Dharm

કુબેરજીને અહીંથી જ મળ્યું ‘ખજાનચી’નું પદ, ‘કુબેરેશ્વર મહાદેવ’ની પાંચ અમાસ ભરવાની માન્યતા; જાણો ઇતિહાસ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે આવેલા કુબેર ભંડારી મહાદેવ મંદિરની પૌરાણિક ગાથા રસપ્રદ છે. રાવણને લંકાની ગાદી મળતા નારાજ થયેલા કુબેરજીએ નર્મદા કિનારે શિવજીની તપસ્યા કરી. શિવજીએ પ્રસન્ન થઈ તેમને દેવોના ખજાનચી બનાવ્યા. અહીં શિવલિંગ 'કુબેરેશ્વર મહાદેવ' તરીકે પૂજાય છે. પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુબેરજીને અહીંથી જ મળ્યું ‘ખજાનચી’નું પદ, ‘કુબેરેશ્વર મહાદેવ’ની પાંચ અમાસ ભરવાની માન્યતા; જાણો ઇતિહાસ

Kuber Bhandari Mahadev: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે આવેલું છે કુબેર ભંડારી મંદિર. મંદિરનું નામ ભલે કુબેર ભંડારી હોય, પરંતુ અહીં બિરાજે છે ‘કુબેરેશ્વર મહાદેવ’. રાવણને લંકાની ગાદી મળતા કુબેરજી નારાજ થઈ ગયા હતા અને નર્મદા કિનારે આવીને મહાદેવજીની તપશ્ચર્યા કરી હતી. આવો જાણીએ આ મંદિરની રોચક ગાથા…

Kuber Bandhari Karnali.jpg

શું છે મંદિરની પૌરાણિક કથા?

શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે, લંકાની ગાદી મેળવવા માટે રાવણે મહાદેવની આરાધના કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને રાવણને લંકાની ગાદી આપી અને લંકેશ બનાવ્યા હતા. જ્યારે આ ગાદી માટે રાવણના મોટાભાઈ કુબેર હકદાર હતા. તેમને લંકાની ગાદી ન મળતા તેઓ નારાજ થઈ જાય છે અને કરનાળી ગામે આવીને નર્મદા કાંઠે શિવજીની તપશ્ચર્યા કરે છે.

Kuber Bandhari Karnali (1).jpg

શિવજીએ કુબેરજીને બનાવ્યા ખજાનચી

જ્યારે મહાદેવ કુબેરજી પર પ્રસન્ન થાય છે ત્યારે કુબેરજી ફરિયાદ કરે છે કે, લંકાની ગાદી મને મળવાપાત્ર હતી, તે છતાં તમે રાવણને આપી દીધી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, ‘રાવણ પણ મારો ભક્ત છે અને તું પણ મારો ભક્ત છે. લંકાની ગાદી ભલે તને ના મળી હોય પણ હું તને તેનાથી પણ મોટું પદ આપીશ.’ ત્યારબાદ ભોળાનાથ કુબેરને દેવોના ખજાનચી બનાવે છે અને ત્યારબાદ તેઓ કુબેર ભંડારી તરીકે ઓળખાય છે. આમ, કુબેરજીએ શિવજીને રીઝવવા માટે નર્મદા કાંઠે શિવલિંગની સ્થાપના કરી હતી, તેથી તેઓ ‘કુબેરેશ્વર મહાદેવ’ તરીકે ઓળખાય છે.

Kuber Bandhari Karnali (2).jpg

રસોડું ચાલુ કરતા પહેલાં દીવો પ્રગટાવવાની પરંપરા

શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે, આજે પણ લગ્નપ્રસંગે રસોડું ચાલુ કરતા પહેલાં કુબેરજીનો દીવો પ્રગટાવવામાં આવે છે. કારણ કે, એવી માન્યતા છે કે, તે પ્રસંગે ભંડારો ખૂટતો નથી. દેવોના ખજાનચી કુબેરના નામે કુબેરેશ્વર મહાદેવજીની પાસે જ શાલિગ્રામ રૂપે સ્વયં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. મા જગદંબા પણ આ મંદિરમાં બિરાજમાન છે.

Kuber Bandhari Karnali (4).jpg

પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા

આ મંદિરે અમાસ ભરવાની અનોખી માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, જે કોઈ વ્યક્તિ અમાસના દિવસે નર્મદામાં સ્નાન કરીને કુબેર ભંડારી દાદાના દર્શન કરે છે તો તેનું જીવન સુખદાયી અને ફળદાયી રહે છે. આ ઉપરાંત દાદા અહીં આવતા તમામ શિવભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે. શ્રાવણ મહિનામાં તો આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. આ મંદિરનું સંચાલન કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જ્યાં ભાવિક ભક્તો માટે વિનામૂલ્યે પાર્કિંગ અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.