ક્યાં ગાયબ થઈ ગયો છે રણવીર સિંહ આજકાલ?

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'ધૂરંધર' સિરીઝની બમ્પરહિટ ફિલ્મો આપ્યા પછી મિડીયા પર છવાઈ જવાને બદલે રણવીર સિંહ લોકોની નજરમાંથી સાવ અદ્રશ્ય થઈ ગયો છે. બોલિવુડનું ગંદું પોલિટિક્સ જોઈને રણવીરે એટિટયુડ બદલ્યો છે.
ક્લા સમાં એક તોફાની છોકરો છે. અતિ ચંચળ. એક મિનિટ સ્થિર બેસી ન શકે. કાં તો એ હલ-હલ કર્યા કરશે, કાં બાજુમાં બેઠેલા છોકરા સાથે વાતો કરવા લાગશે, કાં આગળ બેઠેલા દોસ્તારના માથે ટપલી મારશે. ક્લાસ પૂરો થવાની ઘોષણા કરતો બેલ વાગતાં જ એ સ્પ્રિન્ગની જેમ ઉછળશે. ક્લાસની બહાર દોટ મૂકીને સીધો રમતના મેદાન પર પહોંચી જશે… અને પછી ભાગાદોડી, ઉછળકૂદ. એને જોઈને આપણે હાંફી જઈએ. આપણને થાય કે આ ટાબરિયો થાકતો નહીં હોય? ભગવાને કેટલી એનર્જી મૂકી છે એનામાં?
…પણ અચાનક એવું કશુંક બને છે કે આ છોકરો શાંત થઈ જાય છે. એકદમ ચુપ! મોમાંથી એક અવાજ ન નીકળે. જાણે ક્લાસમાં એની હાજરી જ નથી. આપણને પાછું થાય કે લે, હવે આને શું થઈ ગયું? એ ઠીક તો છેને?
હવે ક્લાસરૂમની જગ્યાએ બોલિવુડને મૂકો. તોફાની છોકરાની જગ્યાએ રણવીર સિંહને ગોઠવી દો. ચિત્ર સ્પષ્ટ થાય છે? ઉર્જાના ભંડાર જેવો, ચિત્રવિચિત્ર કપડાં પહેરતો, નાચતો-ગાતો, પાપારાઝી સાથે મસ્તી કરતો, ફિલ્મી ઇવેન્ટ્સમાં, પાર્ટીઓમાં અને મિડીયા ઇન્ટરેક્શન્સમાં જરાય સખણો ન બેસતો રણવીર આજકાલ તમને ક્યાંય દેખાય છે? ગયા વર્ષની પાંચમી ડિસેમ્બરે 'ધૂરંધર' પાર્ટ-વન રિલીઝ થઈ એનીય પહેલાંથી એણે મિડીયામાં દેખાવાનું બંધ કરી દીધું હતું. હવે વરસ થવા આવશે. દરમિયાન 'ધૂરંધર-ટુ' પણ રિલીઝ થઈ ગઈ અને તેણે તો પાર્ટ-વન કરતાંય વધારે તરખાટ મચાવ્યો. બન્ને ફિલ્મોએ સંયુક્તપણે અધધધ ૩૨૦૦ કરોડ કરતાંય વધારે રૂપિયાનો બિઝનેસ કર્યો. સામાન્ય સંજોગોમાં રણવીર મિડીયા પર આગની જેમ છવાઈ જવો જોઈતો હતો. પણ અહીં તો એક ઇન્ટરવ્યુ સુધ્ધાં નહીં - ન ફિલ્મો રિલીઝ થઈ તેની પહેલાં, ન ફિલ્મો બમ્પર હિટ થઈ એના પછી. એકાદું સ્ટેટમેન્ટ સુધ્ધાં નહીં. અરે, છઠ્ઠી જુલાઈએ એનો બર્થડે ગયો ત્યારે પણ પાર્ટી-બાર્ટી કશું જ નહીં. આપણને થાય કે રણવીરને થયું છે શું? એ મજામાં તો છેને? ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ? શો બિઝનેસનું 'જો દિખતા વો હી બિકતા હૈ' સૂત્ર એ ભૂલી ગયો છે કે શું?
સૌથી પહેલાં તો ટાઢા પડો, અને જાણી લો કે રણવીર સિંહ એકદમ મજામાં છે. કોઈએ એવી વાત ઉડાડી હતી કે ધમાકેદાર સફળતાને પગલે રણવીરને ડિપ્રેશન આવી ગયું છે. ના, એવું કશું નથી. એની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ટકાટક છે. માત્ર પ્રોફેશનલ જ નહીં, પર્સનલ લાઇફમાં પણ એ સખ્ખત સુખી છે. તો પછી એ જાહેર જીવનમાંથી ગાયબ કેમ થઈ ગયો છે? તે એટલા માટે કે 'ધૂરંધર'ની ટીમે સમજીવિચારીને જે 'નો-પ્રમોશન' સ્ટ્રેટેજી અપનાવી હતી તે રણવીરને માફક આવી ગઈ છે. એને સમજાઈ ગયું છે કે ભાઈ, ન બોલવામાં જ નવ ગુણ છે. આમેય બીજી દીકરીના જન્મ પહેલાં એણે લાંબી પેટર્નિટી લીવ લીધી હતી. એ પોતાનો પૂરેપૂરો સમય ફક્ત અને અટેન્શન પરિવારને આપવા માગતો હતો.
રણવીરની બર્ફીલી શાંતિ પાછળ એમ તો બીજાં પરિબળો પણ કામ કરે છે. જેમ કે, બોલિવુડનું ગંદું રાજકારણ, તૂટેલા કરારો, જાહેરમાં થયેલા મતભેદો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની એક જીદ. 'ડોન-થ્રી'નો વિવાદ યાદ છેને? સૌને લાગતું હતું કે 'ધૂરંધર-ટુ' પછીની રણવીરની ફિલ્મ 'ડોન-થ્રી' હશે. ફરહાન અખ્તરના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે, પણ રણવીર-ફરહાન વચ્ચે વાંકું પડયું. સ્ક્રિપ્ટ ફાયનલ થવાનું નામ લેતી નહોતી, સતત વિલંબ થઈ રહ્યો હતો અને ફરહાન સાથે ક્રિયેટિવ ડિફરન્સ પણ થયા કરતા હતા. રણવીરે કહી દીધું: નથી કરવી તારી ફિલ્મ, જા! ફરહાન અને અને એક્સલ એન્ટરટેઇન્મેન્ટ બેનરે એની પાસેથી ૪૫ કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી. વાત એટલી વધી પડી કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ નામની સંગઠને નિર્દેશ જાહેર કર્યો: 'ધૂરંધર'ના આ હીરોને કો-ઓપરેટ કરવાનું બંધ કરો. (બીજા શબ્દોમાં કહીએ તો, રણવીરને બૅન કરી દો!) જોકે આ નિર્દેશ પછી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
એવીય અફવા હતી કે રણવીર યશરાજની 'ધૂમ-ફોર'માં મુખ્ય વિલન બનશે. આ વાત પણ સાકાર ન થઈ. રણવીરે સંજય લીલા ભણસાલી સાથે 'રામલીલા', 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે, પણ ભણસાલીસાહેબે પોતાની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'માં કોને લીધા? રણબીર કપૂર અને વિકી કૌશલને.
બીજી બાજુ, 'ધૂરંધર'ની સુપર સક્સેસથી બોલિવુડનો એક વર્ગ બળી બળીને બેઠા થઈ ગયો હતો. પોતાની પીઆર મશીનરીનો ઉપયોગ કરીને તેમણે એવી વાત ફેલાવવા માંડી હતી કે 'ધુરંધર'ની સફળતાનો જશ માત્ર અને માત્ર ડિરેક્ટર આદિત્ય ધરને મળે છે. આ ફિલ્મમાં રણવીરને બદલે બીજો કોઈ પણ હીરો હોત તો પણ ફિલ્મ આટલી જ સફળ જ થઈ હોત. ગંદું પોલિટિક્સ, પીઠ પાછળ ઘા કરવાની વૃત્તિ અને પીઆરની મેલી રમતો જોયા પછી રણવીરે નક્કી કર્યું: ઇનફ ઇઝ ઇનફ. મારે હવે કોઈના પર આધારિત રહેવું નથી. મારી કરીઅરની દિશા હું જ નક્કી કરીશ. એના માટે હું કોઈ પ્રોડક્શન હાઉસ કે બેનરની દયા પર નિર્ભર નહીં રહું!
'ધૂરંધર' માટે સામટી ફી લેવાને બદલે રણવીરે પ્રોફિટમાં ભાગ રાખ્યો હતો. પરિણામે એના બેન્ક અકાઉન્ટમાં પુષ્કળ નાણું આવી પડયું છે. એણે પોતાનું જૂનું સપનું ફરી જીવતું કર્યું. એણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું ને એને એકદમ ફિલ્મી નામ આપ્યું, 'મા કસમ'. બોલિવુડમાં પોતાના પૈસે ફિલ્મ બનાવવી એ બેધારી તલવાર જેવું છે. ફિલ્મ સફળ થાય તો રાજા બની જાઓ, પણ જો તમે ફિલ્મ ફ્લોપ થાય તો કરીઅર પાંચ વર્ષ પાછળ ધકેલાઈ જાય. આ તમામ જોખમના લેખાજોખાં કર્યા પછી રણવીરે જે ફિલ્મ પ્રોડયુસ કરવાનો નિર્ણય લીધો તેનું ટાઇટલ છે, 'પ્રલય'. આ એક ઝોમ્બી મૂવી છે. દુનિયાનો વિનાશ થઈ ચૂક્યો છે. ઝોમ્બીઓએ ઉત્પાત મચાવ્યો છે. જે કંઈ ને જે કોઈ બચી ગયા છે તેમને આ ઝોમ્બીઓથી બચાવવાના છે. અહેવાલ પ્રમાણે, આ ફિલ્મ માટે મુંબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને મોંઘો સેટ ઊભો કરવામાં આવ્યો છે, જે દુનિયાના વિનાશ પછીની સ્થિતિને જીવંત કરશે. આ ઉપરાંત, ફિલ્મનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયાના ખુલ્લા વિસ્તારો અને જંગલોમાં પણ શૂટ થવાનો છે. ડિરેક્ટર પ્રિયદર્શનની દીકરી કલ્યાણી પ્રિયદર્શન 'પ્રલય'માં રણવીરની હિરોઈન બનીને બોલિવુડમાં ડેબ્યુ કરશે.
'પ્રલય'નું અંદાજિત બજેટ ૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયા છે. એમાં પ્રિન્ટ, પબ્લિસિટી ને એ બધો ખર્ચ ઉમેરો. આ હિસાબે, ફિલ્મે માત્ર ખર્ચ સરભર કરવો હોય તો પણ ભારતમાં કમસે કમ ૭૦૦થી ૮૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવો પડે. મતલબ કે નોર્થ ઉપરાતં સાઉથ ઇન્ડિયામાં પણ ફિલ્મ ચાલવી જોઈએ. ટૂંકમાં, જોખમ મોટું છે. વધારે ચિંતા થાય એવી વાત એ છે કે આપણે ત્યાં ઝોમ્બી ફિલ્મી જૉનરને ખાસ સ્વીકૃતિ મળી નથી. 'ગો ગોવા ગોન' લોકોને ગમી હતી, પણ એ એક હલકીફૂલકી કોમેડી ફિલ્મ ચાલી હતી. હોલિવુડમાં ઝોમ્બીની ફિલ્મો અને વેબ સિરીઝ લખખૂટ કમાણી કરે છે. એનું કારણ એ છે કે પશ્ચિમનું ઓડિયન્સ ઝોમ્બીની વિભાવના સાથે કનેક્ટ થઈ શકે છે. એક થિયરી એવી છે કે પશ્ચિમમાં ઝોમ્બી અને સાયન્સ ફિક્શનને એકબીજાથી થોડા નિકટના પ્રકારો માનવામાં આવે છે. ઝોમ્બીની ફિલ્મોની વાર્તામાં વાઇરસનો ફેલાવો, પ્રયોગશાળામાં થતા પ્રયોગ કે જનીનો (જીન્સ)માં ફેરફાર જેવા મુદ્દા વણી લેવામાં આવ્યા હોય છે. પશ્ચિમમાં ટકનોલોજી અને રોગચાળા જેવા વિષયો ઓડિયન્સમાં ખોફ પેદા કરી શકે છે, જ્યારે આપણે ત્યાં પ્રેક્ષકોને ડરાવવા હોય તો ભૂત-પ્રેત અને આત્માઓને બોલાવવા પડે! 'પ્રલય'માં, નેચરલી, વીએફએક્સનો પણ ભરપૂર ઉપયોગ થશે. આ વીએફએક્સની ક્વોલિટી જો અફલાતૂન નહીં હોય તો આપણું ઓડિયન્સ સોશિયલ મિડીયા પર હો-હા કરી મૂકશે. 'રામાયણ'ના ટીઝરમાં સીજીઆઈની થોડી ભૂલ રહી ગઈ હતી તો પણ આપણા પ્રેક્ષકોએ કેવો કાગારોળ મચાવી દીધો હતો, યાદ છેને?
'પ્રલય' ઉપરાંત રણવીર સિંહ બીજી કઈ ફિલ્મોમાં દેખાવાનો છે? આદિત્ય ધરની આગામી પિરીયડ ફિલ્મ 'ચંદ્રગુપ્ત મૌર્ય'માં. કદાચ. અહીં 'કદાચ' શબ્દ પર ખાસ ધ્યાન આપવું. હજુ સુધી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી. એમ તો આજકાલ રાવણ તરીકે સૌની વાહ-વાહ ઝીલી રહેલો સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર યશ પણ 'ચંદ્રગુપ્ત મૌર્ય'માં હશે તેવું સંભળાય છે. ધારો કે આ વાત પણ સાચી હોય તોય, રણવીર અને યશમાંથી કોણ ચંદ્રગુપ્ત મૌર્ય બનશે ને કોણ ચાણક્ય બનશે તે આપણે જાણતા નથી. જો બધું સમુસૂતરું પાર પડયું તો 'પ્રલય' ૨૦૨૭માં રિલીઝ થશે અને 'ચંદ્રગુપ્ત મૌર્ય' ૨૦૨૮માં.
ફિલ્મો તો જાણે બરાબર છે, પણ રણવીરનો પેલો જૂનો ને જાણીતો એવો તોફાની, નટખટ, અદકપાંસળી, અતરંગી અને એનર્જીના ભંડાર સમો અવતાર ક્યારે રી-લોન્ચ થશે? રણવીરનાં નખરાં તમે પણ મિસ કરો છો, ખરું? સાચું બોલજો!
શો સ્ટોપર
'રામાયણ-ટુ' તો 'રામાયણ-વન' કરતાંય વધારે મોટી હિટ થશે અને બોક્સઓફિસ પર તહેલકો મચાવી દેશે.
- રામગોપાલ વર્મા




