નમસ્કાર કે શેકહેન્ડ : સમય-સંજોગો પ્રમાણે અભિવાદનની સ્ટાઇલ બદલો

આ શીર્ષક વાંચીને તમે ક્યાંય પરેશાન તો નથી થઈ ગયાને? તમે વિચારતાં હશો કે અમે તમને તમારી સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જવા માટે કહી રહ્યા છીએ, પરંતુ એવું નથી. અમે અહીં નવી પેઢી, નવા વિચાર અને ભૌતિકવાદના સંદર્ભમાં ભારતીય નારીના વ્યવહાર અને સાચી પરિસ્થિતિ તેમ જ મૂક વાર્તાલાપ અને શબ્દવિહીન સંદેશાઓ પર વાતચીત કરી રહ્યા છીએ, જે અજાણતાંં જ આપણું શિક્ષણ તેમ જ સુસંસ્કૃત વ્યવહારનો પરિચય કરાવે છે.
વાસ્તવમાં આજની નારી આધુનિક પણ છે, કારણ કે આજની જરૂરિયાત અનુસાર તેણે શિક્ષણ પ્રાપ્ત કરી પોતાની કારકિર્દી બનાવી, નોકરી કરવાની શરૂ કરી. ઓફિસમાં સારું વ્યક્તિત્વ જોઈએ તેથી ફેશન અપનાવી, પરંતુ તે ગભરાઈ ગઈ કે પોતાના પુરુષ સહકર્મચારીઓ સાથે કેવો વ્યવહાર કરવો, શું ભારતીય સંસ્કૃતિના નામ પર દર વખતે માત્ર હાથ જોડીને નમસ્કાર જ કરતી રહે કે પછી પોતાનાં વ્યક્તિત્વમાં વધારો કરીને એક વ્યાવસાયિક વ્યક્તિની જેમ ઓફિસમાં પોતાના સહયોગીઓની સાથે મળીને કામ કરે.
ખરેખર તો સ્ત્રીએ પોતાના વિચારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. હવે તે અબળા, અસહાય કે વિવશ નથી રહી, પરંતુ સબળ, શિક્ષિત અને સક્ષમ બની છે. સ્ત્રી કે પુરુષ ગમે તે મળે, પરંતુ પુરુષોની જેમ તે પણ નમસ્કારને બદલે શેકહેન્ડ કરી શકે છે.
અગાઉ રોમમાં એકબીજાને મળતાં ત્યારે છાતી પર હાથ મૂકીને અભિવાદન કરવામાં આવતું હતું, પરંતુ પાછળથી એકબીજાની કોણી પકડવાનો રિવાજ શરૂ થયો. ત્યાર બાદશેકહેન્ડનો આધુનિક રિવાજ શરૂ થયો. જેને હાથ મેળવવાનું કહેવામાં આવે છે, એમાં બે વ્યક્તિ હથેળીઓ મેળવીને એકબીજાનું અભિવાદન કરે છે, જે વિશાળ દિલ અને એકતાનું પ્રતીક છે.
વિદેશોમાં હાથ મેળવતી વખતે સ્ત્રીપુરુષનો ભેદભાવ માનવામાં આવતો નથી. કારણ કે સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષોની જેમ બધાં જ કામ કરતી હોય છે. હવે આપણે ત્યાં પણ આવી જ પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે. એટલા માટે જો સ્ત્રીઓ હાથ મેળવીને અભિવાદન કરે તો તેમાં જરા પણ ખોટું નથી. પછી ભલે તમે બીજી સ્ત્રી સાથે હાથ મેળવતા હોય કે પુરુષ સાથે, બસ આત્મવિશ્વાસ સાથે શેકહેન્ડ કરો.
તમે કેવી રીતે શેકહેન્ડ કરો છો તેનાથી તમારા વિચારો પ્રગટ થાય છે. જો તમારા હાથમાં થોડું પણ કંપન કે પરસેવો હોય તો સામેની વ્યક્તિ એમ જ સમજશે કે તમે નર્વસ છો, તમે ગભરાઈ રહ્યા છો. જો ખૂબ જ ઢીલા હાથે તમે શેકહેન્ડ કરશો તો હાથ મેળવનારને એવું લાગશે કે તમે માત્ર ઔપચારિકતા નિભાવી છે અને એનો કોઈ ખાસ અર્થ નથી.
હાથ વધુ પડતા દબાવીને મેળવશો તો બંને વ્યક્તિઓ વચ્ચે મિત્રતા અને સહયોગની ભાવના ઝળકે છે. બે મહિલાઓ જો આવી રીતે હાથ મેળવે તો તેમનાં મનની ભાવના પ્રગટ થાય છે. સારું એ જ રહેશે કે પુરુષો સાથે શેકહેન્ડ કરતી વખતે હાથ પર વધુ દબાણ આપશો નહીં, કારણ કે કેટલીક વાર તેનો ખોટોઅર્થ કાઢવામાં આવે છે. પુરુષ કોઈ પણ સ્ત્રીની પાછળ ત્યારે જ પડે છે કે જ્યારે તે મહિલા પોતે કમજોર હોય અથવા તો તેનાં દિલમાં ખોટા વિચાર હોય. તેથી જ પુરુષો સાથે એક સહકર્મચારીની જેમ, પૂરા આત્મવિશ્વાસ અને ઔપચારિકતા સાથે હાથ મેળવવો, સુદ્રઢ અને સંયમિત રીતે એક વ્યવસાયકર્તાની જેમ હાથ મેળવો.
સ્ત્રીઓ પરસ્પરના બંને હાથને પકડીને, ચહેરા પર સદ્ભાવના અને મિત્રતાના ભાવ સાથે પરસ્પર અભિવાદન કરે છે.
એક સમય એવો હતો કે જ્યારે આપણાં દેશમાં બંને હાથ જોડીને નમસ્કાર કરવામાં આવતાં હતાં, તેનો અર્થ એવો થતો હતો કે હું મારા શરીરનાં પંચતત્ત્વો અને પાંચ મુખ્ય શક્તિઓની સાથે તમારું અભિવાદન કરું છું, નમસ્કારની વ્યાખ્યા બદલાઈ ને હવે માત્ર એક ખાલી ઔપચારિક્તા જ રહી ગઈ છે, આવી પરિસ્થિતિમાં શેકહેન્ડ કરવું જ યોગ્ય છે.









