For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બહુ વખાણીને વઘારાયેલી ભારતીય મતદાર નામની ખીચડી દાઢે ચોંટી છે?

Updated: Apr 28th, 2024

બહુ વખાણીને વઘારાયેલી ભારતીય મતદાર નામની ખીચડી દાઢે ચોંટી છે?

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- મતદાનના ઓછા કે વધુ પ્રમાણ પાછળનું ગાણિતિક સમીકરણ ખબર છે? ઈલેકશનમાં સિલેકશન માટે પેશન કરતા ટેન્શન કેમ વધુ હોય છે? 

વિ શ્વની સૌથી મોટી ચૂંટણીના આપણે અત્યારે ભાગીદાર કે સાક્ષી થઇ રહ્યા છીએ. આમ તો વૈશાલીના ગણરાજ્યના નાગરિકનો એવો જયઘોષ હતો કે 'અહં રાજા, અહં રાજા ઇતિ મન્યે'. યાને હવે મારા પર રાજ કરનાર કોઈ રાજા નથી (સેવક છે, પ્રતિનિધિ છે) પણ હું જ રાજા છું. પ્રજા જ રાજા બને એ પ્રયોગ પ્રાચીન ભારતમાં થયેલો, પણ લાંબુ ટકવામાં કે આખા દેશમાં ફેલાવામાં નિષ્ફળ ગયેલો. અંતે ગાંધીચીંધ્યા માર્ગે સંવિધાન આવ્યું. કૃષ્ણ જેટલા યાદ રહ્યા એટલી સુધર્મસભા ભારતને યાદ ના રહી. પછી યુરોપમાં લોકશાહીનું પ્રભાત ખીલ્યું.

લોકશાહીની શરૂઆત અંગે જાત-જાતના પ્રદેશોનો દાવો અચળ છે પણ ચૂંટણી અને લોકશાહીના તાણાવાણા વણવામાં શિરમોર ગણાય એવા ગ્રીસના એથેન્સમાં ઇલેકશન માટે જે પાયાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી, એ એક યા બીજા સ્વરૂપે હજુ ચાલુ છે. એ વખતે કાગળ તો લકઝરી ગણાતી. પ્રિન્ટીંગ મશીનની તો શોધના ખ્વાબ પણ કોઇને આવતા નહોતાં. માટે જગતની પ્રથમ પ્રાથમિક ચૂંટણીઓમાં મતપત્રકના સ્થાને ઠીકરાં વપરાતા! જી હા, જુના પુરાણા માટીના વાસણોના ટુકડા તો ચોમેર મફતમાં વેરાયેલા મળી આવે. એના પર લીટા તાણી (કે કોતરી) જનતાજનાર્દન પોતાનો મત આપતી! આ પ્રથાને અંજલિ આપવા માટે જ કદાચ જગતભરની વર્તમાન ચૂંટણીઓમાં મોટે ભાગે ઠીકરાં જેવા ઠોબારા ઉમેદવારો જ પ્રજાના માથે ઠોકાય છે! ખીખીખી.

એમ તો કીંમતી અને પવિત્ર ગણાતો બેલેટ શબ્દ પણ ૧૮મી સદીના બ્રિટનના કલબ કલ્ચરમાંથી જ આવ્યો છે. જ્યાં મતદાન માટે વ્હાઇટ અને બ્લેક બોલ યાને ટચૂકડા દડાનો ઉપયોગ થતો. પેટીમાં તરફેણ માટે વ્હાઇટ બોલ અને વિરોધ માટે બ્લેક બોલ મુકાતો. એકાદો બ્લેક બોલ પણ કેન્ડિડેટની વિકેટ ઉડાડવા પૂરતો ગણાતો! એમાંથી જ 'બ્લેક લિસ્ટેડ' શબ્દ આવ્યો ! વેલ, જગતમાં ગુપ્ત મતદાન અને મતપત્રકનો આરંભ કરનાર ઓસ્ટ્રેલિયાથી ગુજરાતની ઇલેકટ્રોનિક ચૂંટણીના મશીન્સ સુધીનો કેટલોય આવો રસિક ઇતિહાસ છે કે જે ચૂંટણીમાં ગામ ગજવતાં 'ઉમ્મીદવાર' (આશા રાખનાર)ને ખબર પણ નથી, અને જાણવાની પડી પણ નથી. ઇલેકશન અંગેનું જી.કે. જાણવાથી ચૂંટણી જીતી શકાતી નથી. એના આગવા ઇલમ હોય છે.

ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. મતદાન બહોળી સંખ્યામાં થવું જ જોઇએ અને લોકશાહી ભલે પરફેકટ સિસ્ટમ ન હોય, એને પરફેકટ રીતે ચલાવવા માટે મતદાતા જાગૃત હોવો જ જોઇએ. આ વિશે પ્રત્યેક ચિંતાતુર ચિંતકશ્રેષ્ઠોએ લખી શકાય એટલું લખ્યું છે છતાં વોટર ટર્નઆઉટ એટલો જ રહે છે, જેટલો વોટર્સે ધાર્યો હોય!

કયું? સિમ્પલ. મતદારોને મતદાન કરવાનું મોટિવેશન થાય એવા ઉત્તમોત્તમ ઉમેદવારો જ બધે ખાસ હોતાં નથી. સારા માણસો રાજકારણમાં આવતાં નથી, એ ચીબાવલું જૂઠાણું છે. વાસ્તવિકતા એ છે કે સારા માણસો રાજકારણમાં ટકી શકતાં નથી. માટે પસંદગી કરવાની રહે છે : ખરાબ અને ઓછા ખરાબ વચ્ચે. એ પાપમાં ભાગીદાર બનવા કેટલાક (ખરેખર તો ઘણાં) લોકોની તૈયારી હોતી નથી. માટે એ લોકો નિર્ણય લેવાની જવાબદારી જ ટાળે છે.

ચીલાચાલુ ઓપિનિયનબાજીને બદલે એક એનાલિટિકલી અને સાયન્ટિફિકલી ઇન્ટરેસ્ટિંગ સમીકરણ પર ફોકસ કરીએ. એ સમીકરણ છે ઁ(મ્+ઘ)। ભ+ઈ અર્થાત પી ગુણ્યા બી વત્તા ડીનો જવાબ હંમેશા સી વત્તા ઇથી વધુ હોવો જોઇએ.

ભેજાં ધુમ ગયા? ઇટસ વેરી સિમ્પલ. 'પી' એટલે એવી પ્રોબેબિલિટી (સંભાવના) કે મતદારનો એ એક મત સમગ્ર ચૂંટણીના પરિણામ પર નિર્ણાયક અસર ઉભી કરશે. 'બી' એટલે બેનિફિટ (લાભ) કે જે પોતાના મતથી પોતાને ગમતી પાર્ટી કે ગમતાં નેતાને થશે. 'ડી' એટલે ડયુટી (ફરજ) ડેમોક્રસીને ટકાવી રાખવા અને નાગરિક તરીકેના હક્કો ભોગવવા માટે બજાવવી પડતી નિષ્ઠાપૂર્વક મતદાનની કામગીરી. એક પ્રકારનો નૈતિક ઋણસ્વીકાર. સોશ્યલ ઓબ્લિગેશન. 

'સી' એટલે કોસ્ટ. મતદાન કરવા મતદાન મથકે જવા માટે આપવો પડતો સમયનો ભોગ, પરિશ્રમ, આર્થિક ખર્ચ (પેટ્રોલ ભાડું, બસ ભાડુ) અને મતદાન કરવા ન જઇ અડધો - એક કલાક / દિવસ બચાવી બીજા કામમાં લગાવો તો જે આવક મળી શકે, એ મતદાન કરવાથી ગુમાવવી પડે તો એ પણ ખર્ચ જ થયોને? ટૂંકમાં આ બધી ખોટ / ખર્ચનો સરવાળો એટલે સી. 'ઇ' એટલે એન્ટરટેઇનમેન્ટ. મતદાનને બદલે મળેલી રજામાં ગમતી ફિલ્મ જોવા મળે, લગ્નમાં જઇને મિત્રો સાથે મિજબાની માણવા મળે, આઇપીએલ ક્રિકેટ જોવા કે રમવા મળે, ગરમીમાં એસીની ટાઢકમાં કેરીનો રસ પીવા મળે, ફેમીલી સાથે ફરવા જવા મળે એ બધુું વૈકલ્પિક મનોરંજન.

હવે આ સમીકરણમાં રકમ પૂરો. અપવાદરૂપ કિસ્સાઓ (જે બને જ છે, અને બને ત્યારે જીવ ચચરે તેવી ઇફેકટ લઇ આવે છે. માત્ર બસ્સો-પાંચસો મતના અભાવે હારતા ઉમેદવારો કે એટલી સીટથી સરકાર રચતા પક્ષો શું આપણે જોયાં નથી?) ને બાદ કરતાં પોતાના મતથી કશું મહાન પરિવર્તન આવી જશે કે સરકારો- ઉમેદવારો ધુ્રજી ઉઠશે, એ સંભાવના - પેલા અકબરબિરબલના દૂધના લોટાની ગમ્મતમાં દેખાયેલી- હયુમન નેચરની રમત જોતાં 'પી' શુન્ય છે. લાભનું તો એવું છે કે રમૂજમાં કહેવાય છે : લોકશાહીમાં ચૂંટણી એટલે પોતાના જ ખિસ્સાકાતરૂને પસંદ કરવાની તક. હીહીહી. બેનિફિટસ ચૂંટાયેલા ઉમેદવારને વધુુ થતાં હોય છે. પ્રજા મોટેભાગે આ અંગે ઉદાસીન છે. ચૂંટણી ચકરાવાના રૂડારૂપાળા સૂત્રો ગમે તે કહેતા હોય.... અંતે તો દરેક ઉમેદવારનો એક જ ગુપ્ત નારો છે: 'આગામી ૫ વર્ષમાં આપણી ૫ પેઢીની આર્થિક ઉન્નતિ!' ભલે બધા જ ઉમેદવારોને લાગુ ન પડે પણ મોટા ભાગના ઉમેદવારોને લાગુ પડે એવી કડવી વાત અમુક ઉમેદવારો બીજી વાર લડતા હોય એમની આવકના વૃદ્ધિ પામતા આંકડાઓના સમાચાર વાંચો તો સમજાઈ જાય ! 

મધ્યમ વર્ગ માટે કોઇ ફેવરિટ પાર્ટી કે કેન્ડિડેટ હોતો નથી. એટલે શિક્ષિત શહેરી મતદારોમાં 'બી' પણ ઝીરો. ગામડાના ઘણાં અભણ મતદારો માટે બી ઇઝ વન. શહેરી કે ગ્રામીણ બંને મતદારોમાં ડયુટીનો એક પોઇન્ટ મળે. ઘણા હજુ વિચારશીલ ને દેશપ્રેમી મતદારો મોજૂદ તો છે જ. પણ એ ફરજ બજાવવાનો ઉમળકો તો જ આવે, જો રાજકીય વૃત્તિ- પ્રવૃત્તિથી જનતા હતાશ ન હોય. સળંગ ચાલતા કૌભાંડો- ભ્રષ્ટાચાર- સગાવાદ- લાગવગશાહી ઇત્યાદિને લીધે લોકોને પૂરતા હકો ભોગવવા ન મળે, ત્યારે ફરજ પણ શૂન્ય થાય!

સામે પક્ષે 'સી' યાને કોસ્ટ તો 'ગરીબ' દેશની લક્ષ્મીઘેલી પ્રજાને વધુ જ લાગવાની! અને પૈસા ખર્ચવા જ હોય તો મનપસંદ એન્ટરટેઇનમેન્ટ શું ખોટું? માટે પીબી પ્લસ ડી કરતાં સી પ્લસ ઇનું પલડું મોટેભાગે ઝુકે છે. ઉસ્તાદ ઉમેદવારો પોતાની રીતે 'સી' અને 'ઇ' આપીને મતદાર આકર્ષવાના પ્રયત્નો કરે છે. જેટલું આ સમીકરણ પલ્ટાવી શકો, એટલું મતદાન વધુ થાય. 

આપણે ત્યાં તો પ્રોટેસ્ટ વોટની સીસ્ટમ નોટા તરીકે અધકચરી આવી, એટલે ન ગમતા ઉમદેવારને ઠોકી બેસાડતી ચૂંટણી રિજેક્ટ કરવાનો 'મતાધિકાર' મજબૂત નથી. પણ ભારતમાં વર્તમાનમાં ખાસ્સી સંખ્યામાં યંગ વોટર્સ છે, જે ૧૮ વર્ષ પછી ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ મેળવવામાં જેટલા ઉત્સાહી છે, એટલા વોટિંગ રાઇટસ માટે પણ છે. ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ એક દિવસ પણ સિક લીવ લીધા વગર ૭૨ વર્ષના થયા. પણ એમણે ડિજીટલ રિવોલ્યુશન (મોબાઈલ અને ઇન્ટરનેટ)નો પવન છેલ્લા દસકામાં પોતાના સઢમાં પૂરીને યૂથને પોલિટિક્સમાં ઈન્ટરેસ્ટ લેતા કરી દીધા છે.  

બાકી અમેરિકા જેવા પંચરંગી (કહો કે સહસ્ત્રરંગી!) મતદારો ધરાવતાં દેશમાં ૫૦-૬૦% મતદાન તો 'અધધધ' લાગે છે. મતદાન ફરજીયાત કરાવવાથી કોઇ ફાયદો નથી, કારણ કે પરાણે મતદાન કરવા ઢસડાયેલી પબ્લિક પછી વેઠ ઉતારવાની છે, મનફાવે તેમ ચોકડી લગાવી કંટાળેલા સ્ટુડન્ટની માફક ભાગી છૂટવાની છે. એમાં તો યોગ્ય ઉમેદવાર વગર વાંકે પિટાઇ જાય! બાકી હકીકત એ છે કે વધુ મતદાન કાં તો ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બેલ્જીયમ, લકઝમબર્ગ જેવા દેશોમાં થાય, જયાં એ ફરજીયાત છે અને યોગ્ય કારણ ન દર્શાવો તો મત ન આપવા માટેની સજા થાય છે. કાં તો ઇટાલી, જર્મની, સ્વીડન, ડેન્માર્ક, ઇઝરાયેલ, ફ્રાન્સ જેવા દેશોમાં થાય જયાં રાજકીય રીતે જાગૃત નાગરિકોની એક આખી વિરાસત ઉભી થઇ છે.

અલબત્ત, વોટિંગના બેસુમાર ઓપ્શન્સમાંથી 'એક વ્યકિત, એક વોટ'ની જે સાદી સરળ સીસ્ટમ ભારતે પસંદ કરી છે, એની પૂર્વશરત પ્રામાણિકતા અને પ્રત્યેક મતદારને લોકશિક્ષણ આપવાની છે. જે ભારત પહેલેથી નિભાવી શકયું નથી. આ સીસ્ટમનું પ્લેટફોર્મ ઉભું કરી દીધા પછી એને ટકાવી રાખતાં તાણિયા- થાંભલા જોડવા- જાળવવામાં આપણા જૂના લુચ્ચા લાલચુડા આગેવાનોએ સરિયામ બેદરકારી દાખવી છે. દાખલા તરીકે, સંસદીય લોકશાહીમાં પહેલાં તો ઉમેદવારની પસંદગી માટે પક્ષોમાં આંતરિક લોકશાહીની તળિયાથી ટોચ સુધીની સીસ્ટમ હોવી જોઇએ. જે બ્રિટન કે અમેરિકાની માફક ભારતમાં કદી થયું નથી.

ભારતીય મતદાર શાણો પણ છે અને અબૂધ અને સ્વાર્થી ય છે. હા, એનામાં લોકશાહીનો ટેમ્પરામેન્ટ ઇન્ડિયન કલ્ચર અને ગાંધીયન ઇમ્પેકટને લીધે છે. માટે ધનકુબેર હરિવલ્લભ જયકૃષ્ણદાસને ઉછીની બીડી ફૂંકતાં ઇન્દુલાલ યાજ્ઞિાક હરાવી શકે છે. કટોકટીના સ્વામિની ઇન્દિરાને મરણપથારીએ પડેલા જયપ્રકાશ હરાવી શકે છે. પણ આ મતદાર કઇ રીતે મત બાંધે છે, એની કોઇ ફોર્મ્યુલા નથી. જેવું મોજું તેવો મત. માટે સ્તો દેશની કબર ખોદતી 'હંગ એસેમ્બલી' કે મિશ્ર સરકારો આપણા કપાળે ટીચાયા કરતી અને હજુ પણ રાજ્યોમાં હોય છે. બહુ છાપરે ચડાવાયેલો આ એ જ મતદાતા છે જેને લીધે નરસિંહરાવ કે અટલબિહારી જેવા વિઝનરીઝે હારવું પડયું છે. સાવ ઉલટસૂલટ વિચારના ઠગોના ગઠબંધન જેવા કજોડાઓ ઇતિહાસમાં એના પ્રતાપે જ સર્જાયા છે.

માત્ર ફોરવર્ડ થતા મેસેજ વાંચીને ઓપિનિયન બનાવતા સાઈબરશૂરા ભારતીય મતદાતાના એક ખાસ વર્ગને કોઈ વિઝન નથી. એ અંધ થઈને એમના જ હિત માટે સાચું કહેતા બૌદ્ધિકોથી લઈને ન્યાય આપતી સુપ્રીમ કોર્ટ સામે એલફેલ બકવાસ કર્યા કરે છે. વાતો રાષ્ટ્રભક્તિની કરે છે, પણ વાસ્તવ એનું એવું છે કે જ્ઞાાતિનો અહંકાર આવે તો દેશનો નકશો બાજુએ મુકાઈ જાય! મતલબ ઘણાં મતદારો માટે કાનૂનની નજરમાં ક્રિમિનલ પણ પોતાનો હીરો કે હીરોઇન છે! ફુલન કે લતીફને મત આપનારા શું એમને ઓળખતાં નહોતા? મતદારો ગુનેગારોને રિજેકટ કરતાં નથી, એ હકીકત નજર સામે હોય, પછી ગુનેગારોને ટિકિટ મળતી કેવી રીતે બંધ થાય? હજુ પણ ચોક્કસ વિસ્તારમાં ખાસ લુખ્ખા તત્વોની દાદાગીરી સામે સરકારી તંત્ર પણ ડરી ડરીને કામ લેતું હોય ત્યાં લોકો અવાજ ઉઠાવવા સંગઠન બનાવતા નથી ને જે બનાવવાના નાટક કરે છે એ લોકોને ઉલ્લુ બનાવે છે. 

જનસંપર્ક એ લોકશાહીની મજબૂરી છે, લાયકાત નથી. ચૂંટાયેલો ઉમેદવાર સતત બધાના ફોન ઉઠાવે, હસી-હસીને બધા પ્રસંગો એટેન્ડ કરે, બધાને રૂબરૂ મળતો રહે તો પછી ધારાગૃહના કે યોજનાઓના અભ્યાસનું કામ કયારે કરે? ચૂંટાઇ ગયા પછી 'મોં બતાવતા નથી' એવા બાલિશ બૂમરાણોને બદલે એણે ખરેખર શું, કેટલું અને કેવું કામ કર્યું છે, કેટલી તૈયારી સાથે ચર્ચાઓ કરી છે. કેટલી દીર્ઘદ્રષ્ટિથી પોતાના વિસ્તારના વિકાસની સમસ્યાઓ ઉકેલવાના આયોજનો કર્યા છે, કે રાષ્ટ્રહિતમાં આગામી પેઢી માટે આધુનિક એવા કાયદાકીય સુધારા કેવા ને કેટલા કર્યા છે, એના ઉપર ઘ્યાન આપીને પરફોર્મન્સ ચેક કરવું જોઇએ. તો હરાયા ઢોરની જેમ ફરતાં ને 'ચરતા' વિજેતાઓ માથે પણ જવાબદારીની ઘૂંસરી આવે!

રીઢા રાજકીય આગેવાનોને આ વાતની બરાબર ખબર છે. એમને ખબર છે કે ચૂંટણી કદી શહેરી સોફિસ્ટિકેટેડ ભદ્રલોકને રિઝવવાથી જીતાતી નથી. ચૂંટણી ખેડૂતો, દલિતો, જ્ઞાાતિવાદી મંડળો, કૂબા, નેસ, ગ્રામીણ પછાતો, અભણ અબુધો, ધનકુબેર ઉદ્યોગપતિઓ, શાતિર બદમાશો, માર્કેટિંગ માટે બિકાઉ મીડિયા અને જે તે ધાર્મિક સંસ્થાઓને કબજે કરવાથી જ જીતી શકાય છે. લોકશાહીમાં લોકો જાગૃત ના હોય તો એમને સાચું કહેનારને જ એથેન્સમાં સોક્રેટીસને આપેલો એમ ઝેરનો પ્યાલો પીવડાવી દે. અક્કલવાળો ઇન્સાન પોતાનો ઈમાન જાળવે પણ આવી હારેલી બાજી લડીને ઉર્જા બગાડે નહિ !

મોટે ભાગે આ પ્રકારના રાજકારણીઓ જ્યારે પ્રજાના 'ભલા'ની વાત કરે ત્યારે એમના મનમાં તો પોતાના 'લાભ'નો જ સ્વાર્થ રમતો હોય છે. ચૂંટણીના ઉમેદવારોનું ચૂંટણી ચિન્હ ભલે ગમે તે હોય... દેશના મોટાભાગના મતદારોનું ચુનાવચિન્હ છે: અંગૂઠા!

આપણને બધાને વારંવાર રાજનેતાઓને ગાળો ભાંડવાની આદત પડી ગઈ છે. લીડરોની આલોચના કરવી અત્યારે ફેશનમાં છે. ચોરે ને ચૌટે સહુ રાજનેતાઓ અને રાજકીય પક્ષોની કૂથલી કરતા ફરે છે. જાણે આ બધા નેતાઓ કોઈ બીજા ગ્રહના 'એલિયન્સ' હોય... અને આસમાનમાંથી ટપક્યા હોય! આ નેતાઓ, આ પક્ષો ક્યાંથી આવે છે? આપણે જ એમને ચૂંટીને મોકલીએ છીએ! એક આંગળી નેતા તરફ ચીંધશો તો ત્રણ આંગળી પ્રજા તરફ ચીંધાશે. 

સારા માણસો રાજકારણમાં કેમ આવતા બંધ થઈ ગયા? કારણ કે અપવાદ સિવાય સારા મોટી સંખ્યામાં માણસો ચૂંટાતા બંધ થઈ ગયા! 'કોઈકે' તો આગળ આવવું પડશે-ની વાતો ફિલ્મી ડાયલોગમાં સારી લાગે છે. ઘણાય આવું સાંભળીને દોડયા અને જે પબ્લિક વારંવાર નેતાઓને ભાંડે છે, એ જ પબ્લિકે આવા સારા માણસોને 'આ તો પ્રેક્ટિકલ નથી... વેદિયો છે... આપણી જ્ઞાાતિનો નથી... આ તો વિદેશી સંસ્કૃતિથી અંજાયેલો મોડર્ન ને આપણા સંસ્કારોનો વિરોધી છે... આને અમારા ગરીબોની જીંદગીની શું ખબર પડે...' એવા કારણો બતાવીને ઘરભેગા કરી દીધા છે! અથવા તો સારા રાજકારણમાં આવીને ખુદ નઠારા થઇ ગયા છે. 

દરેક વખતે ચૂંટાયેલ નેતાને કામ નથી કરવું હોતું, એવુંય નથી હોતું. ઘણીવાર એના ઈરાદાઓ પર બ્યુરોક્રસી (અમલદારશાહી)નું પાણી ફરી વળે છે. વધુુ પડતા વજનદાર બંધારણની આંટીધૂંટીભરી જડ સિસ્ટમ નેતાને કોઈ નિર્ણયનો અમલ કરાવવાની તક જ આપતી નથી. કંટાળીને નેતા નછૂટકે એને અનુકૂળ થઈ જાય છે. ક્યારેક નેતા કશોક પ્રગતિશીલ નિર્ણય કરે કે કોઈ નવી વાત કરે કે તરત ચોખલિયા વિવેચકો અને બબૂચક લોકો એમાં હજાર વાંધાવચકા કાઢીને ઉભા રહે છે! પાંચ વર્ષ ખુલાસાઓમાં જ જતા રહે છે. બધી વખતે અધિકારીઓય જવાબદાર નથી હોતા. સંત્રી બનવાની લાયકાત ન હોય એવો ડફોળેશ્વર મંત્રી માથે ઝીંકાય ત્યારે કાબેલ અને પ્રોફેશનલ અભ્યાસ ધરાવતા અધિકારીઓ આવા ગડબાની ગુલામી કરીને નીરસ થઈ જાય છે. મનફાવે તેમ બદલી અને રાજકીય ઉપયોગની તલવારની ધાર પર એમણે કામ લેવાનું હોય છે. ટોચના આગેવાનો અસંતુષ્ટોને સાચવવામાંથી ઉંચા આવે તો કશીક નવીન કામગીરી કરે ને? અપક્ષો કદી સરકાર રચી ન શકે, રચે તો ચલાવી ન શકે- વધુુમાં વધુુ એ પોતાના 'ભાવ'માં તેજી લઇ આવી ટેકો કરી શકે. અને ફરી વાર, જો વારંવાર વેંચાઈ જતા કે અકોણાઈ કરતા પ્રતિનિધિઓ આ માટે જવાબદાર લાગતા હોય તો એમને ચૂંટયા કોણે?  જનતાએ જ! 

આ બધા પરિબળોનો તાળામેળ કરીએ તો વાસ્તવિકતા એ છે કે વર્તમાન લોકશાહીમાં આપણે મુદ્દાઓને નહિં, મુદ્દાઓના ઘડવૈયાને મત આપી શકીએ છીએ. ભારત દેશ તો સમસ્યાઓનું મ્યુઝિયમ છે. લોકશાહીના ગમે તેટલા રૂડારૂપાળા ગુણગાન ગવાતા રહે, અંતે તો લીડર જ પ્રગતિ કે અધોગતિની દિશા નક્કી કરવાનો છે. 'વ્યકિત નહિં, સંસ્થા મહાન છે' વાળું સુવાક્ય અર્ધસત્ય છે. ચોક્કસ નેતા કે ધર્મગુરૂ કે પ્રિન્સિપાલની પણ વિદાય પછી ઘણી વખત એના જમાનામાં પૂરબહારમાં ખીલેલી સંસ્થાનો કડૂસલો થઇ જાય છે. ભલે ખલનાયક તરીકે પણ રાજકીય બાહોશી પૂરવાર કરી ચુકેલા ગુજરાતી મોહમ્મદ અલી જીન્નાહે ૧૯૪૬માં આપેલું ગ્રેટ કવોટ મતદારોએ નિરંતર યાદ રાખવાની મજબૂરી છે કે - 'હું થાંભલાને ઉમેદવાર તરીકે ઉભો રાખું તો તમારે તેને મત આપવાનો છે, કામ ઉમેદવારે કરવાનું નથી, હું કરવાનો છું!'

ફાસ્ટ ફોરવર્ડ 

સ્ત્રી અને રાજનેતા વચ્ચે શું ફેર?

સ્ત્રી 'ના' કહે તો એનો અર્થ થાય 'કદાચ'. સ્ત્રી 'કદાચ' કહે તો માનવું 'હા' અને સ્ત્રી 'હા' કહે તો એ સ્ત્રી જ ન હોય.

નેતા 'હા' કહે તો મતલબ થાય 'કદાચ'. નેતા 'કદાચ' કહે તો માનવું 'ના'... અને જો નેતા 'ના' કહે, તો એ નેતા જ ન કહેવાય!

Gujarat