For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચેસનો ચાણક્ય : ગુકેશે તેની ચાલથી દિગ્ગજોને મહાત આપી

Updated: Apr 28th, 2024

ચેસનો ચાણક્ય : ગુકેશે તેની ચાલથી દિગ્ગજોને મહાત આપી

- 17 વર્ષનાં ગુકેશની અસાધારણ સિદ્ધિથી સંતાન ઉછેરનો સબક શીખી શકાય તેમ છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને આત્મવિશ્વાસ પર ફટકો પહોંચાડતી કૉમેન્ટ કરી તેનો ગુકેશે કઈ રીતે જવાબ આપ્યો ?

૧૭ વર્ષની વયના ગુકેશે ઐતિહાસિક સિદ્ધિ મેળવતા વિશ્વના ચુનંદા  ટોચના આઠ રેટિંગ ધરાવતા ચેસ ખેલાડીઓ વચ્ચે રમાતી કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતી છે. તે ચેસ ઇતિહાસનો કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે.અગાઉનો રેકોર્ડ રશિયાના ગેરી કાસ્પારોવના  નામે હતો જેણે ૧૯૮૪માં કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતી હતી ત્યારે તે ૨૨ વર્ષના હતા. તે વખતના વર્લ્ડ ચેમ્પિયન એનાતોલી  કોર્પોવને પડકારવાની સિધ્ધિ તેમણે મેળવી હતી.છેલ્લા  ૪૦ વર્ષથી આ રેકોર્ડ અકબંધ હતો જે ગુકેશે તોડયો છે. કાસ્પારોવ કરતા પાંચ વર્ષ નાની વયે ગુકેશ કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીત્યો છે.તે પણ સૌપ્રથમ વખત ભાગ લઈને. ટોરોન્ટોમાં યોજાયેલી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ  જીતતા જ હવે તે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન  ચીનના લેરિનને પડકારવા માટે લાયક ઠર્યો છે. આ વર્ષના અંતમાં ગુકેશ અને લેરિન વચ્ચે મુકાબલો થશે અને તેમાં  જે જીતશે તે વર્લ્ડ ચેમ્પિયન બનશે. 

વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો ફોર્મેટ એ રીતનું છે કે વિશ્વના જે શ્રેષ્ઠ આઠ ખેલાડીઓ હોય તેઓ એકબીજા સામે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં બે વખત રમે. એટલે કે એક ખેલાડીને ૧૪ મેચ રમવાની થાય.એક મેચ જીતે તો એક પોઇન્ટ મળે અને ડ્રોના ૦.૫ (અડધો)પોઇન્ટ મળે.આ ટુર્નામેન્ટમાં જે ચેમ્પિયન બને તે જ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનને પડકારી શકે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન લેરિન છે. ગુકેશ તેની ૧૪ મેચ બાદ અન્ય હરીફો કરતા સૌથી વધુ કુલ નવ પોઇન્ટ મેળવી ચેમ્પિયન બન્યો છે. તેના કરતાં વધુ રેટિંગ ધરાવતા રશિયાના નિમ્પો અને અમેરિકાના નાકામુરા ૮.૫ પોઇન્ટ ધરાવી સંયુક્ત બીજા ક્રમે અને અમેરિકાનો કરુના આઠ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

બીજી રીતે સમજવું હોય તો એમ કહી શકાય કે માની લો કે આ વર્ષના અંતે રમાનાર વર્લ્ડ ચેમ્પિયન પડકાર ઇવેન્ટમાં ગુકેશ લેરિનને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બને તો તેના તાજને ભવિષ્યમાં એ ખેલાડી જ પડકારી શકશે જે હવે બે વર્ષ બાદ યોજાનાર   ટોચના આઠ ખેલાડીઓની કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હશે.

ગુકેશનો એક રેકોર્ડ એ પણ છે કે ૧૯૫૦થી રમાતી  કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પણ તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે.

ભારતના વિશ્વનાથન આનંદ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે અને તે તો લેજેન્ડ છે. તે તેમની ૩૧ વર્ષની વયે સૌપ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. ગુકેશ ૧૭ વર્ષની વયે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમશે.

લેખનો આશય ચેસની રમત વિશે જાણકારી આપવાનો નથી પણ ગુકેશ આટલી નાની વયે આ હદે જીનીયસ કઈ રીતે બન્યો તે પ્રક્રિયાનો અભ્યાસ કેસ સ્ટડી તરીકે કરીને કેટલાક તારણ મેળવવાનો છે.

ગુકેશ જન્મ્યો ત્યારથી સાત વર્ષનો હતો ત્યાં સુધી તેને ઘેર અન્ય રમકડાં અને પુસ્તકો હતા. તેના માતા પિતાને પણ અંદાજ ન હોય તે સ્વાભાવિક છે કે આટલા નાના બાળકને ચેસ જેવી રમત અંગે સમજાય જ નહીં તેથી ચેસ બોર્ડ અને તેની કૂકરી ખરીદવાને હજુ પાંચેક વર્ષની વાર છે તેમ માનતા હતા.બન્યું એવું કે એક વખત તેના માતા પિતા તેમના મિત્રને ઘેર એમ જ મળવા ગયા ત્યારે ગુકેશને પણ સાથે લઈ ગયા.મિત્રને ઘેર તેનો વયમાં થોડો મોટો પુત્ર તેના પાડોશી જોડે ચેસ રમતો હતો. ગુકેશ તેઓની રમત જોવા બેસી ગયો અને મિત્રના પુત્રએ તેને ચાલુ રમતે જ સમજાવ્યું કે ચેસ કઈ રીતે રમાય.

ગુકેશને ચેસની રમતમાં એવો રસ પડયો કે તેણે તેના માતા પિતા સમક્ષ જીદ કરીને ચેસ બોર્ડ ખરીદ કર્યું.

ચેસની ચાલ વિશે જ તે દિવસ રાત વિચારતો. હરીફ ખેલાડી પણ પોતે જ બનીને પોતે ચેસ રમતો.તેની રમત પ્રત્યેની ઘેલછા જોઈને તેને નજીકની ક્લબમાં રમવા મોકલવામાં આવતો.ત્યાં તે બધા સિનિયરોનું આકર્ષણ બન્યો કેમ કે  વર્ષોથી ચેસ રમતા વયસ્કોને તે હરાવી દેતો. બધા દંગ થઈ જતાં.ક્લબના કોચે ગુકેશના પિતાને કહ્યું કે 'સાત વર્ષના બાળક પાસે ચેસની ચાલની એવી સમજ છે કે જાણે જન્મજાત ખેલાડી હોય' આમ  ગુકેશની તાલીમની શરૂઆત થઈ.

આના પરથી એવું સમજી શકાયકે કોઈપણ બાળક હોય તેને વયની રીતે આપણે મૂલવવી ન જોઈએ કે 'આ શોખ,રમત કે અભ્યાસ તો તેની અમુક વય થઈ જાય પછી જ અપનાવાય. '

બાળકને જુદા જુદા વાતાવરણ, સર્જનાત્મક પ્રવૃત્તિ, રમત, પુસ્તકો અને પ્રકૃત્તિની નજીક લાવો. જેટલો તેનો દુનિયાના વિષયો અને ક્ષેત્રો જોવાનો વ્યાપ વધુ તેટલા વિકલ્પો તેની સામે ખુલશે અને તેમાંથી તે તેને અપનાવી આગળ આવશે.

જો ગુકેશના માતા પિતા મિત્રને ઘેર ગયા ન હોત અને ત્યાં તેણે ચેસની રમત જોઈ જ ન હોત તો કદાચ ક્યારેય આપણને ગુકેશ મળ્યો જ ન હોત. ઉદાહરણ તરીકે માતા પિતા ઘરમાં ડોકટર, એન્જિનિયર કે નોકરી અંગેના જ વિકલ્પ બતાવે તો બાળક આ ત્રણમાંથી એકમાં જ આગળ આવવાનો પ્રયત્ન કરશે. વાલીઓની મર્યાદા સંતાનોની બની જતી હોય છે. વાલીઓ ફાજલ સમયમાં પરિવાર, સમાજ અને જ્ઞાતિની પંચાત કરીને રોજ ઘેર બેઠક બોલાવે તો સંતાન પણ તેમાં સામેલ થઈને અમૂલ્ય સમય બગાડશે એટલું જ નહીં આગળ જતા પણ બીજી કોઈ કારકિર્દી કે છુપાયેલી પ્રતિભા બહાર લાવવામાં રુચિ જ નહીં ધરાવે.

 બાળકોને લાઇબ્રેરી અને જુદી જુદી રમતોના કોચિંગ કેમ્પ ચાલતા હોય ત્યાં લઈ જાવ,વિજ્ઞાન પ્રવૃત્તિ સેન્ટરની અને પર્ફોર્મિંગ આર્ટસના સ્વરૂપો બતાવો, વાદ્ય અને કંઠય સંગીત, સારી ફિલ્મો, ચિત્ર, ફોટોગ્રાફી, ટેકનોલોજી, હુન્નરની દુનિયાની નજીક લઈ જાવ. બાળકમાં જન્મજાત જે ખેંચાણ હશે તેને તે અપનાવશે. તમે કહેશો કે તે સંતાન થાકી કેમ નથી જતું પણ સંતાનને મનગમતી શાખા મળી જાય પછી તેની ગ્રહણ શક્તિ અને ઉત્કટ ઘેલછા જોઈને તમે અચરજ પામશો. હા, પ્લાન 'બી' પણ ચોક્કસ હોવો જ જોઈએ કેમ કે હરીફાઈ અને પ્રતિભા એ હદની જોવા મળે છે કે સફળતા ન પણ મળે.

ગુકેશ તો સ્પર્ધાત્મક ચેસમાં એ હદે ખીલ્યો કે માત્ર ૧૨ વર્ષે,  સાત મહિના અને ૧૭ દિવસની વયે તે સેચનાનો જગતના ઈતિહાસનો ત્રીજા નંબરનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો.

ગુકેશને માટે દેશના સિનિયર ખેલાડીઓ અને કોચ કહેતા કે આ ૧૨ વર્ષનો છોકરો ભવિષ્યમાં નામના કાઢશે. ભારતના ચેસ લેજેન્ડ વિશ્વનાથન આનંદ જેઓમાં વિશ્વ સ્તરે આગળ વધવાની પ્રતિભા હોય તેવા બાળકોને તાલીમ આપવા માટેની વેસ્ટ બ્રિજ એકેડમી ધરાવે છે. ત્યા પણ ગુકેશને માર્ગદર્શન મળતું હતું. વિશ્વનાથન આનંદે પણ ગુકેશના પિતાને જણાવ્યું કે 'તમે ગુકેશને વધુને વધુ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાડો તેનું લેવલ ખૂબ ઊંચું છે.'

કેસ સ્ટડીનું તારણ બીજું. જો તમને જે તે ક્ષેત્રના ટોચના ધુરંધરો એમ કહે કે તમારા સંતાનમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઇ જવાની ક્ષમતા છે તો તમારે કઠિન નિર્ણય લેવો પડશે. કેમ કે ખેલાડી કે પ્રતિભાવાન સંતાન માત્ર પરિવાર કે શાળા કે પછી જ્ઞાતિના કાર્યક્રમોમાં વાહ વાહ મેળવે તે મહત્વનું નથી. તેણે વિશાળ દુનિયામાં તેનું સ્થાન બનાવવાનું છે.તેનો જે શોખ, હુન્નર કે રમતની પ્રતિભા છે તેને એક સ્પર્ધાત્મક અને વ્યવસાયી ફલકમાં રૂપાંતરિત કરવાનું છે. 

ઘણી બાળ પ્રતિભા નાના વર્તુળમાં જ તાળીઓ મેળવીને ગૌરવ અનુભવે છે  તેના શોખ અને પ્રતિભાને કારકિર્દી નથી બનાવતી અને યંત્રવત્ ડિગ્રી મેળવીને રોમાંચ વગરનું, ન ગમતું કરીને  જીવન જીવી નાંખે છે. પ્રતિભાને વ્યવસાયમાં પરિવર્તિત કરો તે મંત્ર મહત્વનો છે. જીવન 'વાહ', તાળીઓ, અને ઈર્શાદ - દુબારાની દાદથી નથી બનતું. 

જો સંતાનમાં ગુકેશ જેવી અસાધારણ પ્રતિભા દેખાય તો તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવો અતિ મહત્વનો હોય છે. માતા કે પિતા બે માંથી એકને પૂર્ણ સમય તે સંતાનના કોચિંગ, દેશ વિદેશના પ્રવાસમાં આપવો પડશે. આ માટે પ્રાયોજક કે ફંડની જરૂર રહેવાની અને આ એક જ કોઠો વાલીઓ માટે અભિમન્યુના એક સાથે આઠ કોઠા વીંધવા જેવો પડકાર હોય છે. જો આ તૈયારી ન હોય તો સંતાનને રાષ્ટ્રીય કે વિશ્વ સ્તરે નામના કાઢવાનું સ્વપ્ન જોતા જ નહીં. 

ગુકેશના પિતા રજનીકાંત કાન,નાક અને ગળાની બીમારીના ડોકટર છે અને તેમની માતા પદમા માઇક્રોબાયોલોજિસ્ટ તરીકે લેબમાં નોકરી કરે છે. ગુકેશ ૧૨ વર્ષની વયે જ જે સિધ્ધિ મેળવી તે સાથે જ કહ્યું કે 'મારે વર્લ્ડ ચેમ્પિયન બનવું છે! તે કમ્પ્યુટર પર દિગ્ગજ સિનિયર ચેસ ખેલાડીઓને પરાજય આપતો.'' ગુકેશ ૧૨ વર્ષનો હતો ત્યારે તેના પિતાએ તેની તબીબી પ્રેક્ટિસ બંધ કરવાનો નિર્ણય લીધો. તેણે વિચાર્યું કે 'ગુકેશ માટે પાંચ વર્ષ આપું.' ગુકેશના માતાએ સાથ આપતા તૈયારી બતાવી કે 'ઘરનું ગુજરાન ચલાવવા હું લેબમાં નોકરી જારી રાખીશ.'

વધુ એક કઠિન નિર્ણય એ લીધો કે ગુકેશ પૂર્ણ સમય ચેસની તાલીમ અને દેશ વિદેશની સ્પર્ધામાં ભાગ લઈને વિજય કૂચ આગળ ધપાવતા ચેસની આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ફિડે' દ્વારા ખેલાડીને વિજય પ્રમાણે જે રેટિંગ મળે તે સ્કોર વધારતો જાય.

આ માટે ગૂકેશને ચાર ધોરણ પછી અભ્યાસ આગળ ન કરાવવાનો નિર્ણય લીધો.

દેશ વિદેશ આખું વર્ષ પ્રવાસ કરવાના અને હોટેલમાં રહેવાના પૈસા તો ન જ હોય. આ માટે ડોકટર પિતાના મિત્રો, ચેસના કોચ,

 ફેડરેશન, વિશ્વનાથન આનંદને સંસ્થાએ થોડી થોડી રકમ આપી પણ વધુ રકમ માટે ઓનલાઈન 'ક્રાઉડ ફંડિંગ' અસરકારક પુરવાર થયું.

ગુકેશ જોડે સતત તેના પિતા, કોચ, તેની જોડે રમવા માટેના પાર્ટનર  છેલ્લા છ વર્ષથી પ્રવાસ કરે છે. સાવ સસ્તી ફલાઇટ અને તેવી જ હોટેલમાં રહીને તેઓએ ભોગ આપ્યો છે. 

માતા કે પિતા અથવા તો પરિવારની કોઈ વ્યક્તિ રોજ વહેલી સવારથી રાત્રિ સુધી પૂર્ણ સમય આ રીતે મહત્વના પાંચ છ વર્ષ  ફાળવે તો જ સંતાનની પ્રતિભા સ્પર્ધાત્મક ધોરણે વિશ્વસ્તરીય બને છે. ૧૮ વર્ષ પછી સંતાન તેની રીતે સંભાળી શકતું હોય છે. ફંડ ખૂબ જ નિર્ણાયક પરિબળ છે. આઇપીએલમાં  ખેલાડીઓને ટીમમાં ખરીદવા માટે પાંચથી પંદર કરોડ બગાસું ખાતા જ આપી દેતું કોર્પોરેટ જગત અન્ય રમતો કે ક્ષેત્રોની પ્રતિભાને  અભિનંદનના ઇન્સ્ટાગ્રામ કરીને છૂટી  જતી હોય છે. સહાયની શરૂઆત પણ સિધ્ધિ મેળવ્યા પછી થતી હોય છે પણ ખરી જરૂર વિજેતા બનાવવાની પ્રક્રિયાના પાંચ વર્ષ હોય છે. દેશની કેટલીયે પ્રતિભા આ કારણે મુરઝાઇ જતી હોય છે.

અને છેલ્લે એ પણ અનિવાર્ય કેળવણી છે કે દુનિયા તમારા આત્મવિશ્વાસને ડગમગાવવા ગમે તે કૉમેન્ટ કરે પણ તેનાથી સહેજ પણ વિચલિત નહીં થવાનું.

ગુકેશ તો માંડ ૧૭ વર્ષનો છે. તે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં વિશ્વના આઠ ચુનંદા ખેલાડીઓમાં પસંદ થયો ત્યારે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસેને જાહેર કામેન્ટ કરી કે 

'ગુકેશ આ દરજ્જાની ટુર્નામેન્ટ જીતી શકે તેવી કોઈ શક્યતા હું નથી જોઈ શકતો. મેં તેની રમત જોઈ છે તેમાં હજુ ઘણી ત્રુટિ દેખાય છે. હા, તે આ વયે આ ટુર્નામેન્ટ માટે કવોલીફાય થાય તેને માટે અભિનંદન પાઠવું છું.'

વિશ્વનાથન આનંદે સાંત્વના આપતા એવી કૉમેન્ટ કરી કે 'કેટલાક વર્ષો કેન્ડીડેટ્સ રમવાનો અનુભવ મળે તે પછી જ આવી ટુર્નામેન્ટ જીતી શકાય.આથી ગુકેશ ન જીતી શકે તો તેણે નિરાશ થવાની જરૂર નથી.'

આ વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓ આવું એટલા માટે કહેતા હતા કોઈએ કેન્ડીડેટ્સ ચેસમાં ભાગ આ વયે ભાગ લઈને પહેલાં જ પ્રયત્નમાં વિજય નહોતો મેળવ્યો.

ગુકેશ ચેમ્પિયન બન્યો  તે પછી તેને પૂછવામાં આવ્યું હતું કે 'કાર્લસેન જેવા ખેલાડીની નકારાત્મક કૉમેન્ટની તારા પર કેવી અસર પડેલી?'

ત્યારે ૧૭ વર્ષના આ છોકરાનો જવાબ જુઓ. તેણે કહ્યું કે 'હું જરા પણ વિચલિત નહોતો થયો કેમ કે તે તો તેનો મારા માટેનો અંગત અભિપ્રાય હતો .તે મારી પાસે જે અડગ મનોબળ અને મસ્તિષ્કમાં છુપાયેલું છે તે ક્યાંથી જોઈ શકે. તેમણે કલ્પી ન હોય તેવી મારી  ચાલ (ચેસની રમતના મુવ્સ) અંગે તો કાલસેને જાણતા જ નહોતા. તેમની મર્યાદિત દ્રષ્ટિથી મારી પ્રતિભાને તેઓ પૂર્ણ સ્વરૂપે પારખી જ નથી શક્યા.'

સંતાન આવા આત્મવિશ્વાસ ધરાવતું હોવું જોઈએ.આ માટેની કેળવણી પણ જરૂરી છે.

તેવી જ રીતે ગુકેશ ચેમ્પિયન બનવા તેની એક પછી એક જીત કે ડ્રોને લીધે ેપ્રેરિત નહોતો થયો પણ તે પ્રથમ સાત રાઉન્ડમાં એક રાઉન્ડ ફ્રાન્સના નંબર વન અલીરેઝા સામે હાર્યો અને બમણા જુસ્સા સાથે બાકીના સાત રાઉન્ડ રમ્યો.

ગુકેશની માતાએ પણ તે હારી ગયો પછી આશ્વાસન આપ્યું હતું કે 'એક રીતે તો સારું થયું કે પ્રથમ સાત રાઉન્ડમાં તું એક વખત હાર્યો.. આ હાર અંતિમ નિર્ણાયક તબક્કામાં થઈ હોત તો તું ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હોત.' ગુકેશ એકાદ વખત હારે તો વધુ તાકાત અને જુસ્સા સાથે રમે છે જ્યારે બીજા ખેલાડી આત્મવિશ્વાસ ગુમાવી દેતા હોય છે.

જુદા જુદા ક્ષેત્રોની સફળ વ્યક્તિઓની પ્રસંશા  કરવાની સાથે તેઓ કેમ સફળ છે તેનું ડીકોડિંગ કરો. ઈર્ષા કરનારને તો ખાસ સફળ વ્યક્તિઓના રોડ મેપ પર નજર નાંખવાની જરૂર છે.

Gujarat