For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લિથુનિયાના 21 વર્ષના મિકોલસ એલેક્નાની ચક્ર ફેંકમાં સીમાચિહ્નરૂપ સફળતા

Updated: Apr 28th, 2024

લિથુનિયાના 21 વર્ષના મિકોલસ એલેક્નાની ચક્ર ફેંકમાં સીમાચિહ્નરૂપ સફળતા

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- મિકોલસના પિતા વિર્જીલિઅસ પણ ચક્ર ફેંકમાં બબ્બે વખત ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે

- મિકોલસે એથ્લેટિક્સ જગતમાં સૌથી લાંબા સમયથી અડીખમ રહેલો વિશ્વવિક્રમ તોડયો

દ રેેક વિશ્વવિક્રમ માનવીય ક્ષમતાની પરાકાષ્ઠાનું સીમાચિહ્ન છે. નિયમોમાં રહેવા છતાં ખરા સમયે પોતાના શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવાની કુશળતા જૂજ પ્રતિભાઓ દેખાડી શકે છે અને તેમના આ જ દેખાવને દુનિયા વિશ્વવિક્રમ તરીકે ઓળખાવે છે. રમતની દુનિયામાં કહેવાય છે કે, વિશ્વવિક્રમો તો તૂટવા માટે જ હોય છે. જ્યારે - જ્યારે તેનું સર્જન થાય છે, ત્યારે સમકાલીનો માની જ શકતાં નથી કે, આ વિશ્વવિક્રમ પણ એક દિવસ તૂટી જશે. જોકે સમયાંતરે વધુ ચઢિયાતી પ્રતિભાઓ તે ક્ષેત્રમાં પ્રવેશ મેળવે છે, ત્યારે તેઓ તેમની ક્ષમતા અને દેખાવને સહારે પૂરોગામીઓના સીમાચિહ્નોને અતિક્રમી જાય છે અને આ સિલસિલો જ માનવે જે તે રમતમાં સાધેલા વિકાસની ગાથા બની રહે છે. 

એથ્લેટિક્સની વિશાળ દુનિયામાં પુરુષોની ચક્ર ફેંકની રમતમાં લિથુનિયાના ૨૧ વર્ષના મિકોલસ એલેક્નાએ ૩૮ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાંખીને ખળભળાટ મચાવ્યો છે. મિકોલસે અમેરિકાના રામોનામાં યોજાયેલી ઓક્લાહોમા થ્રો સિરીઝ સ્પર્ધામાં ૭૪.૩૫ મીટર દૂર ચક્ર ફેંકીને નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો. મિકોલસના જન્મના પણ ૧૬ વર્ષ પહેલા જર્મનીના એથ્લીટ જુએર્ગન શલ્ટે ઈ.સ. ૧૯૮૬માં ૭૪.૦૮ મીટર દૂર ચક્ર ફેંકીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો. જે હવે મિકોલસ એલેક્નાના નામે નોંધાઈ ગયો છે. આમ છતાં હજુ વિશ્વ એથ્લેટિક્સની સર્વોચ્ચ સંસ્થા મિકોલસના વિશ્વવિક્રમી થ્રોને જુદા-જુદા પરિમાણોથી ચકાસી રહી છે, જેમાં ભવિષ્યમાં સુધારો થાય તેવી સંભાવનાને પણ હજુ ખુલ્લી રાખવામાં આવી છે. 

મિકોલસ એથ્લેટિક્સમાં સૌથી લાંબા સમયથી અડીખમ રહેલા વિશ્વવિક્રમને તોડવાની સાથે રાતોરાત સુપરસ્ટાર બની ગયો છે. જોકે તેની આ સિદ્ધિ કોઈ ચમત્કાર માત્ર નથી. તેેણે છેલ્લા કેટલાક વર્ષોમાં જે પ્રકારે સાતત્યભર્યો દેખાવ કર્યો છે, તેને જોતા તેની જિંદગીમાં આ અસાધારણ દિવસ આજે નહીં તો કાલે આવવાનો જ હતો ! 

યુરોપમાં આવેલા લિથુનિયા નામનો દેશ, વિસ્તારની રીતે તેમજ જનસંખ્યાની રીતે જોઈએ તો ગુજરાત કરતાં પણ ક્યાંય નાનકડો છે. જોકે રમત વિશ્વમાં તેનો પ્રભાવ વિશેષ રહ્યો છે. ઓલિમ્પિકમાં આ દેશના ખેલાડીઓએ ૬ સુવર્ણ સહિત કુલ ૨૬ ચંદ્રકો હાંસલ કર્યા છે, જેમાંથી ત્રણ સુવર્ણ ચંદ્રકો એથ્લેટિક્સના છેે અને તેમણે આ ત્રણેય પુરુષોની ચક્ર ફેંકની રમતમાં જ હાંસલ કર્યા છે. ૨૧ વર્ષના મિકોલસ માટે ગૌરવની બાબત એ છે કે, ઓલિમ્પિકના આ ત્રણમાંથી બે સુવર્ણ ચંદ્રક તો તેના પિતા વિર્જીલિઅસ એલેક્નાએ જ જીત્યા હતા. તેઓ ઓલિમ્પિકમાં એક વખત કાંસ્ય ચંદ્રક પણ હાંસલ કરી ચૂક્યા છે અને બે વખત વિશ્વ વિજેતા પણ રહી ચૂક્યા છે.

પિતાના પગલે ચક્ર ફેંકની રમતમાં ડગ માંડનારા મિકોલસની સિદ્ધિઓની યાદી અત્યંત પ્રભાવશાળી રહી છે. માત્ર ૧૯ વર્ષની વયે તેણે ૬૯ મીટરથી વધુનું અંતર સહજતાથી હાંસલ કરવા માંડયું હતુ. ત્યાર બાદ ૨૦ વર્ષની ઉંમરે તો મિકોલસે ૭૦ મીટર દૂર ચક્ર ફેંકીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે ચક્ર ફેંકના ઈતિહાસમાં ૭૦ મીટરનું અંતર હાંસલ કરનારો સૌથી યુવા વયનો ખેલાડી બની ગયો હતો. તેણે જુનિયર સ્તરે યુરોપીયન અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. તેણે યુરોપીયન ચેમ્પિયન તરીકેનું ગૌરવ મેળવ્યું છે. જોકે, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તે છેલ્લા બે વખતમાં રજત અને કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યો છે. 

મિકોલસની કારકિર્દીમાં હજુ વર્લ્ડ ચેમ્પિયનશિપના સુવર્ણ ચંદ્રકની ખોટ વર્તાઈ રહી છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે સતત ૭૦ મીટરથી વધુનું અંતર હાંસલ કરવાની આદત પાડી છે, જે તેની પ્રતિભાને નવી ઊંચાઈએ પહોંચાડવામાં પાયારુપ ભૂમિકા ભજવશે તે નક્કી છે.

લિથુનિયાનાના અત્યંત પ્રતિષ્ઠિત રમત પરિવારમાં માર્થિનાસ પછી બીજા પુત્ર તરીકે ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ  મિકોલસનો જન્મ થયો હતો. મિકોલસના પિતા વિર્જીલિઅસ લિથુનિયાના અત્યંત પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી રમતવીર હતા. વિર્જીલિઅસે તેમની કારકિર્દીમાં પાંચ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ૨૦૦૦ના સીડની અને ૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકમાં સુવર્ણ તેમજ ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તેઓ ૧૦ વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા અને બે વખત સુવર્ણ અને બે વખત રજત ચંદ્રક પણ જીત્યા હતા. 

ચક્ર ફેંકની રમતમાં સર્વોચ્ચ ઊંચાઈને હાંસલ કરવા છતાં વિર્જીલિઅસે ક્યારેય તેમના પુ્ત્રોને તેમની પસંદગીની રમતમાં આગળ વધવાનું દબાણ તો શું, સલાહ પણ આપી નહતી. તેમની બસ એક જ ઈચ્છા હતી કે, તેમના બંને પુત્રો કોઈ ને કોઈ રમતમાં ભાગ લે. જિંદગીમાં રમતની હાજરી અત્યંત જરુરી છે, જે શરીરને તો ખડતલ બનાવે જ છે, સાથે સાથે મનને પણ પડકારો અને ઝંઝાવાતો માટે તૈયાર કરે છે. 

સમગ્ર યુરોપ પર ફૂટબોલનો જબરજસ્ત ફિવર છવાયેલો રહે છે. આ કારણે મિકોલસે પણ શાળાજીવન દરમિયાન ફૂટબોલ પર જ પસંદગી ઉતારી. ફૂટબોલમાં તેની ફેવરિટ પોઝિશન સ્ટ્રાઈકરની હતી અને બાળપણમાં તેની ચપળતા અને ઝડપને કારણે કોચીસ તેને આ જ પોઝિશન પર રમાડતા હતા. તે ફૂટબોલર બનવાની સાથેે સાથે ઊંચી કૂદની પ્રેક્ટિસ પણ કરતો અને તેમાં પણ તેેણે સારી એવી ફાવટ મેળવી લીધી હતી. જોકે, જેમ જેમ સમય પસાર થતો ગયો અને તે કિશોરાવસ્થામાં પ્રવેશ્યો, ત્યારે પરિસ્થિતિ બદલાઈ. આનુવંશિક કારણોને લીધે તેના પગનો વિકાસ વધુ થયો અને તેના પગના પંજા અન્ય બાળકો કરતાં વધુ પહોળા થયા. 

એક વખત મિકોલસ તેના પિતા વિર્જીલિઅસ સાથે ફૂટબોલના શૂઝ લેવા માટે દુકાનમાં ગયો. ત્યારે દુકાનદારે તેને તેના શૂઝનો નંબર પૂછયો. મિકોલસના ફૂટબોલ શૂઝનો નંબર ૧૪ હતો, પણ દુકાનમાં તો આટલા મોટા નંબરના ફૂટબોલના શૂઝ જ નહતા. વળી, સમયની સાથે ફૂટબોલની રમતમાં તે ધીમો પણ પડવા લાગ્યો હતો. આ તબક્કે વિર્જીલિઅસે તેને સલાહ આપી કે, 'બેટા, તું હવે ચક્ર ફેંક પર હાથ અજમાવ. કદાચ તેમાં તું વધુ સારા અને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકીશ.'

છેક ૧૬ વર્ષની ઉંમરે મિકોલસે ચક્ર ફેંકની રમતની પદ્ધતિસરની તાલીમ મેળવવાની શરુ કરી. આ રમત તો પહેલેથી તેના લોહીમાં જ હતી, એટલે તેમાં કુશળતા હાંસલ કરવામાં તેને વધુ સમય ના લાગ્યો. ચક્ર ફેંકની તાલીમ શરુ કર્યાના બે જ વર્ષમાં તેણેે યુરોપીયન યુથ 

ઓલિમ્પિક ફેસ્ટીવલ માટેની લિથુનિયાની ટીમમાં સ્થાન મેળવી લીધું. ત્યાર બાદ તેણે બાલ્ટીક ચેમ્પિયનશિપ જીતી લીધી. યુરોપના આ ચક્ર ફેંકના યુવા ખેલાડીની પ્રતિભામાં અમેરિકાની યુનિવર્સિટીઓને રસ પડવા માંડયો. 

મિકોલસ પણ વધુ સારી તાલીમ અને માર્ગદર્શન માટે અમેરિકા જવા ઈચ્છતો જ હતો. આ દરમિયાન તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રવેશ આપવામાં આવ્યો. અમેરિકાની અત્યાધુનિક તાલીમ પદ્ધતિ અને એક પછી એક સ્પર્ધાઓની કસોટીમાંથી પસાર થયેલા આ લિથુનિયન ખેલાડીએ જોરદાર આકર્ષણ જમાવ્યું. તેણે ૧૮ વર્ષની ઊંમરે ૨૦ વર્ષથી ઓછી વયના સ્પર્ધકોની યુરોપીયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. સખત મહેનત અને કુદરતી કુશળતાને સહારે તેની પ્રતિભામાં જબરજસ્ત નિખાર આવ્યો. તેણે ૧૯ વર્ષની ઉંમરે પહોંચતા પહેલા એક મહિનાના અંતરાલમાં જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત અને યુરોપીયન ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. 

એક વર્ષ બાદ પણ તેેણે યુરોપીયન ચેમ્પિયન તરીકેનો તાજ તો જાળવ્યો. જોકે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો. અલબત્ત ૨૧ વર્ષની ઉંમર સુધીમાં તેણે બે વખત યુરોપીયન ચેમ્પિયનશિપમાં સુવર્ણ અને બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચંદ્રકો હાંસલ કરી લીધા છે. હવે એથ્લેટિક્સના ઈતિહાસનો સૌથી જૂનો વિશ્વવિક્રમ તોડીને તેણે તેની પ્રતિભાને નવી ઊંચાઈએ પહોંચાડી છે, તેની સાથે સાથે પેરિસ ઓલિમ્પિકમાં પણ સુવર્ણ ચંદ્રક માટેની પ્રબળ દાવેદારી નોંધાવી દીધી છે.  

Gujarat