Sahiyar

ઉગતી પેઢીએ પણ આવકાર્યા હેન્ડલૂમના પોશાક

By GS Team
24 Aug 20264 mins read
ઉગતી પેઢીએ પણ આવકાર્યા હેન્ડલૂમના પોશાક

૧૯૭૫ આવેલી સંજીવ કુમાર અને સુચિત્રા સેનની ફિલ્મ 'આંધી' જેમણે જોઈ હશે તેમને મોટાભાગે આખી ફિલ્મ આજે પણ યાદ હશે. એક હોટલનો મેનેજર સંજીવ કુમાર અને એક રાજકીય નેતાની પુત્રી સુચિત્રા સેન પ્રેમમાં પડીને પરણે છે. થોડા સમય સુધી તેમનું વિવાહિત જીવન સમુંસુતરું ચાલે છે. પરંતુ રાજકીય નેતાની પુત્રી હોવાના નાતે સુચિત્રા સેન ઝાઝો વખત રાજકરણથી દૂર નથી રહી શકતી.
તમને કદાચ એમ લાગશે કે અહીં હું પાંચ દશક પૂર્વે આવેલી ફિલ્મની વાત શા માટે કરી રહી છું. વળી આ બંને કલાકારો પણ હવે હયાત નથી. તો વાતનું અનુસંધાન જણાવું. સુચિત્રા સેનને ફરીથી રાજકરણમાં સક્રિય થવું હોય છે તેથી તે પોતાના કબાટમાં ઘણાં સમયથી પડી રહેલી હેન્ડલૂમની સાડી બહાર કાઢે છે. મારી મૂળ વાત અહીંથી જ શરૂ થાય છે. મારો કહેવાનો અર્થ એ છે કે એક સમયે હાથવણાટની સાડીઓ, ખાસ કરીને સુતરાઉ સાડીઓ રાજકરણમાં સક્રિય રહેલી સ્ત્રીઓ પહેરતી અને આ ક્ષેત્રમાં કાર્યરત પુરુષો હાથશાળ પર વણેલા કાપડમાંથી સીવવામાં આવેલા ઝભ્ભા-લેંઘા પહેરતાં. હા, ખાસ પ્રસંગોએ સ્ત્રી-પુરુષો હાથવણાટના સિલ્કના વસ્ત્રો, સાડીઓ પહેરતા. ટૂંકમાં એમ કહી શકાય કે જે દેશ પાસે હાથવણાટનો સેંકડો વર્ષ પુરાણો સમૃધ્ધ વારસો છે તે ભારતવર્ષના લોકોએ કંઈકેટલાય વર્ષોથી પોતાની આ ભવ્ય પરિધાન પરંપરાને ખાસ પ્રસંગો પૂરતી સીમિત કરી દીધી હતી. પરંતુ સમયે હવે પડખું ફેરવ્યું છે. હવે આધુનિક જેન ઝી આપણા આ સમૃધ્ધ વારસાને ફરીથી ઉજાગર કરી રહી છે. ચોક્કસ પ્રસંગો પૂરતું સીમિત બની ગયેલું હેન્ડલૂમ તેમણે રોજેરોજ અને નોખી રીતે પહેરવા માંડયું છે.
જાણકારો કહે છે કે તમે આધુનિક યુવાપેઢીના, ખાસ કરીને તરૂણ-તરૂણીઓના રોજિંદા પરિધાનને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ આપણા સેંકડો વર્ષ પુરાણા વારસાને રીતસર 'નવા વાઘા' પહેરાવી રહ્યાં છે. તમે ક્યારેય સ્પોર્ટ્સ શૂઝ સાથે જામદાની સાડી પહેરવાની કલ્પના કરી છે ખરી? પરંતુ કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ સ્પોર્ટ્સ શૂઝ સાથે ઘૂંટી સુધી આવે એટલી ઊંચી જામદાની સાડી પહેરે છે અને તેની સાથે મોટાભાગે નવરાત્રિમાં પહેરવામાં આવતી હોય એવી ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી. તેઓ ડેનિમ અને પ્લેન શર્ટની જોડી અજરખનો સ્ટોલ પહેરીને શણગારે છે. વાસ્તવમાં પ્લેન પેન્ટ-શર્ટ સાથે અજરખ પ્રિન્ટનો સ્ટોલ ખૂબ સુંદર લાગે છે. તેવી જ રીતે તરૂણપેઢીમાં હાઈ-એંકલ શૂઝ સાથે ગમછા કફતાન પહેરવાની ફેશન પણ પૂરબહારમાં ખિલી છે. તેઓ એમ નથી માનતા કે હેન્ડલૂમના વસ્ત્રો કે સ્ટોલ કોલેજના ટ્રેડિશનલ-ડે, તહેવારો-ઉત્સવો માટે સાચવી રાખવા જોઈએ. તેઓ પોતાની આગવી ઓળખ ઊભી કરવા પણ આ પરંપરાગત પોશાકનો ઉપયોગ કરવો રહ્યો. મહત્વની વાત એ છે કે કોલેજકાળના સમાપન પછી જ્યારે તેઓ નોકરીએ જવા લાગે છે ત્યારે પણ તેમનો હાથવણાટના વસ્ત્રો પ્રત્યેને અભિગમ યથાવત રહે છે. આ પેઢીએ હેન્ડલૂમ સાથે સંકળાયેલા 'વય જૂથ'ના લેબલને ફાડીને ફેંકી દીધું છે એ તેમની આગવી વિચારસરણી દર્શાવે છે. તેમને નથી લાગતું કે હાથશાળ પર વણેલું કાપડ કે સાડી ખરીદીને સંગ્રહી રાખવા જોઈએ કે તે પહેરવા માટે ચોક્કસ પ્રસંગની રાહ જોવી જોઈએ. વળી એવું કોણે કહ્યું કે ભરજુવાનીમાં હેન્ડલૂમના વસ્ત્રો કે સાડી ન પહેરી શકાય. તરૂણ-યુવાનપેઢી આવી કોઈ પરંપરા, વણલખ્યા નિયમોને નથી માનતી.
નિત્ય પરિવર્તનનો સહજ સ્વીકાર કરતી જેન ઝેડ હવે કોઈ બ્રાન્ડના સાગમટે બજારમાં ઠલવાતાં એકસરખા પરિધાન પાછળ નથી પડતી. અન્યોની દેખાદેખી કરવા કરતાં પોતિકું વ્યક્તિત્વ વ્યક્ત કરતાં વસ્ત્રો ધારણ કરવા માટે તેમને હેન્ડલૂમ શ્રેષ્ઠ લાગે છે. તેનું કારણ એ છે કે હાથવણાટમાં પ્રત્યેક કારીગરની આગવી છટા, વેગળી ડિઝાઈન રજૂ થાય છે. હાથશાળ પર વણેલાં કાપડ અને સાડીઓની પોતિકી કહાણીઓ હોય છે. આ વાત આજની ઉગતી યુવાપેઢીને સ્પર્શી જાય છે. તેમાંય જેમણે પોતાના પિતા કે દાદા-નાનાને હાથવણાટના વસ્ત્રોમાં હળવાશપૂર્વક ફરતાં જોયા છે તેમના માટે હેન્ડલૂમ પ્રત્યે આકર્ષણ હોવું સ્વાભાવિક છે.
મૂળભૂત રીતે દક્ષિણ ભારતની અને હાલ મુંબઈમાં રહેતી એક યુવતી કહે છે કે મેં નાનપણથી મારી મમ્મી સહિત પરિવારની સઘળી સ્ત્રીઓને હાથવણાટની સાડીઓમાં જ જોઈ છે. આ તેમનું રોજિંદુ પરિધાન રહ્યું છે. તેથી હેન્ડલૂમ મારા જીવનમાં પણ આપોઆપ વણાઈ ગયું છે. હું ભલે દરરોજ સાડી નથી પહેરતી. પણ હાથવણાટના વસ્ત્રો મારી પહેલી પસંદ રહ્યાં છે. હું ડેનિમ પહેરું ત્યારે તેના પર પહેરવામાં આવતી શોર્ટ કુરતી હેન્ડલૂમની જ હોવાની અને લેલિંગ સાથે હાથવણાટની લોંગ કુરતી. જો મારી કુરતી પ્લેન હોય તો હું તેના ઉપર કલરફુલ સ્ટોલ પહેરવાનું નથી ચૂકતી. હું ક્યાંય પણ ફરવા જાઉં ત્યારે ત્યાંના હાથશાળ પર વણેલા સ્ટોલ લેવાનું નથી ચૂકતી. મારી ઓફિસમાં પણ મારા પોશાકની પસંદગીની પ્રશંસા થાય છે. વળી આ રીતે હું વણરોને પણ મદદ કરવાનો સંતોષ અનુભવું છું. હું સારી રીતે જાણું છું કે એક એક કાપડ, એક એક સાડીમાં તેમના દિલોદિમાગમાં રમતા રંગ-ડિઝાઈન ઉતરી આવે છે. હાથવણાટ કામ થાય છે. સદીઓથી આપણી પાસે આ સમૃધ્ધિ હોવા છતાં આપણે વિદેશી ફેશન પાછળ કેમ ઘેલાં થઈએ છીએ. પણ હવે સમય બદલાયો છે. છેલ્લા ઘણાં વર્ષથી ફેશન ડિઝાઈનરો તેમના વૈશ્વિક સ્તરે વેંચતાતા વસ્ત્રોમાં હાથશાળ પર વણેલા કાપડનો છૂટથી ઉપયોગ કરે છે. અલબત્ત, તેમાં તેઓ પોતાની કલ્પનાના રંગો પણ પૂરાવે છે. આમ આપણે ત્યાં વણેલું કાપડ દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે અને પોતાના આગવા વિચારો સાથે જગતભરની ફેશનનું અનુસરણ કરતી ઉગતીપેઢી હેન્ડલૂમને આવકારીને આપણા આ ભવ્ય વારસાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે એ વાત માનવી જ રહી.

  • વૈશાલી ઠક્કર