For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેયરના સાચા હત્યારાને જોઈ ડિટેક્ટીવ ચોંકી ઊઠયો

Updated: Jun 15th, 2022

મેયરના સાચા હત્યારાને જોઈ ડિટેક્ટીવ ચોંકી ઊઠયો

- જેફરી આર્ચરની ટૂંકી વાર્તા 'હુ કિલ્ડ ધ મેયર'નો નાટયાત્મક અંત...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- મેયરની હત્યાનો એકરાર કરનારમાંથી એકેય સાચો હત્યારો નહોતો

- રૂપાળી ફ્રાન્સેસ્કા સાથે લગ્ન બાદ ડિટેક્ટીવ એન્ટોનિઓને મેયરનો હત્યારો મળી ગયો...

''હા, કેમ નહીં?''

મિસ્ટર ડે સોસા, તમને ખબર છે ને તમારે મારી સાથે નેપલ્સ આવવું પડશે અને ત્યાં કોર્ટમાં કેસ ચાલશે અને તમને કદાચ જનમટીપની સજા પણ થશે.

'મેં એ બાસ્ટર્ડનું ખૂન કર્યા પછી બીજા કશાનો ઝાઝો વિચાર જ નથી કર્યો. મને કોઇ અફસોસ નથી. હું અત્યાર સુધી સુખેથી જીવ્યો છું.'

પણ તમે એનું ખૂન શા માટે કર્યૂં.?

''એ શયતાની માણસ હતો. એણે અહીં બહુ આતંક મચાવી દીધો હતો, બધાનું જીવવું એણે હરામ કરી દીધું હતું.''

''બસ હવે મારે છેલ્લો એક સવાલ પૂછવો છે, તમે લોમ્બાર્ડીનું ખૂન કઇ રીતે કર્યૂં.?''

''ટ્રફલના ધારદાર ચાકુ વડે મેં ખૂન કર્યૂં.''

'તમે એને કેટલા ઘા માર્યા?'

''છ થી સાત ઘામાં મેં તેને પતાવી દીધો.''

''મિસ્ટર ટ્રફલ માસ્ટર, તમે મારો સમય બગાડી રહ્યા છો.''

''મેં કબૂલાત કરી દીધી છે, તમે મારી ધરપકડ કરી શકો છો.''

''ચાકુના ઘાથી લોમ્બાર્ડીની હત્યા કરાઇ હોત તો તમારી ધરપકડ કરતા મને આનંદ થયો હોત, પણ અફસોસ એ વાતનો છે કે મેયર લોમ્બાર્ડીની હત્યા ચાકુના ઘા મારીને નથી કરાઈ.''

એમ? તો એક કામ કરો, તમે મને કહો કે એની હત્યા શી રીતે કરાઇ હતી? હું એ રીતનું કબૂલાતનામું લખી આપું.

એન્ટોનિઓએ પોલીસ ખાતાની એની કારકિર્દીમાં આ પહેલો માણસ જોયો કે જેણે ગુનો નહોતો કર્યો છતાં કબૂલ કરવા સામેથી તૈયાર થયો હતો. વધારે કશું કહ્યા વિના ડિટેકટીવે ત્યાંથી વિદાય લીધી.

બીજે દિવસે ડિટેકટીવ ઓલિવ ઓઇલ કંપનીના માલિક પાઓલો કેરેફિનીને મળવા ગયો. ત્યાં જઇ તેણે સીધો જ મેયરની હત્યા વિશે સવાલ પૂછ્યો.

ઓઇલ કંપનીના માલિકે જવાબમાં કહ્યું, તમે અહીં આવશો જ તેની મને ખાતરી હતી. કારણ કે હું મેયરને ખૂબ જ ધિક્કારતો હતો. એટલે મેયરની હત્યા મેં જ કરી હોવાની વાત બહુ સહજ અને સામાન્ય છે. એ માણસ મારા ધંધામાં નૂકસાન કરી રહ્યો હતો. તમે મારી ધરપકડ કરી શકો છો. જેલમાં જવાની મને કોઇ બીક નથી.''

હું તમારી ધરપકડ કરૂં એ પહેલાં મારો એક સવાલ છે કે તમે એની હત્યા કઇ રીતે કરી?

''સર, મેં એને ગળાફાંસો આપીને પતાવી દીધો હતો.''

''ના, મેયરનુ ંગળાફાંસાથી મોત નથી નિપજ્યું.''

''એની ડેડબોડી તો સળગાવી દીધી છે, તમને ક્યાંથી ખબર કે એ ગળાફાંસાથી નથી મર્યો?''

''કારણ, મેં  ઓટોપ્સી રિપોર્ટ વાંચ્યો છે. એનું ગળાફાંસાથી મોત નથી થયું.''

અહીંથી પણ ડિટેકટીવ નિરાશ થઇ પાછો ફર્યો.

રસ્તામાં એક ફાર્મસીની દુકાન હતી, ત્યાં એન્ટોનિઓ સાબુ ટુથપેસ્ટ વિગેરે લેવા રોકાયો. કાઉન્ટર પર એક પૌઢ કેમિષ્ટ ઊભો હતો, જરૂરી ખરીદી કર્યા પછી એન્ટોનિઓ જવાની તૈયારી કરતો હતો તેવામાં કાઉન્ટર પાસે એક સ્માર્ટ યુવતી નામે ફ્રાન્સેસ્કા આવી પહોંચી.

ડિટેક્ટીવ અગાઉ બે-ત્રણ વખત આ દુકાને ખરીદી કરવા આવી ગયા હોવાથી ફ્રાન્સેસ્કા સાથે તેનો પરિચય થઇ ગયો હતો. ફ્રાન્સેસ્કાના પિતાની આ દુકાન હતી.

''તમે મારા પિતાની ધરપકડ કરવા આવ્યા છો?'' ફ્રાન્સેસ્કાએ ડિટેક્ટીવને પ્રશ્ન કર્યો. 

ના રે ના, હવે તો હું નગરમાં એવા માણસને શોધી રહ્યો છું, જે એમ કહે કે મેં લોમ્બાડીનું મર્ડર નથી કર્યું. કારણ હું જેને મળું છું એ કહે છે કે મર્ડર મેં કર્યું છે.

ડિટેક્ટીવનું આ વાક્ય સાંભળી કાઉન્ટર પરના પ્રૌઢે કહ્યું, હું કહું છું કે મે મર્ડર નથી કર્યંૂ. જો કે મેં ખુશીથી મર્ડર કરી નાંખ્યુ હોત, પણ એ દિવસે હું નગરમાં નહોતો, હું રોમ ખાતે ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સમાં ગયો હતો.

આગળ વધુ  કાંઇ સાંભળવા રોકાયા વિના ડિટેક્ટીવે ત્યાંથી ચાલતી પકડી.

બીજે દિવસે ડિટેક્ટીવ એન્ટોનિઓ પોલીસ સ્ટેશને ગયો ત્યારે દ્વાર પાસે ભૂરા અને સફેદ રંગના પટ્ટાવાળુ એપ્રન પહેરીને એક જાડયો માણસ ઊભો હતો.

ડિટેક્ટીવને ગુડ મોર્નિંગ કહી સ્થૂળકાય આદમીએ કહ્યું, મારૂં નામ ઉમ્બેર્ટો કેટ્ટાનેઓ છે.

એન્ટોનિઓએ જવાબમાં પેલાને  સવાલ કર્યો, ''નગરના ચોકમાં તમારી દુકાન છે ને ? તમે બુચર (ખાટકી) છો ને ?

પેલાએ હકારમાં ડોકું હલાવતા આગળ ચલાવ્યું, તમે જે કેસની તપાસ કરી રહ્યા છો, તેમા હું તમને મદદરૂપ થઇ શકું તેમ છું. 

એન્ટોનિઓને લાગ્યું કે આ કોઇ બાતમીદાર છે, જે મર્ડર કેસની તપાસમાં મને સહાયરૂપ થઇ પડશે. બુચરને પોતાની ઓફિસમાં બેસાડી ડિટેક્ટીવ તેની પૂછપરછ શરૂ કરે તે પહેલા બુચરે જ શરૂઆત કરતાં કહ્યું, હત્યારાએ ગન ક્યાં છુપાવી છે તે સ્થળ હું તમને બતાવીશ.

એન્ટોનિઓએ તેની નોટબુક બંધ કરી દીધી, એટલે બુચરે કહ્યું, હજી હત્યારાનું નામ તો મેં તમને આપ્યું જ નથી, તમે ડાયરી કેમ બંધ કરી દીધી.

બુચર, હવે મારે વધારે કાંઇ સાંભળવું નથી, કારણ મેયરની હત્યા ગનની ગોળીથી નથી કરાઇ.

તે પછી નગરનો ટપાલી, બાથટબમાં ડૂબાડીને મેયરની પોતે હત્યા કર્યાની કબૂલાત કરવા ડિટેક્ટીવ પાસે આવી પહોંચ્યો.

ડિટેક્ટીવે તેની કારકિર્દીમાં આ નગરના માણસો જેવા માણસો ક્યારેય જોયા નહોતા, કે જેમણે પોતે હત્યા ના કરી હોય છતાં પોતે જ હત્યા કરી છે, એવો એકરાર કરવા સામે ચડીને પોલીસ સ્ટેશને આવે.

મેયરની હત્યાના કેસની તપાસ દરમિયાન ડિટેક્ટીવ એન્ટોનિઓ. અવાર નવાર ફ્રાન્સેસ્કાની દુકાને જતો હતો અને થોડા જ દિવસોમાં એન્ટોનિઓ રૂપાળી  ફ્રાન્સેસ્કાના પ્રેમમાં પડયો એ બન્નેના લગ્ન થઇ ગયા પણ ત્યાં સુધી ડીટેક્ટીવ એન્ટોનિઓ મેયરની ''મર્ડર મિસ્ટ્રી'' ઉકેલી શક્યો નહોતો.

અંતે મેયરની હત્યાનું રહસ્ય ખૂલ્યું અને સાચા હત્યારાએ પોતે જાતે જ કબૂલાત કરી કે પોતે કઇ રીતે મેયરની હત્યા કરી હતી. ડિટેક્ટીવને પોસ્ટમોર્ટમના  રિપોર્ટના આધારે ખબર હતી કે ખૂનીએ મેયરનું કઇરીતે ખૂન કર્યું હતું, એથી ડિટેક્ટીવ એન્ટોનિઓ સમક્ષ જ્યારે હત્યારાએ પોતે કઇ રીતે ખૂન કર્યૂં તેનો એકરાર કર્યો, ત્યારે ડિટેેક્ટીવને ખ્યાલ આવી ગયો કે આ જ સાચો હત્યારો છે.

હત્યારો કોણ હતો?

એ માટે તમારે જેફરી આર્ચરની  શોર્ટ સ્ટોરીઝની બુક વાંચવી જ રહી. 

ઇંગ્લેન્ડના વિશ્વવિખ્યાત લેખક જેફરી આર્ચરનો વાર્તા સંગ્રહ ''Tell Tale'' બેસ્ટ સેલર બની ગયો છે. તેમાં ''Who Killed the Mayor'' જેવી વાચકને જકડી રાખે તેવી બીજી ૧૨ ટૂંકી વાર્તાઓ છે. જે પૈકી'The Road to Damascus'' અને All is Fair in Love & War'' વાર્તા અતિ સુંદર છે, જાણે આપણા પન્નાલાલ પટેલ કે ધૂમકેતુની કોઇ સરસ ટૂંકી વાર્તા વાંચતા હોય એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી.

Gujarat