Gujarat

માવઠાની આગાહી : સાબરકાંઠા જિલ્લામાંં ભારે ધુમ્મસ છવાતા વિજિબિલીટી ઘટી

By GS Team
22 Jan 20222 mins read
This article was originally published on 22 Jan 2022
માવઠાની આગાહી : સાબરકાંઠા જિલ્લામાંં ભારે ધુમ્મસ છવાતા વિજિબિલીટી ઘટી

હિંમતનગર તા. 21

ગુજરાતમાં હવામાન વિભાગે તા.૨૧ અને ૨૨ જાન્યુઆરી દરમ્યાન માવઠંુ થવાની કરેલ આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગર પંથકના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં શુક્રવારે વહેલી પરોઢે એકાએક વાતાવરણમાં પલટો આવી મોટાપ્રમાણમાં ધુમ્મસ છવાઈ જતા વિજિબિલીટી ઘટવાની સાથે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીઓ પડતા ધોળે દિવસે વાહનોની હેડ લાઈટો ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.

સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી પરોઢે વાતાવરણમાં એકાએક પલટો આવી મોટા પ્રમાણમાં ધુમ્મસ છવાઈ જતા જાકળ પડવાનુ શરૃ થયુ હતુ. ધુમ્મસ પડવાની અસરો જિલ્લાના હિંમતનગર સહિત ઈડર, વડાલી, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકા પંથકમાં વર્તાતા સાબરકાંઠામાંથી પસાર થતા ને.હા.નં.૮ સહિતના માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને વાહન હંકારવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જેમાં ધોળે દિવસે વાહન ચાલકોને વાહનની હેડ લાઈટો ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. વહેલી પરોઢથી છવાયેલા ધુમ્મસની અસરો સવારે ૯.૩૦ વાગ્યાના સમય ઉપરાંત તેની અસરો રહેવા પામી હતી. ગામ્ય વિસ્તારોમાં સવારે ઉઠતાની સાથે બહારના આકાશ તરફ નજર કરતા ધુમ્મસના ગોટે ગોટા નજર પડતા કેટલાક લોકોમાં આગજનીનો બનાવ બન્યો હોવાનો અહેસાસ થયો હતો. શહેર તેમજ ગામડાઓના મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જવાને કારણે આશરે ૫૦ ફુટ કરતા પણ ઓછા અંતરથી સામેથી આવતા લોકોને નજરે નીહાળવામાં પણ મુશ્કેલીઓ અનુભવી પડી હતી. તથા માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશનો જેવો માહોલ સર્જાવા પામ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાહન ચાલકોને પણ અકસ્માત ન સર્જાય તે હેતુસર ધીમી ગતિએ હેડ લાઈટો ચાલુ રાખી પસાર થવુ પડયુ હતુ.

હિંમતનગર તાલુકાના ઈલોલ પંથકમાં પણ વહેલી પરોઢથી મોટા પાયે ધુમ્મસ છવાઈ જતા આગજનીનો બનાવ બન્યો હોવાનું લોકોને ભાસ થયો હતો. ઈલોલના મુખ્ય માર્ગો ધુમ્મસને કારણે ધુંધળા બની જતા અવર જવર કરતા લોકો પણ નજરે પડતા ન હતા સવારે ૧૦ વાગ્યા બાદ ફરીથી વાતાવરણમાં એકાએક પલટો આવી સુર્યનો તડકો આવતા ધુમ્મસમાં ઘટાડો થઈ વાતાવરણ રાબેતા મુજબ બન્યુ હતુ.