For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માટીના ડિઝાઇનર પૉટ બેઠકખંડની શોભામાં ચાર ચાંદ લગાવે છે

Updated: Apr 22nd, 2024

માટીના ડિઝાઇનર પૉટ બેઠકખંડની શોભામાં ચાર ચાંદ લગાવે છે

કુંભાર માટીના જુદાં-જુદાં આકારના પૉટ (કુંજા, ઘડા વગેરે) બનાવે છે. પોતાની કલ્પનાને માટીમાંથી સાકાર કરીને સુંદર ઘાટ ઘડીને પૉટ તૈયાર કરતાં તેને અદ્દમ્ય આનંદ થાય છે. તેના દ્વારા બનતી આ કૃતિને વધુ સજાવીને સુંદર બનાવવાનો  કરતબ રમા તેઓ કરીને દેખાડે છે.

આજકાલ ડિઝાઇનર પૉટથી ડ્રોઇંગરૂમની સજાવટ કરવાની ફેશન છે. પ્રત્યેક ગૃહિણી પોતાના ડ્રોઇંગરૂમને આગવું સ્વરૂપ આપવા તેમાં કંઇક અનોખી કલાકૃતિ મૂકવાની ઇચ્છા ધરાવતી હોય છે. બેઠકખંડની સજાવટ માટે બજારમાં અનેક અવનવી વસ્તુ મળે છે, પરંતુ વતેઓછે અંશે ઘણા ઘરમાં આવી એકસરખી વસ્તુઓ જોવા મળે જ છે. આ જ કારણસર ઘણી માનુનીઓ પોતાના હસ્તે જ કંઇક  અવનવી રચના બનાવે છે જે તેના ઘરની શોભા વધારવા સાથે તેને કંઇક કર્યાનો સંતોષ પણ આપે છે. એક બહેનને પણ હંમેશા નવી-નવી વસ્તુઓ બનાવવાનું મન થતું હતું. બાળપણથી જ તેમને આર્ટ-ક્રાફ્ટ પ્રત્યે અનોખી રૂચિ હતી અને તે માટેની અનોખી સુઝ પણ તેઓ ધરાવે છે. વિવિધ આકારના માટીના ડિઝાઇનર પૉટ, ફ્લાવર પૉટ, વૉલ હેગીંગ, દીવડાં, તોરણ, તથા અન્ય અનેક શો-પીસ બનાવવામાં તેઓ  એકદમ માહિર છે.  

નાના-મોટા, લાંબા-ટુંકા કુંજા જેવા આકારના તથા અન્ય આકારના તૈયાર પૉટ બજારમાં મળે છે. આ તૈયાર પૉટ પર તેઓ  એક  એકથી ચઢિયાતી ડિઝાઇન બનાવે છે. ઘણીવખત ચોક્કસ પ્રકારની ડિઝાઇન માટે ચોક્કસ આકારના પૉટ લેવામાં આવે છે. જેમ કે મોરની ડિઝાઇન બનાવવી હોય તો કુંજા જેવા આકારનો પૉટ લેવામાં આવે છે. માછલી કે અન્ય દરિયાઇ જીવ દર્શાવતાં ચિત્રો બનાવવા હોય તો નીચેના ભાગમાં  ગોળાકાર મોટો હોય તેવા પૉટ પસંદ  કરવામાં આવે છે. કુદરતી દ્રશ્ય, ગામડાંનું દ્રશ્ય, દરિયાઇ દ્રશ્ય, ચોક્કસ પ્રકારના પશુ કે પંખી જેમ કે-ગીધ, સિંહ વગેરે, અનેક સુંદર દ્રશ્યોની રચના પૉટ પર કરીને તેને આગવો  અને સુંદર બનાવી શકાય છે.

પૉટ પર જે દ્દશ્ય બનાવવું હોય છે તે પ્રમાણે અલગ અલગ રીતે કામ કરવામાં આવે છે. જેમ કે ગામડાંનું દ્દશ્ય બનાવવું હોય તો ઝાડ, પાન, કુવો, પાણી ભરવા જતી પનિહારી, બળદગાડું વગેરે બનાવવામાં  આવે છે. આ વર્ક કોનવર્કથી થાય છે. રસ્તાની ઇફેક્ટ ઊભી કરવા સેન્ડવર્ક  કરવામાં  આવે છે. કુવા પાસે થોડા નાના પથ્થર લગાડવામાં આવે છે. સવારનું દ્દશ્ય દેખાડવા માટે પીળો-કેસરી-બ્રાઉન વગેરે રંગ વાપરવામાં  આવે છે.

તરતી માછલીનું દ્દશ્ય પૉટ પર દર્શાવવા માટે ક્રમ્પલ વર્ક, સેન્ડ વર્ક, કોનવર્ક કરવામાં આવે છે. રમાબેન ડિઝાઇનર પૉટ મેકિંગના વર્ગો  પણ ચલાવે છે. સિરામિક પાવડર, તથા રેઝીન હાર્ડનર મિક્સ કરીને તેઓ કોનમાં ભરીને તેનાથી કોનવર્ક કરે છે, ક્રમ્પલ વર્ક પણ તેઓ શીખવે છે. શંખ, છીપ, નાના ફૂલો વગેરે ચીપકાવવા માટે ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવે છે. પૉટ પર કરવામાં આવતી બધી જ કારીગરીને તેઓ સવિસ્તર સમજાવીને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપીને દેખાડે છે.

આજકાલ પારંપરિક ડિઝાઇનની બોલબાલા છે. પારંપરકિ ડિઝાઇન ધરાવતા પૉટ બનાવવા માટે બાંધણીનો  મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. બાંધીના કપડાંમાં હાથી, સ્વસ્તિક, કળશ જેવી ડિઝાઇન હોય છે. તેના સરખા પેચ કાપીને પૉટ પર  ચીપકાવવામાં  આવે છે. તેની ઉપર મોતી લગાડયા હોય તેવું દર્શાવવા કોનથી ટપકાં કરવાના તથા આજુબાજુ ડિઝાઇન પ્રમાણે આભલા લગાડવાના હોય છે. આભલાની આસપાસ  કોનવર્કની ડિઝાઇન કરવાથી પૉટ દીપી ઊઠે છે. નવરાત્રિ, દિવાળી વગેરે તહેવારોમાં  આવો પૉટ સુંદર દેખાય છે. જુદી -જુદી ડિઝાઇનના ફૂલો, ફળ, પશુ-પંખીને બનાવીને પણ પૉટ પર લગાડવામાં આવે છે.

ઘણી વખત ભૌમિતિક તથા  ફ્રી હેન્ડ ડિઝાઇનના પૉટ પણ સરસ દેખાય છે. આવા પૉટમાં સ્પાર્કલ, ગ્લિટર અને પર્લ કલર સરસ લાગે છે. પૉટ  માત્ર ડ્રોઇંગરૂમની જ શોભા વધારે છે. એવું નથી. હવે તો ધર-ઑફિસ-દુકાન બધે જ આ પ્રકારની કલાત્મક વસ્તુ મૂકવામાં આવે છે. વિવિધ સ્થળે રાખવામાં આવતાં પૉટ પણ જુદી-જુદી ડિઝાઇનના હોય છે. કંઇ જગ્યાએ કેવા પૉટ રાખવા જોઇએ તેની સુઝ પણ હોવી જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું. 

આકર્ષક ડિઝાઇનના પૉટ જોઇને એમ થાય કે આ બનતાં કેટલાય દિવસો નીકળી જતાં હશે, પરંતુ ના, જુદાં-જુદાં પ્રકારની કલાત્મક વસ્તુ બનાવવામાં  પ્રવીણ  આ બહેનના હાથ એટલા ઝડપી છે કે નાનો પૉટ તો તેઓ  ૧૫ થી ૨૦ મિનિટમાં તૈયાર કરી  આપે છે. કોનવર્કના પૉટને  સુકાતા  ૨ થી ૩ દિવસ થાય છે. ત્યારબાદ તેના પર રંગ કરવામાં આવે છે.

પૉટ  ઉપરાંત  જુદી-જુદી ડિઝાઇનની ફ્રેમ,  ટાઇ એન્ડ ડાઇ ફ્લાવર્સ, વેકસની આઇટમ, સ્પ્રે પેન્ટિંગ, નીબ પેન્ટિંગ, વેડિગ ડેકોરેશન, આરતી, રંગોળી, ફેબ્રિક પેન્ટિંગ વગેરે બધી જ કળામાં પ્રવીણ આ બેન ગણપતિના અનન્યભક્ત છે.  જૈન હોવા છતાં  ગણપતિની  મૂર્તિઓ બનાવે છે. ૯૯૯૯ ગણેશ મૂર્તિ બનાવવા બદ્દલ લિમ્કા બુક  ઓફ રેકોર્ડમાં પણ તેમને સ્થાન  મળ્યું છે.

કોઇપણ કલાનું ઉદ્દગમસ્થાન હૃદય છે. હૃદયથી ઉદ્દભવતી પ્રત્યેક કલાથી પ્રસન્નતા મળે છે. ચિત પ્રસન્ન રહેવાથી જીવનમાં ઉત્સાહ વધે છે અને ડિપ્રેશન આવતું નથી. સ્વહસ્તે બનાવેલી વસ્તુથી ઘરની શોભા વધે તો  સોનામાં સુગંધ ભળે છે.

Gujarat