For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગ્નજીવનને ખુશહાલ બનાવવું દંપતિના હાથમાં

Updated: Apr 22nd, 2024

લગ્નજીવનને ખુશહાલ બનાવવું દંપતિના હાથમાં

- પ્રેમ ગ્રહયોગો અને નસીબ પર નહિ, યુગલના સારા વર્તન પર આધારીત છે

પ્રેમ સદાકાળ એકસમાન નથી રહેતો. તે ક્યારેક ઘટે છે તો ક્યારેક વધે છે. યાદ રહે કે સુખી લગ્નજીવન કોઈ નસીબની વાત નથી અથવા કોઈ અવકાશી ગ્રહોનો જાદુ નથી, પણ પ્રેમ, સમજદારી અને પારસ્પરિક આદરને પ્રાથમિક્તા આપવા સતત સભાનપણે કરાતા પ્રયાસનું પરિણામ છે.  

સંતોષજનક અને સ્થાયી લગ્નજીવન બનાવવાની સફર પ્રતિબદ્ધતા, સમજદારી અને સતત પ્રયાસ માગી લે છે. સંબંધોને માર્ગદર્શન આપતી જાદુઈ શક્તિ તરીકે પ્રેમની કલ્પના વ્યાપક છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સફળ લગ્નો ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને વિચારશીલ વિચારણાઓ દ્વારા ઉછેરવામાં આવે છે.

પ્રેમમાં રોકાણ

એક સશક્ત લગ્નજીવન માટે રોકાણની જરૂર હોય છે, માત્ર સમય અને શક્તિના રૂપમાં જ નહિ પણ સાથે ધૈર્ય અને સમજદારીના રૂપમાં પણ. એક એવી ગેરમાન્યતા પ્રચલિત છે કે પ્રેમ જ એક એવું પરીબળ છે જે કોઈપણ સંબંધને સરળતાથી જાળવી શકે. પણ સાથે યુગલોએ સક્રિયપણે પરસ્પરની ઈચ્છાઓ વિશે પણ સમજદારી કેળવવી જોઈએ અને અર્થસભર કાર્યોમાં આ સમજદારી પરિવર્તિત થાય તેની કાળજી રાખવી જોઈએ.

સંબંધોમાં ગતિશીલતા

લગ્ન એક ગતિશીલ સંબંધ છે. તે સતત વિકસતો હોય છે અથવા તેમાં ઓટ આવતી હોય છે. સુખી યુગલો જાણે છે કે પ્રેમનું પોષણ કરવાની જવાબદારી કોઈ બાહ્ય પરીબળો પર નહિ પણ તેમના પોતાના પર રહેલી છે.

પડકારોનો સામનો

પડકારજનક પરિસ્થિતિમાં વ્યક્તિઓ અવગણનાના ભયથી ઉદાસીનતાની દીવાલ પાછળ સંતાઈ જાય એ સ્વાભાવિક છે. જો કે અડગ લગ્ન સંબંધો સમજદારીથી આવી કટોકટીનો સામનો કરી શકે છે જેનાથી તોફાનો શાંત થઈ જાય છે. આવી મક્કમતા યુગલોને કટોકટીનો સામનો કરવા સમર્થ બનાવે છે જે અન્ય સ્થિતિમાં સંબંધોને છિન્નભિન્ન કરી નાખે છે.

સ્વને પ્રેમ કરો

લગ્ન વ્યક્તિગત સંઘર્ષનો ઉપાય નથી. સૌથી સુખી યુગલો સમજે છે કે સ્વને પ્રેમ કરવો એ કોઈપણ પરિપૂર્ણ ભાગીદારીની પૂર્વશરત છે. જ્યારે વ્યક્તિઓ પોતાની જાતને પ્રેમ અને સન્માન કરે છે ત્યારે જ તેઓ પાર્ટનરના પ્રેમનો પૂર્ણ રીતે સ્વીકાર કરી શકે છે.

સ્વીકૃતિ અને વિકાસ

પ્રેમ સ્વીકૃતિ પર ખીલે  છે, નિયંત્રણ પર નહિ. પોતાની ઈચ્છા મુજબ પાર્ટનરને ઢાળવાના પ્રયાસ ઘણીવાર ઊંધા પડે છે અને લગ્નસંબંધને વિશિષ્ટ બનાવતા સારને જ નષ્ટ કરે છે. ખરો પ્રેમ એકમેકની ખામીઓના સ્વીકાર કરવામાં અને વ્યક્તિગત વિકાસને સમર્થન આપવામાં રહેલો છે.

પરિવર્તનને આવકારો

કોઈપણ સંબંધમાં પરિવર્તન અનિવાર્ય છે. જે યુગલો પરિવર્તનનો પ્રતિકાર કરે છે અને તેના પરિણામોથી ભયભીત થાય છે તેઓ તેમના લગ્નની સ્થિરતાને જોખમમાં મુકે છે. સફળ સંબંધો સકારાત્મક્તા સાથે પરિવર્તનને આવકારે છે અને જીવનની અનિશ્ચિતતાનો સામનો કરવા તેમના પ્રેમની શક્તિ પર વિશ્વાસ રાખે છે.

પ્રેમ કદી નષ્ટ નથી થતો

તમામ નવપરિણીતોને પ્રેમ નષ્ટ થવાનો ભય સતાવતો હોય છે. પણ વાસ્તવમાં પ્રેમ કદી નષ્ટ નથી થતો. માત્ર ક્યારેક અન્ય લાગણીઓ તેનું સ્થાન પડાવી લે છે ત્યારે તેની ગેરહાજરી વર્તાય છે. આવા સમયે સમજદાર યુગલો ધૈર્ય રાખે છે. તેમને જાણ છે કે આ તોફાન શમી જશે અને પરિસ્થિતિ ફરી પૂર્વવત થઈ જશે.

પ્રેમનો પ્રતિસાદ આપો

પ્રેમમાં સ્વીકાર અને પરસ્પરની સમજદારી સમાવિષ્ટ હોય છે. પાર્ટનર તમારા મનની વાત સમજી જાય એવી અપેક્ષા રાખવી ગેરવાજબી છે. અસરકારક વાતચીત ઘનિષ્ઠતા અને જોડાણ મજબૂત કરવા માટેનું મુખ્ય પરીબળ છે.

લગ્નમાં જવાબદારી

અંગત નારાજગી માટે જીવનસાથીને દોષી ઠરાવવાની ભૂલ કરશો નહિ. કોઈની લાગણીને સમજવી અને સંબંધની ગુણવત્તામાં સક્રિય ફાળો આપવાથી પરસ્પરનો સ્નેહ અને પરિપૂર્ણતા વધે છે.

પ્રેમ નિસ્વાર્થ હોવો જોઈએ

પ્રેમ આપવા અને મેળવવાના નાજુક સંતુલન પર નભે છે. સ્વાર્થી હેતુઓ વિના ખરા નિસ્વાર્થ ભાવથી કરેલા કાર્યો પાર્ટનરો વચ્ચેના જોડાણને મજબૂત કરે છે અને પરસ્પર પ્રેમ આપવાની લાગણીને પ્રોત્સાહન આપે છે.

ક્ષમાની શક્તિ

લગ્નજીવન ટકાવી રાખવા માટે ક્ષમા મુખ્ય પરિબળ છે. તેમાં સંબંધમાં સુધારા અને વિકાસ માટે અવકાશ આપવા ક્રોધ અને દુઃખની લાગણીને સ્વૈચ્છિક રીતે ત્યજવામાં આવે છે.

આત્મસન્માન જાળવી રાખો

કોઈપણ લગ્નસંબંધમાં આત્મસન્માન અને આત્મગૌરવ જાળવવું મહત્વનું છે. આ મૂલ્યોને અનુરુપ વર્તન કરવાથી સંબંધની મજબૂતી અને ગતિશીલતા બંનેમાં વધારો થાય છે.

તમામ યુગલો એકમેકને ક્યારેક તો નિરાશ કરે જ છે. પ્રેમ સદાકાળ એકસમાન નથી રહેતો. તે ક્યારેક ઘટે છે તો ક્યારેક વધે છે. 

યાદ રહે કે સુખી લગ્નજીવન કોઈ નસીબની વાત નથી અથવા કોઈ અવકાશી ગ્રહોનો જાદુ નથી, પણ પ્રેમ, સમજદારી અને પારસ્પરિક આદરને પ્રાથમિક્તા આપવા સતત સભાનપણે કરાતા પ્રયાસનું પરિણામ છે. આ મૂલ્યો અપનાવીને યુગલો લગ્નજીવનની જટિલતા આસાનીથી પાર કરી શકે છે અને સમયના પડકારો સામે ટકી શકે તેવો પ્રેમ વિકસાવી શકે છે. 

- ઉમેશ ઠક્કર 

Gujarat