For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જિંદગી છે જીતવાનો જંગ .

Updated: Apr 27th, 2024

જિંદગી છે જીતવાનો જંગ                                               .

- આજકાલ-પ્રીતિ શાહ

- મંદિરાનું સ્વપ્ન હતું કે આસામની સમૃદ્ધ સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવી. 

અ નેક પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્તિ પછી પણ સતત ફરિયાદ કરતા અને નાની-નાની મુશ્કેલીઓથી ગભરાઈ જતાં કેટલાય લોકો સમાજમાં જોવા મળે છે. આ પ્રકારના માનવીઓની સમસ્યાઓનો ઉકેલ મંદિરા બરુઆના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. આસામના જોરહાટમાં વસતા પરિવારમાં મંદિરાનો જન્મ થયો હતો. અભ્યાસમાં તેજસ્વી મંદિરા હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં હતી. આ સમયે આસામમાં ગેરકાયદેસર પ્રવાસીઓના મુદ્દે જન આંદોલન ચાલતું હતું. એ સમયે સ્કૂલની આચાર્યા મંદિરાના લગ્નનો પ્રસ્તાવ લઈને તેના ઘરે આવ્યા. મંદિરાની ઉંમર સોળ વર્ષની જ હતી, પરંતુ જે પરિવાર તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો, તેમાં છોકરો એન્જિનીયર હતો અને સરકારી નોકરી હતી. મંદિરા સોળ વર્ષની હોવાથી એના માતા-પિતા ખચકાટ અનુભવતા હતા, પરંતુ તે પરિવારમાં જઈને મંદિરાને આગળ અભ્યાસ કરવો હશે તો તે કરી શકશે. આચાર્યાની સલાહથી મંદિરાના લગ્ન થયા.

લગ્નની રાત્રે જ સાસુએ મંદિરાને ઘરની ચાવી અને જીવન વીમા પોલીસી આપી. મંદિરાને ત્યારે ખબર પડી કે તેના પતિને હૃદયની બીમારી છે એ વાત તેનાથી છુપાવી હતી. એક માતા પોતાના એકના એક પુત્રના લગ્ન કરવા માગતી હતી. પતિએ મંદિરાને જણાવ્યું કે તે પોતાની માતાની ઇચ્છા આગળ લગ્ન કરવા મજબૂર હતો, પણ મંદિરા જો ઇચ્છે તો તે તેના લગ્નના બંધનને તોડીને પાછી જઈ શકવા માટે સ્વતંત્ર છે. એમ કહીને પતિએ તો તેને આઝાદ કરી દીધી, પરંતુ સોળ વર્ષની મંદિરા માટે નિર્ણય કરવો આસાન નહોતો. એ નહોતી ઇચ્છતી કે માતા-પિતા પાસે પાછી જઈને તેઓ આખી જિંદગી લગ્નના ખોટા નિર્ણયના અફસોસ સાથે જીવન ગુજારે. તેણે પોતાની નિયતિ સમજીને સાસરામાં રહેવાનું પસંદ કર્યું. શરૂઆતમાં તો તેના પતિની તબિયત સારી રહી. પુત્રનો જન્મ થયો, પરંતુ લગ્નના દસ વર્ષમાં તબિયત બગડતી ગઈ. મંદિરા છવ્વીસ વર્ષની હતી, ત્યારે ડૉક્ટરોએ તેના પતિને હરવા-ફરવાની મનાઈ કરી દીધી. ધીમે ધીમે બચત ખર્ચાવા લાગી અને ઘર વેચવું પડયું. તેઓ ભાડાના ઘરમાં રહેવા લાગ્યા. એ નોકરી કરી શકે તેમ નહોતી. ઘરનું કામ, પતિની સંભાળ, સાસુ અને નાના દીકરાની જવાબદારી વચ્ચે તે કામ કરતી રહી. મંદિરા કહે છે કે કોઈને દોષ દેવાનો કે પોતાના પર દયા ખાવાનો આ સમય નહોતો. સતત બદલાતી પરિસ્થિતિનો સામનો કરીને ઘરસંસાર સંભાળવાનો હતો. વ્હીલચૅર પર પતિને બેસાડી વારંવાર હોસ્પિટલ લઈ જવું તેને માટે શક્ય નહોતું અથવા નર્સ રાખવાનો ખર્ચ પોષાય તેમ નહોતો. તેથી તેણે સ્થાનિક હોસ્પિટલમાં જઈને જરૂર પૂરતી નર્સિંગની તાલીમ લીધી, જેથી પતિની યોગ્ય સંભાળ લઈ શકાય. થોડી આવક થાય તે માટે બેકિંગ, ફૂલોની સજાવટ, જન્મદિવસની પાર્ટીઓનું આયોજન કરવા લાગી. ડ્રાઇવિંગ શીખી અને એસયુવી ખરીદવા માટે લોન લીધી, જેથી પતિને ચેક-અપ માટે હોસ્પિટલ લઈ જવામાં સરળતા રહે. કેબ ડ્રાઈવર તરીકે કામ કર્યું.

આ સમય દરમિયાન એને વિચાર આવ્યો કે પોતાના જેવી અન્ય સ્ત્રીઓને તે કેવી રીતે મદદ કરી શકે ? તેમાંથી જન્મ થયો સામાજિક-સાંસ્કૃતિક સંગઠન સત્સારીનો. ૨૦૦૧માં પતિના મૃત્યુ બાદ ૨૦૦૨માં સત્સારી સંગઠનને રજીસ્ટર્ડ કરાવ્યું. સત્સારીને ફંડ મળવા લાગ્યું અને ૨૦૧૦ સુધીમાં દસેક હજાર મહિલાઓને તેણે મદદ કરી. આસપાસનાં ગામમાંથી છોકરીઓ તેની પાસે આવવા લાગી તેને નર્સિંગની પાયાની તાલીમ આપવા અંગે વિચાર્યું. 'મંદિરા સોલ્યુશન' અંતર્ગત છોકરીઓને તાલીમ આપીને ઘર, નર્સિંગ હોમ, વૃદ્ધાશ્રમ કે અન્ય સંસ્થાઓમાં કામ આપવામાં આવતું હતું. કેબ ડ્રાઈવરનો અનુભવ હોવાથી બે ગાડી લીધી અને મહિલાઓને ડ્રાઈવિંગની તાલીમ અપાવી, એમાંથી આજે બે મહિલાઓએ તો પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરી છે. આસામમાં ઉપેક્ષિત છોકરીઓ અને સ્ત્રીઓ મંદિરાને રોલ મૉડલ તરીકે જુએ છે અને માને છે, કે તેની સાથે જોડાઈ રહેવાથી પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે. બધાં કાર્યોની સાથે સાથે મંદિરાનું સ્વપ્ન હતું કે આસામની સમૃદ્ધ સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવી. તેણે બિહૂ નૃત્યનો એક વીડિયો બનાવીને સમગ્ર રાજ્યની એન.જી.ઓ.ને મોકલ્યો. સાઠથી વધુ સાંસ્કૃતિક સંગઠનોને નેટવર્કના માધ્યમથી જોડયાં. કેટલાક ગામોમાં રૂબરૂ ગયા. ૩૧ માર્ચ, ૨૦૧૯ના દિવસે સત્સારીએ સાતસો મહિલા બિહૂ નર્તકીઓ અને દોઢસો પુરુષ બિહૂ નર્તકોનું નૃત્ય આયોજિત કર્યું અને ગુવાહાટીમાં લાઈવ પ્રદર્શન કર્યું, જેની 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ ૨૦૨૦'માં નોંધ લેવામાં આવી. હજારો સ્ત્રીઓને સશક્ત બનાવી ચુકેલી ૫૧ વર્ષની મંદિરા આસામમાં જાણીતું નામ છે તેની સાથે જોડાયેલી મહિલાને તે એક જ મંત્ર આપે છે કે બીજાને દોષ દેવાથી કે નસીબના રોદણાં રડવાથી કોઈ લાભ થશે નહીં. જે જિંદગી છે તેને વધુ સારી બનાવીને જીવવાનો પ્રયાસ કરવામાં જ ફાયદો છે.

સ્વસ્થ જીવન માટે શોધ- સંશોધન

પ્રાણીઓના પેટમાંથી નીકળતા પ્લાસ્ટિકને જોઈને તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને સમજાવે છે.

રો જિંદા જીવનમાં આપણે કેટલીય એવી વસ્તુઓનો વપરાશ કરીએ છીએ કે તેની આપણા સ્વાસ્થ્ય પર કે હવામાનમાં થનારી અસરો વિશે આપણે તદ્દન અજાણ હોઈએ છીએ. જ્યારે એકાએક કોઈ બીમારી આવે ત્યારે આશ્ચર્ય થાય, પરંતુ દવા લઈને સ્વસ્થ થઈ જતાં એના વિશે ઊંડાણપૂર્વક વિચારતા નથી, પરંતુ ઝારખંડના જમશેદપુરમાં રહેતા રાજીવકુમાર શર્માને એની બીમારીએ વિચારતો કરી મૂક્યો. કોરોનાકાળ સમયે મોટાભાગના ઘરોમાં સેનિટાઇઝર અને એરફ્રેશનરનો ઉપયોગ થતો હતો, તેમ રાજીવના પરિવારજનો પણ એરફ્રેશનરનો ઉપયોગ કરતા હતા. તેમાંથી ક્યારેય ગંધ આવતી હતી, પરંતુ તેના પ્રત્યે ખાસ કોઈનું ધ્યાન ન ગયું. ૨૦૨૨માં રાજીવ શર્મા બીમાર પડયા. વૉમિટ અને માથાનો દુ:ખાવો એટલા વધી ગયા કે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડયું. બે દિવસ પછી ડૉક્ટરે ઘરે જવાની રજા આપી ત્યારે પણ તે સતત વિચારતો હતો કે તે એકાએક બીમાર કેમ પડયો ? બહુ વિચારતાં એને લાગ્યું કે એરફ્રેશનરને કારણે તેના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ હશે.

'સાયન્સ ડાયરેક્ટ'ના એક હેવાલ પ્રમાણે એર ફ્રેશનર જુદી જુદી જાતના એક સો જેટલા કેમિકલ પ્રસરાવે છે, તેમાં કાર્બનિક સંયોજનોનો પણ સમાવેશ થાય છે. તેનાથી સ્વાસ્થ્ય પર ઘણી પ્રતિકૂળ અસર થાય છે જેમ કે માઇગ્રેન, અસ્થમા, શ્વાસોચ્છ્શ્વાસની તકલીફ, મ્યુકોસલ, ચામડી સૂજી જવી કે બળતરા થવી તેમજ નર્વસ સિસ્ટમ પર અસર થવી વગેરે. રાજીવ શર્માએ કેમિકલનો ઉપયોગ કર્યા વિના ઈકો-ફ્રેન્ડલી એરફ્રેશનર બનાવવાનું વિચાર્યું. ઘરની પાસે આવેલા મંદિરમાંથી વપરાયેલાં ફૂલો મેળવ્યાં, જેથી કુદરતી સુગંધ મળી શકે. આંધ્રપ્રદેશમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઈનના કૉલેજના તેના પ્રોફેસરે જાણ્યું કે રાજીવ આવું કંઈક બનાવી રહ્યો છે, તો તેણે તેને મદદ કરવાનું વિચાર્યું, તેમણે ગુલાબ અને ચમેલીની પાંદડીઓને સૂકવી અને પાવડરમાં ભેળવી પ્રાકૃતિક સુગંધ મળે તે માટે નાળિયેરના ભૂસાનો ઉપયોગ પણ કર્યો. ઘણાં પરીક્ષણો કર્યા. તેનો ઘરમાં ઉપયોગ કરી જોયો. પર્યાવરણ અનુકૂળ એરફ્રેશનર માટે અંદર કાચની બોટલ અને બહારનું આવરણ લાકડાનું તૈયાર કર્યું. આઠ મહિનામાં વીસ પ્રોટોટાઈપ બનાવ્યા, છેવટે એલ્વિ એરફ્રેશનર બજારમાં મૂક્યું. આમાં તેની માતા સોનીદેવીનો સતત સાથ અને સહકાર મળ્યો. માતા-પુત્રએ પાંચ મહિનામાં ૮૫૦ એરફ્રેશનરનું વેચાણ કરીને બે લાખ રૂપિયાની કમાણી કરી છે.

આજે રાજીવ ઘર, ઑફિસ અને કાર માટે - એમ ત્રણ પ્રકારના એરફ્રેશનર બનાવે છે અને પંદર પ્રકારની સુગંધમાં તે ઉપલબ્ધ છે. દરેક યુનિટમાં સ્માર્ટ સેન્સર લગાવ્યા છે, જેથી આપોઆપ તે ચાલુ થાય છે અને બંધ થાય છે. એરફ્રેશનરમાં વાપરવામાં આવેલી સામગ્રી બાયોડીગ્રેડેબલ છે, જેથી તેના વપરાશ પછી પણ કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. એલ્વિ ગ્રીન સોલ્યુશન મંદિરમાં વપરાયેલાં ફૂલોમાંથી એરફ્રેશનર બનાવે છે. તેને માટે રાજીવે જમશેદપુરમાં ત્રીસથી વધુ મંદિરો સાથે જોડાણ કર્યું છે અને ત્યાં વપરાતાં ફૂલો તે એકઠાં કરે છે. અત્યાર સુધીમાં મંદિરમાં વપરાયેલા આશરે ૧૫૦૦ કિલો ફૂલોને રીસાઈકલ કર્યા છે. તે દરરોજ દરેક મંદિરમાંથી સરેરાશ ત્રણ કિલો ફૂલ મેળવે છે.

રાજીવ પોતાની આ પ્રોડક્ટ ઘરમાં રહીને બનાવે છે, પરંતુ બહુ ઝડપથી તેનો મોટા પાયે વિકાસ થશે તેવી એને આશા છે. એલ્વિ ગ્રીન સોલ્યુશનને આઈ.આઈ.એમ. બેંગ્લોરનો સહયોગ મળ્યો છે અને તેના પાંચ વિદ્યાર્થીઓ આ સ્ટાર્ટઅપ સાથે કામ કરવાના છે. એલ્વિ નામની પસંદગી પાછળનું રહસ્ય દર્શાવતા રાજીવ કહે છે કે એલ્વિયોલી અર્થાત્ ફેફસામાં ફુગ્ગા આકારની અસંખ્ય વાયુકોશિકાઓ છે જે ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે છે. માનવીના જીવન માટે શરીરનો આ સૌથી મહત્ત્વનો ભાગ છે તેના પરથી એલ્વિ નામ રાખ્યું છે. તે ૨૦૧૮થી ઝારખંડ એનિમલ વેલ્ફેર સોસાયટી સાથે કામ કરે છે. પ્રાણીઓના પેટમાંથી નીકળતા પ્લાસ્ટિકને જોઈને તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને સમજાવે છે. નાનપણથી જ નવા વિચારો અને સંશોધન કરવાની વૃત્તિ ધરાવનાર રાજીવ શર્માએ કોવિડ-૧૯ સમયે લાંબા સમય સુધી પહેરવામાં અનુકૂળ આવે તેવી પીપીઈ કીટ બનાવી હતી. તો ઘાયલ કૂતરાઓ માટે પચાસ વ્હીલચૅર બનાવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને માનવકલ્યાણ તથા પશુકલ્યાણ માટે તેઓ કાર્યરત છે.

Gujarat