્સિપાલ તેને ખખડાવતા, તેને ગંભીર પરિણામની ચેતવણી આપતા, પણ લુઈ માટે આ બધું પથ્થર પર પાણી જેવું હતું.

કેટલીયવાર ચેતવણી આપવા છતાં લુઈમાં જરીકેય સુધારો નહીં થતા, છેવટે કંટાળેલા પ્રિન્સિપાલે તેને કડક શિક્ષા કરીઃ નવમા ધોરણમાં આવેલા લુઈને રમત-ગમત કે શિક્ષણેત્તર અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો.

પ્રિન્સિપાલે કરેલી શિક્ષાથી લુઇને જો કે કોઇ જ ફરક પડતો નહોતો, કારણ આટલા વર્ષોમાં તેણે સ્કૂલમાં સ્પોર્ટસ કે અન્ય પ્રવૃત્તિઓમાં ક્યારેય ભાગ લીધો જ નહોતો.

પણ લુઇના મોટાભાઇ પર આની જરૂર અસર પડી.

લુઇને પ્રિન્સિપાલે કરેલી શિક્ષાની વાત વિશે પીટેને ખબર પડતાં જ એ ધૂંઆપૂંઆ થઇ ગયો, અને પોતાના નાનાભાઇને કરાયેલી શિક્ષા ગમે તેમ કરીને રદ કરાવવા તેણે મનોમન પ્લાન વિચારી લીધો. લુઇથી તે માંડ દોઢેક વર્ષ જ મોટો હતો. સ્કૂલમાં તે લુઇથી એક ધોરણ આગળ હતો. પહેલા તો તેણે પ્રિન્સિપાલ પાસે એકલા જ જઇને વાત કરવાનું મનમાં નક્કી કર્યું, પણ થોડો વધારે વિચાર કરતા તેને લાગ્યું કે તેના એકલાની રજૂઆતનું કદાચ વજન નહીં પડે, એટલે માને સાથે લઇ તે પ્રિન્સિપાલને મળવા ગયો.

સ્કૂલમાં પીટેની છાપ એક હોંશિયાર અને સારા વિદ્યાર્થી તરીકેની હોવાથી પ્રિન્સિપાલને તેના માટે માન હતું. પીટેની રજૂઆત સાંભળી બેઘડી તેઓ વિચારમાં પડી ગયા એટલે પીટેએ નાનાભાઇ લુઇ વતી તેનું બચાવનામું આગળ વધારતા કહ્યું, સર, લુઇ મૂળે ''એટેન્શન સીકર'' વ્યક્તિત્વ છે. પોતાના તરફ બધાનું ધ્યાન દોરાતું રહે એવી તેને સતત પ્રબળ ઝંખના રહે છે.

શાળા કક્ષાના રમતોત્સવમાં, નાટય કે નિબંધ સ્પર્ધામાં અથવા તો પરીક્ષામાં તેનો પહેલો નંબર આવે અને વર્ગખંડમાં બધા તેની પ્રશંસા કરે એવી તેની આંતરિક ઝંખના સાકાર ન થઇ એટલે પ્રિન્સિપાલ એને કોઇ કડક શિક્ષા કરે તોય સ્કૂલમાં બધે એનું નામ ચર્ચાતું થઇ જશે, એવી વિપરીત ગણત્રી બળવાખોર સ્વભાવના મારા નાનાભાઇ લુઇએ કરી હશે. પણ આવા ખોટા કારણસર સ્કૂલના બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એના તરફ ખેંચાય તે અમને નથી ગમતું પ્લીઝ સર, આપ એની શિક્ષા રદ કરો.

હું મારા નાનાભાઇ લુઇ કરતા એક કલાસ આગળ છું, મને આ વર્ષે તમે નપાસ કરજો એટલે મારો નાનોભાઇ અને હું એક કલાસમાં થઇ જઇશું. પછી હું તેનું રોજેરોજ ધ્યાન રાખતો રહીશ. (ક્રમશઃ)

Gujarat