For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્વાર્થ ત્યાગથી આ દુનિયા ઉજળી બને એ માટેની પાંચ ઉપકારક બાબતો

Updated: Dec 30th, 2023

સ્વાર્થ ત્યાગથી આ દુનિયા ઉજળી બને એ માટેની પાંચ ઉપકારક બાબતો

- એક જ દે ચિનગારી-શશિન્

- આ જગત સુંદર છે, એને સુંદર રાખવા માટે ભગવાને માણસને ધરતી પર મોકલ્યો છે ઈશ્વર નિસ્વાર્થી છે, એનો દીકરો મનુષ્ય નિસ્વાર્થી અને સ્વાર્થ ત્યાગી બને એ જોવા ભગવાન સદાય ઉત્સુક છે.

એ ક માણસ પોતાની ડાયરી લખી રહ્યો હતો. ડાયરીમાં એણે પોતાની મુંઝવણ વ્યક્ત કરી હતી. એની ફરિયાદ હતી કે મારો સ્વાર્થ કેમ સિદ્ધ થતો નથી ? શું સ્વાર્થી હોવું એ પાપ છે ?

આવી મુંઝવણો માત્ર એ માણસના મનમાં નહીં અનેક લોકોના મનમાં થતી હોય છે.

સ્વાર્થ એટલે પોતાનો મતલબ પોતાનું હિત. સ્વાર્થી એટલે - સ્વાર્થવાળું, આપ મતલબી, એકલપેટુ. કેટલાક લોકો સ્વાર્થ પરાયણ હોય છે, જેઓ માત્ર પોતાના લાભ કે સ્વાર્થનો જ વિચાર કરતા હોય છે. સ્વાર્થ શબ્દ 'સ્વ' અને અર્થના મેળથી બનેલો છે. 'સ્વ' એટલે પોતાનું અને અર્થ એટલે મતલબ, ગરજ સ્વાર્થી માણસને પોતાના હિત સિવાય બીજું કશું દેખાતું નથી. સ્વાર્થ ખાતર ગમે તેવું દુષ્કૃત્ય પણ કરવા તૈયાર થાય છે. સ્વાર્થી માણસ વિવેકભ્રષ્ટ હોય છે તે સારા-નરસાનો ભેદ પારખી શકતો નથી. સ્વાર્થ ખાતર સગા-સંબંધી કે મિત્રનો પણ દ્રોહ કરતાં અચકાતો નથી. આવા લોકો 'સ્વાર્થકીટ' કહેવાય છે. સ્વાર્થી માણસ લોભી હોય છે. એ ધર્મને નહીં પણ ધનને જ સર્વસ્વ માને છે. 'ત્યાગ'ને નહીં પણ 'ભોગ'ને જ મહત્વ આપે છે. સ્વાર્થ ત્યાગ જેવો કોઈ શબ્દ સ્વાર્થી માણસના શબ્દકોશમાં હોતો નથી. એ પૂજા-પાઠ કે પ્રાર્થના કરે ત્યારે પણ નિસ્વાર્થ રહી શકતો નથી. ઈશ્વર કે આરાધ્ય પોતાનાં સ્વાર્થ સિદ્ધ કરવામાં મદદરૂપ થાય એવા આર્શીવાદ માગે છે. માણસ 'સ્વાર્થદંડ' પણ હોઈ શકે, જેનો અર્થ છે પોતાના સ્વાર્થ ખાતર કરવામાં આવતું પાપાચરણ દુનિયામાં સંપૂર્ણપણે નિસ્વાર્થી હોય એવો માણસ શોધ્યો પણ ન જડે. કથા-વાર્તા સાંભળે તેની પાછળ પણ પુણ્ય કમાવાનો કે મોક્ષ પ્રાપ્તિનો ગુપ્ત ભાવ છુપાએલો હોય છે. માત્ર ઈશ્વર જ નિસ્વાર્થ છે. એણે કશા જ સ્વાર્થ વિના મનુષ્યનું સર્જન કર્યું છે. આવી સમજ કેળવનાર જ સંત બની શકે.

સ્વાર્થપરાયણવાદ જેને 'ઈગોઈસ્ટિક હિડોનિઝમ' કહેવામાં આવે છે. એમાં પોતાનું કામ પાર પાડે એવો વાદ એવો અર્થ સમાએલો છે. પોતાને મજા ક્યાં કર્મોથી મળશે એવો ઉદ્દેશ રાખી કર્તવ્ય કરનારાઓનો વાદ તે સ્વાર્થપરાયણવાદ એમ જ્ઞાનકોષો કહે છે. માણસ સ્વાર્થની જ રમત રમે તે સ્વાર્થબાજી. પોતાના મતલબ ઉપર જ રાખે તે સ્વાર્થ બુદ્ધિવાળો માણસ.

ઋગ્વેદ કહે છે કે જે એકલો ખાય છે તે પાપમય છે. જ્ઞાન અને ધન વગેરે બીજા માટે ન આપનાર અમારી વચ્ચે ન સ્વાર્થ બળવાન છે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખાતર મિત્રને શત્રુ બનાવી દે છે એટલું જ નહીં શત્રુને પણ મિત્ર બનાવવાનો દંભ કરે છે. સ્વાર્થી માણસ પોતાનો હિત પાર પાડવા સંબંધ તોડી નાખવા પણ તૈયાર થતો હોય છે. રાજકારણ તેનું ઉદાહરણ છે. સ્વાર્થ ખાતર પક્ષપલટો કરવો અને સ્વાર્થ સિદ્ધ ન થતાં વળી પાછો પક્ષપલટો કરવામાં આવા સ્વાર્થીઓ શરમાતા નથી. રહીમ આવા માણસો વિશે કહે છે કે કામ હોય ત્યારે અમુક પ્રકારનું વર્તન અને કામ સર્યા પછી અમુક પ્રકારનું વર્તન એમ બેવડી નીતિ સ્વાર્થી લોકો અપનાવતા હોય છે જેમ કે લગ્નમાં વરરાજાએ ધારણ કરેલો સહેરા કે હારનો મુગટ લગ્નમાં ફેરા ફર્યા પછી નદીમાં પધરાવી દેવાય છે. પોતાનું કાર્ય સિદ્ધ થયા સુધી સ્વાર્થી માણસ વ્યક્તિ કે વસ્તુનું માન જાળવતો હોય છે. નદી પાર કરાવનારી હોડીનો સામે કિનારે પહોંચ્યા બાદ ક્યારેય આભાર માને છે ? દેવ હોય, માણસ હોય કે મુનિ હોય સહુની એક જ રીતિ હોય છે, જ્યાં લગ્ન સ્વાર્થ ત્યાં લગી પ્રીતિ એ રામચરિત માનસમાં તુલસીદાસજીએ કહ્યું છે. માણસ થોડીક જમીન, થોડાક રૂપીઆ, થોડીક સત્તા પ્રાપ્ત કરવાના લોભ અને મોહનો ગુલામ બની માણસાઈના ગળે ટૂંપો દેવા તૈયાર થતો હોય છે. ધન, વૈભવ અને અધિકાર એ ત્રણે સ્વાર્થનાં પ્રેરક બળો છે. 'અશોક કે ફૂલ'માં પં. હજારીપ્રસાદ દ્વિવેદીજીએ સાચું જ કહ્યું છે દુનિયા ભૂલકણી છે. માત્ર એટલું જ યાદ રાખે છે, જેનાથી તેનો સ્વાર્થ સધાય છે. બાકી બધું ફેંકીને તે ચલતી પકડે છે.

કાકા હાથરસી હિન્દીના સુપ્રસિદ્ધ હાસ્ય-વ્યંગકાર હતા. એમણે 'સત્સંગ' નામની કવિતામાં સ્વાર્થ કેન્દ્રિત મનોવૃત્તિ પર વ્યંગ્ય કરતાં કહ્યું છે :

''રાગ કો વૈરાગ્ય કી

ચટની લગાકર ચાટિયે,

જ્ઞાન કો અજ્ઞાન કી

કૈંચી બનાકર કાટિયે.

ગીત ગાઓ ત્યાગ કે

ચર્ચા કરો પરમાર્થ પર,

ઘૂમ ફિર કર અંતમેં

આ જાઈએ નિજ સ્વાર્થ પર.''

સ્વાર્થે જ આજે નિસ્વાર્થ પ્રેમનું નિકંદન કાઢી નાખ્યું છે. એક હિન્દી કહેવત મુજબ ''જબ તક રકાબી (થાળી કે પ્લેટ) મેં ભાત, તબ તક મેરા ઔર તેરા સ્વાર્થ.'' સ્વાર્થવશ જ લોકો એકબીજાના સાથે નિકટનો સંબંધ રાખતાં હોય છે. વગર સ્વાર્થે કોઈ બીજા સાથે સંબંધ ટકાવતું નથી. પક્ષી પણ વૃક્ષ જ્યાં સુધી લીલું છમ હોય ત્યાં સુધી તેની પર બેસે છે પરંતુ વૃક્ષ જ્યારે સૂકું ભંઠ બની જાય ત્યારે પક્ષીઓ પણ ઉડી જાય છે. સ્વાર્થ સાધવા માટે માણસ પ્રપંચ અને બેઈમાનીનો આશરો લે છે. નમવાનો ઢોંગ કરે છે. સ્વાર્થ સાધવા બેબાકળો થઈ જાય છે અને અવિચારી કૃત્ય કરી બેસે છે. માન-મર્યાદા ભૂલી જાય છે. સ્વાર્થી માણસ યશ કે આબરૂની પણ પરવા કરતો નથી. ધનમાં જ ધન્યતા અનુભવે છે સ્વાર્થી માણસ પોતાની કોઈ નિંદા કરે તેની પણ પરવા કરતો નથી. ધ મર્ચંટ ઓફ વેનિસમાં શેક્સપિયર કહે છે : The devil Can Cite Scripture for his parpose  મબલબ કે પોતાના પ્રયોજન કે સ્વાર્થ ખાતર શેતાન પણ ધર્મગ્રંથના શબ્દો ટાંકે છે.

એકલપેટાપણા વિશે મહાત્મા ગાંધીજીએ ઉચિત જ કહ્યું છે કે સ્વાર્થ તો સહુમાં ઓછા વત્તા અંશે હોય જ પણ આપણામાં તે વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. કૌટુમ્બિક કામોમાં સ્વાર્થત્યાગ થોડો ઘણો રહેલો છે પણ રાષ્ટ્રીય કામોમાં થોડામાં થોડા પ્રમાણમાં જોવામાં આવે છે. જુઓ આપણી શેરીઓ, આપણાં શહેરો, આપણી આગગાડીઓ ટ્રેન આ બધામાં દેશની દશાનું દર્શન થઈ શકે છે. ટ્રેનમાં બીજાની સગવડનો આપણે કેટલો ઓછો ખ્યાલ રાખીએ છીએ. મારા ઘરના આંગણાંમાંથી હું શેરીમાં કચરો નાખતાં જરાય અચકાતો નથી. મારા કઠેરામાંથી રસ્તામાં જતાં માણસોને અગવડ થાય કે નહીં તેનો વિચાર કર્યા સિવાય કચરો ફેંકું છું, અને થૂંકું પણ છું. મારું ઘર બાંધવામાં મારા પાડોશીની અગવડનો વિચાર ઓછો કરું છું. પાણીનો નળ ખુલ્લો રાખી તેમાંથી વ્યર્થ વહી જતું પાણી મારું નથી એમ માની હું બેદરકાર રહું છું. રેલ ગાડીમાં પણ એ જ દેખાવ નજરે પડે છે. મારી જગા ગમે તેમ કરી મેળવી બીજાને બેસવા દેતાં રોકું, કેળાં અને શેલડીના છાલ મારા પડોશીની સામે જ નાખવાની વૃત્તિને હું રોકી શકતો નથી. નળ પર પાણી ભરવા જનાર બીજાની દરકાર નથી રાખતો. આમ સ્વાર્થનાં અસંખ્ય દ્રષ્ટાંતો ટાંકી શકાય તેમ છે.

માણસ સ્વાર્થ નિષેધ કરી શકતો નથી એમાં ઊંડે-ઊંડે માત્ર પોતાના સુખ અને સગવડને સર્વાધિક મહત્વ આપવાનું વલણ કામ કરે છે.

આજે અત્ર-તત્ર-સર્વત્ર ભ્રષ્ટાચારની ફરિયાદો જોવા મળે છે. એની પાછળ પણ માણસની સ્વાર્થબુદ્ધિ અને વૃત્તિ જ કામ કરતી હોય છે. સરકારી કામોમાં કોઈ પણ ફાઈલના નિકાલ માટે જે તે કામને વિલંબમાં નાખવામાં આવે છે. પછી કંટાળીને જેને કામ કઢાવવાનું હોય તેની પાસે જાય છે. કામ કરી આપવાની સોદાબાજી નક્કી થાય છે અને કામ કરી આપનાર કર્મચારી કે ઓફિસર પોતાનો લાભ કે સ્વાર્થ સિદ્ધ થાય એ શરતે કામનો નિકાલ કરતો હોય છે. જોકે આવું નિમ્ન કોટિનું વર્તન કરનાર લોકો જૂજ હોય છે અને મોટા ભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કર્મનિષ્ઠ હોય છે. સ્વાર્થપટુ લોકોએ જ દુનિયાનો ચહેરો વિકૃત કર્યો છે.

આ જગત સુંદર છે, એને સુંદર રાખવાની અપેક્ષા સાથે ઈશ્વરે આપણને આ ધરતી પર મોકલ્યા છે. ઈશ્વર નિસ્વાર્થી છે અને એનો દીકરો મનુષ્ય નિસ્વાર્થી અને સ્વાર્થ ત્યાગી બને એ જોવા એ સદાય ઉત્સુક રહે છે. સ્વાર્થ ત્યાગથી દુનિયા ઉજળી બને એ માટે ઉપકારક પાંચ મહત્વની બાબતો.

૧. સ્વાર્થઘેલછા એ પાપ છે એમ માની સદાચારનું આચરણ

૨. ધન અને વૈભવવૃદ્ધિનું આકર્ષણ ત્યજવાની માનસિક તૈયારી.

૩. લોભ અને મોહ પર નિયંત્રણ

૪. જવાબદારીની ભાવનાવાળું ઉદાત્ત વર્તન. પરોપકારની ભાવના. માણસને છાજે તેવું મન-વચન-કર્મથી ઉદાત્ત વર્તન

૫. મન પરનો કાબૂ, માનસિક ચંચળતા પર નિયંત્રણ. ભોગ વૃત્તિને બદલે ત્યાગ ભાવનાનો પહેલો વિચાર.

Gujarat