Ravi Purti

વીણા : વિદ્યા અને બુદ્ધિ વચ્ચેનો ભેદ!

By GS Team
10 Oct 20264 mins read
વીણા : વિદ્યા અને બુદ્ધિ વચ્ચેનો ભેદ!
  • સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

ન વમી મહાવિદ્યા માતંગીના કરકમળોમાં રહેલાં ખડ્ગ અને કપાલ અંગે પાછલાં અંકોમાં વાત કરી. આજે સમય છે, એમના ત્રીજા કરકમળમાં રહેલી વીણા વિશે ચર્ચા માંડવાનો! સૌ પ્રથમ ખડ્ગ વડે વિકારો અને નકારાત્મક વૃત્તિઓને નિયંત્રણમાં લાવ્યા પશ્ચાત્ જ્યારે સાધકના મસ્તિષ્ક પરથી માયાના બધા જ આવરણો ઉતરી જાય, ત્યારે એ પોતાના મૂળ કપાલ સ્વરૂપમાં આવી જાય છે. દેવી મા પાસે એ અવકાશ રહે છે કે તેઓ હવે પોતાના સંતાનના જીવનને જે રીતે ભરવા માગે, એ રીતે ભરી શકે.
અહીં પેલી કહેવત હવે લાગુ નથી પડતી, 'ખાલી મગજ એટલે શૈતાનનું ઘર'! આ ક્ષણ પછી ખાલીપણું એ પરિપૂર્ણતાની દિશામાં જ આગળ લઈ જાય છે. વીણા એ હકારાત્મક સૂરોના ઉમેરણની નિશાની છે. સામાન્યતઃ વીણાને સંગીત સાથે સાંકળવામાં આવે છે. પ્રાચીનકાળના સંગીતવાદ્યોમાંનું એ એક છે. સંગીતકારો અથવા કલાકારો માટે એ પૂજનીય છે. દેવી મા સરસ્વતીના હાથમાં પણ વીણા શોભાયમાન છે, જેઓ વિદ્યાના મહાદેવી છે.
વિદ્યા અને અવિદ્યા વચ્ચે આખો સંસાર ઝૂલતો રહે છે. વિદ્યા-અવિદ્યાની આ બંને અવસ્થામાં મનુષ્ય પાસે વિદ્યા તો હોય જ છે, એમાં સંશયને કોઈ સ્થાન નથી; પરંતુ જેમના ઉપર દૈવીય કૃપા હોય, તેઓ 'વિદ્યાવાન' હોઈ શકે અને અવિદ્યા ધરાવનારા મનુષ્યો 'બુદ્ધિમાન'! પૂજ્ય ઓમ સ્વામી પોતાના પ્રવચનમાં કહે છે, 'આ સંસારમાં બે પ્રકારના મનુષ્યો અસ્તિત્વ ધરાવે છે - (૧) પુસ્તકો વાંચનારા બુદ્ધિજીવી અને (૨) પુસ્તકો ન વાંચનારા બુદ્ધિજીવી.
વિદ્યા અને બુદ્ધિ વચ્ચે જમીન-આકાશનું અંતર છે. વિદ્યા હંમેશા વિનય લાવે, મનુષ્યને વધુ ને વધુ નમ્ર બનાવે, સ્વાર્થનો ત્યાગ કરીને પરમાર્થ કરતા શીખવે. બીજી બાજુ, બુદ્ધિ વડે તો મનુષ્ય માત્ર પોતાના વિશે જ વિચાર કરતો રહે. પોતાની નોકરી, પોતાની કરિયર, પોતાનો સ્વાર્થ, પોતાનો પરિવાર, પોતાનો વિકાસ… બસ, માત્ર બુદ્ધિ ધરાવનારા મનુષ્યમાં આનાથી વિશેષ કશું વિચારી શકવાની ક્ષમતા નથી હોતી. આનો અર્થ એ નથી કે વિદ્યાવાન મનુષ્ય સફળ અને બુદ્ધિમાન નિષ્ફળ! ના, આનાથી ઉલ્ટું, આપણો સંસાર એ રીતે ચાલે છે કે અહીંયા વિદ્યાવાન સાવ જ નિષ્ફળ નીવડે છે અને બુદ્ધિમાન પાસે સફળતાની હારમાળા!
એનું કારણ એ કે વિદ્યાવાન થયા પછી અંતરમનમાં પરોપકારની ભાવના સિવાય કશું શેષ નથી રહેતું. વિદ્યાવાન મનુષ્ય એ સમજી જાય છે કે આખો સંસાર ક્ષણભંગુર છે, અલ્પકાલીન છે. તેને પોતાની અંગત ભૌતિક સફળતા અથવા સમૃદ્ધિ સાથે કોઈ લેવાદેવા નથી હોતા. સમાજ આગળ વધે, સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી પરોપકારી ભાવના સાથે તે પોતાનું જીવન જીવે છે. પરિણામસ્વરૂપે, આવા પ્રકારના મનુષ્યો પાસે ધન, સંપત્તિ અથવા ઐશ્વર્યનો ભંડાર હોવાની સંભાવના નહીંવત્ છે. જે માણસ અન્ય માટે જીવતો રહે, એના પોતાના ભાગે ભૌતિક સફળત નહિવત્ જ હોવાની! પરંતુ એમનો આધ્યાત્મિક ભંડાર એટલો અખૂટ હોય છે કે તે કોઈપણ વ્યક્તિના ભાગ્યચક્ર અને જીવનને પોતાની શુભ-ઈચ્છા વડે બદલી શકવાની શક્તિ ધરાવે છે. ઉદાહરણ તરીકે, નરસિંહ મહેતા, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, મીરાંબાઈ, સ્વામી વિવેકાનંદ, બામાખેપા વગેરે.
રામકૃષ્ણ મિશનના એક અદ્ભુત સંત સ્વામી સર્વપ્રિયાનંદે પોતાના પ્રવચનમાં સુંદર વાત કહી હતી. ત્રણ મિત્રો હતાં. પોતાના ગામમાં તેઓ જન્મ્યા અને મોટા થયા. ગામ સાવ નાનું અને ચારેકોર મસમોટી દીવાલ. સામે છેડે શું છે, એનો અંદાજ સુદ્ધાં ન લગાવી શકાય એટલી ઊંચી તોતિંગ દીવાલ. એક દિવસ એક મિત્રએ નક્કી કર્યું કે આજે તો તે જોઈને રહેશે કે દીવાલની પેલે પાર આખરે છે શું! ગામની બહારની દુનિયા જોવા માટે તે તલપાપડ હતો.
ત્રણેય મિત્રો એકસાથે દીવાલ પાસે પહોંચ્યા. જેમતેમ કરીને તેમણે ઈંટનો મોટો ઢગલો એકઠો કર્યો અને નક્કી કર્યુ કે વારાફરતી તેઓ દીવાલની પેલે પાર શું છે, એનું અવલોકન કરશે. પહેલો મિત્ર દીવાલ પર ચઢયો અને અચાનક મોટેમોટેથી બૂમો પાડવા લાગ્યો. આનંદના અતિરેકમાં આવીને તેણે દીવાલની પેલી બાજુ કૂદકો માર્યો. બાકી બચેલા બે મિત્રોને ભયંકર આશ્ચર્ય થયું. દીવાલની પેલે પાર શું છે એ જોવાની તાલાવેલી ચરમસીમા સુધી પહોંચી ગઈ.
બીજો મિત્ર દીવાલ પર ચઢયો અને એ પણ ધૂની માણસની જેમ જોરજોરથી ચીસો પાડવા લાગ્યો. ખૂબ ખુશ થઈને તેણે બીજી બાજુ છલાંગ લગાવી દીધી. હવે વારો આવ્યો ત્રીજા મિત્રનો! અત્યાર સુધીમાં તેના કૂતુહલની સીમા નહોતી રહી. તેણે દીવાલ પર ચઢીને જોયું અને તે પણ આનંદના અતિરેકમાં આવી ગયો, પરંતુ અન્ય બે મિત્રોની જેમ સામે છેડે છલાંગ લગાવવાને બદલે તેણે નક્કી કર્યું કે પોતે ગામમાં પરત ફરીને અન્ય ગામવાસીઓને પણ આ આનંદનો અનુભવ કરાવશે. પોતે એકલા રહીને આનો લાભ ઉઠાવવાને બદલે તેણે નક્કી કર્યું કે પોતાનો આખો સમાજ આને હકદાર છે.
બસ, આટલું જ અંતર છે… વિદ્યાવાન અને બુદ્ધિજીવી વચ્ચે! બુદ્ધિજીવી માણસ પોતાના આનંદ માટે સ્વાર્થી થઈ શકે, પરંતુ વિદ્યાવાન માટે આખા સમાજનો આનંદ, સર્વેની મુક્તિ વધુ અગત્યની હોય છે.