Gujarat

વડાલી પાલિકા પ્રમુખના વોર્ડમાં ખુલ્લી ગટર મુદ્દે મહિલાઓનો હોબાળો

By GS Team
15 Dec 20211 min read
This article was originally published on 15 Dec 2021
વડાલી પાલિકા પ્રમુખના વોર્ડમાં ખુલ્લી ગટર મુદ્દે મહિલાઓનો હોબાળો

વડાલી તા.14

વડાલી નગરપાલિકા પ્રમુખના મતવિસ્તારના જાહેર રસ્તાપર તૂટેલી ગટર લાઈનની ટાંકી રીપેર કરવા લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈજ પગલાં લેવામાં ન આવતા મહિલાઓએ મંગળવારે પાલિકામાં હલ્લાબોલ કરી ગટર રીપેર કરવા ઉગ્ર માંગ કરતા પાલિકામાં ફફડાટ વ્યાપી ગયો હતો.અનેક રજૂઆતો કરવા છતાં પ્રમુખના મતવિસ્તારની ગટર રીપેર કરવાની તસ્દી લેવાઇ ન હતી.

વડાલી નગરપાલિકાના પ્રમુખ હંસાબેન સગરનું રહેઠાણ અને મતવિસ્તાર શહેરના વોર્ડ નં.૧ માં આવેલું છે.આ વોર્ડમાં આવેલા પ્રજાપતિ વાસ, મોચીફળીને જોડતા મુખ્યમાર્ગ પર આવેલી ઘટરની કુંડી છેલ્લા કેટલાક સમયથી તૂટી ગઈ છે.ગટર ખુલ્લી થઈ જતા તેમાંથી દુર્ગંધ ફેલાતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.તેમજ તેમાંથી ફેલાતી બદબુથી અનેક લોકો રોગચાળાની ઝપેટમાં આવી ચુક્યા છે.આ ગટરની ટાંકી મુખ્ય મુખ્યમાર્ગના વચ્ચેજ આવેલી હોવાથી તેના પરથી પસાર થવામાં લોકોએ તેમજ વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી તેને રીપેર કરવા વિસ્તારના લોકો દ્વારા પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસર સહિત સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો અનેક વાર કરવા છતાં આખ આડા કાન કરી આજદિન સુધી પાલિકા દ્વારા કોઈજ પગલાં લેવામાં ન આવતા આ વિસ્તારની મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો.અને મંગળવારે મહિલાઓ એકઠી થઈ પાલિકામાં હલ્લાબોલ કરી ચીફ ઓફિસરની ઓફિસમાં ઘૂસી જઈ ગટરની ટાંકી રીપેર કરવા ઉગ્ર માંગ કરતા પાલિકામાં ફફડાટ વ્યાપી ગયો હતો.