Sahiyar

મોબાઇલ વહાલો કે મોત? ચૂંટી લો એક વિકલ્પ

By GS Team
28 Sep 20264 mins read
મોબાઇલ વહાલો કે મોત? ચૂંટી લો એક વિકલ્પ

કિશોરાવસ્થામાં આવેલા સંતાનોને માતા- પિતા મોબાઇલ ખરીદી આપવાની, ખાસ કરીને મોંઘોદાટ મોબાઇલ ખરીદી આપવાની ના પાડે ત્યારે રીસે ચડેલા સંતાનો જીવ આપી દે એવા પુષ્કળ કિસ્સા આપણે હમણાં સુધી સાંભળ્યા છે. પણ હવે મોબાઇલના હપ્તા ન ભરી શકવાને કારણે આયખું ટુંકાવી દેવાના બનાવો પણ બનવા લાગ્યાં છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં બનેલા એક કિસ્સામાં મોબાઇલના હપ્તા ભરવાના વિવાદને પગલે ૧૯ વર્ષના યુવક ઉપરાંત તેના માતા- પિતા પણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.
જો કે આ કેસની તપાસ આગળ ચાલવા સાથે તેમાં કોઇ નવો ફણગો ફૂટવાની શક્યતા જોવાઇ રહી છે, પરંતુ આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી જાણવા મળ્યા મુજબ હપ્તા પર લીધેલા મોબાઇલના પેમેન્ટ બાબતે ઘરમાં થયેલા વિવાદને પગલે ૧૯ વર્ષીય યુવક આત્મહત્યા કરવા પહાડ પર પહોંચી ગયો. અને પુત્રને બચાવવાના પ્રયાસમાં માતા- પિતા પણ ખીણમાં પટકાતાં ત્રણેના કરૂણ મોત થયાં. જ્યારે અન્ય એક કિસ્સામાં દિલ્હીમાં રહેતા એક ડાન્સ ટીચરે મોબાઇલના હપ્તાની ચૂકવણીના ટેન્શનને કારણે યમુના નદીમાં મોતની છલાંગ લગાવી દીધી. સદનસીબે પોલીસની તત્કાળ કાર્યવાહીએ તેમની જાન બચાવી લીધી. પરંતુ મોંઘો મોબાઇલ ખરીદવાનો મોહ તેમને મોતના મુખ સુધી દોરી ગયો હતો.
હવે એ વાતમાં કશું નવું નથી રહ્યું કે લોકો એકબીજાની દેખાદેખીમાં પોતાના ગજા બહારના મોબાઇલ ખરીદવા લલચાય છે. અને તેમાં યુવકો અને યુવતીઓ મોખરે છે. ચાહે તે ઉચ્ચ શિક્ષિત હોય કે સામાન્ય નોકરી કરીને ગુજરાન ચલાવતાં લોકો. અન્યોથી ચડિયાતો મોબાઇલ હાથમાં લઇને ફરવાનો ફાંકો તેમને અને તેમના પરિવારજનોને પણ ભારે પડી જાય છે.
અહીં પ્રશ્ન એ છે કે તમને મોબાઇલ વહાલો છે કે મોત? જો તમારામાં લોનના હપ્તા ચૂકવવાની ત્રેવડ ન હોય તો બીજા કોઇની દેખાદેખીમાં ગજા બહાર જઇને મોબાઇલ ખરીદવું જ ન જોઇએ. અને ખરીદી લીધાં પછી ઇએમઆઇ ચૂકવવાની માનસિક તાણ ન ઝીરવી શકો તો મોતનો માર્ગ પકડવાને બદલે આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધવો જોઇએ. કારણ કે જો તમે સમયસર ઇએમઆઇ ન ચૂકવી શકો તો ગેઝેટ લોન પર બેંક રીસ્ટ્રક્ચરિંગ કરાવવાની, એટલે કે સમયાવધિ વધારી આપવાનો વિકલ્પ નથી આપતી. આમ છતાં હપ્તો ચૂકવવામાં મોડું થાય તો ક્રિડેટ સ્કોર બગડે છે. આવી સ્થિતિમાં તાતી જરૂરિયાત માટે લોન લેવાની નોબત આવે તોય લોન મેળવવામાં મુશ્કેલી નડે છે. અને જો તમે ક્રેડિટ કાર્ડથી ફોનલીધો હોય અને નિશ્ચિત સમયગાળામાં તેની ચૂકવણી ન કરી હોય તો ક્રેડિટ કાર્ડ મેળવવાનું પણ કપરું બની જાય છે. વળી વેળાસર હપ્તા ન ભરવાથી વ્યાજ ચૂકવવું પડે છે તેથી ચૂકવણીની કુલ રકમ વધી જાય છે. અને જો તમે પેમેન્ટ કરવામાં પાછા પડો તો વસૂલીની કાર્યવાહીના ભાગરૂપે બેંક અથવા ફાઇનાન્સ કંપની કાયદાકીય પગલાં ભરી શકે છે. આવી સ્થિતિ પેદા થાય ત્યારે તેમાંથી બહાર શી રીતે આવવું તેની સમજ આપતાં તજજ્ઞાો કહે છે…
ે રીસેલ વેલ્યુ કાઢવાનો પ્રયાસ કરો : સૌથી પહેલા તો ઇએમઆઇ પર ખરીદેલું મોબાઇલ વેંચી નાખવામાં આવે તો તેની કેટલી કિંમત ઉપજે તે શોધવાનો પ્રયાસ કરો. મોબાઇલ કે અન્ય ઉપકરણો વેંચવા માટે ઓનલાઇન ઉપલબ્ધ વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફોનની રીસેલ વેલ્યુ જાણી શકાય. તેના સિવાય તમે જ્યાંથી આ ઉપકરણ ખરીદ્યું હોય તેમને પણ રીસેલ વેલ્યુ બાબતે પૂછી શકાય.
ે બેંક અથવા ફાઇનાન્સ કંપની સાથે સંવાદ સાધો : રીસેલ વેલ્યુની જાણ થયા પછી બેંક અથવા ફાઇનાન્સ કંપની, જેની પાસેથી લોન લીધી હોય તેમને પૂછી લો કે જો પૂરેપૂરી લોન સાગમટે ચૂકવી દેવામાં આવે તો કેટલી રકમ આપવાની થાય.
ે અંતર જાણો : હવે એ સમજવાનો પ્રયાસ કરો કે રીસેલ વેલ્યુ અને ચૂકવણીની કુલ રકમ વચ્ચે કેટલું અંતર છે. દાખલા તરીકે તમે ૮૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ખરીદ્યો હોય અને હવે તે ૬૫,૦૦૦ રૂપિયામાં વેંચાઇ રહ્યો છે, અને તમને કુલ ચૂકવણી ૭૦,૦૦૦ રૂપિયા કરવાની છે, તો મોબાઇલ વેંચી નાખીને કોઇક રીતે ૫,૦૦૦ રૂપિયાનો બંદોબસ્ત કરી દેવામુક્ત થઇ જાઓ.
જો કે કેટલાંક લોગો ગળા સુધી આવી જાય તોય મોબાઇલની માયાજાળમાંથી મુક્ત નથી થઇ શકતા. તેમને હપ્તા શી રીતે ચૂકવવા તેના કરતાં જેની દેખાદેખીમાં મોંઘોદાટ ફોન ખરીદ્યો છે તે તેમની મજાક ઉડાવશે તેની ફિકર વધુ સતાવે છે. આવી સ્થિતિમાં તેઓ મોબાઇલના હપ્તા ચૂકવવા બીજી લોન લે છે. આવી ભૂલ બિલકુલ ન કરવી. આ રીતે ઉલમાંથી ચૂલમાં પડવા કરતાં થોડું નુકસાન વેઠીને નચિંત બની જવું વધુ સારું. આવો એકાદ અનુભવ તમને બીજી વખત ચાદર કરતાં વધુ પગ ફેલાવતાં રોકશે. કોઇપણ દુન્યવી વસ્તુ તમારી જાનથી વધુ મૂલ્યવાન શી રીતે હોઇ શકે? માત્ર મોબાઇલ જ નહીં, મોજશોખની કોઇપણ વસ્તુ માટે લોન લેવાથી પહેલા આ વાતનો વિચાર કરવો રહ્યો.

  • વૈશાલી ઠક્કર