વાળની સામાન્ય સમસ્યાઓ અને નિવારણ

સામાન્ય રીતે એક દિવસમાં ૩૦-૫૦ વાળ અને અઠવાડિયામાં ૩૦૦-૫૦૦ વાળ ખરતા હોય છે. વાળ ખરવાના અનેક કારણો છે. વાસ્તવમાં વાળના મૂળ નબળા હોવાથી વાળ જલદી તૂટી જાય છે. અનેક બીમારીનો કુપ્રભાવ પણ વાળ પર પડે છે અને વાળ ખરવા લાગે છે.
વાળ ખરવાના મુખ્ય કારણો
પ્રસુતિ બાદ વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. સુવાવડ પછી અનેક કારણોસર વાળ ખરે છે. જેમ કે, ઈન્ફેક્શન, હોર્મોન્સનું અસંતુલન, ડાયાબિટિસ, ભારી દવાઓ, તાણ તેમજ વાળને સખત કસીને બાંધવા.
હોર્મોન્સનું અસતુંલન
હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થવાથી વાળ ખરવા લાગે છે.
ડાયાબિટિસ
શરીરમાં સાકરનું પ્રમાણ વધવું અને પેનક્રિયાસનું વ્યવસ્થિત કામ ન કરવાથી વાળ ખરવાની તકલીફ ઉદ્ભવે છે.
ભારી દવાઓ
કોઈ બીમારીના કારણે ભારી દવાઓ લેવાતી હોય તો વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે.
તાણ
માનસિક તાણથી અનેક રોગનો ભોગ બનતા વાર નથી લાગતી ટેન્શનના કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે.
વાળને સખત બાંધવા
વાળને સખત બાંધવાથી વાળના મૂળ ખેંચાઈ છે. વાળની જડ નબળી હોવાથી તૂટતા વાર લાગતી નથી.
વાળમાં ખોડો અને નિવારણ
વાળમાં ખોડાની તકલીફ વાળ ખરવાનું મુખ્ય કારણ છે. માથાની ત્વચા વધુ પડતી રૂક્ષ હોય તો વાળમાં ખોડો થતાં વાર લાગતી નથી. તેથી વાળમાં અઠવાડિયામાં ત્રણ વખત તેલથી મસાજ કરવો.
ઈન્ફેક્શન
શરીરમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થાય તો વાળ ખરવા લાગે છે. મોટાભાગે વાળ કિડની અને યૂરિન ઈન્ફેક્શનમાં ઝડપથી ખરે છે.
આહાર
સમતોલ આહાર લેવો એટલું જ નહીં રોજિંદા ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું. દૂધ, ઈંડાની સફેદી, દાળ-કઠોળ વધુ ખાવા. તાજા શાક, પાંદડાયુક્ત ભાજી, મોસંબી ફળ તેમજ સલાડ આરોગવાથી પણ વાળને પોષણ મળે છે.




