Ravi Purti
દીકરો એટલે વાહ! અને દીકરી એટલે આહ! એવું કેમ?
By GS Team
8 Aug 20266 mins read

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- લાગણીશીલ, સમજદાર અને શાણું સંતાન એ ઈશ્વરનું મોટું વરદાન છે!
''અ રે, પોયણી ક્યાં મરી ગઈ ? તારી ભણવાની ચોપડીઓ બધી વેરવિખેર પડી છે, સરખી રીતે ગોઠવવા માટે જોશી પાસે મુહૂર્ત કઢાવી આપું ?''
''અને તારો સ્કૂલનો યુનિફોર્મ ઈસ્ત્રી વગરનો છે, ધોબી પાસે તારા પપ્પાને મોકલું ?''
''પોયણી, છેલ્લે કાંસકો તેં વાપર્યો હતો ? તને એ વાતની ગતાગમ નથી કે કાંસકામાં વાળ રહેવા ન જોઈએ ?''
''અરે હું બૂમો પાડું છું અને તું ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ છે. તને ખબર નથી કે પહેલાં તારો ભાઈ ભવ્ય જમી લે પછી જ તને જમવાનું મળશે ?''
- પોયણીની મમ્મી સુલભાદેવી એક પછી એક વ્યંગ્ય-બાણ છોડે જ જતા હતાં. ભવ્યને ટયૂશન આપવા આવનાર શિક્ષક સુલભાદેવીને કહેતા : ''આન્ટી, નાનાં બાળકો પાસે પ્રેમથી કામ લેવું જોઈએ. સાયકોલોજી એમ કહે છે કે નાનાં બાળકોને ધમકાવવાથી અને વારંવાર ટોકવાથી એમનાં મન પર વિપરીત અસર પડે છે.''
શિક્ષકને આગળ બોલતાં અધવચ્ચે જ અટકાવતાં સુલભાદેવી તાડૂકતાં : ''મનોવિજ્ઞાનના પાઠ તમારી પત્નીને શીખવજો. મને નહીં સમજ્યા ? અને તમે ભવ્યના શિક્ષક છો મારા નહીં, એટલે મર્યાદામાં રહો.''
અને શિક્ષક નિરુત્તર બની જતા. વાતને વાળી લેવા પોયણીના પપ્પા વિવેકકુમાર દોડી આવતા અને કહેતા : ''સાહેબ, માઠું ના લગાડતા. અમારી સુલભાનો સ્વભાવ જરા આકરો છે, બાકી એનું મન
ચોખ્ખું છે.''
''પતિ થઈ પત્નીનું ઉપરાણું લેવાને બદલે 'આકરો સ્વભાવ' કહી મારી વગોવણી કરતાં તમને શરમ નથી આવતી ? હું બોલું ત્યારે તમારે મૌન ધારણ કરવાનું સમજ્યા ?'' સુલભાદેવી વૈશાખી બપોરનો તાપ દેખાડતાં કહેતાં.
સુલભાદેવી ક્રોધે ભરાય ત્યારે સાક્ષાત્ રણચંડી બની જાય. એક હાથે પોયણીના વાળ પકડે અને બીજા હાથે ફટકારે. એ પછી ઘરનાં વાસણો પર ક્રોધ ઠાલવે અને છેલ્લે ગીતા નામની આયાને અડફેટે લે… અને પછી છુટ્ટા મોઢે સુલભાદેવી રડે ''અરેરે… આ ઘરમાં મારી કોઈને કદર નથી.''
માત્ર પોયણી જ નહીં, કરિયાણાનો વેપારી, ધોબી, શાકવાળો, પસ્તીવાળો, પાડોશી બધાં જ સુલભાદેવીના ત્રાસથી આતંકિત હતા, સિવાય કે તેમનો વહાલસોયો પુત્ર ભવ્ય.
કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે એ દિવસે પોયણી માટે 'રિમાન્ડ' જેવો દિવસ. ઓછા ગુણ આવવા બદલ પોયણીનો ઉધડો લેવાય, ધોલધપાટ પણ થાય. અને પોયણીના ભાઈ ભવ્યની પરીક્ષાનું પરિણામ સુલભાદેવી એકલા હોય ત્યારે જોતાં અને ગમે તેવું પરિણામ હોય, તેઓ ભવ્યને શાબાશી અચૂક આપતા.
પોયણીના 'સખીવર્તુળ' અને શાળામાં પણ સુલભાદેવીના પોયણી પરના ત્રાસની વાતો વહેતી થઈ ગઈ હતી. એટલે પોયણીના શિક્ષકો પોયણીને પોતાની લાગણી અને વાત્સલ્ય ભાવથી ભીંજવતાં !
પોયણી ક્યાંય પણ બહાર જાય, ત્યારે એની સાથે આયા ગીતાબેનને મોકલવાનું સુલભાદેવીએ ફરજિયાત બનાવી દીધું હતું. અને રજેરજની માહિતી તેણે સુલભાદેવીને શબ્દશ: આપવી, તેવું સુલભાદેવીનું ફરમાન હતું.
આયા ગીતાબેનનો સ્વભાવ પ્રેમાળ અને વત્સલ હતો. તેમની લાડકી પુત્રીના અવસાન બાદ તેમનો ખોળો ખાલી રહ્યો હતો. તેમની મૃત પુત્રીનો ચહેરો પોયણીના ચહેરાને મળતો આવતો હતો. એટલા આયા ગીતાબેન પોયણીને ખૂબ જ વહાલ કરતા હતા. સુલભાદેવી જન્મદાત્રી હતાં, જ્યારે ગીતાબેન વાત્સલ્યદાત્રી ! ગીતાબેન પોયણીને સગી મા જેટલો પ્રેમ કરતાં હતાં.
ગીતાબેન રાત્રે પોયણીનાં અભ્યાસખંડમાં જ તેની સાથે સૂઈ જતાં ક્યારેક પોતાને આવડે એવી બાળકથાઓ કહી પોયણીને રીઝવતા તો ક્યારેક પોયણીને પોતાના ખોળામાં પોઢાડી ગીતાબેન તેની પીઠ થપથપાવ્યા કરતા. ગીતાબેન પોયણીનો એકમાત્ર વિસામો ! મમ્મી સુલભાદેવીના વાક્બાણોથી પોયણીના ઘવાયેલા હૃદય માટે ગીતાબેનનું વાત્સલ્ય, શીતળ લેપની ગરજ સારતું.
ગીતાબેન અને પોયણી બન્ને એકલા ગાર્ડનમાં ફરવા જાય ત્યારે પોયણીના આનંદનો પાર ન રહેતો. ગીતાબેન પોયણીને ચોકલેટ ખવડાવે, આઈસક્રીમ ખવડાવે, ત્યારે પોયણી પણ પોતાની સાથે ગીતાબેનને પણ ચોકલેટ અને આઈસક્રીમ ખાવાનો આગ્રહ કરતી. ગીતાબેન પોયણીના હાથ ધોઈ આપી ભીના નેટપ્કિનથી તેના ચહેરાને સાફ કરી આપતા, ત્યારે પોયણી ગીતાબેનને ''ગીતામા'' તરીકે સંબોધતી, અને ગીતાબેન ગદ્ગદ્ થઈ જતા.
સમય વીતતો ગયો. પોયણીએ સ્કૂલ અને કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. એણે કોમ્પ્યુટર વિષય સાથે સ્નાતકની પદવી મેળવી ત્યારે સૌથી પહેલા વંદન 'ગીતામા'ને કર્યાં હતાં. પોયણીએ પદવીનું પ્રમાણપત્ર પપ્પા વિવેકકુમારને બતાવ્યું ત્યારે વિવેકકુમારે તેનું મસ્તક ચૂમીને અભિનંદન આપ્યાં હતાં. વિવેકકુમારની જોડે બેઠેલા સુલભાદેવીએ કહ્યું હતું : ''પોયણી, તારું પ્રમાણપત્ર મારા બેડરૂમમાં મૂકી દે. નવરાશે જોઈ લઈશ. આમેય મારો નંબર તો તારા હૃદયમાં છેલ્લો જ છે ને. પરીક્ષાનું પરિણામ લઈને તો મારો દીકરો ભવ્ય સીધો મારી પાસે આવશે. તું તો કાલે સાસરે જતી રહીશ, ભવ્ય જ મારું ભવિષ્ય છે અને એ જ મારું સર્વસ્વ છે.''
સુલભાદેવીની વાત સાંભળી પોયણી દુ:ખી થઈ ગઈ હતી. પોયણીને એ સમજાતું નહોતું કે ''મમ્મીના હૃદયમાં એના માટે કટુતાનો પ્રવાહ શા માટે વહેતો
રહે છે.''
પોયણીને હવે મમ્મીનું ઘર જેલ જેવું લાગતું હતું. એટલે એની સહેલી ધન્યતાને ત્યાં વારંવાર જતી હતી. ધન્યતાના મમ્મી-પપ્પા પણ પોયણીને વાત્સલ્યપૂર્વક આવકારતાં હતા. ધન્યતાનો ભાઈ ઉત્કર્ષ યુ.એસ.થી આવ્યો હતો. પોયણીનાં વાણી-વર્તનથી ઉત્કર્ષ પણ ખૂબ જ પ્રભાવિત થયો હતો. ઉત્કર્ષે તેની બહેન ધન્યતાને વાત કરી. ધન્યતાએ સીધું જ પોયણીને પૂછી લીધું. પોયણી તો મમ્મીનું ઘર છોડવા તૈયાર જ હતી. તેણે ઉત્કર્ષનો પ્રસ્તાવ ગીતામાની સલાહ લઈને સ્વીકારી લીધો હતો. પોયણીના મમ્મી સુલભાદેવી તો 'સાપના ભારા'ને વિદાય કરવા તૈયાર જ હતા…
અને ઉત્કર્ષ તથા પોયણીનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. ઉત્કર્ષ યુ.એસ. ગયો ત્યારબાદ એક વર્ષે પોયણીને યુ.એસ. જવાની તક મળી હતી. સુલભાદેવી હરખમાં હતાં, પણ ગીતામા પર જાણે આભ તૂટી પડયું હતું… ગીતામા એકલા પડી ગયા હતા.
એ વાતને પાંચ વર્ષ વીતી ગયા. સુલભાદેવીએ ગીતામાને નોકરીમાંથી છૂટા કરી દીધા છે, એવું જાણ્યા પછી પોયણીએ પોતાની સહેલી ધન્યતા અને પોતાનાં સાસુ-સસરાને વિનંતી કરીને ગીતામા માટે એક નાનકડો ફલેટ ખરીદી લીધો હતો. અને ગીતામા એ ફલેટમાં રહેવા ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત ગીતામાને માસિક રૂપિયા પંદર હજાર આપવાની પણ વ્યવસ્થા પોયણીએ ગોઠવી આપી હતી.
પોયણીના યુ.એસ. ગયા બાદ સુલભાદેવી પર આપત્તિના ઓળા ઊતર્યા હતા. તેમને બ્લડ કેન્સરનું નિદાન થયું હતું. તેમણે જલ્દી જલ્દી દીકરા ભવ્યના લગ્ન પોતાની એક અમીર સહેલીની પુત્રી સ્વીટી સાથે ગોઠવી દીધા હતા. સુલભાદેવીની માંદગીમાં સ્વીટી તેમની અને તેમના પતિ વિવેકકુમારની સેવા કરશે તેવી આશા સાથે તેમણે ભવ્યના લગ્ન કર્યા હતા. પરંતુ સ્વીટીને ઘરમાં કોઈ રસ નહોતો. એ ઘરના કામ અને વડીલોની સેવાને કન્ટ્રી ટાઇપ વિચારધારા માનતી હતી. દામ્પત્ય જીવન માણવામાં જવાબદારીઓ અંતરાયરૂપ બને તે બરદાસ્ત કરવા હરગિઝ તે તૈયાર નહોતી. વિવેકકુમારે સુલભાદેવીની સારામાં સારી સારવાર કરાવી પણ સુલભાદેવી બચી શક્યાં નહોતાં.
ઉત્કર્ષ અને પોયણી તાત્કાલિક ભારત દોડી આવ્યાં હતાં. પોયણીએ પોતાને ઘેર જતાં પહેલાં, ગીતામાને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી… ત્યારે પોયણીનાં સાસુ-સસરાએ કહ્યું હતું : ''બેટા, તારી મમ્મીના ગયા પછી તારા પિતા બિમાર થઈ ગયા હતા અને તેમને અમે આપણા ઘરે તેડી લાવ્યા છીએ. તારી ભાભી સ્વીટી તો ફરવા ટુર પર ગઈ હતી, એટલે અમે તારા પપ્પાની સાર સંભાળ કરવા આપણા ઘરે લઈ આવ્યા છીએ.''
''હા, મમ્મીજી, મારી જન્મદાત્રી માતા સુલભાદેવીનું અવસાન થયું છે, પણ જેણે મને નિ:સ્વાર્થપણે મમતા, વાત્સલ્ય અને લાગણીથી સિંચી છે એવા મારા ગીતામા મારા 'ખરા મમ્મી' છે. પહેલાં હું એમના દર્શન કરીશ તેમના આશીર્વાદ લઈશ પછી આપણા ઘેર આવીશ. મારા પપ્પાની પણ હું સેવા કરીશ.''
પોયણીની ઉદાત્ત ભાવના અને સંબંધની શાન વિષેની સમજણ જોઈ ઉત્કર્ષના મમ્મી-પપ્પા ભાવવિભોર થઈ ગયા.
અને ઉત્કર્ષ તથા પોયણી ગીતામાના ફલેટ પર પહોંચ્યા હતા. વર્ષોથી વિખૂટા પડેલા બે હૈયાં એકબીજાને ભેટીને મોકળે મને રડયાં હતાં.
પોયણી પોતાને સાસરે ગઈ પછી એણે પોતાના પપ્પાની સેવા-ચાકરી શરૂ કરી. એણે પોતાના પપ્પાજીને કહ્યું હતું : ''પપ્પાજી, થોડા સમય પછી મારે ઉત્કર્ષ સાથે યુએસ પાછા જવું પડશે. મારી ઈચ્છા છે તમે આપણા ઘરે પાછા જાવ. ગીતામા તમારી સાર-સંભાળ રાખશે. અને હું તો છું જ. જ્યાં મારા ગીતામા ત્યાં જ મારું પિયર.''
અને સૌ પોયણીની ગીતામા પ્રત્યેની પવિત્ર લાગણીથી પ્રસન્ન થઈ ગયા હતાં. વિવેકકુમાર નિરુત્તર બની ગયા. એમની આંખમાંથી અસ્ખલિત રીતે અશ્રુ વહી રહ્યા હતા. લાગણીશીલ, સમજદાર અને શાણું સંતાન એ ઈશ્વરનું મોટું વરદાન છે.




