Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
10 Aug 20264 mins read
સહિયર સમીક્ષા
  • મને એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ તે બીજી જ્ઞાાતિનો છે. મારા મમ્મી-પપ્પાની ઇચ્છા છે કે હું મારી જ્ઞાતિમાં જ લગ્ન કરું.

હું ગર્ભવતી છું મને બે મહિના થયા છે. સવારે મને ઘણા ચક્કર આવે છે અને ઉલ્ટીઓ થાય છે. તો મારે શું કરવું જોઈએ.
એક યુવતી (મુંબઈ)

  • ગર્ભાવસ્થા દરમિયાન સવારે આમ થવું સામાન્ય છે. પેટ ખાલી હોય તો આ સમસ્યા વધી શકે છે. સવારે ઉઠયા પછી બિસ્કિટ સાથે ચા કે દૂધ લેવાની ટેવ પાડો. ખાલી પેટ રહો નહીં. દિવસ દરમિયાન કાર્બોહાઈડ્રેડ યુક્ત આહાર લો. ચરબીવાળો ખોરાક લેવાનું ટાળો સામાન્ય રીતે ત્રણ મહિના પછી આ ફરિયાદ દૂર થઈ જાય છે. ઉપર જણાવેલા ઉપાયો અજમાવ્યા પછી પણ ફાયદો થાય નહીં તો તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. તેઓ તમને ઉલ્ટી બંદ કરવાની દવા આપશે.
    મને ચાર મહિનાનો ગર્ભ છે. છેલ્લા કેટલાક દિવસોથી મને કમરમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે. આ કારણે મને ઘણી તકલીફ થાય છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
    એક યુવતી (મુંબઈ)
  • ગર્ભાવસ્થા દરમિયાન કમર દર્દ સામાન્ય છે. સાધારણ રીતે માંસપેશિઓમાં તણાવ આવવાને કારણે આમ થાય છે. આ માંસપેશિઓ ગર્ભાશયને સહારો આપે છે. ગર્ભાશયનો વધતો જતો આકાર પણ આ દુ:ખાવા માટે જવાબદાર છે. કમર દર્દ સાથે સફેદ પાણી કે બ્લિડિંગ હોય તો તાબડતોબ ડોકટરની સલાહ લો.
    મારી પુત્રી ૧૭ વર્ષની છે. તેનું માસિક શરૂ થયે દોઢ વરસ થયું છે. પિરિયડ દરમિયાન તેને ૬-૭ દિવસ સુધી બ્લિડિંગ થાય છે અને માસિક પણ ૨૦-૨૨ દિવસોમાં આવી જાય છે. આ કારણે મને ઘણી ચિંતા થાય છે.
    એક મહિલા (ભાવનગર)
  • ચિંતા કરવાની જરૂર નથી. શરૂઆતના દિવસોમાં વધુ રક્તસ્ત્રાવ થવો એ સામાન્ય છે. આ ઉંમરમાં અંડ ગ્રંથિઓ બરાબર કામ કરતી નથી. તેમજ હાર્મોનના સ્તરમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. જેને કારણે વધુ રક્તસ્ત્રાવ થાય છે. તેમજ માસિક અનિયમિત રહે છે. આમ છતાં પણ તમે તેનું ચેકઅપ કરાવો અને તેના રક્તમાં હેમોગ્લોબિનનું સ્તર બરાબર છે કે નહીં એ જાણી લો. ડૉકટરની સલાહ મુજબ તેને આયર્નની ગોળીઓ પણ આપવી જોઈએ જેથી તે એનિમિક બને નહીં. આ ઉપરાંત થાયરોઈડ અને સોનોગ્રાફી કરાવીને તેને બીજી કોઈ તકલીફ નથી એની પણ તપાસ કરાવો. આથી કોઈ ગાયનોકોલોજીસ્ટની સલાહ લેવી યોગ્ય છે.
    મારા કાકાની પુત્રીના વેવિશાળ થયે બે મહિના થયા છે. કોઈ ધાર્મિક કારણને લીધે તેના લગ્ન ચાર મહિના આઘા ઠેલાયા છે. તેનો ફિયાન્સે તેને ભાગીને લગ્ન કરવા કહે છે કારણ કે તેઓ એકબીજાને ઘણો પ્રેમ કરે છે. અને એકબીજા વિના રહી શકતા નથી, પરંતુ મારી બહેન તેના મમ્મી-પપ્પાથી ડરે છે. તેણે શું કરવું જોઈએ?
    એક યુવતી (સુરત)
  • ચાર મહિનાનો ગાળો મોટો નથી. ધાર્મિક કારણને માન આપવું જોઈએ. આ દરમિયાન બન્ને એકબીજાને મળી શકે છે. ભાગી જવાથી ઘણા લોકોને બિનજરૂરી તકલીફ અને દુ:ખ થશે. તેમને ધીરજ રાખવાનું કહો. માતા-પિતાએ આ નિર્ણય સમજી વિચારીને જ લીધો હશે. અને ચાર મહિનામાં કંઈ ખાટું-મોળું થવાનું નથી. આ સમય તો ચપટી વગાડતા પૂરો થઈ જશે.
    હું ૨૪ વર્ષની છું. મારા મમ્મી-પપ્પાનું એકમાત્ર સંતાન છું. મને એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ તે બીજી જ્ઞાાતિનો છે. મારા મમ્મી-પપ્પાની ઇચ્છા છે કે હું મારી જ્ઞાાતિમાં જ લગ્ન કરું. છેલ્લા ચાર વર્ષથી હું આ યુવાનના પ્રેમમાં છું. અમે એક જ વિસ્તારમાં રહીએ છીએ. મારે શું કરવું એ જણાવશો.
    એક યુવતી (અમદાવાદ)
  • તમારે તમારા મમ્મી-પપ્પાને તમારા દિલની વાત જણાવવી જોઈએ. તેમને સમજાવવાનો પ્રયાસ કરો. હવે જમાનો બદલાઈ ગયો છે. નાત-જાતના બંધનો રહ્યા નથી એ વાત તેમને ગળે ઉતારવાના પ્રયાસો કરો. તમને ડર લાગતો હોય તો તમારા પરિવારના કોઈ વડીલને આ વાત તેમનો સમજાવવાનું કહો. તમે પુખ્ત વયના છો. તમારા નિર્ણય જાતે લઈ શકો છો. લગ્ન જેવો ગંભીર નિર્ણય લેતા પૂર્વે ઘણો વિચાર કરજો. એ પછી તમને લાગે કે આ છોકરો તમારે યોગ્ય છે તો જ આગળ વધજો. ઉતાવળિયો નિર્ણય લઈ ભવિષ્યને જોખમમાં નાખતા નહીં.
    હું ૩૨ વરસની અપરિણીત મહિલા છું. મને એક પુરુષ સાથે પ્રેમ છે. અમારા આ પ્રેમની વાત અમારા સગા-સંબંધી તેમજ મિત્રો જાણે છે. પરંતુ હું તેને મારા મમ્મી-પપ્પાને મળવાનું કરું છું તો એ ટાળે છે. તેનો ઇરાદો શું છે એ હું સમજી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
    એક મહિલા (વલસાડ)
  • એ પુરુષનો ઇરાદો તમારી સાથે લગ્ન કરવાનો નથી. તે તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે. તેને માટે તમે માત્ર ટાઈમ-પાસનું જ સાધન હો એમ લાગે છે આથી એ પુરુષને છોડી દેવામાં જ તમારી ભલાઈ છે. અને પડતો મૂકી બીજો કોઈ યોગ્ય જીવનસાથી શોધી પરણી જાવ. તેની પાછળ સમય વેડફવાનો કોઈ અર્થ નથી.
  • નયના