For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જનકપુત્રી સિવાય સીતાજીનાં અન્ય વર્ણનો

Updated: Jan 27th, 2024

જનકપુત્રી સિવાય સીતાજીનાં અન્ય વર્ણનો

- એક જ દે ચિનગારી-શશિન્

- મય દાનવની સલાહ માની રાવણે પોતાની પ્રથમ કન્યાને પેટીમાં પૂરી જનકપુરીમાં દટાવી દીધી. એ કન્યાએ જ રાવણના કુળનો નાશ કર્યો.

- પદ્મા રાવણના કુળનો નાશ કરનારી ન નીવડે એટલા માટે રાવણે તે પેટીને લંકાની બહાર દાટી દેવાની મંદોદરીને સૂચના આપી. પેટી મિથિલામાં દાટી દેવામાંઆવી.  

સી તાજી વિદેહ દેશના સીરધ્વજ જનકનાં પુત્રી તથા ઈશ્વાકુવંશીય દશરથના પુત્ર રામનાં પત્ની હતાં. એમણે નારી જગત સમક્ષ પતિ ભક્તિ અને સતીત્વનો આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યો. સીતાજીનું સ્વરૂપ વર્ણન અને તેમના જન્મ વિષેની વિવિધ કથાઓ વર્ણવાએલી મળે છે.

વાલ્મીકિ રામાયણ મુજબ સીતાજી ચંદ્રવદના, પોતાની પ્રભાથી સર્વ દિશાઓને પ્રકાશિત કરનારી, કોમલાંગિની, શુધ્ધ સુવર્ણવર્ણા લક્ષ્મી તથા રતિની પ્રતિરૂપા તથા નખશિખ સૌંદર્યવંતી હતાં. સીતાજીના અનન્ય સૌંદર્યની પ્રશંસા કરતાં રાવણે કહ્યું હતું.

''નૈવ દેવી, ન ગંધર્વી

ન યક્ષી નચ કિન્નરી

નૈવેરુપા મયા નારી

દ્રષ્ટપૂર્વા મહીતલ''

મતલબ કે સીતા સમાન સૌંદર્યવતી સ્ત્રી મેં આ ધરતી પર દેવ, ગંધર્વ, યક્ષ, કિન્નર વગેરેમાં ક્યાંય જોઈ નથી. સીતાજી વિષયક જુદી-જુદી કથાઓ વર્ણવાઈ છે તે મુજબ

૧. ભૂમિજા સીતા

૨. રકતજા સીતા

૩. અગ્નિજા સીતા

૪. રાવણાત્મજા સીતા

૫. જનકાત્મજા પુત્રી સીતા

સીતાજી વિષયક ઉપર વર્ણવાએલી કથાઓ કલ્પનારમ્ય લાગે છે, જેની રચના રામ દ્વારા રાવણ વધ ગ્રહીત માનીને કરવામાં આવી છે.

૧. ભૂમિજા સીતા

આમ તો સીતાજીને સીરધ્વજ જનક રાજાની પુત્રી માનવામાં આવે છે તેમ છતાં સીતાજી જનકનાં પુત્રી ન હતાં. એક કથા મુજબ જનક રાજા યજ્ઞાભૂમિ તૈયાર કરવા માટે હળ ચલાવી રહ્યા હતા. તે વખતે માટીમાંથી એક નાનકડી કન્યા મળી આવી. તેને પુત્રી તરીકે સ્વીકારી તેનુ નામ સીતા રાખ્યું. સીતાજીનો આ આવિષ્કાર ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.

ફાધર કામિલ બૂલ્કેના મતાનુસાર સીતાની અલૌકિક જન્મ કથા સીતા નામની કૃષિની અધિષ્ઠાની દેવીના પ્રભાવથી થઈ હતી. 'સીતા' શબ્દનો અર્થ છે ''હળથી ખેંચવાએલી રેખા.'' તેથી ભૂમિ પર હળ ચલાવતા સમયે તેમના નીકળવાને કારણે સીતા નામ રાખવામાં આવ્યું.

સીતાજીના જન્મ વિશેની અન્ય કથાઓ વિભિન્ન રામાયણગ્રંથોમાં અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે.જેમ કે :

૨. અગ્નિજા સીતા : પંદરમી શતાબ્દીમાં રચાયેલા 'આનંદ રામાયણ'માં વર્ણવાયા મુજબ (પ્રાચીન ચરિત્ર કોશ અનુસાર) સીતાજી ના પિતાનું નામ પદ્માલ હતું. તેણે પુત્રી પ્રાપ્તિ માટે વિષ્ણુની ઉપાસના કરી. વિષ્ણુએ પદ્માક્ષને મહાલિંગ આપ્યું, જેમાંથી સુંદર કન્યા જન્મી તેનું નામ પદ્મા રાખવામાં આવ્યું.

પદ્માના સ્વયંવર વખતે રાક્ષસોએ સ્વયંમવર મંડપનો નાશ કર્યો. પદ્માક્ષ રાજા પોતે પણ મૃત્યુ પામ્યો. એ જોઈને સીતાએ અગ્નિ પ્રવેશ કર્યો.  

એક દિવસ પદ્મા અગ્નિકુંડમાંથી બહાર આવીને બેઠી હતી ત્યારે વિમાન દ્વારા આકાશમાં ઉડતા રાવણે તેને જોઈ. રાવણને પોતાના તરફ આવતો જોઈને પદ્મા ફરીથી અગ્નિકુંડમાં પેસી ગઈ. રાવણે અગ્નિકુંડ ખોદી કાઢયો, પણ પદ્મા તો પ્રાપ્ત ન થઈ પરંતુ તેનું એક જડરૂપ પાંચ રત્નો રૂપે હાથ લાગ્યાં.

એ રત્નોને પેટીમાં મૂકી રાવણે પેટી મંદોદરીને સોંપી. મંદોદરીએ જેવી પેટી ખોલી કે તેમાંથી મૂળ પદ્મા પ્રગટ થઈ. પદ્મા રાવણના કુળનો નાશ કરનારી ન નીવડે એટલા માટે રાવણે તે પેટીને લંકાની બહાર દાટી દેવાની મંદોદરીને સૂચના આપી. પેટી મિથિલામાં દાટી દેવામાંઆવી. પેટીમાં પૂરાતાં પહેલાં પદ્માએ રાવણને શાપ આપ્યો કે ''હું તારો તથા તારા પરિવારનો નાશ કરવા માટે ફરીથી લંકામાં આવીશ.''

ત્યાર બાદ મિથિલાના એક બ્રાહ્મણને જમીન પર હળ ચલાવતાં એક પેટી પ્રાપ્ત થઈ. એણે તે પેટીને રાજધન માની સુપ્રત કરી. એ પેટીમાંથી નીકળેલી કન્યાને જનકે બેટી રૂપે અપનાવી પાળી-પોષીને મોટી કરી.

સીતાજીનાં અનેક નામો મળે છે માતુલિંગમાંથી જન્મવાને કારણ 'માતુ લિંગી', રત્ન રૂપે હોવાને કારણે 'રત્નાવલિ' જમીનમાંથી નીકળવાને કારણે ધરણીજા, જનક દ્વારા પાલિત હોવાન કારણે જાનકી, જમીનના ટુકડામાંથી નીકળવાને કારણે સીતા, અગ્નિમાંથી પ્રગટ થવાને કારણે 'અગ્નિજા' અને પૂર્વ જન્મના નામને કારણે 'પદ્મા'વગેરે જુદા-જુદા નામો પ્રાપ્ત થયાં.

૩. રક્તજા સીતા : રક્તજા રૂપે સીતાના જન્મની કથા 'અદ્ભુત' રામાયણમાં મળે છે. તે મુજબ રાવણ ઋષિમુનિયોના શરીર પર ભારે ત્રાસ ગુજારતો હતો અને બાણની અણીએ ઋષિઓના શરીરમાંથી રક્ત ખેંચી એક માટલીમાં એકઠું કરતો હતો. આ જ વનમાં ગૃત્સમદ નામના ઋષિ રહેતા હતા, જેઓ લક્ષ્મી સ્વરૂપે કન્યાની ઈચ્છાથી તપ કરતા હતાં. દર્ભના આગલા ભાગથી મંત્રોચ્ચાર સહિત દૂધ એકઠું કરતો હતો.

એક દિવસ રાવણે તે માટલું ઋષિ ગૃત્સમદ પાસેથી પડાવી લીધું અને ઋષિએ એકઠું કરેલું દૂધ પેલી લોહી ભરેલી માટલીમાં નાખી દીધું અને તે માટલીને સાચવવાનું કામ મંદોદરીને સોંપ્યું. સમય જતાં રાવણના દુષ્કૃત્યોથી કંટાળેલીં મંદોદરીએ આત્મહત્યા કરવા દૂધ અને રક્ત ભરેલી માટલીમાંથી થોડોક ભાગ પી લીધો. જેથી તે ગર્ભવતી થઈ. મંદોદરીએ પોતાનો તે ગર્ભ કુરુક્ષેત્રની જમીનમાં દાટી દીધો. એ ગર્ભમાંથી અંતે સીતાનો જન્મ થયો જેને જનક રાજાએ ઉછેરીને મોટી કરી.

૪. રાવણપુત્રી સીતા : સીતાજીના જન્મ સંબંધી એક અતિ પ્રાચીન કથામાં સીતાજીનો રાવણની કન્યા રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કથા મુજબ રાવણે મય દાનવની પુત્રી મંદોદરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મય દાનવે રાવણને કહ્યું કે મંદોદરીના જન્મજાતકથી તેનું પહેલું સંતાન કુલઘાતક બનવાનું છે તેથી તે સંતાનનો વધ કરવો યોગ્ય ગણાશે.

મય દાનવની સલાહ માની રાવણે પોતાની પ્રથમ કન્યાને પેટીમાં પૂરી જનકપુરીમાં દટાવી દીધી. એ કન્યાએ જ રાવણના કુળનો નાશ કર્યો.

૫. જનકાત્મજા પુત્રી સીતા : મહાભારતમાં સર્વત્ર સીતાજીનો ઉલ્લેખ જનક રાજાની સગી પુત્રી તરીકે કરવામાં આવ્યો છે.

આ સર્વ કથાઓનો સંબંધ રામના હસ્તે રાવણના વધ સાથે સંકળાયેલો છે.

સીતાજીને એક આદર્શ ભારતીય પતિવ્રતા માનીને વાલ્મીકિ રામાયણમાં ચરિત્રાંકન કરવામાં આવ્યું છે.  રામ સીતાજી માટે ભગવાન છે. એક માત્ર છે આ લોક અને પરલોકમાં સ્વામી છે. પતિવ્રત્ય ધર્મને એ પોતાનું સર્વસ્વ માને છે. સાવિત્રીની જેમ તે કુલરીતિ, રાજનીતિ, લૌકિક (વ્યવહાર) નીતિનું જ્ઞાન ધરાવે છે. રામ ચરિત માનસમાં તુલસીદાસે સીતાજીવને શિવ, પાર્વતી, ગણેશ વગેરેની ઉપાસિકા વર્ણવ્યાં છે. સીતાજી રામનાં કેવળ પત્ની જ નહીં. તેમનાં અનન્ય ભક્ત પણ છે. 'રામચરિત માનસ'માં તુલસી દાસજીએ ''સિયમન રામચરણ મન લાગા'' - શબ્દો દ્વારા સીતાજીની રામભક્તિની પ્રશંસા કરી છે.

સીતાજીના દેહત્યાગની કથા પણ અત્યંત કરુણાજનક છે. રામ દ્વારા અશ્વમેઘ સમયે સીતાપુત્ર કુશ અને લવ સાથે મુલાકાત થઈ. તે સમયે કુશલવનું સમગ્ર વૃત્તાંત જાણીને રામે તેમને અયોધ્યા બોલાવ્યા. વાલ્મીકી સીતા અને લવ-કુશ સાથે રામ દરબારમાં પહોંચ્યાં. તે સમયે પ્રજાજનોને સીતાજીના ચારિત્ર્યનો વિશ્વાસ અપાવવા શ્રીરામે સતીત્વનું પ્રમાણ માગ્યું. વાલ્મીકિ રામાયણમાં વર્ણવ્યા મુજબ સીતાજીએ સોગંદપૂર્વક કહ્યું કે - 

''મનસા, કર્મણા વાચ,

યથા રામં સમર્ચયે

તથા મે માધવી દેવી

વિવરં દાતુમર્હતિ''

અર્થાત્ ''મેં મન, કર્મ અને વાણી દ્વારા મારા રામ સિવાય અન્ય કોઈ પણ પુરુષનું ધ્યાન ન ધર્યું હોય તો પૃથ્વી માતા મને ધરતીમાં જગા આપો. સીતાજીની પ્રાર્થના સાંભળી પૃથ્વી દેવી એક દિવ્ય સિંહાસન પર વિરાજિત થઈ અને સીતાજીને પોતાના શરણમાં લઈ ગુપ્ત થઈ ગયા. રામે અત્યંત વિલાપ સાથે સીતાને પરત આપવા પૃથ્વીને વિનંતી કરી. અને તેમ ન કરવામાં આવે તો સમસ્ત પૃથ્વીને ભસ્મીભૂત કરવાની પણ પૃથ્વીને ધમકી આપી. અંતે બ્રહ્માએ પ્રગટ થઈને રામને સાંત્વના આપ્યું. સીતાજીના દેહોત્સર્ગ અંગે પણ જુદી-જુદી કથાઓ મળે છે.''

સીતાજીએ પોતાના દિવ્ય જીવન દ્વારા જગતને કયા આઠ સંદેશા આપ્યા છે ?

૧. પતિ-પત્નીના જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસનું મહત્વ.

૨. સહનશીલતા અને નિર્ભયતા દુશ્મનાવટનો ત્યાગ

૩. આત્મવિશ્વાસ અને ચારીત્રિક પવિત્રતા

૪. સત્ય અને સદાચરણમાં અખૂટ શ્રધ્ધા.

૫. જીવનમાં 'લક્ષ્મણરેખા'ઓનું અનુપાલન. ભ્રમમાંથી મુક્તિ

૬. પતિવ્રતા ધર્મ.

૭. જૂલ્મ અને ત્રાસનો સામનો કરીને પણ અડગ રહેવાનું મનોબળ.

૮. ડર કે ભયથી અસત્ય અને દુરાચારીની શરણાગતિ નહીં સ્વીકારવાનું વ્રત.

Gujarat