પુરુષાર્થની પ્રેરક પ્રતિભા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info


આજકાલ-પ્રીતિ શાહ
સુરેંદ્રન માને છે કે જીવનમાં ગમે તેટલી સફળતા મળે પણ તે શિક્ષણના અભાવને દૂર કરી શકતી નથી
ભારતમાં કેટલીયે પ્રતિભાઓ સંસાધનના અભાવે કે આર્થિક મુશ્કેલીઓના કારણે પ્રસિદ્ધિના પ્રકાશમાં આવતી નથી. એમાંની કેટલીક વ્યક્તિઓ નિયતિને દોષ દઈને પોતાની પરિસ્થિતિને સ્વીકારી લે છે, તો કેટલીક વ્યક્તિઓ સતત સક્રિય રહીને કોઈને કોઈ ક્ષેત્રમાં સફળતા મેળવે છે. સુરેંદ્રન કોચુવેલુ આવી જ વ્યક્તિ છે જેને અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ છોડવો પડયો. ૧૯૫૬માં તિરુવનંતપુરના કુમારપુરમમાં તેમનો જન્મ થયો હતો. માતા ગોમતી અને પિતા પલાવિલા કોચુવેલુના સાત સંતાનોમાં સુરેંદ્રન તેમનું ત્રીજુ સંતાન. નવ વ્યક્તિઓનું ગુજરાન ચલાવવું એના પિતા માટે મુશ્કેલ હતું. ત્યાં અભ્યાસની તો વાત જ ક્યાં રહી ? અભ્યાસમાં તેજસ્વી સુરેંદ્રન પહેલા ધોરણથી જ વર્ગમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતો હતો. શિક્ષકો પણ તેને પ્રથમ હરોળમાં બેસાડતા, પરંતુ ચોથા ધોરણમાં આવતા સુધીમાં તો બન્યું એવું કે તેને અભ્યાસ છોડી દેવો પડયો, કારણ કે તેના માટે પુસ્તકો અને યુનિફોર્મ લાવવાના પૈસા પરિવાર પાસે નહોતા. આગળ વધુ અભ્યાસ કરવાની ઇચ્છા મનમાં જ ધરબાઈ ગઈ.
પરિવાર આર્થિક મુશ્કેલી અનુભવતો. વળી સુરેંદ્રનથી ચાર ભાઈ-બહેન એનાથી નાના હતા. આવી પરિસ્થિતિમાં સુરેંદ્રને કાકાની દરજીની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. અભ્યાસમાં તેજસ્વી સુરેંદ્રન દરજીકામ પણ બહુ ઝડપથી શીખવા લાગ્યો. કાકાએ એને જે જે શીખવ્યું, તે શીખતો ગયો. એ ઉપરાંત નવા નવા પ્રયોગો પણ કરવા લાગ્યો. કપડાંનું કટિંગ અને સિલાઈ ઉપરાંત એમ્બ્રોયડરી પણ આવડી ગઈ. પોતે ડ્રેસ બનાવવામાં એટલો પારંગત થઈ ગયો કે તેણે ઇંદ્રન્સ બ્રધર્સ ટેલર્સ નામની પોતાની નાનકડી દુકાન શરૂ કરી. તેની ખ્યાતિ વધતી ગઈ અને તેને કારણે તેને મલયાલમ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાવાનું બન્યું. તેની પાસે ફિલ્મના કૉસ્ચ્યૂમ સીવડાવવા માટે ઘણા આવવા લાગ્યા. સુરેંદ્રનની પ્રયોગશીલતા, કોઠાસૂઝ, શિષ્ટ આચરણ અને હાજરજવાબીપણું જોઈને કેટલાંક નિર્માતા-નિર્દેશક પોતાની ફિલ્મમાં એને નાની નાની ભૂમિકા ભજવવા બોલાવવા લાગ્યા. ૧૯૮૧માં 'ચૂથાટ્ટમ' ફિલ્મમાં કૉસ્ચ્યૂમ ડિઝાઈનર અને સહાયક અભિનેતા તરીકે કામ કર્યું. ધીમે ધીમે મલયાલમ ફિલ્મઉદ્યોગમાં સહુ તેને ઓળખવા લાગ્યા. જોકે દર્શકોને હજી ખબર નહોતી કે હીરો-હીરોઈનના તેમજ અન્ય પાત્રોના આટલા સુંદર પોશાક કોણ તૈયાર કરે છે ? દર્શકોનું ધ્યાન તેના અભિનય પ્રત્યે પણ એટલું નહોતું ગયું, પરંતુ ૧૯૯૪માં 'સીઆઈડી ઉન્નીકૃષ્ણન બી.એ., બી.એડ.'ના નામથી આવેલી કૉમેડી ફિલ્મને કારણે કેરળમાં સહુ તેને ઓળખવા લાગ્યા. લોકો તેને ઇંદ્રન્સના નામથી ઓળખે છે. ઇંદ્રન્સે ત્યાર પછી હાસ્યની ઘણી ભૂમિકાઓ કરી અને મલયાલમ ફિલ્મનો લોકપ્રિય હાસ્યકલાકાર બની ગયો. તેણે 'મલ્લપુરમ હાજી મહાનયા જોજી', 'મનાથે કોટ્ટારમ', 'આદ્યાથે કનમની' અને 'અનિયન બાવા ચેતન બાવા' નામની ફિલ્મોમાં યાદગાર ભૂમિકા કરી. ૧૯૯૮માં 'પંજાબી હાઉસ' નામની કૉમેડી ફિલ્મમાં ઉથમનની સુંદર ભૂમિકા નિભાવી. અભિનેતા અને દિગ્દર્શક હરિશ્રી અશોકન સાથે મુલાકાત થઈ અને એ પછી ઘણી સફળ ફિલ્મો બની.
૨૦૦૪માં 'કાથાવશેશન'માં ચોરની ભૂમિકા નિભાવી અને ચરિત્ર અભિનેતા તરીકે ઓળખ મેળવી, તો ૨૦૦૯માં 'રહસ્ય પુલિસ'માં ખલનાયકની ભૂમિકા ભજવી. ૨૦૧૪માં 'અપોથેકરી'ના અભિનય માટે કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર મળ્યો. 'મુદ્રોથુરુથ', 'કાડુ પૂકુન્ના નેરમ' અને 'ગોડ સે'માં ગંભીર ભૂમિકા નિભાવી. ૨૦૧૭માં આવેલી 'વેયિલમારંગલ' નામની ફિલ્મમાં તેમના અભિનય માટે સિંગાપુર દક્ષિણ એશિયાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો પુરસ્કાર મળ્યો. સુરેંદ્રનમાં કલાત્મક સૂઝ અને સંવેદનશીલતા જોતાં ૨૦૨૧માં રોજિન થોમસે 'હોમ' નામની ફિલ્મમાં પિતાની માર્મિક ભૂમિકા આપી. તેમાં પિતા પોતાના પુત્રોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ ટૅક્નૉલૉજીનું જ્ઞાન ઓછું હોવાથી પુત્રો તેમનાથી દૂર રહે છે. સોશિયલ મીડિયામાં ડૂબેલા રહેતા પુત્રોને પિતાનો નિ:સ્વાર્થ પ્રેમ દેખાતો નથી. આમ બે પેઢી વચ્ચેના અંતરને રેખાંકિત કરતી ફિલ્મમાં પ્રેમાળ પિતાની ભૂમિકા કરતા સુરેંદ્રનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ૨૦૨૪માં તેમની આત્મકથા 'ઈંદ્રધનુસ્સુ', 'માતૃભૂમિ ઈલસ્ટ્રેટેડ વીકલી'માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ અને તેને ૨૦૨૪નો ચેરુકડ પુરસ્કાર મળ્યો છે. સુરેંદ્રનને આટલા કલદાર અને કીર્તિ મળ્યા, પરંતુ દસમા ધોરણ સુધી પણ અભ્યાસ ન કરી શક્યાનો અફસોસ મનમાં હંમેશાં રહ્યો. તેથી ૨૦૨૪માં અડસઠ વર્ષની ઉંમરે સાતમા ધોરણની પરીક્ષા આપવા સ્કૂલે ગયા, કારણ કે કેરળમાં એવો નિયમ છે કે સીધી દસમા ધોરણની પરીક્ષા આપી શકાય નહીં. દસમા ધોરણની પરીક્ષા આપવા માટે સાતમા ધોરણની અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. કેરળમાં વર્સેટાઈલ અભિનેતા તરીકે જાણીતા સુરેંદ્રન માને છે કે જીવનમાં ગમે તેટલી સફળતા મળે પણ તે શિક્ષણના અભાવને દૂર કરી શકતી નથી.

તન બિમાર, મન મક્કમ
જયશ્રી કહે છે કે હજી સાત શિખર બાકી છે. દરેકના જીવનમાં ઘણા પડકારો આવે છે જેને પાર કરવાના હોય છે
ચેન્નાઈમાં રહેતી જયશ્રી વિજય મોહનના જીવન વિશે જાણીએ ત્યારે 'અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી' એ પંક્તિની યાદ આવ્યા વિના નહીં રહે. આર્થિક સલાહકાર ફર્મમાં ભાગીદાર જયશ્રી પોતાના કામની સાથે તેની બંને પુત્રીઓનો કુશળતાથી ઉછેર કરી રહી હતી, પરંતુ એક દિવસ ત્રિચીથી ચેન્નાઈની મુસાફરી દરમિયાન તેના શરીરની ડાબી બાજુનો ભાગ એકદમ સુન્ન થવા લાગ્યો. તરત જ તેણે ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે જણાવ્યું કે કદાચ 'સ્ટ્રોક' હોઈ શકે. આસપાસ કોઈ હોસ્પિટલ હોય તો ત્યાં પહોંચી જવાની સલાહ આપી, પરંતુ હાઈવે પર કોઈ હોસ્પિટલ નહોતી, તે ચેન્નાઈ પહોંચી. સ્ટ્રોક એટલો ગંભીર નહોતો, પરંતુ ડાબી બાજુ લકવાની અસર થવાથી શરીરનું સમતુલન જળવાતું નહોતું. એની બોલવાની રીત અને સમજણ શક્તિ પર અસર થઈ હતી, તેને આસપાસ શું થઈ રહ્યું છે તેની ખબર પણ પડતી હતી. એને પોતાનું શરીર જ અજાણ્યું લાગતું હતું.
મહિનાઓ સુધી ચાનો કપ ઉપાડવો, વાળ ધોવા જેવાં નાનાં કામ પણ મુશ્કેલ લાગતા હતા. સહુ તેને વાસ્તવિકતા સ્વીકારવા માટે સમજાવતા હતા. સ્ટ્રોક પહેલા એ માનતી કે જેટલું થાય તેટલું કામ કરો, વધુ મજબૂત બનો, પરંતુ હવે તે વિચારવા લાગી કે શરીરને સાંભળો, તમારી મર્યાદાને સ્વીકારો અને સંયમ રાખો. જયશ્રી વિજય મોહન કહે છે કે એક દિવસ એણે એની જાતને પૂછયું કે આગળ વધવું એટલે શું ? તે માનસિક રીતે સ્વસ્થ થવા લાગી. તેણે પોતાના જીવનમાં 'અવલો દાન'નો સિદ્ધાંત સ્વીકાર્યો છે. જેનું આજે પણ પાલન કરે છે. અવલો દાન એટલે સ્વીકાર કરો અને આગળ વધતા રહો. તેનાથી તેને તેના મનમાં ચાલતા નિરંતર સંઘર્ષ સામે લડવાની તાકાત મળી.
નાનપણથી જ પર્વતોનું આકર્ષણ અનુભવનાર જયશ્રીએ ૨૦૨૩માં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું. ડૉક્ટર આ સાંભળીને સ્તબ્ધ બની ગયા. સામાન્ય રીતે સ્ટ્રોક આવેલ વ્યક્તિ દોડવા માટે પણ વિચારી શકતી નથી, ત્યારે આ તો એવરેસ્ટ બેઝ કેમ્પ પર જવાની વાત કરે છે ! પર્વતારોહણનો કોઈ અનુભવ પણ નહીં, તેમ છતાં તેણે ત્રણ મહિના સુધી સતત તાલીમ લીધી. એવરેસ્ટ બેઝ કેમ્પની યાત્રા નવ દિવસની હતી. તેના આઠમા દિવસે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ઑક્સિજનનું સ્તર એટલું ઓછું થઈ ગયું કે તેને ઍરલિફ્ટ કરવાની જરૂર પડી. તેણે પોતાના પતિ અને બાળકો માટે વૉઇસ મેસેજ રેકોર્ડ કર્યો. વળી એક જગ્યાએ ફોનનું નેટવર્ક મળ્યું અને ડૉક્ટરે તેની સાથે વાત કરી કે તે બેભાન ન થઈ જાય તેનું ધ્યાન રાખે. બપોર સુધીમાં તે બેઝ કેમ્પ સુધી પહોંચી. એવરેસ્ટ બેઝ કેમ્પની યાત્રાએ તેનામાં આત્મવિશ્વાસ વધાર્યો અને તેના સંકલ્પને મજબૂત કર્યો, પરંતુ એક વર્ષ સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો. કરોડરજ્જુના ચોથા અને પાંચમા મણકાની સમસ્યાને કારણે ફોન ઉપાડવામાં, પાણીની બોટલથી પાણી પીવામાં કોઈની મદદની જરૂર પડતી.
થોડા વખતમાં તેની કમર સારી થઈ ગઈ અને ૨૦૨૫ માટે તેનું લક્ષ્ય આફ્રિકાનો સૌથી ઊંચો સ્વતંત્ર પર્વત કિલિમાંજારોને સર કરવાનું હતું. તેને ઑક્ટોબર મહિનામાં સ્ટ્રોક આવ્યો હતો, તેથી ઑક્ટોબર મહિનો પસંદ કર્યો. શરીરનું ચેક-અપ કરાવતા ફેફસાંની કાર્યક્ષમતા ઓછી છે તેની ખબર પડી. ડૉક્ટરોને રિપોર્ટ બતાવ્યા. હૃદયરોગ વિશેષજ્ઞા, ફેફસાના વિશેષજ્ઞા, ન્યૂરોફિઝીશ્યન અને તેને તાલીમ આપનાર બધાની સલાહ લીધી. જયશ્રીની અરજી તો મંજૂર થઈ ગઈ હતી, પરંતુ જવાના થોડા સમય પહેલાં એક ઓપરેટરે સાથે જવાની સંમતિ આપી હતી. તેણે કહ્યું કે એમઆરઆઈ કરાવવું પડશે. ઍરપોર્ટ જવાના બે કલાક પહેલાં એમઆરઆઈ કરાવ્યું. તાંઝાનિયા પહોંચીને એક રાત આરામ કર્યો. ત્યાં ડૉક્ટરની ટીમ અને ગાઈડે તેને ઘરે પાછી ફરવા સમજાવી, પરંતુ જયશ્રી માની નહીં. એને અનુમતિ તો મળી, પરંતુ તે અઢી દિવસમાં જ યાત્રા પૂર્ણ કરવા માગતી હતી તે વાત સાથે તેની સાથે કોઈ સંમત થયું નહીં.
જયશ્રીએ તેમને પૂછયું કે, 'તમે મને તમારી ઝડપે ચડવા દેશો તો પછી તમે મને મારી ઝડપે ઉતરવા દેશો ?' આમાં તેને સંમતિ મળી ગઈ. તે પાંચ દિવસ અને સાડા છ કલાકમાં શિખર પર પહોંચી ગઈ. એક સમય એવો આવ્યો કે તેના જેકેટના ખિસ્સા ખોલવા માટે અન્યની મદદ લેવી પડી. શિખર પર પહોંચી, પાંચ મિનિટ સુધી ફોટા પાડયા, વીડિયો બનાવ્યો અને નીચે ઊતરવા લાગી. તે લગભગ દોડતી રહી. આશરે પચીસ વાર પડી, પરંતુ કંઈ ખાવા માટે રોકાઈ નહીં. ટયૂબથી પાણી પીતી રહી. પોતાની બધી તાકાત લગાવીને છેલ્લા રેઇનફોરેસ્ટના વિભાગને લગભગ ઘસડાતા-ઘસડાતા પગે પસાર કરીને દસ કલાક અને છવ્વીસ મિનિટમાં તે નીચે ઉતરી ગઈ. તેણે હેમિપ્લેજિયા શ્રેણીમાં બે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યા - એક મહિલા પર્વતારોહી દ્વારા માઉન્ટ કિલિમાંજારો પર સૌથી ઝડપથી ચડવા માટે અને બીજો સૌથી ઝડપથી ઉતરવા માટે ! જયશ્રી કહે છે કે હજી સાત શિખર બાકી છે. દરેકના જીવનમાં ઘણા પડકારો આવે છે જેને પાર કરવાના હોય છે. કમજોર શરીર સાથે પર્વતારોહણ કરનાર જયશ્રી અન્ય આવા પીડિતોને માટે આશાનો અવાજ બનવા માગે છે.




