For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મંગળસૂત્ર : મહિલાઓને સામાજિક સુરક્ષા આપતું વૈવાહિક બંધન

Updated: Apr 28th, 2024

મંગળસૂત્ર : મહિલાઓને સામાજિક સુરક્ષા આપતું વૈવાહિક બંધન

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ચૂંટણીની નિવેદનબાજીમાં અચાનક મંગળસૂત્ર સેન્ટરમાં આવી ગયું. આ મંગળસૂત્ર કેવી રીતે લગ્નની રસમ સાથે જોડાયું. એ ખરેખર ભારતની પ્રાચીન પરંપરા છે?

'મં ગળ એટલે શુભ અને સૂત્ર એટલે બંધન. મંગળસૂત્ર એટલે શુભબંધન.'

મંગળસૂત્રની આ વ્યાખ્યા સંસ્કૃત સાહિત્યમાંથી આવી છે. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં સંપાદિત થયેલા સંસ્કૃત ગ્રંથ બ્રહ્માંડ પુરાણમાં લલિતાસહસ્ત્રનામમાં દેવીઓના હજાર નામો સમાવાયા છે. એમાં જ મંગલમ્ સૂત્રમનો ઉલ્લેખ છે. પતિ લગ્નવિધિના ભાગરૂપે પત્નીને ગળામાં એક બંધન બાંધે છે. એ રસમ એટલે મંગળસૂત્ર. આ વિધિને માંગલ્ય ધરણમ્ પણ કહેવામાં આવતી. આ સૂત્ર ધારણ કરવાથી શુભ થાય છે અને બુરાઈ દૂર રહે છે એવી માન્યતા હતી. સંસ્કૃત લખાણોમાં પછીના સૈકાઓમાં માંગલ્ય સૂત્રથી લઈને મંગલ ધર્મસૂત્ર, માંગલ્ય સૂત્રમ્ જેવા કેટલાય નામોથી મંગળસૂત્રનો ઉલ્લેખ થતો રહેલો. આદિ ગુરુ શંકરાચાર્યના સૌંદર્ય લહરીમાં પણ મંગળસૂત્ર વિશે નોંધ મળે છે. 

તે વખતે મંગળસૂત્રનો અર્થ કદાચ આજના જેવો ન હતો. મંગળસૂત્ર એટલે એક પ્રકારની માળા. એ સોનાની જ હોય એવાય ખાસ ઉલ્લેખો નથી. એ રેસમપટ્ટો હોય કે પછી બીજી કોઈ રીતે બનેલી થોડી ટકાઉ માળા હોય. ઈતિહાસકારોનો એક મત તો એવોય છે કે મંગળસૂત્ર લગ્ન વખતે પહેર્યા બાદ બીજી બધી ચીજવસ્તુઓની જેમ સાચવીને મૂકી દેવામાં આવતું. એમ કહેવાય છે કે ભારતમાં ૬ઠ્ઠી સદીથી રાજવી પરિવારો અને જમીનદારોમાં લગ્ન થતાં ત્યારે કન્યાને મંગળસૂત્ર પહેરવાની પરંપરા શરૂ થઈ હતી.

ઘણાં એમય માને છે કે એક પ્રકારનું ધાર્મિક બંધન જેમ પહેરવામાં આવતું એમ લગ્ન બાદ મહિલાઓ મંગળસૂત્ર પહેરતી. એ બંધન જૂનું થાય તો એને બદલી પણ શકાતું, જનોઈની જેમ. સદીઓ સુધી મંગળસૂત્રના છૂટા-છૂવાયા ઉલ્લેખો મળે છે અને એમાંય ખાસ સ્પષ્ટતા થતી નથી. શરૂઆતમાં એક પીળા દોરાને દિવસો સુધી હળદરમાં ડૂબાડી રાખ્યા બાદ રાતા-કાળા મોતીઓનો હાર બનાવવામાં આવતો. લગ્નના દિવસે પતિના પરિવારની બહેનો, ખાસ તો માતા કે બહેન કન્યાના ગળામાં એ હાર પહેરાવીને ઘરમાં, પરિવારમાં એનું સ્વાગત કરતી. એ સૂત્ર પહેરનારી કન્યા ઘરમાં આવે તો બધું શુભ જ થશે અને અમંગળનો નાશ થશે એવી માન્યતા સદીઓ પહેલાં હતી. 

સોના સહિતની કિમતી ધાતુમાંથી મંગળસૂત્ર બનતા થયા એનો વ્યવસ્થિત ઈતિહાસ નથી એટલે કઈ સદીથી સોના-ચાંદીના મંગળસૂત્ર લગ્નમાં કન્યાને પહેરાવવાનું શરૂ થયું હશે તે સ્પષ્ટતા સાથે કહી શકાય તેમ નથી. પરંતુ સોના-ચાંદીના મંગળસૂત્રનું ચલણ ભારતીય ઉપખંડમાં બહુ પછીથી શરૂ થયું છે. સદીઓ પહેલાં મંગળસૂત્ર એટલે હળદરમાં પલાળીને પવિત્ર કરાયેલા દોરામાં મોતી પરોવીને બનાવાયેલી માળા.

સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન મંગળસૂત્રની નિશાનીઓ સંશોધકોને મળી છે. એ મંગળસૂત્ર આજના જેવું ભલે ન હતું, પરંતુ સંશોધકો માને છે કે પ્રાચીનકાળમાં પણ ભારતમાં રહેતી એ સંસ્કૃતિની મહિલાઓ વિવાહ પછી ગળામાં મંગળસૂત્ર ધારણ કરતી હશે, પણ ખરા અર્થમાં ભારતમાં ૧૫મી-૧૬મી સદીમાં મંગળસૂત્ર પતિના લાંબાં આયુષ્ય માટે પહેરવાનું શરૂ થયું, પરંતુ એ દાગીનાના સ્વરૂપે ન હતું. સાધારણ મોતીઓની માળા બનાવીને લગ્ન પછી મહિલાઓ પહેરતી.

સમયાંતરે મંગળસૂત્ર વિવાહિત મહિલાનો સિમ્બોલ બની ગયું. પતિનો પરિવાર કન્યાને લગ્ન વખતે મંગળસૂત્ર આપતો થયો. ધનવાન પરિવાર હોય તો કિંમતી માળામાંથી મંગળસૂત્ર બનાવે. મંગળસૂત્ર પરથી કન્યાના સાસરિયા કેટલા ધનવાન છે એની પિયરમાં ખબર પડતી. સહેલીઓ મંગળસૂત્ર પરથી જાણી લેતી કે દુલ્હનને બહુ પૈસાપાત્ર પતિ મળ્યો છે!

ભારતમાં વર્ણ વ્યવસ્થા હતી ત્યારે અમુક વર્ણમાં લગ્ન વખતે કન્યા મંગળસૂત્ર પહેરતી. ઘણી જ્ઞાાતિઓમાં તો એવો કોઈ રિવાજ ન હતો. કદાચ એ પાછળનું કારણ આર્થિક પણ હોવું જોઈએ. મંગળસૂત્ર બનાવવા માટે મોતી જોઈએ. ભારતમાં એવી સમૃદ્ધિ તો હતી નહીં કે બધી જ્ઞાાતિમાં સાસરીપક્ષને એ પોષાય. પરિણામે લગ્નમાં મંગળસૂત્ર કેટલાય સમય સુધી ફરજિયાત ઘરેણું ગણાતું ન હતું.

એ રીતે મંગળસૂત્ર એક દોરામાંથી કિંમતી ધાતુના બનવા માંડયા. અલગ અલગ પ્રદેશોમાં વળી જુદી જુદી ડિઝાઈન અને માન્યતા હતી. દક્ષિણ ભારતમાં મંગળસૂત્રની વચ્ચે લક્ષ્મીજીનું ચિત્ર હોય એવી ડિઝાઈન બનાવાતી. લક્ષ્મીજી સમૃદ્ધિનું પ્રતીક હોવાથી કન્યા જે ઘરમાં જાય એ ઘરમાં સમૃદ્ધિ લઈને જાય છે એવી માન્યતા હોવાથી લક્ષ્મીજી કેન્દ્ર સ્થાને રહેતા.

તમિલમાં મંગળસૂત્રની વચ્ચે કુંભની ડિઝાઈન જોવા મળે છે. કુંભ એટલે માટીનો ઘડો, એ ધન-ધાન્યના ભંડારનું પ્રતીક હોવાથી કન્યાને અન્નપુર્ણા માનીને સાસરિયા સ્વીકારતા. આંધ્રપ્રદેશમાં કન્યાને બે મંગળસૂત્ર મળે છે. એક વરપક્ષ આપે છે. બીજું પિયર તરફથી મળે છે. પરંપરાગત મંગળસૂત્રમાં બંને તરફ કાળા મોતી અને વચ્ચે સોનાનું પેન્ડન્ટ હોય છે. હવે એમાં અપાર ડિઝાઈન ઉપલબ્ધ છે. ઘણા પરિવારોમાં સોનાથી લદાયેલું એક ભારેખમ મંગળસૂત્ર આપવામાં આવતું હોય છે, જે લગ્નના દિવસે એક રીતે વરપક્ષની ધન-સંપન્નતા બતાવવા માટે હોય છે. એક રૂટિનમાં, વારે-તહેવારે પહેરી શકાય એવું પાતળું મંગળસૂત્ર મળે છે. આખો સેટ એક સાથે જ તૈયાર થાય છે.

ઈતિહાસકારો એ વાતે સહમત છે કે હિન્દુ-લગ્નમાં પ્રાચીનકાળમાં મંગળસૂત્રનો કન્સેપ્ટ ન હતો. એમાંય સોના-ચાંદીના મંગળસૂત્ર તો બહુ પછી આવ્યા. ભારતમાં ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીની શરૂઆતમાં બંગાળ, દક્ષિણ ભારત જેવા પ્રદેશોમાં મંગળસૂત્ર હિન્દુલગ્નનો અભિન્ન હિસ્સો ગણાયું. આ બંધન વગર લગ્ન અધૂરા ગણાતા. તે એટલે સુધી કે ઘણી જ્ઞાાતિમાં તો વિવાહ થયા પછી મહિલાએ કાયમ ગળામાં મંગળસૂત્ર પહેરવું પડતું. મંગળસૂત્ર ન પહેર્યું હોય તો એને અશુભ માનવામાં આવતું. જેમ નાકમાં સોના-ચાંદીનો દાણો પહેરવો સૌભાગ્યની નિશાની છે એમ ગળામાં મંગળસૂત્ર પણ સૌભાગ્યનો પર્યાય બન્યું.

ઉત્તર ભારતમાં મંગળસૂત્રની પરંપરા બહુ પછીથી શરૂ થઈ હોવાનું કહેવાય છે. એ વિસ્તારોમાં લગ્ન બાદ મહિલાઓ ગળામાં કંઠી પહેરતી. એ વિસ્તારોમાં મહિલાઓ મંગળસૂત્રને બદલે પગમાં ઝાંઝરી અને હાથમાં બંગડીને સૌભાગ્યનું પ્રતીક ગણતી. ભારતીય આભૂષણોના ઈતિહાસકાર ડૉ. ઉષા બાલકૃષ્ણન તો માને છે કે લગ્ન પછી દુલ્હન મંગળસૂત્ર પહેરે એ ભારતની પ્રમાણમાં ઘણી આધુનિક પરંપરા છે. સદીઓ પહેલાં મંગળસૂત્ર લગ્નવિધિનો અભિન્ન હિસ્સો ન હતું. ઈન્ડિયન જ્વેલરી : ધ ડાન્સ ઓફ ધ પિકોક પુસ્તકમાં ડૉ. ઉષા બાલકૃષ્ણન અને મીરા સુશીલ કુમાર કહે છે એમ આ આભુષણો મહિલાઓને આર્થિક સુરક્ષા માટે પણ બહુ ઉપયોગી થઈ પડતા. એ સમયે જ્યારે મહિલાઓને સંપત્તિમાંથી હિસ્સો મળતો નહીં ત્યારે સોનાના દાગીના એની મરણમૂડી બની રહેતી.

ઘણી વખત એવી દલીલ પણ થાય છે કે ફિલ્મો-ટીવી સીરિયલના કારણે મંગળસૂત્રને આજે લોકપ્રિયતા મળી છે અને એમાં માર્કેટિંગનો કન્સેપ્ટ ભળ્યો એટલે લગ્નમાં મંગળસૂત્ર ફરજિયાત થઈ પડયું છે. આ બધી દલીલ-દાખલા-થિયરી વચ્ચે આજે એ હકીકત માનવી પડશે કે હિન્દુ લગ્નમાં મંગળસૂત્ર કેન્દ્ર સ્થાને છે. ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકામાં પણ મંગળસૂત્રની પરંપરા છે.

વેલ, સદીઓથી હિન્દુસ્તાનની પરંપરા સાથે તાલ મિલાવીને અહીં સુધી પહોંચેલો આ પવિત્ર, શુભ ધાગો હવે રાજકારણીઓની હડફેટે ચડયો છે. જોઈએ એ કેટલો સલામત રહે છે!

'લગ્નમાં મંગળસૂત્ર ફરજિયાત નથી'

એક મહિલાનો કેસ મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ૨૦૦૯માં એનો ચુકાદો આપતા હાઈકોર્ટે કહેલું કે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે મંગળસૂત્ર લગ્નમાં પહેરાવવું ફરજિયાત નથી. વિવાહિત છે કે નહીં તે બતાવવા માટે મહિલાએ મંગળસૂત્ર પહેરવું અનિવાર્ય નથી. મંગળસૂત્ર ન પહેરનારી મહિલાને એ પહેરવા માટે ફરજ પાડી શકાય નહીં. જસ્ટિસ એમ.એમ. સુંદરેશનો આ ચુકાદો દેશભરમાં મહત્ત્વનો ગણાયો હતો. એ કેસમાં મંગળસૂત્ર ન પહેરતી હોવાથી પતિએ પત્નીને તેમના અધિકારો આપવાનો ઈનકાર કર્યો હતો. ૧૯૮૭માં પૂજારીની હાજરીમાં લગ્ન થયા હતા, પરંતુ મંગળસૂત્ર પહેરાવાયું ન હતું એટલે પતિએ પછીથી એ લગ્ન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. મહિલા કોર્ટમાં પહોંચી હતી. ૨૧-૨૧ વર્ષની કાયદાકીય લડાઈ પછી મદ્રાસ હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટ સેક્શન-૭ને ટાંકીને આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

સ્ત્રીધનમાં શું આવે છે?

ચૂંટણી સભા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રીધનનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વેલ્થ ડિસ્ટ્રીબ્યૂશનની વાત હતી. વડાપ્રધાને તેને લઈને કહ્યું હતું કે વિપક્ષ સત્તામાં આવશે તો એનોય હિસાબ લેશે. એ નિવેદન પછી ચારેબાજુ મંગળસૂત્ર અને સ્ત્રીધનની ચર્ચા છેડાઈ હતી. મંગળસૂત્ર તો બેશક સ્ત્રીધન કહેવાય. પરંતુ એ સિવાયના દાગીના પણ સ્ત્રીધનની શ્રેણીમાં આવે છે. સ્ત્રીધન કાયદાકીય ટર્મ છે. એમાં એવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે જે લગ્ન વખતે કોઈ પણ રીતે સ્ત્રીને મળી હોય. કન્યાપક્ષ તરફથી કે વરપક્ષ તરફથી મળેલા દાગીનાથી માંડીને જે ગિફ્ટ મળી હોય એનો સ્ત્રીધનમાં સમાવેશ થાય છે. હિન્દુ મેરેજ એક્ટમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. અપરણિત મહિલાઓને પણ સ્ત્રીધનનો અધિકાર મળે છે. તેમને બાળપણથી પરિવારના સભ્યો તરફથી કે બીજા કોઈ વતી દાગીના, શુકન રૂપે મળેલી રોકડ રકમ, વસ્ત્રોનો સમાવેશ થાય છે. વિધવા થયેલી મહિલાઓને એ પછી મળેલી ચીજવસ્તુઓ કે દાગીના સ્ત્રીધન ગણાય છે. એના પર ટેક્સ લાગતો નથી. મહિલાઓને સ્ત્રીધન દાનમાં આપવાનો કે વેચવાનો પણ અધિકાર છે. એ માટે તેમણે સાસરિયા કે પિયરપક્ષની પરવાનગીની કાયદાકીય રીતે જરૂર નથી. જો કોઈ મહિલા પોતાની જાતે નિર્ણય લઈને સ્ત્રીધન વેચી નાખે તો તેના પર પરિવારજનો કોઈ એક્શન લઈ શકે નહીં.

Gujarat