For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાઈપર એક્ટીવ બાળક .

Updated: Apr 22nd, 2024

હાઈપર એક્ટીવ બાળક                                                 .

કેટલાક બાળકોમાં જન્મજાત જ એટલી શક્તિ હોય છે કે જો તેને યોગ્ય રસ્તે વાળવામાં ન આવે તો તેઓ વિવિધ તોફાન કે તોડ-ફોડ દ્વારા તેને જાહેર કરે છે. વાસ્તવમાં બાળક પોતાનામાં રહેલી આ શક્તિઓથી અજાણ હોય છે. પણ આપમેળે જ તે તોફાની પ્રવૃત્તિ  કરવા તરફ પ્રેરાય છે. આવા બાળકોને 'હાઈપર એક્ટીવ' બાળકો કહેવામાં આવે છે. આવા હાઈપર એક્ટીવ બાળકો પર નિયંત્રણ રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે અને અંતે કંટાળીને માતા-પિતા તેને માર મારે છે. પણ માર મારવાથી બાળક સુધરશે  નહિ ઉલ્ટુ તે રીઢું બની જશે અને તેને મા-બાપની બીક રહેશે નહીં.

હાઈપર એક્ટીવ બાળકોને સમજવામાં તથા તેમને વાળવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો

* સહુ પ્રથમ યાદ રાખો કે તેઓ બાળકો છે. તેઓ ચીસો પાડે, બધુ અસ્તવ્યસ્ત કરે કે ખાદ્ય પદાર્થ જમીન પર ઢોળે તો ગુસ્સો કરવો નહિ.  જો કે, તે બાબત આંખ આડા કાન કરવા જેવી પણ નથી. તેને શિષ્ટાચાર શીખવવો જરૂરી છે. પરંતુ તે માટે સામે બૂમો પાડવી નહિ. જો તમારું બાળક શારીરિક રીતે તંદુરસ્ત હોય તો કેટલીક બાબતો તેના બાળપણના ભાગરૂપે ગણીને છોડી દેવી.

* જમતી વખતે મગજ પર સંયમ રાખો. બાળક હંમેશા તેની ઈચ્છા પ્રમાણે જ જમે છે.   જો બાળક તંદુરસ્ત હોય  તો તેને ડરાવી-ધમકાવીને પરાણે જમાડવું નહિ.

* પ્રત્યેક પળે બાળકના વર્તન પર અંકુશ રાખવો શક્ય નથી. એટલે તેની સાથે બેસીને કેટલાક એવા નિયમો બનાવો કે જે તે પાળી શકે અને તેનાથી તેના વર્તનમાં સુધારો થાય. જો તમે સતત  તેને પ્રત્યેક વાતે ટોકતાં રહેશો તો તે બળવાખોર બનીને તમારી બધી વાતોનો વિરોધ કરશે. તેને તેના વ્યક્તિત્વને  વળગી રહેવાની છૂટ આપી થોડું માર્ગદર્શન આપો જેથી તેનો ઉછેર યોગ્ય રીતે થાય.

* બાળકને મેદાનમાં રમવા મોકલો. ખુલ્લી હવામાં જવાથી તેનું મન પ્રફૂલ્લિત બનશે. તથા તે પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ કરી શકશે. આ પ્રકારે ખુલ્લામાં રમવાથી તેની વધારાની શક્તિ પણ વપરાશે, તે થાકી જશે અને રાતના તેને ઊંઘ પણ સારી આવશે.

* બાળકોને અન્યો સાથે સારા સંબંધ કેળવવાની આદત પાડો. શક્ય હોય તો વેકેશનમાં તેને સંબંધી કે સગાના ઘરે રહેવા મોકલો અથવા તેમની સાથે ફરવા જવા દેવું. બાળકના સર્વાંગી વિકાસ માટે તેને સમાજમાં છૂટથી ફરવાની સંમતિ આપો. 

* બાળકની માતા બનવાને બદલે મૈત્રીસભર અભિગમ અપનાવો. સહુપ્રથમ તેની વાતો અને વિચારો સાંભળો. આ કારણે તેને તમારામાં વિશ્વાસ બેસશે અને તે પોતાના મનની બધી વાતો તમને કહેશે. તે જ પ્રમાણે બાળકના મિત્રો પર પણ નજર રાખો. કારણ કે મિત્રોના વર્તનની પણ ઊંડી અસર બાળકના વ્યક્તિત્વ પર થાય છે. 

* સંતાનના રોેલમોડેલ બનવા માટે તમે પોતે  સારી આદત કેળવો. તમારી સારી આદતોનું અનુકરણ બાળક અવશ્ય કરશે. પણ તે માટે બાળક પર દબાણ ન કરો. આપમેળે જ તેને આ આદતોેને ગ્રહણ કરવા દેવી.

*  બાળક જીવનમાં ઉચિત મૂલ્યો અને સંસ્કારોેનું ગ્રહણ કરે તે જરૂરી છે. પ્રત્યેક બાબતમાં તેમને મદદ કરવાને બદલે તેના જીવનની નાની નાની બાબતોનો નિર્ણય લેવાની તેને છૂટ આપો. તેની સતત આળપંપાળ કરવાને બદલે તેને વાસ્તવિક સ્થિતિની સમજ આપી સંજોગો સામે મુકાબલો કરતાં શીખવો.

Gujarat