Sahiyar
સહિયર સમીક્ષા
By GS Team
7 Sep 20264 mins read

- એક યુવક મને ઘણો પ્રેમ કરે છે અને તેને મારી સાથે લગ્ન કરવા છે. બીજા શહેરમાં રહેતો હોવા છતાં મારી સાથે શક્ય હોય એટલો સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે,શું મારે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ? કે પછી આ સંબંધ તોડી નાખવો જોઈએ?
હું ૧૯ વરસની છું. ૨૦ વર્ષના એક યુવક સાથે મને પ્રેમ છે. તે મને ઘણો પ્રેમ કરે છે અને તેને મારી સાથે લગ્ન કરવા છે. તે બીજા શહેરમાં રહેતો હોવા છતાં મારી સાથે શક્ય હોય એટલો સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હું તેને પ્રેમ કરતી નથી, પરંતુ પ્રેમ કરવાનો ડોળ કરું છું. કારણ કે મારે તેની લાગણીઓને ઠેસ પહોંચાડવી નથી. ધીરે તેના પ્રત્યે મારો પ્રેમ વધશે એવી આશા સાથે શું મારે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ? કે પછી આ સંબંધ તોડી નાખવો જોઈએ?
એક યુવતી (ગાંધીનગર)
- એક બાજુ તમે કહો છો કે તમે તેના પ્રેમમાં છો અને બીજી બાજુ પ્રેમનો ડોળ કરતા હોવાનું કહો છો. લાગે છે કે તમે પોતે જ તમારી લાગણીઓમાં સ્પષ્ટ નથી. આમ પણ લગ્ન જેવો ગંભીર નિર્ણય લેવા માટે તમારા બન્નેની ઉંમર નાની છે. આ ઉપરાંત લગ્નનો નિર્ણય આ રીતે લેવાય નહીં. તમારે બન્નેએ આ માટે હજુ થોડા વર્ષની રાહ જોવાની જરૂર છે. સમય વિતતા તમને શું કરવું એની ખબર પડી જશે. હમણા તો માત્ર મૈત્રી જ ચાલુ રાખો.
હું ૨૬ વર્ષની છું મને એક સંતાન છે. માતૃત્વની જવાબદારીઓ પૂરી કરતા મારી ધીરજનો અંત આવી ગયો છે અને હું વારે વારે મારો પિત્તો ગુમાવું છું. મારા આ ચીડચીડિયા સ્વભાવને કારણે મારા પતિ પણ મારાથી દૂર જતાં જાય છે. તેઓ મારી હાલત સમજી શકતા નથી. મારે શું કરવું તે બાબતે સલાહ આપવા વિનંતી.
એક બહેન (અમદાવાદ) - ગરમ મિજાજ ધરાવતા લોકો સાથે રહેવું કોઈને ગમતું નથી. માતૃત્વની જવાબદારી સંભાળવાનું કામ મુશ્કેલ અને થકવી દે તેવું છે. પરંતુ સાથે સાથે પોતાના સંતાનને ઉછેરવાનો અમૂલ્ય આનંદ પણ છે. પોતાના સંતાનની નાની-નાની વાતો પણ યાદગાર બની જાય છે. તમારા પતિ આખો દિવસ ઘરની બહાર રહે છે અને તેમને પણ ઘણંુ ટેન્શન રહેતું હશે અને ઘરમાં પણ શાંતિ મળતી નથી. આ પરિસ્થિતિમાં તેમની હાલત કેવી થતી હશે એ વિચારો. તમારી પરિસ્થિતિનું પૃથ્થકરણ કરો અને એમાંથી આનંદ મળતો હોય તેવી વાતો યાદ કરો. ઘણીવાર આ પણ કામ કરી જાય છે. દરેક માતા આ અનુભવમાંથી પસાર થાય છે. તમારી માતાને પણ તમારા ઉછેર દરમિયાન આ જ અનુભવ થયો હશે.
હું ગર્ભ નિરોધક ગોળી લઉં છું ત્યારથી સંભોગ કરવાની મારી ઇચ્છા ઓછી થઈ ગઈ છે. મારા પતિ મારી આ વાત માનવા તૈયાર નથી તેમને લાગે છે કે હવે હું તેમને પહેલા જેવો પ્રેમ કરતી નથી. શું ગર્ભનિરોધક ગોળી લેવાથી આમ થઈ શકે છે? મારી આ સમસ્યાનો કોઈ ઉકેલ છે ખરો?
એક બહેન (વલસાડ) - ઘણી વાર આ શક્ય છે. ગર્ભનિરોધક ગોળી લેવાથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર પુરુષોના હાર્મોન (ટેસ્ટોસ્ટેરોન)માં ઉણપ આવી શકે જેને પરિણામે કામેચ્છા પર વિપરીત અસર પડી શકે છે. આની માહિતી મોટા ભાગના લોકોને હોતી નથી તમારે તમારા પતિને શાંતિથી સમજાવવાની જરૂર છે. શક્ય હોય તો ગોળીઓ બંધ કરીને નિરોધ વાપરવાનું તમારા પતિને કહો. આ પછી પરિસ્થિતિ સુધરી જશે. આમા તમારો કોઈ વાંક નથી.
હું સાત વર્ષની પુત્રીની માતા છું. લગ્નના છ વર્ષ પછી અમારે ત્યાં સંતાનનો જન્મ થયો હતો. મારી પુત્રીના જન્મ પહેલા મારી સાસુ મારા પતિને બીજા લગ્ન કરવા ઉકસાવતા હતા. પરંતુ પુત્રીના જન્મ પછી તેઓ શાંત થઈ ગયા હતા. હવે તેઓ પુત્રની જીદ લઈને બેઠા છે અને હું તેમને પુત્ર આપી શકું તેમ ન હોવાથી તેઓ મારા પતિને બીજા લગ્ન કરવાની સંમતી આપવાનું મારા પર દબાણ કરી રહ્યા છે. મારે શું કરવું?
એક બહેન (અમદાવાદ) - તમારી સાથે છૂટાછેડા લીધા વિના તમારા પતિ કાયદેસર બીજા લગ્ન કરી શકે તેમ નથી. આથી આ ચિંતા છોડી દો. તમારા પતિને વિશ્વાસમાં લઈને તેમને તમારી સાસુને સમજાવવાનું કહો, આમ છતાં પણ તેઓ માને નહીં તો તમે તમારા પતિને બીજા લગ્ન કરવાની સંમતી નહીં આપવાના તમારા નિર્ણયમાં મક્કમ રહો. પુત્ર કે પુત્રીનો જન્મ પુુરુષના શુક્રાણુ પર આધારિત છે. એ વાત કોઈ ડૉકટર દ્વારા તેમને ગળે ઉતારવાનો પ્રયત્ન કરો.
- નયના




