Dharm

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, કુમકુમના પગલાં પડ્યા... માડી તારા આગમનના એંધાણ થયા...

By GS Team
11 Oct 20265 mins read
TukuTouch Logo
શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ઊંઝા, માતાના મઢ, ખોડલધામ, હર્ષિદ્ધિ અને ભદ્રકાળી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે. અનેક મંદિરોમાં ઘટસ્થાપન, વિશેષ આરતી, હવન અને ગરબાનું આયોજન કરાયું છે. બહુચરાજીમાં 300 કરોડનો ‘નવલખો હાર’ માતાજીને પહેરાવાશે, જ્યારે પાવાગઢમાં અખંડ જ્યોત ઘરે લઈ જવાની પરંપરા જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, કુમકુમના પગલાં પડ્યા... માડી તારા આગમનના એંધાણ થયા...

Shardiya Navratri: 51 શક્તિપીઠો પૈકી અંબાજી માતા મંદિર ભારતની મુખ્ય પીઠ છે. આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર શ્રી વિસા યંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખુલ્લી આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. ગબ્બર પર્વત ઉપર મા અંબાના ચરણચિહ્નો બિરાજમાન છે. નવરાત્રીના પ્રથમ દિવસે સવારે 9:30 દરમિયાન ઘટસ્થાપન કરાશે. એકમ, ચોથ સહિતની મહત્વની તિથિઓએ માતાજીને 3 થી 4 વખત વિશેષ ફૂલોનો શણગાર કરાશે. આઠમના દિવસે સવારે 6 કલાકે વિશેષ આરતી યોજાશે. માઇભક્તો માટે ચાચર ચોકમાં રાત્રે 9 થી 12 દરમિયાન પારંપરિક ગરબાનું આયોજન. દર્શનનો સમય: સવારે 6-30 થી 11-30, બપોરે 12-30 થી 4-15 અને સાંજે 6-30 થી રાત્રે 9.

ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન ચામુંડા માતાજી

નવરાત્રિ દરમિયાન માતાજીના ડુંગર, સમગ્ર તળેટી તથા હાઇવે પર મિની કુંભ મેળો જેવા દ્રશ્યો જોવા મળે છે. અનેક માઇભક્તો આળોટતાં-આળોટતાં કે દંડવત પ્રણામ કરતાં ડુંગર 162 પગથિયા ચડતા હોય છે. આ મંદિરમાં સાંંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે અને રાત્રિના કોઈ રોકાઈ શકતું નથી. નવરાત્રિ દરમિયાન પ્રથમ તથા આઠમા નોરતાંમાં સવારે આરતીનો સમય 4 જ્યારે નવરાત્રિના બાકીના 7 દિવસોમાં આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો માટે પગથિયાનું દ્વાર સવારે આરતીના સમયથી 30 મિનિટ અગાઉ ખોલવામાં આવશે. દરરોજ સાંજની આરતી સૂર્યાસ્તના સમય મુજબ યોજાશે. નવરાત્રિના અંતિમ દિવસે ડુંગર ઉપર હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12.30 વાગ્યે બીડું હોમાયા બાદ યજ્ઞ પૂર્ણ થશે.

બહુચરાજી: 300 કરોડનો ‘નવલખો હાર’ પહેરી મા નગરયાત્રાએ નીકળે છે

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજીનું મંદિરનું સૌથી મોટું આકર્ષણ વડોદરા સ્ટેટના કડી પ્રાંતના સુબા માનાજીરાવ ગાયકવાડે વર્ષ 1839માં ભેટ આપેલો ઐતિહાસિક ‘નવલખો હાર’ છે. આશરે 150થી વધુ કિંમતી હીરા અને 9 નીલમથી જડેલા આ હારની તત્કાલીન કિંમત 9 લાખ રૂપિયા હતી, જે આજે 300 કરોડ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવે છે. સુરક્ષાના કારણોસર આ હાર સરકારી ટ્રેઝરીમાં રાખવામાં આવે છે અને વર્ષમાં માત્ર એક જ વાર આસો સુદ આઠમની પાલખી યાત્રા ટાણે માતાજીને પહેરાવવામાં આવે છે. દર્શનનો સમય: સવારે પાંચ વાગ્યાથી રાત્રે 9-30 વાગ્યા સુધી.

હર્ષદ (ગાંધવી) ગામે કોયલા ડુંગર પર બિરાજતા હરસિદ્ધિ માતાજી

દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) ગામે અરબી સમુદ્રના કિનારે કોયલા ડુંગર પર હરસિદ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ ઉપરાંત ડુંગરની તળેટીમાં પણ માતાજીનું મંદિર આવેલું છે. હરસિદ્ધિ માતાજી ભગવાન શ્રીકૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવી તરીકે પૂજાય છે. એક માન્યતા મુજબ, મંદિરમાં હરસિદ્ધિ માતાજી આરતી દરમિયાન હાજર રહે છે. માતાજીની પધરામણી થાય એટલે ત્યાં આવેલો ઝૂલો આપોઆપ ઝૂલવા લાગે છે, એક લોકવાયકા એવી છે કે, મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા. આમ, માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમિયાન ગાંધવીના હરસિદ્ધિ મંદિરમાં હોય છે. નવરાત્રિમાં મંદિરે સવારે 6 વાગ્યે તથા સાંજે 7 વાગ્યે આરતી યોજાશે, જ્યારે તા. 18નાં હવનનું આયોજન થયું છે.

માતાના મઠ: કચ્છમાં દેશદેવી આશાપુરા માતાજીનું પ્રાકટ્ય સ્થાન

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ‘માતાના મઠ’ દેશદેવી આશાપુરા માતાજીનું પ્રાકટ્ય સ્થાન છે. ઈ.સ.ની 14મી સદીમાં સિંધના રાજપૂત કુળના વંશજોનું પશ્ચિમ કચ્છમાં આગમન થયું ત્યારે આશાપુરા દેવી વિધમાન હતા. દેશવિદેશ અને દેશભરમાંથી ભક્તો પદયાત્રા કરીને માતાના મઠ ખાતે દેશદેવી આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. નવરાત્રીના અંતે યોજાતી પતરીવિધીમાં સ્થાનિક પતરી નામની વનસ્પતિ માતાજીના જમણા ખભે મૂકવામાં આવે છે અને રાવળ પરિવારના સભ્ય પોતાના અંગવસ્ત્રનો છેડો બંને હાથ ફેલાવી પકડી રાખે છે. ઘંટનાદ, ઢોલ વાગતાંજ દેવીની સ્તુતિ ગવાય છે તે પછી પતરીના ઝૂંડમાંથી પાન વસ્ત્રમાં પડે છે તેને આશાપુરા માતાજીના આશીર્વાદરૂપે ઝીલવામાં આવે છે. દર્શનનો સમય : સવારે પાંચથી રાત્રે 12 વાગ્યા સુધી. 10મીએ રાત્રે 9-30 વાગ્યે ઘટસ્થાપન. માતાજીનો હવન 18મીએ રાત્રે 9-30 કલાકે શરૂ થશે અને રાત્રે 12-15 કલાકે શ્રીફળ હોમાશે. 19ના સવારે સાત કલાકે પતરીવિધિ.

ખોડલધામમાં નોરતામાં રોજ માતાજીને અવનવા શણગાર

કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ ખાતે નવરાત્રિની ભક્તિસભર ઉજવણી કરાશે. પ્રથમ નોરતે સતત 16મા વર્ષે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાશે. પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાશે. નવરાત્રિ દરમિયાન રોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે. મા ખોડલને રોજ અવનવા શણગાર કરી માતાજીની આરાધના કરાશે. નોરતામાં માતાજીના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડશે.

ભદ્રકાળી મંદિર : ભદ્ર ચોકમાં માઇભક્તો ગરબે ઘૂમશે

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રી દરમિયાન વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. 1895 માં માતાજીના ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. 1936 માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારીને તેને સંગમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું. રવિવારે પ્રથમ નોરતું છે ત્યારે સવારે 8 કલાકે ઘટસ્થાપન કરીને સવારે 9:30ના આરતી કરાશે. અન્ય નોરતા દરમિયાન સવારે 9:30 અને રાત્રે 8:30ના આરતી થશે. 19 ઓક્ટોબરના આઠમનો હવન યોજાશે, જે રાત્રે 12થી શરૂ થશે. એ દિવસના આખી રાત દર્શન થઈ શકશે. ભદ્ર ચોકમાં નવરાત્રિ દરમિયાન ગરબાનું પણ આયોજન કરાયું છે.

ઊંઝા : ઉમિયા માતાના મંદિરે ભક્તો એકસાથે ગરબે ઘૂમે છે

ઉત્તર ગુજરાતના ઊંઝામાં આવેલું મા ઉમિયાનું પૌરાણિક મંદિર લગભગ 1448 વર્ષ પૂર્વેનું છે. નવરાત્રિ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ કુળદેવી મા ઉમિયાના દર્શન અને આશીર્વાદ મેળવવા આવે છે. મંદિર પરિસરમાં માતાજીની માંડવી સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં ભક્તો એકસાથે ગરબે ઘૂમી પોતાના આસ્થા વ્યક્ત કરે છે. નવરાત્રી મહોત્સવ સંસ્થાન દ્વારા મા ઉમિયાની આરતી અને પ્રસાદના યજમાન બનવા માટે જાહેર ઈશામણીનું આયોજન કરવામાં આવે છે. દર્શનનો સમય સવારે 6થી બપોરે 12 જ્યારે સાંજના દર્શન 4 થી રાત્રે 9:30 સુધી રહેશે.

પાવાગઢ : અખંડ જ્યોત ઘરે લઈ જઈને પ્રગટાવવાની પરંપરા

આસો નવરાત્રીની સ્થાપના પહેલાં માતાજીની અખંડ જ્યોત પોતાના ઘરે લઈ જઈને પ્રગટાવવાની વર્ષો જૂની મા અંબા પરંપરા છે. આ પરંપરાને નિભાવવા માટે માઇભક્તો દૂર-દૂરથી પાવાગઢ આવી રહ્યા છે. રોપ-વે સેવાની કામગીરીમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સવારે પાંચથી શરૂ થતી રોપ-વે સેવા નવરાત્રિના તહેવાર દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યાથી જ કાર્યરત કરી દેવાશે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ ડુંગર પર દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ વધુ જોવા મળશે, તો શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા મોડી રાત સુધી પણ ચાલુ રાખવામાં આવશે. દર્શનનો સમય : સામાન્ય રીતે મંદિર સવારે 5 વાગ્યે ખુલશે અને રાત્રે 8:30 વાગ્યે બંધ થશે. આઠમના 12-14-15-16-21 અને 23 ઓક્ટોબરે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે. આઠમ અને નોમના દિવસોમાં પણ સવારે 5 વાગ્યાથી દર્શન શરૂ થશે.