Sahiyar

નવવધૂઓના વસ્ત્રાભૂષણોમાં 'પરંપરાગત વજન' ઘટયું

By GS Team
7 Sep 20263 mins read
નવવધૂઓના  વસ્ત્રાભૂષણોમાં 'પરંપરાગત વજન' ઘટયું
  • ડીપ નેકના હળવાં- પારદર્શક ગાઉન- લહંગાની ફેશન

એક સમય એવો હતો જ્યારે નવવધૂના વસ્ત્રાભૂષણો વિષયક નિર્ણય ઘરની વડીલ સ્ત્રીઓ લેતી. નવોઢાઓને ભારેખમ સાડી- સેલાં અને એવા જ વજનદાર આભૂષણો પહેરાવવામાં આવતાં. આટલું ઓછું હોય તેમ ચહેરો રંગી નાખતો મેકઅપ, મોટો અંબોડો અથવા સપ્લીમેન્ટ નાખેલો અને ફૂલોથી શણગારેલો લાંબો ચોટલો પ્રત્યેક દુલ્હન માટે 'આવશ્યક' કે 'ફરજિયાત' ગણાતો. પરંતુ બદલાતા સમય સાથે નવવધૂના વસ્ત્રાભૂષણોમાં પરિવર્તન આવતું ગયું. તેનું વજન પ્રમાણમાં ઘણું ઓછું થતું ગયું. આમ છતાં ભરચક વર્ક કરેલા લહેંગાનો ટ્રેન્ડ લાંબા વર્ષો સુધી ચાલતો રહ્યો. જો કે હવે આધુનિક બ્રાઈડ્સ આવા પરંપરાગત પોશાક કે અલંકારો પહેરવા રાજી નથી થતી. તેમને પોતાના લગ્નના પરિધાન કે આભૂષણોમાં ઘરની વડિલ સ્ત્રીઓનો ચંચૂપાત મંજૂર નથી. તેઓ પોતાના વસ્ત્રો પોતાની પસંદગી મુજબ ખરીદે છે. સ્વાભાવિક રીતે જ તેમાં આધુનિકતાનો રંગ જોવા મળે છે.
ફેશન ડિઝાઈનરો પણ આ વાત માનતા કહે છે કે નવા જમાનાની નવોઢાઓ પોતાને ગમે અને કમ્ફર્ટેબલ લાગે એવાં વસ્ત્રાભૂષણો જ પહેરે છે. તેમને વજનદાર કે ઓઢણી-દુપટ્ટાવાળા વસ્ત્રો પહેરવાનું નથી ગમતું. મોટાભાગની બ્રાઈડ્સ વિવિધ ડિઝાઈનના ગાઉન પહેરવાનું પસંદ કરે છે. તેમના લહંગા પણ હળવા વજનના અને આધુનિક ડિઝાઈનના હોય છે. તેમને લાલ, લીલા, પીળાં રંગના વસ્ત્રો નથી ગમતાં. તેઓ પીચ, પિંક, સ્ટારડસ્ટ બ્લુ, લવંડર, રાખોડી, ફોન જેવા રંગના પરિધાન પર પસંદગી ઉતારે છે. આ સિવાય ટ્વીલાઈટ ગ્રીન અને બટર યેલો પણ ફેવરીટ છે.
આધુનિક દુલ્હનના બ્લાઉઝ અને ગાઉનમાંથી પરંપરાનો એકડો નીકળી ગયો છે. તેમના બ્લાઉઝ ડીપ નેકના હોય છે. તેમને વન શોલ્ડર કે ઓફ શોલ્ડર બ્લાઉઝ કે ગાઉન પહેરવામાં જરાય વાંધો નથી આવતો. આવા નેકમાં પણ તેમને ઓઢણી પહેરવાનું બિલકુલ જરૂરી નથી લાગતું. તેમના લહંગા કે ગાઉન સાથેનો દુપટ્ટો - ઓઢણી એકદમ પારદર્શક હોય છે અને તેને પણ તેઓ પાછળથી આગળ તરફ લઈને બંને હાથ પર ઝાલી રાખે છે. તેમને ઓઢણી ખભે નાખવાનું આવશ્યક નથી લાગતું. જો તેઓ ઓઢણી ખભા પર નાખે તો તેમના ડિઝાઈનર બ્લાઉઝની મઝા મારી જાય છે.
આભૂષણોની બાબતમાં પણ આધુનિક નવોઢાઓની પસંદગી તદ્ન અલગ પ્રકારની છે. તેઓ વજનદાર દાગીનાના સ્થાને હળવાં- લાલિત્યપૂર્ણ અલંકારો પહેરવાનું પસંદ કરે છે. જેમ કે સોનેરી વર્ક કરેલા લહંગા સાથે સિંગલ ચોકર પોલકી નેકલેસ, ગાઉન સાથે રંગીન રત્નો જડેલા હીરાના ઘરેણાં, ગાઉન અથવા લહંગાને મેચ કકરતી બંગડીઓ અથવા બ્રેસલેટ, કાનમાં મોટા ઝૂમખાં, જો ગાઉન અથવા લહંગામાં ભરચક વર્ક હોય તો કાનમાં નાની છતાં આકર્ષક બુટ્ટી ઈત્યાદિ.
ફેશન ડિઝાઈનરો કહે છે કે વસ્ત્રાભૂષણોની જેમ નવવધૂના મેકઅપમાં પણ પરિવર્તન આવ્યું છે. આજની દુલ્હન કૃત્રિમ દેખાય એવા મેકઅપને બદલે પોતે કુદરતી રીતે સુંદર દેખાય એવો હળવો મેકઅપ કરવાનું પસંદ કરે છે. વાસ્તવમાં તેના વસ્ત્રાભૂષણો પગરખાં, મેકઅપ , હેરસ્ટાઈલ ઈત્યાદિ વચ્ચે તાલમેલ હોવો જોઈએ. કોઈપણ એક વસ્તુ એટલી બધી હાઈલાઈટ ન થવી જોઈએ કે તેને કારણે અન્ય વસ્તુ પર કોઈનું ધ્યાન જ ન જાય.
ટૂંકમાં એમ કહી શકાય કે આધુનિક નવોઢા પોતાના વસ્ત્રોમાં અસામાન્ય રંગો, હળવું વર્ક, લેયરવાળા લહંગા, એસિમેટ્રિકલ કટ્સ, હીરાનું વર્ક કરેલા કમરપટ્ટા, વૈવિધ્યસભર વર્ક કરેલા આરામદાયક જૂતા, હળવાં અલંકારો, હળવો મેકઅપ, આધુનિક હેરસ્ટાઈલ ઈત્યાદિ પસંદ કરે છે.