For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ટેવ'ની બાબતમાં માણસે કઈ છ બાબતો યાદ રાખવી?

Updated: Mar 26th, 2024

'ટેવ'ની બાબતમાં માણસે કઈ છ બાબતો યાદ રાખવી?

- એક જ દે ચિનગારી-શશિન્

- માણસ જિંદગીનો મોટો ભાગ  સુટેવોની આરાધનામાં ગાળતો હોત તો આ યુગ 'કળિયુગ' કહેવાવાના કલંકમાંથી બચી શકત

મા ણસની જિંદગીમાં ટેવ અથવા આદતની પકડનું ખૂબ જ મહત્વ છે. જે ટેવ કે કુટેવથી માણસ પ્રભાવિત થાય છે તે સહેલાઇથી છૂટતી નથી. એટલે જ કવિવર્ય દલપત રામ કહે છે કે 'પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?' વાનરની વાંકી પૂંછડીને બાર વર્ષ સુધી ભોંયમાં દાટી રાખો તોય એ વાંકી ને વાંકી જ રહે છે.

ટેવ એટલે વર્તણૂક, રીતભાત, વહીવટ, લત, રીત, ગુણ, ચાલ.

માણસ કેટલીક ટેવો યાંત્રિક રીતે જ કામ કરતી હોય છે. આગળ શું કરવું તેના વિચાર કર્યા સિવાય જેનાથી તે ટેવાએલો હોય તે મુજબ કાર્ય થયા જ કરે છે. 'પ્રસન્નિકા' કોશમાં તેનાં કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યાં છે : સીડી ઉતરતાં આપણે એક-એક પગથિયું બરાબર જોઈને, કઠેડો પકડીને સાવધાનીથી નથી ઉતરતા પણ સડસડાટ ઉતરી જઈએ છીએ. નહાવા-ધોવામાં, દરેક પળે આપણે વિચાર કરવા થોભતા નથી કારણ કે એવાં કામોની આપણને બાળપણથી જ ટેવ પડી ગઈ હોય છે. અમુક કાર્યો વારંવાર કરવાથી ટેવ પડે છે. માણસના દિમાગમાં તેના હલન ચલનના આદેશો અંકિત થએલા હોય છે. આવાં કામો આપણે વિચાર્યા જ વિના સ્વાભાવિક રીતે જ કરીએ છીએ. આવી વર્તણૂક આનુવંશિક બને ત્યારે તે ટેવ કહેવાય છે. ટેવ આનુવંશિક બને ત્યારે તેને સ્વયંપ્રેરણા કહે છે.

આપણી રહેણી કરણી ટેવોની જ બનેલી છે. કપડાં પહેરવાં, બટન, બંધ કરવાં, પગરખાં પહેરવાં, ચમચી વાપરવી, દંતમંજન કરવું, અંધારા ઓરડામાં પ્રવેશતા લાઇટ માટે સ્વીચ દબાવવી, ટ્રાફિક સર્કલમાં ગ્રીન સિગ્ન મળે ત્યારે વાહન ચાલુ કરવું આ બધી સહજ રીતે કામ કરતી ટેવો છે. કામ કરવાની જરૂર પડે ત્યારે આપણે કામ કરીએ છીએ. જીવનમાં ટેવનું અસાધારણ મહત્વ છે. ક્રોધ કરવાનું કોઈને શીખવવું પડતું નથી. પણ જેનો સ્વભાવ ક્રોધી હોય તે આપોઆપ ક્રોધ કરી બેસે છે. જેમ જેમ ઉમ્મર વધે છે તેમ-તેમ ટેવમાં વધારો થતો જાય છે.

બાળકમાં આપણે ધારીએ તેવી ટેવો પાડી શકીએ છીએ. વૃધ્ધ માણસ તો ટેવોનો ભંડાર હોય છે. ટેવ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ. ખરાબ ટેવ કુટેવ કહેવાય છે. કુટેવ કાઢવાનું અઘરું છે. ધીરજપૂર્વક શુધ્ધ દાનતથી પ્રયત્ન કરવામાં આવે તો તેની પકડમાંથી છૂટી શકાય છે. નુકસાનકર્તા કે હાનિકારક ટેવને વ્યસન કહેવામાં આવે છે. આવાં વ્યસનોની માણસની તલપ લાગે છે. અરે એ તલપને સંતોષવા તે ધમપછાડા કરે છે. કુટેવ સચ્ચિરિત્રશીલતાની શત્રુ છે. બીડી, સિગારેટ, મદિરાપાન એ બધાનો ખતરનાક ટેવોમાં સમાવેશ થાય છે. એવી ટેવોમાં માણસ માનસિક સંતુલ ગુમાવી બેસે છે. ગાળા-ગાળી કરે છે, મારઝૂડ કરે છે. વિવેકભ્રષ્ટ બને છે. અને કુટેવથી પરાજિત થઇને આત્મહત્યા કરવા સુધીનાં સાહસ કરી બેસે છે. કુટેવનાં વિષ સરળતાથી મગજમાં પ્રવેશી રાસાયણિક ફેરફારો કરે છે. થોડાક સમયમાં જ આ પદાર્થોપ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જન્મે છે. તેના સિવાય માણસને બીજું કશું સૂઝતું નથી. આવી કુટેવો પડયા પછી તેમાંથી છૂટકારો મેળવવો મુશ્કેલ બને છે. એટલે શ્રેષ્ઠ માર્ગ એ છે કે કુટેવોને માણસે પોતાની મહેમાન ન બનાવવી. કુટેવો ભયાનક ડાકૂઓ છે જે માણસનું સર્વસ્વ લૂંટીને તેને બરબાદ કરી નાખે છે. જેમ ગોળ સાથે લિંબોળી ખાધા છતાં લિંબોળી પોતાની કડવાશ છોડતી નથી તેમ સજ્જનોના નિકટ રહેવા છતાં પોતાની કુટેવોના પંજામાંથી મુક્ત થઈ શકતો નથી. માણસ અસભ્ય કે અસંસ્કૃત વર્તન કરતાં શરમાતો નથી. આળસુ બની બેઠાડુ જીવનમાં તેને આનંદ આવે છે. પરિણામે પોતાનાં કમાણીનાં સાધનોને તે ઠોકર મારે છે અને સમાજ કે જાહેર જીવનમાં તે બદનામ થઈ જાય છે.

કુટેવ જીવતા માણસની કબર છે, જે માણસ જાતે જ તૈયાર કરે છે. આળસની આ કબરમાં સદ્ગુણો દફન થઇ જાય છે. કુટેવગ્રસ્ત માણસને ધર્મોપદેશ સાંભળવો ગમતો નથી. ઉપદેશ તેને માટે કુટેવ મુક્ત થવાનું નહીં પણ વિષવર્ધનનું જ કામ કરે છે. કુટેવોએ ભલભલા રાજા-મહારાજાઓને ધૂળધાણી કરી નાખ્યા છે. કુટેવ એક પ્રકારની આસક્તિ છે. કુટેવગ્રસ્ત માણસને નથી હોતી પોતાની પત્ની વહાલી કે નથી હોતાં મા-બાપ અને સંતાનો. એને મન પોતાની બૂરી આદત જ સર્વસ્વ હોય છે. આદર્શ વર્તણૂક અને વ્યવહાર કેવાં હોવાં જોઈએ એના સંદર્ભો મનીરામ દ્વિવેદી 'નવીન' લિખિત પંક્તિઓ પ્રેરક છે.

'દેખલિયા કિસીકો

બુરી દ્રષ્ટિ સે

તો બુરે પાપ

લે ચુકે લે ચુકે

રંચ દુખાયા દિલ

કિસીકા તો અભિશાપ

લે ચુકે લે ચુકે.

કિંચિત લગા દાગ

ચરિત્ર મેં,

તો અનુતાપ કો

લે ચુકે-લે ચુકે.

નીતિમેં જો નવીન

ન ચલે કભી

તો દુઃખ પાપકા

લે ચુકે લે ચુકે.

આદત કે ટેવ વિશેના મુહાવરા પણ ધ્યાનમાં લેવા જેવા છે : જેમ કે

* ટેવ પડવી એટલે લત લાગવી.

* ટેવ છોડવી એટલે કે આદતથી મુક્ત થવું.

* ટેવ છૂટવી - એટલે આદત પ્રત્યે આસક્તિ ન રહેવી.

જેમ સુટેવો કે પોતાની માન્યતામાં માણસ દ્રઢ હોય છે. કોઈ એક મહાત્માનો શિષ્ય તીર્થયાત્રા કરવા ગયો. તે જ્યારે પાછો ફર્યો ત્યારે ગુરૂના રહેઠાણ પાસેનો એક માણસ તેને મળ્યો. તેણે પેલા શિષ્યને પૂછ્યું : 'ક્યાં જાઓ છો ?' શિષ્યે કહ્યું.

'ગુરૂના દર્શને જાઉં છું.' પેલા માણસે કહ્યું : 'તમારા ગુરૂનું તો અવસાન થઇ ગયું છે.' શિષ્યે કહ્યું : 'હું જઈને તેમનો અગ્નિસંસ્કાર કરીશ.' પેલા માણસે કહ્યું : તમારા ગુરૂનો અગ્નિસંસ્કાર પણ થઈ ગયો છે. શિષ્યે કહ્યું : હું તેમના અસ્થિને ગંગામાં પધરાવીશ.' પેલા માણસે કહ્યું, 'તમારા ગુરૂનાં અસ્થિ પણ ગંગામાં વિસર્જિન થઈ ગયાં છે.'

શિષ્યે કહ્યું : 'હું તેમની પાછળ ભંડારો કરીશ.' પેલા માણસે કહ્યું : 'ભંડારો પણ પતી ગયો છે. શિષ્યે કહ્યું કે, ગુરૂના નિવાસસ્થાનનું દર્શન કરીશ. ગુરૂના નિવાસસ્થાને જઇને જોયું કે ગુરૂતો જીવિત છે ! રસ્તામાં પેલા માણસે જે કાંઈ કહ્યું હતું તે ગુરૂને કહી સંભળાવ્યું. ગુરૂએ કહ્યું કે તે માણસ જુઠ્ઠો નથી. એક શાહુકાર આવ્યો હતો. તેણે મને ચાર ઘડી ઈશ્વરથી વિમુખ કર્યો હતો. એ ઘડી મારું મરણ સમજ. તે ગૃહસ્થ ગયો એટલે મારું મન મેં પરમાત્મામાં પરોવ્યું ત્યારે જ હું સાચા અર્થમાં જીવિત થયો. આ મારો બીજો જન્મ છે. જેનું મન ઇશ્વરમાંથી હટી જાય તે જીવિત હોવા છતાં મૃત સમાન છે. પેલા શિષ્યની આત્મશ્રધ્ધાની ટેવ મજબૂત હતી. જે સુટેવોનો ઉપાસક હોય તેના મનને કોઈ વિચલિત કરી શકતું નથી. માણસ પોતાની જિંદગીનો મોટો ભાગ જાણે-અજાણે કુટેવોની આરાધનામાં ગાળે છે તેને બદલે સુટેવોની ઉપાસનામાં ગાળતો હોત તો આ યુગ કળિયુગ કહેવાવાના કલંકથી બચી શકત. ટેવની બાબતમાં કઈ છ બાબતો યાદ રાખવી ?

૧. મનને ક્યારેય શિથિલ બનવા ન દેવું.

૨. સદ્વાચન, સદ્ચિંત અને સદુપદેશનું શ્રવણ કરવું.

૩. કુટેવોને મનમાં પ્રવેશવા ન દેવી. એક વાર તે પગ પેસારો કરે તે પછી તેને હટાવવાનું દુષ્કર હોય.

૪. જીવનને સદ્ગુણોથી નિયમબદ્ધ કરવું. કુટેવો પડી હોય તો ધીરજપૂર્વક તેને હટાવવાનો પ્રયત્ન કરવા.

૫. હાનિકારક ટેવને વ્યસન કહેવામાં આવે છે એ લત બની મગજનો કબ્જો લઈ જીવનને બરબાદ ન કરે તે જોવું.

૬. હંમેશાં સાચું બોલવાની ટેવ પાડવી એનાથી કદાચ નુકસાન થાય તો પણ.

Gujarat