For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જે લોકો વિકસતા બંધ થાય છે, એ વહેલા વૃદ્ધ થતા જાય છે

Updated: Sep 14th, 2022

Article Content Image

- તમારા બોડી અને માઈન્ડને, ઉંમર વધવાની સાથે, સતત વિકસતા રાખતા રહો..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- ભૂત અને ભવિષ્યના વિચારોથી વેળાસર મુક્ત થઈને જીવન જીવતા શીખી લો

- ભોજન શૈલી, જીવન શૈલી ને  વિચાર શૈલીમાં બદલાવથી જીવનમાં સુખની ભરતી આવશે

૮૦ વર્ષની વયે પણ બેલિન્ડાની નખશિખ તંદુરસ્તી, તેની યુવાન વયની સારી જીવનશૈલીનું સીધું પરિણાણ છે.

બીજા એક ૮૦ વર્ષના મારા દર્દીએ અત્યંત ટૂંકમાં જ કહ્યું કે, People don't grow old. when they stop growing, they become old. (લોકો વૃધ્ધ થતા નથી, પણ જે લોકો વિકસતા બંધ થાય છે, એ લોકો વૃધ્ધ થતા જાય છે.) નવું નવું જ્ઞાાન, પ્રાપ્ત કરવું, કોઇ કામમાં કે તમારા ક્ષેત્રમાં નવું કૌશલ્ય મેળવતા રહેવું અને વિશ્વ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલતા રહેવાથી તમારૂ મગજ અને શરીર વિકસતા રહે છે. અને જયાં સુધી આમ થતું રહેશે ત્યાં સુધી દર સેકન્ડે તમને નવજીવન મળવાની સાહજીક કે નૈસર્ગિક પ્રક્રિયા ચાલતી રહેશે.

''ક્વોન્ટમ વર્લ્ડ''માં પરિવર્તન કે ફેરફાર અનિવાર્ય છે, પણ વૃધ્ધત્વ અનિવાર્ય નથી.

માણસના મનમાં સતત જુદા જુદા વિચારો ધુમરાતા રહે છે. માણસ સમયે સમયે જુદી જુદી લાગણીઓ, સંવેદનાઓ અનુભવે છે. દાખલા તરીકે ઃ મને આ ગમે છે, પેલું મને નથી ગમતું. મને અમુકની બીક લાગે છે, કે નથી લાગતી, હું પેલા વિશે કાંઇ ચોક્કસ કહી શકતો નથી.

તમારા મનમાં આવા અસંખ્ય પ્રકારના વિચારોનો પ્રવાહ સતત વહેતો રહે છે. આ વિચારો કાંઇ આમ જ આડેધડ કે વિના કારણે નથી આવતા. તમારા મનમાં ઊંડે ઊંડે જે માન્યતાઓ કે અટકળો ઘર કરી ગયા છે, તેના પરિણામે વિચારો ઉદભવતા રહે છે.

વિચારોના વમળની આ કેદમાંથી છૂટવા માટે આપણા મનમાં ઘર ગયેલી માન્યતાને  ફગાવી દેવી પડશે. વર્ષો વીતવાથી તમારૂં શરીર ક્ષીણ થતું જાય છે, એવી માન્યતાને બદલે સમય જતા તમારામાં નવી શક્તિનો, નવા જોમ જુસ્સાનો સંચાર થઇ રહ્યો છે, એવું તમારે મનોમન વિચારીને મનમાં ઠસાવતા રહેવાથી તમને આ વિચાર માત્રથી પોઝિટિવ ઊર્જાના પ્રવાહનો અહેસાસ થશે.

મોટા ભાગના લોકો મનમાં કાંતો ભૂતકાળ વાગોળ્યા કરતા હોય છે કે પછી ભવિષ્યનું પ્લાનિંગ કરતા રહે છે. કહેવાનો મતલબ માણસનું મન કાંતો ભૂતકાળમાં હોય છે કે પછી ભવિષ્યમાં રહેતું હોય છે, જેના કારણે માણસનું ભૌતિક શરીર વૃધ્ધત્વ તરફ ખેંચાતું રહે છે.

એક સંત કે જેઓ તેમની ઉંમરની સરખામણીમાં ખૂબ યુવાન દેખાય છે, તેમનું કહેવું છે કે મોટા ભાગના લોકો તેમનું જીવન ભૂતકાળમાં કે ભવિષ્યના વિચારોમાં વીતાવે છે, પરંતુ મારૂં જીવન હું વર્તમાનમાં જ જીવું છું.'' જ્યારે તમે તમારૂં કેન્દ્ર વર્તમાનમાં રાખો છો, એ જ સાચી સ્થિતિ છે, કારણ આ પ્રકારનું જીવન જીવવાથી ભૂતકાળની કે ભવિષ્યની તેના પર વિપરીત અસર પડતી નથી. વર્તમાનની આ ક્ષણે ભૂતકાળ અને ભવિષ્ય કયાંથી અને શા માટે આવવા જોઇએ? માત્ર હાલની ક્ષણોનું જ અસ્તિત્વ છે, ભૂતકાળ અને ભવિષ્ય એ તો મનના ખ્યાલ માત્ર છે. તમે આ ખ્યાલમાંથી બહાર નીકળીને ભૂત કે ભવિષ્યના વિચારોથી મુક્ત થશો તો જીવનમાં એક નવી જ અનુભૂતિના દ્વાર ખૂલી જશે- આ અદભૂત અનુભૂતિ એટલે Ageless Body &Timeless Mind. 

આપણે આપણા જીવનમાં સતત આત્મ જાગૃતિ નથી રાખી શકતા, એટલે જ આપણે એક યા બીજા પ્રકારના અવકાશમાં સરી પડીએ છીએ, સરળ ભાષામાં કહીએ તો નિરંતર આત્મ જાગૃતિના અભાવે આપણે મોહમાયા, ઇર્ષા, ક્રોધ, કિન્નાખોરી, વેરવૃત્તિ જેવી નિમ્ન કક્ષાની વૃત્તિઓ તરફ ઢળી પડીએ છીએ.

એકધારી આત્મ જાગૃતિના અભાવે આપણા શારીરિક અસ્તિત્વનો મોટા ભાગનો હિસ્સો આપણા નિયંત્રણ બહાર જતો રહેવાથી માણસ માંદગી, ઘડપણ અને છેવટે મૃત્યુની દિશામાં ધકેલાઇ જાય છે. આત્મ જાગૃતિ વિસારે પડી જાય કે આત્મ જાગૃતિમાં વિક્ષેપ પડવાનું આ પરિણામ છે.

આના અનુસંધાનમાં લેખકે ભારતીય આધ્યાત્મિક ગુરૂ સ્વામી રામનો દાખલો ટાંક્યો છે. વર્ષ ૧૯૭૦માં સ્વામી રામે અમેરિકામાં મેનિન્ગર ક્લિનિક ખાતે શ્રેણીબધ્ધ પ્રયોગો કર્યા હતા. સ્વામી રામે પોતાના હૃદયના ધબકારા પોતાની ઇચ્છા મુજબ  મિનિટના ૭૦થી વધારીને મિનિટના ૩૦૦ સુધી લઇ ગયા હતા. હૃદયના ધબકારા સામાન્ય રીતે મિનિટના ૭૦થી વધુમાં વધુ ૧૦૦ હોવા જોઇએ. કસરત કરતી વખતે અથવા ખેલકૂદ દરમિયાન વધીને ૨૦૦ સુધી પહોંચે છે.

પરંતુ સ્વામી રામે પોતાની ઇચ્છાશક્તિથી કે પોતાના મનોબળથી હૃદયના ધબકારાનો દર વધારી દઇ મિનિટના ૩૦૦ સુધી લઇ ગયા હતા.

સામાન્ય સંજોગોમાં હૃદયના ધબકારાનો આટલો ઊંચો દર થાય તો માણસનું મૃત્યુ પણ નીપજી શકે છે; પણ સ્વામી રામના ધબકારા મિનિટના ૩૦૦ થયા છતાં તેની તેમના પર કોઇ વિપરીત અસર એટલા માટે ન પડી કે આટલા ઊંચા ધબકારા તેમની સર્વાંગ સંપૂર્ણ સજાગતાના (અવેરનેસ) સીધા નિયંત્રણમાં કરાયા હતા.

આટલા ઊંચા ધબકારાના પગલે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે તો એનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ સજાગતા (અવેરનેસ) ગુમાવી દીધી હોવાથી તેના શ્વાસ બંધ પડી ગયા.

આના પરથી એક અગત્યનો બોધપાઠ શીખવા મળે છે કે જો તમારે તમારા શરીરમાં પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલા તમારી જાગૃતતા, કે  સભાનતામાં ફેરફાર લાવવો પડશે. પરાપૂર્વથી, સદીઓથી આપણા પરદાદાનાય પરદાદાઓથી મનુષ્યના મનમાં ઠસાવી દેવાયું છે કે ઉંમર વધે એટલે અશક્તિ આવે ને માણસ ઘરડો થાય. પણ એ સૈકાઓ જૂની માન્યતાને બદલવી પડશે.

હજારો વર્ષ અગાઉ કેટલાક ઋષિ મુનિઓ ૨૫૦, ૩૦૦ કે ૫૦૦ વર્ષ સુધી યુવાન જેવા જોમથી જીવતા હોવાના દાખલા આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં છે. એ અત્યંત પ્રાચીન યુગની જીવનશૈલી અને એ યુગના માણસોની વિચાર શૈલી અત્યંત અલગ હતી, જે મધ્યયુગ અને તે પછીના યુગમાં નામઃ શેષ થઇ જવાથી એનું હવે આજે આપણને જ્ઞાાન નથી રહ્યું.

વારાણસીના યોગ ગુરૂ પદમશ્રી સ્વામી શિવાનંદની ઉંમર ૧૨૬ વર્ષની છે. તેમનો જન્મ તા.૮ ઓગષ્ટ ૧૮૯૬ના રોજ થયો હતો. ગત માર્ચમાં પદમશ્રી  એવોર્ડ સ્વીકારવા માટે સ્વામી શિવાનંદ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ખુલ્લા પગે જ ગયા હતા.

છેલ્લા ૪૩ વર્ષથી આ યોગગુરૂ વારાણસીના દુર્ગા મંદિર નજીક એક રૂમમાં નિવાસ કરી રહ્યા છે. તેમના આ લાંબા અને તંદુરસ્ત જીવનનું રહસ્ય છે ઃ સાદો ખોરાક, નિયમિત, શિસ્તબધ્ધ અને ઇચ્છા-મુક્ત (ડિઝાયર - ફ્રિ લાઇફ) જીવન, યોગાસન અને બ્રહ્મચર્યનું પાલન. 

સ્વામીજી કહે છે, હું પૈસા પાછળ નથી દોડતો. આ પ્રકારની જીવન શૈલી હોવાથી સુખ સ્વયંભૂ પ્રગટતું રહે છે.

Gujarat