For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૉલીઆમોરી : એકીસાથે અનેક જોડે પ્રેમ

Updated: Feb 20th, 2024

પૉલીઆમોરી : એકીસાથે અનેક જોડે પ્રેમ

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- પૉલીઆમોરી સંબંધમાં વફાદારી, ઈમાનદારી, વિશ્વાસ, પ્રામાણિકતા ફરજિયાત છે. 

ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,

કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,

કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,

બધાંને લઈ આવ..

-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

ઇ ન્ડિયન એક્સપ્રેસ લખે છે કે પૉલીઆમોરી 'ચીટિંગ' માટેનો બીજો (સમાનાર્થી) શબ્દ નથી. આધુનિક ભારતમાં પૉલીઆમોરી (Polyamory) લોકપ્રિય થઈ રહી છે. એક સર્વેમાં ભારત દેશનાં ૬૧% કુંવારા ભાયડાઓને એકસાથે એકથી વધારે નૈતિક પ્રેમસંબંધ સ્થાપવામાં રસ છે. એકથી વધારે સાથેનાં સંબંધ નૈતિક કઈ રીતે હોઈ શકે? પુરાણમાં ઘણાં દાખલા છે. કૃષ્ણ ભગવાનને આઠ પટરાણીઓ હતી. દ્રૌપદીને પાંચ પતિ હતા. આપણે આ સંબંધોને અનૈતિક નથી કહેતા. આજનો શબ્દ એક બીજાને ગમતાં રહીએ-થી આગળ વધે છે. જુઓને, એનાં ધ્વજમાં વચ્ચે દિલનો સિમ્બોલ છે ત્યાં અનંત(ઇન્ફિનિટી)નું નિશાન પણ છે. સને ૧૯૮૦ની  'જ્વાલામુખી' નામની એક ફિલ્મમાં હીરોઈન શબાના આઝમીને શત્રુઘ્ન સિંહા અને વિનોદ મહેરા, બંને સાથે પ્રેમ હોય છે. ગીત પણ છે કે... 'તેરે બિના ભી નહીં જી શકતે ઔર તેરે બિના ભી નહીં જી શકતે; હોના કિસી એકકા હૈ યે હમકો પતા હૈ, મગર કયા કરે દિલસે મજબૂર હૈ!' તે સમયે પાલીઆમોરી પ્રચલિત નહોતી, નહીં તો હીરોઈનને આટલું કન્ફ્યુઝન ન થાત. 

પૉલિઆમોરી એટલે પૉલોઇ+આમોરી. ગ્રીક શબ્દ 'પૉલોઇ' એટલે બહુ/એકાધિક. લેટિન શબ્દ 'આમોરી' એટલે પ્રેમ. પોલીઆમોરી એટલે એકસાથે એકથી વધારે વ્યક્તિઓ વચ્ચે રોમેન્ટિક સંબંધો હોવા તે. એકથી વધારે સાથે સેક્સનો પણ કોઈ છોછ નથી. પણ એવું હોય જ, એ પણ જરૂરી નથી. એટલું ચોક્કસ કે અહીં સાથે રહેવા માટે દરેકની સહમતિ આવશ્યક છે. અને હા, પ્રેમ તો લઘુત્તમ સાધારણ અવયવી છે. પ્રેમ તો હોવો જ જોઈએ. ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ પૉલીગામી (ઁર્નઅયચસઅ) પણ છે. 'પૉલીગામી' એટલે બહુપતિત્વ અથવા બહુપત્નીત્વ. એક ભાયડો અને અનેક બાયડીઓ અથવા એક બાયડી અને અનેક ભાયડાઓ લગ્ન કરીને સાથે રહે, એ પૉલીગામી. એવું પણ બને, કદાચ ચોક્કસ બને કે પતિને નવી વધારે ગમતી હોય અને જૂની તરફ એનું ધ્યાન ઓછું રહે. નવી જૂની વચ્ચે પછી સતત નવાજૂની થતી જ રહે! પણ પૉલીઆમોરીમાં લગ્ન કર્યાં વગર બધા એખલાસથી સાથે રહે. અમને આ 'એખલાસ' શબ્દ ગમે છે. અરબી શબ્દ 'ઇખલાસ' પરથી ગુજરાતી ભાષામાં આવેલો શબ્દ 'એખલાસ' એટલે નિર્મળ પ્રેમ, ગાઢ સંબંધ, સંપ, ઘરોબો, સહૃદયતા. બધા નક્કી કરે. અને સૌ સહમત. પેલો પેલી સાથે હોય ત્યારે પેલાને પેલી સાથે મઝા કરવામાં કોઈ બાધ નહીં. તેમાં વળી પાછા બધા ભેગા મળે ત્યારે પેલો પાછો પેલી તરફ વળે, એમ પણ બને. મુક્ત પ્રેમ. ટૂંકમાં, ઈર્ષ્યા બળતરાનો ભાવ મનમાં લગીરે ન આવે. શંકા કુશંકા પણ નહીં. એકમેક પર વિશ્વાસ. એકબીજાને પૂર્ણ ટેકો. એક બીજાને વહાલ કરે અને એક બીજાની વહારે પણ આવે. કોઈ બંધન નહીં. હમ સાથ સાથ હૈ. દીવાનખંડમાં પણ અને શયનખંડમાં પણ. વફાદારી એક સાથે જ હોય એવું નથી. પણ હા, પોતાના ગૃપની બહાર લંગર લડાવવાની છૂટ બિલકુલ નથી. એ અનૈતિક છે. એ વ્યભિચાર છે. પૉલીઆમોરી ઊંડો અને પ્રતિબદ્ધતાયુક્ત સંબંધ છે. જવાબદારીપૂર્વકનો સંબંધ છે. છૂટક જલસો કરી લેવો, એવો અર્થ અહીં જરા ય નથી. 

પૉલીઆમોરી સંબંધમાં વફાદારી, ઈમાનદારી, વિશ્વાસ, પ્રામાણિકતા ફરજિયાત છે. ત્રણ વ્યક્તિઓની પૉલીઆમોરી પ્રચલિત છે પણ ચાર, પાંચ કે વધુ પણ હોઈ શકે. એક રસોડે જમવું, એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવું, ફરવા સાથે જવું, ટેકો આપવો, પ્રેમ કરવો વગેરે. આ પદ્ધતિનું કોઈ સ્ટાન્ડર્ડ મૉડેલ નથી. એ તો વિચારો કે બે વ્યક્તિઓનાં સ્વભાવમાં, ગમાઅણગમામાં, ક્યારેક તો આસમાન જમીનનો ફેર હોય છે તો આ તો બેથી વધારે વ્યક્તિઓની વાત છે. એમાં માત્ર કોમન ઇન્ટરેસ્ટની વાતથી નહીં ચાલે. અહીં ચર્ચા અને બાંધછોડ- બંનેની સરખી ભૂમિકા છે. કમ્યુનિકેશન એટલે જ પાયાની જરૂરિયાત છે. ગૌરવયુક્ત વર્તન અને માન સન્માન પણ અહીં એટલું જ આવશ્યક છે. આપે જોયું હશે કે બે વ્યક્તિઓનાં સંબંધમાં પઝેસિવનેસ આવી જતી હોય છે. મારો પતિ કે મારી પત્ની. એક માલિકી હક્કની ભાવના. બીજી સામે જુએ તો પતિનું તો આવી જ બને. મૈં જો બોલું હા તો હા, મૈં જો બોલું ના તો ના.. પૉલીઆમોરી સંબંધમાં પઝેસિવનેસ ચાલે જ નહીં. હા, એવું ખરું કે શરૂઆતમાં બે વ્યક્તિઓ મળી હોય તો એ પ્રાયમરી પૉલીઆમોરી સંબંધ ગણાય. પણ સેકન્ડરી સંબંધમાં પણ એટલી જ નિષ્ઠા જરૂરી. માત્ર પ્રેમ અને શરીર સંબંધ પૂરતી આ વાત મર્યાદિત નથી. પૈસાની વાત આવે, એક બીજા માટે કાંઈક કરી છૂટવાની વાત આવે ત્યારે એડજસ્ટમેન્ટ કરવું ઘણું અઘરું છે. પૉલીઆમોરી સંબંધ આમ ઉપરછલ્લી રીતે જલસો છે એવું લાગે. પણ આ લાંબા ગાળાની વ્યવસ્થા છે અને અહીં નિભાવવું ઘણું અઘરું છે. અમુક ધર્મને બાદ કરતાં કાયદા અનુસાર આ લગ્ન તરીકે માન્ય નથી. પૉલીઆમોરી સંબંધમાં જોડાયેલી વ્યક્તિઓ વચ્ચે વિખવાદ થાય તો કાયદા અનુસાર છૂટાછેડાની જોગવાઈ નથી. ભરણપોષણ મળે એવી સગવડ પણ નથી. પૉલીઆમોરી સહેલી વાત નથી. પણ પ્રેમ થઈ જાય તો આ શબ્દરૂપી એક અવિધિસરની વ્યવસ્થા તો છે.

એક સાથે હોય કે એકીસાથે અનેક સાથે હોય, પ્રેમ હોય તો એમાં કશું જ ખોટું નથી. પ્રેમ ઉચ્છૃંખલ પ્રક્રિયા નથી. પ્રેમ એ પ્રેમ છે. કરવો જરૂર. જે રીતે થાય એ રીતે. 

શબ્દશેષ :

'હું માનું  છું કે ન તો તમે તમારી સેક્સ્યુઆલિટી પસંદ કરી શકો, ન તો એને કંટ્રોલ કરી શકો. હું માનું છું કે વિશ્વાસ એ એક પત્નીત્વ કરતાં વધારે અગત્યની વાત છે.' 

- પૉપ ગીત 'એફર્મેશન', 'સૅવિજ ગાર્ડન'નાં શબ્દો

Gujarat