વાર્તા : વસંત છિનવાઈ ગઈ

- સુરભિ આજે અરીસા સામે ઊભી હતી. તેના જેવી સુંદર-સુડોળ સ્ત્રી માટે આટલો સમયગાળો ખાસો લાંબો ગણાય. પરંતુ આટલાં વરસોમાં એને ક્યારેય એવી નવરાશ મળી નહોતી કે ઉત્સાહ- ઉમળકાભેર તે આયના સામે ઊભી રહી શકે. માત્ર ક્યારેક અરીસા સામે અલપઝલપ નજર માંડીને વાળની લટો સરખી કરી લેતી અથવા ક્યારેક વીતેલા વખતની યાદો તાજી કરી લેતી.
પચીસ વરસ પછી સુરભિ આજે અરીસા સામે ઊભી હતી. તેના જેવી સુંદર-સુડોળ સ્ત્રી માટે આટલો સમયગાળો ખાસો લાંબો ગણાય. પરંતુ આટલાં વરસોમાં એને ક્યારેય એવી નવરાશ મળી નહોતી કે ઉત્સાહ- ઉમળકાભેર તે આયના સામે ઊભી રહી શકે. માત્ર ક્યારેક અરીસા સામે અલપઝલપ નજર માંડીને વાળની લટો સરખી કરી લેતી અથવા ક્યારેક વીતેલા વખતની યાદો તાજી કરીને અંતરની પીડાનો અહેસાસ કરી લેતી.
થોડાક દિવસો અગાઉ તેની પાસે જીવવાનું એક બહાનું કહો કે હેતુ પણ હતો. તેનો પુત્ર દીપક. પરંતુ દીપકનાં લગ્ન પછી તો આ હેતુ પણ જાણે તેની હથેળીમાંથી સરકી ગયો હતો. પહેલાં તો અંકિત પોતાની પ્રત્યેક જરૂરત અને ઈચ્છા માતા સમક્ષ જાહેર કરતો. માતાથી રિસાઈ જવું, તેના ખોળામાં માથું ઢાળીને પડયા રહેવું અને માનો મીઠો ઠપકો અને વહાલ માણતા રહેવું.
પણ પરણ્યા પછી દીપકની વહુ દીપાલીએ એ અધિકારથી પણ સુરભિને વંચિત કરી દીધી હતી. જોકે લગ્ન બાદ અંકિતે માની સારસંભાળ લેવાનું છોડી નહોતું દીધું, બલકે હવે ઊલટું તે સુરભિનો વધુ ખ્યાલ રાખતો હતો અને દીપાલી પણ સાસુનું ધ્યાન રાખતી હતી. સુરભિને જરાય અગવડ ન પડે તેની તે ખૂબ કાળજી લેતી. પરંતુ સુરભિને મન આ બધું જેમતેમ બાકીનીં જિંદગીના દિવસો વિતાવવા પૂરતી ઔપચારિકતાથી વિશેષ કશું નહોતું.
છતાં કોણ જાણે કેમ, આજે અરીસાએ જાણે સામે ચાલીને સુરભિને તેની સામે ઊભા રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. અરીસો જાણે સુરભિને કહી રહ્યો હતો કે ''સુરભિ, દીપાલીના પપ્પા કંઈક ખોટું થોડું કરી રહ્યા છે ? તારી જાતને જરા ધ્યાનથી નિહાળી જો… શું તું આજેય ૨૫ વરસ પહેલાંની સુરભિ જેવી નથી લાગતી? આજે પણ તારી આંખો-હોઠ-વાળ…. એકેએક અંગ, કોઈને પણ મોહપાશમાં બાંધી લે તેવાં આકર્ષક નથી લાગતાં ?''
''પરંતુ તેમની સાથેનો મારો સંબંધ તો મજાક-મશ્કરી પૂરતો જ છે. ગમેતેમ તોયે વેવાઈ છે ને ? મજાકમાં એવું કહી શકે છે.''
''પણ તો પછી તેઓ તારાં વખાણ કરી રહ્યા હતા ત્યારે તારા ગાલ કેમ લાલઘૂમ બની ગયા હતા ? તારી આંખો કેમ શરમથી ઝૂકી ગઈ હતી ? અને છાતીની ધડકનો કેમ વધી ગઈ હતી ?''
અરીસા સામે ઊભાં ઊભાં પોતાના જ પ્રતિબિંબ સાથે નજર મિલાવવાનું શક્ય નહોતું રહ્યું. તે દોડીને પથારી પર આડી પડી. સપનાંમાં સરી પડેલી તે ઊઘાડી આંખે થોડોક વખત છત સામે તાકી રહી.
સુરભિ અતીતમાં ખોવાઈ ગઈ : સોળ વરસની વયે તેનાં લગ્ન લેવાયાં હતાં. તેના પતિનું આ બીજું લગ્ન હતું. પહેલી પત્ની ગુજરી ગઈ હતી. પત્ની કાયમ રોગિષ્ટ રહેતી હોવાથી સુરભિના પતિ પ્રકાશનું જીવન અંધકારમય બની ગયું હતું. સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દો હોવા છતાં તેમની રહેણીકરણી, પહેરવું-ઓઢવું બધું અસ્તવ્યસ્ત બની ગયું હતું. પરિણામે તેમણે દારૂને જ પોતાની જીવનસંગિની બનાવી દીધી હતી.
સુરભિ એસએસસી પાસ થઈ ગઈ હતી. આથક તંગીને કારણે તેના પિતાએ તેનો આગળનો અભ્યાસ અટકાવી દીધો હતો. ઉપરાંત દીકરી વધુ ભણે, તો જમાઈ પણ વધુ ભણેલોગણેલો ગોતવાની સમસ્યા હતી. સુરભિના મામા પ્રકાશની ઓફિસમાં જ કામ કરતા હતા અને તેના નિકટના મિત્ર હતા. સુરભિ માટે આગ્રહ-અનુગ્રહ કરીને મામાએ પ્રકાશને મનાવી લીધો, પણ તેની ઉંમરના મુદ્દે સુરભિના પિતા ભડકી ઊઠયા. છતાં મામાએ પોતાની સૂઝસમજથી જીજાજીને પટાવ્યા અને આખરે વાત પાકી કરી લીધી.
ઢીંગલી જેવી નિર્દોષ-નાદાન સુરભિને ૪૦ વરસના પ્રકાશના ઘરે બેસાડી દીધી. પણ તે પોતાના પતિનું એટલું ઘ્યાન રાખતી જાણે કે કોઈ માતા પોતાના બાળકની સંભાળ લેતી હોય. પોતાના સ્નેહ-સમર્પણથી તેણે પ્રકાશને એટલા વશમાં કરી લીધા કે તેમની દારૂની લત પણ છૂટી ગઈ.
એક વરસમાં તો તેણે પ્રકાશને દીપક નામના એક સુંદર પુત્રની ભેટ પણ આપી. પરંતુ દીપક માંડ એક વરસનો થયો ત્યાં દારૂના લાંબા વ્યસનને કારણે આંતરડાના કેન્સરથી પ્રકાશની જીવનજ્યોત બુઝાઈ ગઈ અને ભરયુવાનીના સિંદૂરી તેજથી ઝગમગતો તેના સૌભાગ્યનો સૂરજ આથમી ગયો. વાસંતી વાયરાથી લહેરાતા વૃક્ષ પર અચાનક પાનખર બેઠી અને સુરભિ સૂનમૂન બની ગઈ.
જોકે વીતેલી વસંતે તેના ખોળામાં દીપક નામે એક પુષ્પ ધરી દીધું હતું અને દીપકે પણ ૨૫ વર્ષની ઉંમરે બેન્કના ઓફિસરની નોકરી મેળવીને માતાને તેની તપસ્યાનું ફળ આપી દીધું હતું. પછી તો થોડા વખતમાં દીપકે લગ્ન કરતાં 'આરતી' નામની સુશીલ-સુંદર પુત્રવધૂની ભેટ પણ સુરભિને મળી હતી.
એકાદ વરસ બાદ આરતીએ સુરભિને કહ્યું કે તેના પિતા દિનકરરાય આવવાના છે. જોકે આ અગાઉ પણ તેઓ સુરભિને મળ્યા હતા અને પોતાના મોહક વ્યક્તિત્વથી સુરભિને પ્રભાવિત કરી હતી.
પરંતુ સુરભિને આજ સુધી સમજાતું નહોતું કે દિનકરરાયના વ્યક્તિત્વમાં એવું તે શું હતું કે તેમની સાથે વાતચીત કરતી શું વખતે બન્નેની નજરો મળતાંવેંત તેની આંખો ઝૂકી જતી અને છાતીના ધબકારા વધી જતા હતા.
પછી જ્યારથી તેમના આગમનના સમાચાર મળ્યા ત્યારથી તેનાં તન-મન અને અંગેઅંગમાં આનંદ-ઉમંગની લહેરો ઊછળવા લાગી હતી અને દિનકરરાયની આગતાસ્વાગતાની તૈયારીમાં તે એવી તલ્લીન બની ગઈ કે તેમના ગમા- અણગમાની જાણકારી આરતી પાસેથી મેળવવા લાગી.
દિનકરરાયના આવવાના દિવસે તો જાણે સુરભિના પગ ધરતી પર પડતા નહોતા. જાતે જ તમામ સજાવટ કરવા માંડી હતી. રસોડામાં જઈને આરતીને કહેવા લાગી : મગની લચકો દાળ બનાવજે. હું પૂરણપોળી અને ભીંડાનું ભરેલું શાક બનાવીશ. તારા પપ્પાને ખૂબ ભાવે છે ને ?
દીપકે દિનકરરાયને સ્ટેશનેથી બાઈક પર લઈ આવ્યો. પણ સુરભિએ આરતીની સામે તેમને ફક્ત હાથ જોડીને નમસ્કાર કર્યા અને તરત નવી વહુની માફક બેડરૂમમાં જતી રહી અને ઠેઠ જમવા ટાણે ડાઈનિંગ ટેબલ પાસે આવીને ઊભી રહી.
દિનકરરાયે મજાક કરતાં કહ્યું કે ''વેવાણ જમવામાં તો સાથે રહેશો ને ? અમે કંઈ એટલા પારકા તો નથી.''
છતાં જમતી વખતે પણ સુરભિ સંકોચવશ બેઠી રહી. તેની ગરદન પ્લેટ પર ઝૂકેલી રહી અને ધીમે ધીમે કોળિયા ગળતી રહી. એવામાં દિનકરરાય બોલી ઊઠયા : પૂરણપોળી અને ભીંડાનું શાક તેં બનાવ્યાં છે, આરતી ?
''ના રે ના. એ તો મમ્મીએ બનાવ્યાં છે. સારાં બન્યાં છે ને ?''
''સારાં જ નહિ, પણ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. જો તારી મમ્મી રોજ મને આવું ભોજન ખવડાવે, તો હું અહીંથી જવાનું નામ જ નહિ લઉં.''
વખાણ સાંભળતાંવેંત સુરભિના ગાલ પર શરમના શેરડા પડયા અને એની આંખો પહોળી થઈ ગઈ.
તરત દીપક બોલી ઊઠયો : તમે અહીં રહી તો જુઓ. પછી જુઓ કે મમ્મી દરરોજ તમને કેવાં ભાવતાં ભોજન પીરસે છે. કેમ મમ્મી, બરાબર ને ?
''એવું તો તું કહે છે, દીપક. જેને બનાવવું છે તે તો કશું બોલતી નથી.'' દિનકરરાયે વળતો પ્રહાર કર્યો.
સુરભિ તો જાણે લજામણીનો છોડ બની ગઈ હતી. દિનકરરાયે આ વાક્ય વડે જાણે પોતાનો હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો હોય એમ તે હલબલી ગઈ. કાંપતા હોઠે તેણે આરતીને કહ્યું : ''અચ્છા આરતી, હું હવે જાઉં છું.'' પછી સીધી વોશબેસિન તરફ દોડી ગઈ અને હાથ-મોં ધોઈને બેડરૂમમાં અરીસા સામે ઊભી રહી ગઈ.
જોકે દિનકરરાયે પહેલીવાર સુરભિ વિશે આવી વાત કરી નહોતી. જે દિવસે આરતીનાં લગ્નની વાત કરવા આવ્યા હતા ત્યારે પણ સુરભિનો પરિચય થતાં તેમણે કહ્યું હતું : શુ તમે દીપકની મમ્મી છો ? મને વિશ્વાસ જ નથી બેસતો…
પરંતુ એ દિવસનો અભિપ્રાય અને ડાઈનિંગ ટેબલ પરની કોમેન્ટમાં ફરક હતો. તે દિવસે માત્ર એક સચ્ચાઈ પ્રગટ કરી હતી, જ્યારે આજે એક લાગણી વ્યક્ત કરાઈ હતી. ભલે તે એક મજાક હતી, છતાં એમાં છુપાયેલું આમંત્રણ ન સમજે એટલી સુરભિ નાદાન નહોતી.
લાંબા સમય સુધી અરીસા સામે ઊભી ઊભી સુરભિ એ વાક્યનો મર્મ શોધી રહી હતી. તેને એમ લાગતું હતું કે જાણે એક ડાળી બનવા માગતું કોઈક બીજ અચાનક તેના મનમાં ઊગવા માટે થનગની રહ્યું હતું.
રાત્રેજાણે કાંટા ભોંકાતા હોય એમ સુરભિ પથારીમાં વિહ્વળ બનીને પડખાં ફેરવતી રહી. રહીરહીને તેની ચેતનામાં ધારદાર કાંટા વધુ અણિયાળા બનીને ભોંકાઈ રહ્યા હતા. અચાનક એને શું થયું કોણ જાણે. તે ઊભી થઈને દિનકરરાય સૂતા હતા તે રૂમની બારી આગળ જઈને ઊભી રહી ગઈ.
નિરાંતે સૂતા દિનકરરાયને તે ક્યાંય સુધી નીરખતી રહી. તેમની હૃષ્ટપુષ્ટ બાંહો, વિશાળ છાતી, ઉન્નત લલાટ અને લલાટ પર લહેરાતી વાંકડિયા વાળની જુલ્ફો. તે મનોમન બોલી ઊઠી: તમે પણ આરતીના પપ્પા જેવા ક્યાં લાગો છો ?
એવામાં અચાનક દિનકરરાયે પડખું બદલ્યું અને સુરભિ સહેજ ચોંકીને તરત પોતાના રૂમમાં પાછી ચાલી ગઈ.
માત્ર બે દિવસ માટે આવેલા દિનકરરાય આરતીના આગ્રહવશ વધુ રોકાઈ ગયા અને તેની જિદને લીધે જ તેઓ સુરભિના ભોજન માટે જાતે બોલાવવા જતા.
પછી તો સુરભિ પણ ધીમે ધીમે તેમની સાથે મોકળા અને હળવા મને વાતચીત કરવા લાગી. જોકે તેના મોટાભાગના જવાબ 'હા' કે 'ના' જેવા ટૂંકાક્ષરી હતા. છતાં તેમના સાંનિઘ્યમાં તેને એવું લાગતું જાણે કે તેમના સંમોહક વ્યક્તિત્વથી તે વધુ ખેંચાતી હતી. પરંતુ તે વ્યક્ત કરી શકતી નહોતી.
એકવાર દીપક-આરતીને કોઈકની બર્થ- ડે પાર્ટીમાં જવાનું થયું અને સુરભિને ઘરમાં દિનકરરાય પાસે એકલા રહેવું પડયું. પોતાના પતિના અવસાન બાદ આ એક જ વ્યક્તિ હતી, જેમને અધિકારપૂર્વક સુરભિના ઘરમાં રહેવાનો અવસર મળ્યો હતો અને એ અવસર પણ એવો હતો કે તે પરવશ બનીને તેમના પ્રત્યે આકર્ષણ અનુભવી રહી હતી.
પછી તો દર્પણ સામે ઊભી રહેતી ત્યારે તેનું મન ભીતરથી પોકારી ઊઠતું કે એક પરપુરુષ સાથે આટલી નિકટતા કેળવવી એ પાપ કહેવાય. પણ અજ્ઞાત મનમાંથી સવાલ ઊઠતો કે શું હું સ્ત્રી છું એટલે પતિના મોત બાદ મારે આખી જિંદગી રણની રેતીની જેમ વેરાનીમાં જ તપ્યા કરવાનું ?
પણ આજે બન્ને ઘરમાં એકલાં પોતપોતાના કમરામાં હતાં. દિનકરરાયને મળવા માટે મન કોઈ બહાનું શોધી રહ્યું હતું. છેવટે ચા-કોફીના બહાને તે તેમના કમરામાં ગઈ.
''કોફી પીશો ને ?''
''તમારી મરજી હોય, તો જરૂર પીશ.''
ઉમંગમાં આવીને તરત તે બે કપ કોફી બનાવી લાવી અને બહાર જવા લાગી. ત્યાં જ દિનકરરાયે કહ્યું, ''તમે પણ બેસો ને. સાથે જ કોફી પીએ.''
સુરભિના ધબકારા વધી ગયા. પગ થરથરવા લાગ્યા. એ ત્યાં જ ખુરશી પર બેસી ગઈ.
''મારો સ્વભાવ ખૂબ મિલનસાર અને હસમુખો છે. પાનખરને પણ વસંતની નજરે જોવાની મારી આદત છે. તમને કદાચ આ મિજાજ સારો ન લાગે, તો માફ કરજો.''
સુરભિને મનમાં તો થયું કે લાવ કહી દઉં કે કોણ નથી ઈચ્છતું કે પોતાનું જીવન વાસંતી લહેરોથી ખુશખુશાલ રહે ? તમારે મન તો શું પાનખર અને શું વસંત ? એક વસંત છિનવાઈ જાય તો જીવનમાં બીજી બહાર લઈ આવો. પરંતુ મને એવો અધિકાર ક્યાં છે ? છતાં તે માત્ર એટલું જ બોલી કે ના, ના. એમાં ખરાબ શું લાગે ? તમારો મિજાજ જ મજાકિયો છે. પછી તે પોતાના રૂમમાં આવી ગઈ.
દરમિયાન મોડી રાત્રે દીપક-આરતી પાછાં ફર્યા ત્યાં સુધીમાં તેણે દિનકરરાયને જમાડી પણ લીધા હતા.
પણ બીજે દિવસે દિનકરરાય સવારની ટ્રેનમાં જવાના હતા એ ખ્યાલે સુરભિ બેચેન બની ગઈ. આખી રાત પડખાં બદલતી રહી. જોકે દિનકરરાયે તેના રણ જેવા હૈયામાં એક ઝરણ પ્રગટાવ્યું હતું, જેને તે કેવળ એક મૃગજળ માનતી હતી. તે ક્યાંય સુધી પથારીમાં પડી રહી. છેવટે આરતીએ આવીને તેને ઢંઢોળતાં કહ્યું કે અરે મમ્મી, તબિયત તો સારી છે ને ? ચાલો, પપ્પા જઈ રહ્યા છે.
ફ્રેશ થઈને બહાર આવી ત્યારે દિનકરરાય સૂટકેસ લઈને સામે જ બેઠા હતા. કદાચ સુરભિની જ વાટ જોઈ રહ્યા હતા. તેને જોતાંવેંત ઊભા થઈ ગયા અને હાથ જોડતાં બોલ્યા, ''બસ ત્યારે. રજા લઉં છું. કંઈ ભૂલચૂક થઈ હોય, તો માફ કરજો.''
સુરભિએ આંખો ઊંચી કરીને તેમની સામે નજર માંડી. એ જ હસતો ચહેરો. તેના હાથ પણ આપોઆપ જોડાઈ ગયા. તેણે હસવાની કોશિશ કરી. પરંતુ એક વ્યથા સાથે.
આરતી સાથે ખેંચાતી ખેંચાતી તે ઠેઠ દરવાજા સુધી આવી. દિનકરરાય દીપકની બાઈકમાં પાછળ ગોઠવાઈ ગયા હતા. તેમણે આરતી અને સુરભિની વિદાય લેતાં હાથ ઊંચો કર્યો.
દીપકે બાઈક સ્ટાર્ટ કરી. બાઈકની ઘરઘરાટી તેના કાને અથડાતાં સુરભિના હૈયામાં એવી વેદના થવા લાગી જાણે પૈડું તેના ઉપર ફરી વળ્યું હોય. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. પરંતુ પછી તરત આરતીની હાજરીનો ખ્યાલ આવતાં તેણે મોઢું ફેરવી લીધું અને આરતીની નજર તેના ચહેરા પર પડે અને તેના મનોભાવ જાણી જાય એ પહેલાં જ તે ચૂપચાપ ઘરમાં પોતાના કમરામાં જતી રહી.
સુરભિની એકલતાના અંધારા ઓરડામાં ક્ષણભર સ્નેહકિરણનો ઝબકારો થયો અને ફરીથી હૈયું ઝંખવાઈ ગયું. તપતા રણમાં એક વાદળી વરસી અને પલભર ઝાંઝવાને છલકાવી ગઈ.




