Sahiyar

વાર્તા : કાયર

By GS Team
7 Sep 20269 mins read
વાર્તા : કાયર
  • હું એક સરસ રોમાંટિક થ્રિલર વાંચી રહ્યો હતો. આટલી રાતે કોણ આવ્યું હશે એ વિચારીને મને ધુ્રજારી છુટી ગઇ. મેં ધડકતા હૈયે દરવાજો ખોલ્યો- સામે કલ્પના ઊભી હતી. એના હાથમાં એક સૂટકેસ હતી અને એ પગથી માથા સુધી વરસાદમાં ભીંજાયેલી હતી. મેં દરવાજા પરથી ખસીને એને અંદર આવવા માર્ગ કરી દીધો.

ટીવીના એવોર્ડ વિતરણ સમારંભમાં મારી કલ્પના ચાવડા સાથે મુલાકાત થઇ જશે એવો તો સ્વપ્નેય ખ્યાલ નહોતો. આમંત્રણપત્રિકામાં તો ચીફ ગેસ્ટ તરીકે મનહર ચાવડાનું નામ છપાયું હતું. એમને બદલે કલ્પના કઇ રીતે ફંક્શનની ચીફ ગેસ્ટ તરીકે ગોઠવાઇ ગઇ એ સાથી રિપોર્ટરો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે મનહર ચાવડા મુંબઇના એક મોટા ઉદ્યોગપતિ છે અને તેમને કોઇ ફ્રેન્ચ કંપની સાથે એમઓયુ પર સહીસિક્કા કરવા અચાનક પેરીસ જવાનું થયું હોવાથી એમની જગ્યાએ એમની ધર્મપત્ની કલ્પના ચીફ ગેસ્ટ તરીકે ગોઠવાઇ ગઇ. કલ્પના એક મોટા ઉદ્યોગપતિની પત્ની છે એ જાણીને મને નવાઇ લાગી. પરંતુ સાથોસાથ એ વાતનો આનંદ પણ થયો કે ઘણાં અરસા બાદ કલ્પનાને મળવાનું થશે. એને મળવાની લાલચમાં મેં ફંક્શન પુરુ થયા બાદ હોટલના બેન્કવેટ હોલમાં જમવા જવાને બદલે સ્વિમીંગ પુલની વાટ પકડી. મેં કલ્પનાને નારી-વૃંદ સાથે એ તરફ જતા જોઇ લીધી હતી. એની આસપાસ ગોઠવાઇ ગયેલી બે-ત્રણ ભદ્ર મહિલાઓને હું ઓળખતો પણ હતો. એટલે હું હિંમત કરીને સીધો જ એમની પાસે જઇને ઉભો રહ્યો.
'અરે, વિવેચક મહાશય તમે! કલ્પના, જો હું તને એક બહુ સરસ ઓળખાણ કરાવું….. મિટ મિસ્ટર પિનાકીન વખારિયા… આપણાં એક બહુ સારા લેખક અને વિવેચક છે….' સાહિત્યપ્રેમી રેખાબેન શાહે કલ્પનાને મારો પરિચય આપ્યો. કલ્પનાએ મને નમસ્તે કરીને વાત શરૂ કરી, 'પિનાકીન, તમે લેખક-વિવેચક તો ખરા જ પણ તમારુ પ્રોફેશન શું છે? આઇ મિન, તમે કોઇ જોબ કરો છો કે પોતાનો બિઝનેસ?'
'હું તો કલમને ખોળે માથુ રાખીને જીવનારો પત્રકાર છું. 'વર્તમાન' નામના અખબારમાં સિનીયર રિપોર્ટર છું. પેટ ભરવા નોકરી કરવી પડે છે. બાકી લખવું-વાંચવું તો મારો શોખ છે. મિસીસ ચાવડા, તમને એવો કોઇ શોખ ખરો?'
'પિનાકીનભાઇ, એને સારું વાંચવાનો શોખ છે. એક જમાનામાં કલ્પના લખતી પણ ખરી પરંતુ પછી કોણ જાણે કેમ કલમ ચલાવવાનું જ મૂકી દીધું….' રેખાબહેને વચ્ચે ટાપસી પુરી.
'કલમ સાથેની દોસ્તી છોડવાનું કોઇ ખાસ કારણ હશે?' મેં કલ્પના તરફ ધારદાર નજર ફેંકતાં સવાલ કર્યો. એણે જાણે મારા સવાલનું એને મન કોઇ મહત્વ ન હોય એ રીતે બેફિકરાઇથી સિગારેટનું પેકેટ કાઢી એક સિગારેટ લાઇટરથી સળગાવી, 'માય ડિયર, મને મનહર ચાવડા સાથે મેરેજ કર્યા પછી દુનિયાનું એક સત્ય બહુ સારી રીતે સમજાઇ ગયું છે કે સારું લખવું હોય તો દુનિયાને માટે તમારે જીવ બાળવો પડે, બીજાની પંચાતમાં ઉતરવું પડે. કોઇને માટે દુ:ખી થવાના આ ધંધામાં કોઇ ફાયદો નથી, એ ધંધો કરવા જેવો નથી…..'
મેં લાગ જોઇને તીર ચલાવી દીધું. 'મિસીસ ચાવડા, દુનિયામાં શું બધુ નફો-નુકસાનના ધોરણે જ ચાલે છે? ટોલ્સટોય, ટાગોર, શેક્સપિયર કે કાલિદાસે જો પોતાના ફાયદા વિશે વિચાર્યું હોત તો દુનિયાને એમની મહાન કૃતિઓ ન મળી હોત… જો કે તમારા જેવા મોટા માણસોને એનાથી કોઇ ફરક નહિ પડતો હોય, કેમ?' મારુ તીર બરાબર નિશાના પર લાગ્યું હોય એમ કલ્પનાનું મોઢું પડી ગયું. છતાં એણે હસતું મોઢું રાખીને બધાને 'એસક્યુ ઁઝમી' કહીને ત્યાંથી ચાલતી પકડી. હું મનોમન મારું મિશન સફળ થવા બદ્દલ ખુશ હતો. એ ખુશીમાં જ મેં ઝડપથી બેન્કવેટ હૉલ તરફ જવા પગ ઉપાડયા.
બીજા દિવસે અમારા અખબારના સિટી પેજ પર ટીવી એવોર્ડ સમારંભનો સતસવીર અહેવાલ છપાયો. ચીફ ગેસ્ટ તરીકે કલ્પનાનો પણ ખાસ્સો મોટો ફોટો છપાયો હતો. બપોરે હું ઓફિસે પહોંચ્યો ત્યારે ટેલિફોન ઓપરેટરે કલ્પનાના ત્રણ ફોન આવી ગયાનો મેસેજ આપ્યો. એટલે મેં ઓપરેટર પાસેથી એનો ફોન નંબર લઇને તરત જોડયો. અહેવાલ વાંચીને કલ્પના ખુશ થઇ ગઇ હતી, 'પિનાકીન, તારો રિપોર્ટ ખરેખર બહુ સરસ છે….. મારા હસબંડ પણ વાંચીને ખુશ થઇ ગયા…. મને કહે કે તારો ફોટો બહુ સરસ છપાયો છે…. થેન્ક યુ વેરી મચ…. ક્યારેક ઘરે આવને! અને હા, મને ફોન પર મિસીસ ચાવડા કહીને બોલાવવાની જરૂર નથી. તારા મોઢેથી એ બહુ વિચિત્ર લાગે છે… મને ફક્ત કલ્પના કહીને બોલાવીશ તો ગમશે…..'
'મને આવો વિશેષાધિકાર આપવા બદ્દલ આભાર. બાકી-ફંક્શનના રિપોર્ટ માટે તારે મારો નહિ પણ મારા તંત્રીનો આભાર માનવો જોઇએ. હું તો અહીં બસ ચિઠ્ઠીનો ચાકર છું. અને હા, તારી જાણ ખાતર કહી દઉં કે અમારા તંત્રી તારા હસબંડના બહુ સારા મિત્ર છે. એટલે……'
'પિનાકીન, ડુ યુ મીન ટુ સે ધેટ, માય હસબન્ડ હેઝ યુજ્ડ હિજ ઇન્ફ્લુયંસ ટુ ગેટ ધ રિપોર્ટ પબ્લિશડ્ ઇન યોર પેપર?'
'એક્ઝેટલી. અમુક બાબતો કહેવાની નથી હોતી, સમજી જવાની હોય છે. ઓ.કે.' મેં આટલુ કહીને ફોન કટ કરી નાખ્યો. એ આ બધુ સાંભળી જરૂર સમસમી ગઇ હશે એવા વિચારે હું ફરીથી ફુલાઇ ગયો. પછી તો મારો અને એનો ઘણાં સમારંભોમાં આમનો-સામનો થવા લાગ્યો. એ વખતે હું એને થોડીવાર માટે પણ એકાંતમાં મળીને બે-ચાર કડવા વેણ સંભળાવી જ દેતો. એ સાંભળીને એનો સુંદર ચહેરો કાળો ધબ્બ થઇ જતો અને મને એ જોવાની બહુ મજા પડતી. વરસ દિવસ અમારી વચ્ચે આવા 'એન્કાઉન્ટર' થયા હશે. એ અરસામાં એકવાર હું મારા મિત્રના પેઇન્ટિંગ એક્ઝિબિશનના ઉદ્ઘાટન માટે જહાંગીર આર્ટ ગેલેરી ગયો હતો. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કલ્પનાના પતિ મનહર ચાવડા કરવાના હતા. તેઓ બહુ બિઝી માણસ એટલે ઉદ્ઘાટન કર્યા બાદ પાંચ જ મિનિટમાં ગેલેરીમાંથી રવાના થઇ ગયા. હું એ જ લાગ જોઇને બેઠો હતો. ફંક્શનમાં એના બહુ બધા મિત્રો પણ નહોતા એટલે મારે માટે એને એકાંતમાં ઝડપી લેવાનું આસાન બની ગયું. હું કૉફીના બે કપ લઇને એની પાસે પહોંચી ગયો. કલ્પનાએ મારા હાથમાંથી કૉફીનો કપ લેતા પહેલાં એક શરત મૂકી, 'પિનાકીન, આજે તૂ તારા ટિપીકલ વાક્બાણ ન ચલાવવાનો હો તો જ હું તારી પાસેથી કૉફીનો કપ લઇશ…. આજકાલ તૂ બહુ કડવું બોલતો થઇ ગયો છે. યુ હેવ બિકમ કવૉઇટ બિટર! તૂ કોલેજમાં તો આવો નહોતો!'
'મેડમ, માણસને એની જિંદગી જ કારેલા જેવો કડવો બનાવી દે છે. જિંદગીની થપાટો ઝેલનાર વ્યક્તિ કોઇને તમારા લોકોની જેમ સારુ લગાડવા કશું બોલવાનું જ ભૂલી જાય છે…..'
પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં હવે બહુ થોડા મહેમાનો બચ્યા હતા એટલે મેં કલ્પના સાથેનો સંવાદ લંબાવ્યો. એના ચહેરાપરથી લાગતું હતું કે જાણે એ આજે કશુંક નક્કી કરીને આવી છે.
'પિનાકિન, આજે મારે તને એક રિક્વેસ્ટ કરવી છે. પ્લીઝ, હવે તૂ મારી સાથે કટાક્ષમાં અને વ્યંગમાં બોલવાનું બંધ કર. તારી કડવી વાણી સાંભળી-સાંભળીને હું ત્રાસી ગઇ છું. ફોર ગોડ્સ સેક. પ્લીઝ સ્ટોપ ઓલ ધીસ….'
'કલ્પના, તને તો મારા શબ્દોના ઘા આટલા બધા વાગે છે. જ્યારે મેં તો તારો વિશ્વાસઘાત સહન કર્યો છે. મને કેવો ઘા વાગ્યો હશે એનો વિચાર તે કદી કર્યો છે? ના, પણ તારી પાસે એવી નકામી વાતો માટે સમય જ ક્યાં છે? કોલેજકાળમાં જેના આદર્શો તને બહુ પ્રિય હતા એને જ તરછોડીને તૂ એક દિવસ અચાનક બીજા સાથે ચાલી નીકળી? મારા પ્રેમમાં પડયા પહેલાં તને ખબર નહોતી કે હું એક નીચલા મધ્યમ વર્ગનો સાધારણ માણસ છું? મારી હવે તારી પાસેથી એક જ અપેક્ષા છે. તૂ કબુલ કરી લે કે હું ડરપોક છું, કાયર છું….. બસ, આટલું કબુલી લે. પછી હું ક્યારેય તને કાંઇ નહિ કહું…..'
'પિનાકીન, તૂ તો જાણે છે કે મારા ડેડી પણ મારા હસબન્ડ જેટલા જ શ્રીમંત છે. એટલે સ્વાભાવિક છે કે મારા લગ્નના નિર્ણયમાં પૈસાએ બહુ અગત્યનો ભાગ નહિ જ ભજવ્યો હોય. અને તને યાદ હોય તો મેં આપણી વચ્ચેની મૈત્રી દરમ્યાન ક્યારેય તને લગ્નનું વચન નહોતું આપ્યું…… ફોર ધેટ મેટર, આપણી વચ્ચે ક્યારેય લગ્ન વિશે વાત પણ નહોતી થઇ. તૂ તો જાણે છે કે મારા પિતા બિઝનેસમેન છે. એમને વધુ પડતા આદર્શવાદી યુવાનો પ્રત્યે ચીડ છે. એમના મતે આદર્શવાદી યુવાન ક્યારેય સારો પતિ ન બની શકે. તૂ આવો જ આદર્શવાદી હતો. એટલે તારા પ્રત્યે ખૂબ પ્રેમ હોવા છતાં મેં તારી સાથે લગ્ન કરવાનું મુનાસિબ ન માન્યું…. અને હા, મનહર ચાવડાને મેં જ મારા હસબંડ તરીકે પસંદ કર્યા છે. એક રીતે જોઇએ તો મેં તારી સાથે લગ્ન ન કરીને તારી ઉપર ઉપકાર જ કર્યો છે. આદર્શવાદી માણસ ક્યારેય ગૃહસ્થીનો બોજ ઉપાડી જ ન શકે. તારી સાથે મેરેજ કરત તો મારી જિંદગીમાં આજે લડવા-ઝઘડવા સિવાય કાંઇ ન હોત,' કલ્પનાએ મને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું.
મેં પણ એને તમતમતો જવાબ આપીને ત્યાંથી ચાલતી પકડી, 'કલ્પના, બાકી માનવું પડશે! કોઇની સાથે વિશ્વાસઘાત કર્યા બાદ તને પોતાનો બચાવ કરતા બહુ સરસ આવડે છે. તૂ કોઇ પણ દિવસ એક સારી વકીલ બની શકે છે.'
આ વાતને દિવસો અને મહિનાઓ વીતી ગયા. કલ્પનાએ પછી તો મારો સામનો થવાની બીકે જાહેર સમારંભોમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. હું એને મારી સિધ્ધિ ગણીને મનોમન ખુશ હતો. એવામાં એક મોડી રાતે મારા એક રૂમ-કિચનના ફ્લેટના દરવાજે ટકોરા પડયા. હું એક સરસ રોમાંટિક થ્રિલર વાંચી રહ્યો હતો. આટલી રાતે કોણ આવ્યું હશે એ વિચારીને મને ધુ્રજારી છુટી ગઇ. મેં ધડકતા હૈયે દરવાજો ખોલ્યો- સામે કલ્પના ઊભી હતી. એના હાથમાં એક સૂટકેસ હતી અને એ પગથી માથા સુધી વરસાદમાં ભીંજાયેલી હતી. મેં દરવાજા પરથી ખસીને એને અંદર આવવા માર્ગ કરી દીધો. ઘરમાં આવીને એણે ખુરશી પર બેઠક જમાવી અને મારા નેપકીનથી પોતાનું માથુ અને ચહેરો લૂછવા માંડી, 'પિનાકીન, આટલી રાતે મને આ રીતે જોઇને તને જરૂર આંચકો લાગ્યો હશે. પણ હું શું કરું? દિલથી મજબૂર છું. મેં ઘણું વિચાર્યું. પછી મને થયું કે મેં તારી સાથે ઘોર અન્યાય કર્યો છે. હું ખરેખર ડરપોક હતી એટલે મેં તારી સાથે લગ્ન ન કર્યા. એ બધાનું હવે હું સાટું વાળવા માગુ છું. તારા માટે હું મારા વર અને મારા સંસારને છોડીને આવી ગઇ છું…..'
'એટલે કે તૂ ઘરેથી ભાગીને આવી છે?
'નહિતર શું મારા હસબંડને એમ કહું કે તમે આવીને મને મારા પ્રેમીના ઘરે મૂકી જાવ!'
'પણ કલ્પના, તે બહુ ઉતાવળ કરી….. આપણે આખરે તો સમાજમાં રહેવાનું છે….. લોકો શું કહેશે..?… તને ખબર છેને તારા હસબંડ મનહર ચાવડા કેટલા વગવાળા માણસ છે! એ આપણું જીવવું હરામ કરી નાખશે. વળી, મારો એટલો પગાર પણ નથી કે આપણાં બંનેનું પુરુ થાય…. એટલે…… એટલે' મારી જીભ થોથવાવા લાગી.
કલ્પનાએ પાંચેક મિનિટ સુધી મારા ચહેરાનું બારીકાઇથી નિરીક્ષણ કરવા મારા પર પોતાની ધારદાર આંખો સ્થિર કરી. હું એની સાથે આંખ નહોતો મેળવી શકતો. અચાનક એ ખડખડાટ હસી પડી, 'પિનાકીન, હજુ તને કોઇ શંકા ખરી કે આપણાં બંનેમાંથી કોણ કાયર છે? ડરપોક પુરુષ, હવે તો કબુલ કે તારામાં લગ્ન કરીને સંસારનો બોજ ઉઠાવવાની હિંમત જ નથી. પૂર્વાશ્રમની પ્રેમિકાને મેણાં-ટોણાં કરવા એક વાત છે અને એની સાથે લગ્ન કરવાનું સાહસ કરવુ એ બીજી વાત છે. મારા ડેડી સાચુ જ કહેતા હતા કે તારા જેવા વેવલા આદર્શવાદીઓ કદી જીવનમાં સફળ ન થઇ શકે. તને આદર્શોના ફીફાં ખાંડતા જ આવડે છે. લગ્નની વાત આવી એટલે કેવો ગેંગેં ફેફે કરવા માંડયો. હું એક પરિણીતા થઇને ઘરેથી ભાગીને તારી સાથે લગ્ન કરવાની હિંમત બતાવી શકું છું પણ તૂ પુરુષ જેવો પુરુષ ઊઠીને મારા પતિનું નામ પડતાં જ ધૂ્રજી ઉઠે છે! ફટ છે તને સાલા, ડરપોક…..' કલ્પના જોરથી દરવાજો પછાડીને દોડતી મારા મકાનનો દાદરો ઉતરી ગઇ. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા એકદમ જ વધી ગયા હતા.