For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નૂબ: અકલમઠો નવો નિશાળિયો .

Updated: Apr 23rd, 2024

નૂબ: અકલમઠો નવો નિશાળિયો                               .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- નૂબ એવી કોઈ પણ વ્યક્તિઓ વિષે વાપરી શકાય, જેઓ જે તે પ્રવૃતિ માટે નવી છે, જેઓએ હજી શરૂઆત જ કરી છે

લીલાં લીલાં પાંદડાની પિપૂડી બજાવો ભાઈ,નવો નવો સૂર કાઢે નવો નવો ઢાળ. ભાઈ પિપૂડી બજાવો હેઈ પિહૂઈ પિહૂઈ

- રાજેન્દ્ર શાહ 

ઓ નલાઈન ગેમિંગ વિષે સમાચાર આવતા રહે છે.નવી જાતની પિપૂડી છે આ,જેનો સૂર નવો છે, જેનો ઢાળ નવો છે. નવી પેઢીનું આ નવું વળગણ છે. આ એક એવી લત છે જે લાગે છે ત્યારે આંખો સ્ક્રીન ઉપર કલાકો સુધી ચોંટી જાય છે. હમણાં મોદી સાહેબ ઓનલાઈન ગેમનાં યુવા સર્જકોને મળ્યાં. કોઈ ગંભીર ચર્ચાની વાત નહોતી. મોદી સાહેબ પોતે હંસી મજાક કરતાં રહ્યા. એવું ય પૂછયું કે ગુજરાતમાંથી કોણ છે? એક ગેમિંગ ક્રિએટર ભૂજનાં છે, એ જાણીને એવું ય બોલ્યાં કે ભૂજમાં આ બીમારી ક્યાંથી લાગી ગઇ?! પોતે કમ્પ્યુટર ઉપર ગેઇમ રમ્યાં ય ખરાં અને બોલ્યાં ય ખરાં કે ભગવાન કરીને ક્યાંક મને આની આદત ન લાગી જાય! અરે મોદી સાહેબ, મારી ગેરંટી છે કે જેને એક વાર રાજકારણની આદત લાગી, એને પછી બીજી કોઈ આદત લાગે જ નહીં!! યુવા પેઢીનાં આ ગેઇમ ક્રિએટર્સને મોદી સાહેબ સાથે વાત કરતાં ખૂબ મઝા પડી. જાણે કે બંને વચ્ચે ઉંમરનો ભેદ જ નહોતો. મોદી સાહેબે પણ મસ્તી કરતા કહ્યું કે 'હું તો યુવાન જ છું. આ તો પરિપક્વ દેખાવા માટે મારા કાળા વાળને ધોળાં કરું છું!' ઓનલાઈન ગેમિંગને લગત શબ્દોની પણ વાત થઈ. આજનો શબ્દ નૂબ ((Noob)) અમને આ સમચારમાંથી મળ્યો.ઇન્ટરનેટની ભાષામાં એનો સ્પેલિંગ nOOb પણ લખાય છે. મોદી સાહેબે હસતાં હસતાં કોમેન્ટ કરી કે આ શબ્દ હું ચૂંટણી દરમ્યાન બોલું તો લોકો ચોક્કસ વિચારે કે હું કોના સંદર્ભમાં વાત કરી રહ્યો છું. જો કે તેઓ એ ચોક્કસ વ્યક્તિનું નામ બોલ્યાં નહીં. આપણે'નૂબ' શબ્દ વિષે જાણીએ. આપોઆપ ખબર પડી જશેકે મોદીસાહેબનાં મતે હાલનાં રાજકારણમાંઆ 'નૂબ' વ્યક્તિ છે કોણ? 

ઇન્ટરનેટ બોલચાલનો શબ્દ 'નૂબ' અપમાનસ્પદ છે, નામોશી આણનારો છે. ન્યૂબ (Newb) કે ન્યૂબી (Newbie) શબ્દ અપભ્રંશ થઈને ઓનલાઈન ગેમિંગનો શબ્દ 'નૂબ' બન્યો છે.મૂળ 'ન્યૂબી' શબ્દ 'ન્યૂ બોય' (નવો છોકરો) પરથી આવ્યો હોવાનું મનાય છે. આપણે જેને નવો નિશાળિયો કહીએ છીએ એ ન્યૂબી. અમેરિકન મિલીટરીમાં નવા સૈનિક માટે સને ૧૯૬૦નાં દશકમાં આ શબ્દ પ્રચલિત થયો, ખાસ કરીને વિયેતનામ યુદ્ધમાં સૈનિકોની ટૂકડીમાં નવો સૈનિક ન્યૂબી કહેવાતો હતો. ગુજરાતી લેક્સિકન અનુસાર 'નવો નિશાળિયો' એટલે સમજ પાકી નથી એવો, શીખાઉ, બિનવાકેફ, અણ માહિતગાર. ન્યૂબી શબ્દનો એક વૈકલ્પિક સ્પેલિંગ Noobieને ટૂંકું કરીને આજનો શબ્દ'નૂબ' બન્યો. નૂબ એટલે એવો માણસ જે ગેમિંગ માટે નવો છે, ગેમિંગનાં વિચાર કે વિભાવનાની જેને કોઈ સમજ નથી, કોઈ અનુભવ નથી. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી જો કે એ સ્પષ્ટ કરે છે કે નૂબ એવી કોઈ પણ વ્યક્તિઓ વિષે વાપરી શકાય, જેઓ જે તે પ્રવૃતિ માટે નવી છે, જેઓએ હજી શરૂઆત જ કરી છે. હાસ્યનાં પર્યાય એવા જ્યોતીન્દ્ર દવે સાહેબનો  'મારી વ્યાયામ સાધના' પાઠ યાદ છે? દૂબળું પાતળું શરીર લઈને પહેલી વખત અખાડામાં જવું અને દંડ બેઠકથી શરૂઆત કરવાને બદલે સીધો કુસ્તી કરવાનો આગ્રહ સેવવો- એ 'નૂબ' માણસનાં લક્ષણ છે. એવાં લક્ષણ હાસ્ય નિષ્પન્ન કરે છે. નૂબને સમજણ ઓછી હોય. એટલે ખરાબ રીતે હારે. પણ ચંચૂપાત સઘળે કરે અને એટલે જાણકારોને ગુસ્સો આવે. 'ન્યૂબી' અને 'નૂબ' બંને શબ્દો નવાં નિશાળિયાં માટે વપરાય. બંનેનો વિરોધાર્થી શબ્દ 'પ્રો' છે, જે પ્રોફેશનલ શબ્દનું ટૂંકું રૂપ છે. પ્રોફેશનલ એટલે જે તે વ્યવસાયનાં વિશિષ્ટ ગુણ કે લક્ષણ ધરાવતી વ્યક્તિ. આમ પણ માનાં પેટમાંથી કોઈ શીખીને આવતું નથી. આજનો 'પ્રો' એ ગઇકાલે 'ન્યૂબી' કે 'નૂબ' હતો.જે તે વ્યવસાયનાં વિશિષ્ટ ગુણ કે લક્ષણ એમાં નહોતા. પણ ન્યૂબીમાં શીખવાની ધગશ છે, જ્યારે નૂબ પોતે એવો નવોસવો છે જેને કશી સમજણ નથી અને છતાં જે તે ક્ષેત્રમાં ઝંપલાવીને અન્ય 'પ્રો'ને હેરાન કરે છે. ગુજરાતીમાં 'અકલમંદ' અને અકલમઠો એવા બે શબ્દો છે. અકલમંદ ફારસી મૂળનો શબ્દ છે, જેનો અર્ર્થ 'મંદબુદ્ધિ' નથી! ફારસી ભાષામાં 'અકલ' એટલે બુદ્ધિ  અને 'મંદ' એટલે 'વાળો'. અકલમંદ એટલે બુદ્ધિવાળો પણ 'અકલમઠો' એટલે જેમાં અકકલ નથી એવો. હવે રાજકારણમાં આવી નૂબ વ્યક્તિ કોણ છે જેની તરફ મોદી સાહેબનો ઈશારો હતો? અમે અલબત્ત મરીનું નામ મગ પાડવા માંગતા નથી. અમે તો લેખક છીએ, 'રાકા' નથી. આ તો ઇંગ્લિશ ભાષાવાળા બધા શબ્દોને ટૂંકા કરે તો અમને પણ થયું કે અમે પણ 'રાજકારણી' શબ્દને ટૂંકો કરીને 'રાકા' કરીએ. આજકાલ ચૂંટણી ચાલે છે. ચૂંટણીમાં રાકાઓનો રાફડો ફાટે એ સ્વાભાવિક છે. રાજકારણ વિષે ઘણાં લોકો કાં તો ન્યૂબી છે કાં નૂબ. અમે પણ એમાં આવી ગયા! ચૂંટણી અલબત્ત લોકશાહીનો તહેવાર છે અને ઓછા નકામા માણસને ચૂંટવાનો અવસર છે. નવાં નિશાળિયાઓનો ય કોઈ દિવસ આવે. હેં ને?

શરૂઆતમાં સૌ કોઈ ન્યૂબી જ હોય છે. શીખાઉ માણસનાં મનમાં ઘણી શક્યતાઓ પાંગરતી હોય છે. જે શીખી ચૂક્યા છે એ માણસનાં મનમાં જૂજ શકયતા હોય છે. શીખવું હોય તો એનો ય પ્રોટોકોલ હોય છે. આપણી ગુરુ શિષ્ય પરંપરા ગજબની હતી. કૃષ્ણ ભગવાને પણ સુદામા સાથે સાંદીપની ઋષિનાં આશ્રમમાં રહીને અનેક શ્રમકાર્ય કર્યા બાદ વિદ્યા મેળવી હતી. ન્યૂબી માટે એ ધર્મ હતો. પણ 'મને બધું આવડે'- (એમબીએ)નો ફાંકો મનમાં હોય તો એવો નિશાળિયો નૂબ કહેવાય. હેં ને?

શબ્દ શેષ:

'આપણે સૌ શીખાઉ છીએ, ઘણાંને જો કે એ સમજવામાં વાર લાગે છે.' 

- ચક મિલર

Gujarat