For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મનુષ્યની જેમ પ્રાણીઓને પણ અકળાવતી કાળઝાળ ગરમી

Updated: Apr 28th, 2024

મનુષ્યની જેમ પ્રાણીઓને પણ અકળાવતી કાળઝાળ ગરમી

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બે હજાર જેટલા પશુ-પક્ષીઓ હાલ આ અસહ્ય ગરમીમાં સેકાઇ રહ્યા છે. તેની અસર તેમના ખોરાક પર પડી છે. 

આ વર્ષની પ્રખર ગરમીએ છેલ્લા ત્રણ દાયકાનો  રેકોર્ડ તોડી નાખ્યો છે. છેક ૧૯૯૦માં આવો તાપ મુંબઈવાસીઓએ સહ્યો હતો. અસહ્ય ગરમીને લીધે મનુષ્ય સાથે અબોલ પશુઓ પણ ડિહાઈડ્રેશન અને ડાયરિયાના શિકાર બની રહ્યાં છે.

મુંબઈની પરેલ ખાતાની  હોસ્પિટલના મુખ્ય પ્રવક્તાએ  જણાવ્યું હતું કે માનવી તો ગમે તે રીતે ભઠ્ઠી જેવી ગરમીથી પોતાનું રક્ષણ કરી લે છે, પણ મુંગા પશુ-પક્ષીઓની હાલત કફોડી થાય છે. આ વર્ષે પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે ઉડતા પક્ષીઓ ચક્કર ખાઈને જમીન પર પટકાઈ રહ્યાં છે. તાપમાનનો પારો જેમ જેમ ઊંચે ચડતો જાય છે, તેમ તેમ પેટીટ હોસ્પિટલમાં દાખલ થનારા અબોલ દરદીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. એપ્રિલ   મહિનાના અંત સુધીમાં જ અહીં ૫૦ શ્વાન, ૬૦ કબૂતર, ૨૨ બિલાડી, છ પોપટ, ત્રણ ઘુવડ, બે કોયલ, મેના અને કાગડા દાખલ થઈ ચૂક્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં વૃક્ષોની સંખ્યા નજીવી થઈ ગઈ છે. કોંક્રિટ વન વિસ્તરી રહ્યું છે. આવી સ્થિતિમાં પક્ષીઓને માળો બાંધવા જગ્યા નથી મળતી. છાંયડો મેળવવાની આશામાં અહીંથી ત્યાં ઉડતા પક્ષીઓ પ્રખર તાપને કારણે ચક્કર ખાઈને નીચે પટકાય છે, કારણ કે તેમના શરીરમાં પાણીનો અભાવ સર્જાય છે. આજના મુંબઈગરાને એમ પણ નથી સૂઝતું કે ભઠ્ઠીની જેમ તપતા વાતાવરણમાં જો તેમને ગળે વારંવાર શોષ પડતો હોય તો મુંગા પશુઓનું શું થાય? જો તેઓ પોતાના ઘરની બારીની બહાર કે અગાશી પર, સડકના કિનારે પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની સગવડ રાખે તો આ મુંગા જીવો હીટ સ્ટ્રોકનો ભોગ બનતાં અટકે.

એક તરફ ભાયખલા પ્રાણી સંગ્રહાલયનું સુશોભિકરણ થઇ રહ્યું છે ત્યારે બીજીબાજુ તેનાં પ્રાણીઓ અને પક્ષીઓને ઉનાળાની બળબળતી ગરમીથી બચાવવા  જુદી જુદી વ્યવસ્થા થઇ રહી છે. અધિકારીઓના કહેવા મુજબ હાલ પ્રાણી સંગ્રહાલયમાં કુલ ૪૩૧ જેટલાં પ્રાણીઓ અને પંખીઓ છે જેમાં  સસ્તન પ્રાણીઓની ૧૪ પ્રજાતિઓનાં ૧૩૩ પ્રાણીઓનો તથા પેટે સરકતાં પ્રાણીઓનો સમાવેશ થાય છે.

પ્રાણી-પક્ષીઓના એક ડોક્ટરે જણાવ્યું હતું કે આવતા દિવસોમાં ઉનાળાની ગરમી વધશે ત્યારે અમે પ્રાણીઓને આઇસ કેક આપીશું. ગોળ અને પાણી ભેળવીને તેને જુદાં જુદાં ફળ સાથે બરફમાં થીજાવી દેવાશે.આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે પ્રાણીઓને આ આઇસ કેક આપવામાં આવશે.વિવિધ પ્રાણીઓ તે આઇસ કેકમાંથી ફળો કાઢીને તેનો ઠંડો ઠંડો કૂલ કૂલ સ્વાદ માણી શકશે.

શેરીના શ્વાન તો પ્રખર તાપને કારણે બીમાર પડે તે સમજી શકાય એવી વાત છે, પણ પાળેલા કૂતરાં આ વર્ષે વધુ બીમાર પડયાં છે. આનું કારણ એ  છે કે સામાન્ય રીતે ગરમીના દિવસોમાં પાળેલાં શ્વાનને એરકંડિશનની ઠંડકમાં રાખવામાં આવે છે. જેમના ઘરમાં એરકંડિશન ન હોય તેઓ આખો દિવસ કૂતરાંને પંખાની હવા દ્વારા ગરમીથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. ખરી મોંકાણ અહીં જ સર્જાય છે. તેમને જ્યારે વાતાનુકૂલિત વાતાવરણમાંથી બહાર ફરવા કે પછી કુદરતી હાજતે લઈ જવામાં આવે ત્યારે તેમના શરીર પર અચાનક બદલાઈ ગયેલા ઉષ્ણતામાનની ભારે માઠી અસર થાય છે. તેઓ હીટ સ્ટ્રોકનો ભોગ બને છે. બહેતર છે કે પાળેલાં શ્વાન કે બિલાડીને બહાર લઈ જવાથી પહેલા થોડીવાર માટે તેમને પંખા અને એરકંડિશન વિના રાખવામાં આવે. તેઓ થોડીવાર માટે રૂમ ટેમ્પરેચરમાં રહે ત્યાર બાદ તેમને બહારની ગરમીમાં લઈ જવામાં આવે તો તેઓ આ ગરમી ખમી શકવા વત્તાઓછા અંશે તૈયાર થઈ જાય છે. જોકે શક્યત: તેમને તડકામાં બહાર લઈ જવાને બદલે વહેલી સવારે અથવા મોડી સાંજે જ ફરવા લઈ જવાનું સલાહભર્યું છે એમ વેટરનરીઓ જણાવે છે.

પશુઓના તબીબો વધુમાં જણાવે છે કે પ્રાણીઓને પરસેવો નથી થતો પરિણામે તેમને એસીડીટી થઈ જાય છે. છેવટે તેઓ ઝાડા-ઉલટી કરે છે. ઘોડાં, ગાય-ભેંસ જેવાં પશુઓને ત્વચાની બીમારી લાગુ પડે છે. તેમના શરીર પરથી વાળ ખરવા લાગે છે. એટલું જ નહીં, આ પ્રાણીઓને નાકમાંથી લોહી પણ વહે છે. ગરમીમાં તેઓ એટલા અકળાઈ ઊઠે છે કે શરીર પર આવતી ખંજવાળ માટે તેઓ પોતાને ગમે તે જગ્યા સાથે ઘસવા લાગે છે.

ઘણીવાર પાળેલાં પ્રાણીઓના માલિકો તેમની બોડી લેંગ્વેજ પરથી સમજી શકતા નથી કે તેઓ ગરમીને કારણે અકળાઈ રહ્યાં છે કે બીમાર પડી રહ્યાં છે. તેથી જો તમારાં પાળેલા શ્વાન કે બિલાડી ખાવા-પીવાનું ઓછું કરી નાખે, એક ખૂણામાં ચૂપચાપ પડયા રહે કે વારંવાર ઘુરકીયાં કરે તો સમજી જવું કે તેઓ ગરમીને કારણે અકળામણ અનુભવી રહ્યાં છે, અથવા તેને લગતી બીમારીનો ભોગ બન્યાં છે. વાસ્તવમાં ગરમીના દિવસોમાં તેમને વ્યાયામની જરૂર હોય છે. પાળેલાં પ્રાણીઓને બહાર લઈ જતી વખતે તેમને ભરપૂર પાણી અને છાંયડો મળી રહે તેની કાળજી રાખવી આવશ્યક છે. ગ્રીષ્મ ઋતુમાં તેમને મેળા જેવી ભીડભાડવાળી જગ્યાએ કે ધ્વનિપ્રદૂષિત સ્થળે લઈ જવાનું ટાળો. ધ્વનિ, ભીડ અને ગરમીને લીધે થતી અકળામણનો ત્રિવેણી સંગમ તેમને માટે જોખમી પુરવાર થઈ શકે.

છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં ગરમીનો પારો ૪૨ ડીગ્રીને પાર કરી ચૂક્યો છે જેના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીને લીધે પક્ષીઓ ય ડિહાઇડ્રેશનો ભોગ બન્યાં છે.

વિશાળ કદના ઝાડ પર આશ્રય લેતાં વડવાગોળ કાળઝાળ ગરમીને સહન કરી શકતાં નથી. ૪૦ ડીગ્રીથી વધુ ગરમી હોય ત્યારે વડવાગોળ ટપોટપ ઝાડ પરથી પટકાવવા માંડે છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ, શાહીબાગ કેન્ટોન્ટમેન્ટ, સુંદરવન અને દૂધેશ્વર પાણીની ટાંકી પાસે ઘટાદાર વૃક્ષોમાં વડવાગોળની સંખ્યા વધુ છે. અંદાજે આખાય અમદાવાદમાં વડવાગોળની સંખ્યા બે હજાર જેટલી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ અને વન વિભાગે સંયુક્તપણે ગુજરાત કોલેજમાં ઝાડ પર પાણીનો છંટકાવ કરીને વડવાગોળને બચાવવા કામગીરી કરી હતી.

અત્યારે રોજ અંદાજે ૭૦ પક્ષીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યાં છે. પોપટ, સમડી, ગીધ, કાગડાં, કબૂતર સહિતના પક્ષીઓ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તે માટે ઠેર ઠેર ઓઆરએસયુક્ત પાણી ભરેલાં કુંડા મૂકવામાં આવી રહ્યા છે. લોકોને પણ ઓઆરએસયુક્ત પાણી ભરેલા કુંડા મૂકવા અપીલ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં ઉનાળાની સિઝનમાં અંદાજે ત્રણેક હજાર પક્ષીઓ સનસ્ટ્રોકનો ભોગ બને છે. જીવદયાપ્રેમીઓ આવાં પક્ષીઓને હોસ્પિટલ સુધી પહોંચાડીને માનવતાભર્યું કામ કરી રહ્યાં છે. આ જ કારણોસર જીવદયાપ્રેમીઓ ઉનાળામાં ઘરની આસપાસ પાણીના કુંડા મૂકવા લોકોને અપીલ કરી રહ્યાં છે. કુંડાઓનું વિતરણ પણ કરી રહ્યાં છે.

ઉનાળાની ગરમીમાં પક્ષીઓ પીવાના પાણી શોધવા ભટકવું પડે છે. ખાસ કરીને માળામાં બચ્ચાં હોય ત્યારે પક્ષી આમથી તેમ ભટકે છે. પાણીની શોધમાં ભટકતું કાળઝાળ ગરમીમાં સનસ્ટ્રોકનો શિકાર બને છે. ડીહાઇડ્રેશનને લીધે પક્ષી અચાનક જમીન પર પટકાય છે 

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બે હજાર જેટલા પશુ-પક્ષીઓ હાલ આ અસહ્ય ગરમીમાં સેકાઇ રહ્યા છે. તેની અસર તેમના ખોરાક પર પડી છે. હાલ માંસહારી અને શાકાહારી પ્રાણીઓનો ખોરાક લગભગ અડધો થઇ ગયો છે. પ્રાણી સંગ્રહાલયમાં ગરમીની ઘાતક અસરો પ્રાણીઓના સ્વાસ્થને અસર ન કરે તે માટે હાલ ઝૂમાં વિવિધ અખતરાઓ થકી ૮ ડિગ્રી સુધીનું તાપમાન ઘટાડવાના ભરચક પ્રયાસો થઇ રહ્યા છે.

કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં  સિંહ, વાઘ, દિપડા, રીંછ,  ઝરખ,  હિપ્પોપોટેમસ, શિયાળ, હાથી સહિતના કુલ ૨ હજાર જેટલા પશુ - પક્ષીઓ ઉનાળાની અસહ્ય ગરમીનો પ્રાણ ઘાતક મારો વેઠી રહ્યા છે. લૂ થી તેઓને બચાવવા માટે પાણીમાં ઇલેક્ટેલ પાઉડર અને ગ્લુકોઝ 

નાંખીને પાણી પીવડાવાય રહ્યું છે. હાથી, હરણ અને હિપ્પોપોટેમસના પાંજરાઓમાં પાણીનો સતત મારો ચલાવીને કાદવ-કિચડ કરી દેવાયું છે. જેના કારણે જમીનમાંથી ઠંડક પ્રસરે અને પ્રાણીઓને રાહત અનુભવાય.

૪૩ ડિગ્રી સુધીની ગરમીની આડઅસરોથી તેમને રાહત અપાવવામાં માટે અધિકારીઓ દ્વારા  વિવિધ નુસખાઓ અજમાવવામાં આવી રહ્યા છે.પિંજરા પર ગ્રીન નેટ લગાવીને સાત ડિગ્રી સુધીનું તાપમાન ઘટાડાઇ રહ્યું છે. પાંજરા પાસે ખસની ટૂકડી મૂકીને પાણી છાંટવામાં આવી રહ્યું છે.  જેથી કરીને પાંજરાઓમાં ખૂશ્બુદાર ઠંડી હવા આવે છે. ૨૫ જેટલા એરકુલરો મૂકીને ઠંડક પ્રસરાવવામાં આવી રહી છે.

સિંહ ,વાઘ, દિપડાના પાંજરા પાસે કાઇક્રો ફોગીંગ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. જેમાં બટન દબાવવાથી પાણીનો  છંટકાવ હવામાં ભળતાં જ હવા ઠંડી થઇ જાય છે. આ ઉપરાંત અર્થ ટયુબ હિટ એક્સચેન્જ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં જમીનમાં ત્રણ મીટર ઉંડે તેમજ ૪૦ મીટર પહોંળી પાઇપલાઇન ગોઠવવામાં આવે છે. જેેેમાં પાઇપના બંન્ને છેડેથી હવા અંદર બહાર કરાતા જ આઠ થી દશ ડિગ્રી સુધીના તાપમાનમાં ઘટાડો થઇ જાય છે. ચારેય બાજુ વૃક્ષોમાં પાણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

 પ્રાણી સંગ્રહાલયના વાઘ, સિંહ રોજનું ૧૫ કિલો માંસ ખાતા હોય છે. તેને બદલે હાલ અસહ્ય ગરમી વચ્ચે તેમનો ખોરાક અડધો થઇ ગયો છે. તે હાલ માંડ ૮ કિલો માંસ ખાઇ શકે છે. જ્યારે મગર અને કાચબાનો ખોરાક ગરમીના દિવસોમાં વધી જાય છે. જ્યારે સરીસૃપ જીવો અઠવાડીયામાં એક વાર ખાય છે.વાંદરા અને પક્ષીઓનો ખોરક પણ ઘટી ગયો છે તેમને લૂ ન લાગે તે માટે કેરીઓ અને તડબૂચનો ખોરાક તેઓને આપવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં   મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ખાતે ઝૂમાં પ્રાણીઓને  ખાસ તો    રિંછ અને વાનરો માટે ખાસ પ્રકારની ફ્રૂટ ગુલ્ફી તૈયાર કરવામાં આવી છે. તો કુદરતી વાતાનુકૂલિત હવામાન સર્જવા વાઘ માટે ખાસ પ્રકારના લાકડાના મંડપ નાખવામાં આવ્યા છે.

નાનકડા ડ્રમમાં વિવિધ ફળના ટુકડા સાથે બરફ નાંખીને શાકાહારી એવા વાનર અને રિંછ માટે વાનગી બનાવતા આ પ્રાણી તેને આગવી ઢબે ચાટીને તેનો સ્વાદ લે છે.

ઉપરાંત હરણ સિવાયના તમામ વન્ય પ્રાણીઓને હવે વધારાની મલ્ટી વિટામીન્સ અને કેલ્સિયમની ગોળી આપવાનું તેમજ ડિહાઈડ્રેશન ડાયેરિયા જેવા રોગ ન થાય તે માટે ઈલેકટ્રોલેટ પાવડર ઓઆરએસ આપવાનું શરૂ કરાયું છે. 

બીજી તરફ આ વર્ષની ગરમી જોતાં મુંબઈનું પોલીસ ખાતું સમયસર ચેતી ગયું છે. આ શ્વાનો માટે વિદેશથી 'ણ-૯' નામના ખાસ કુલીંગ જેકેટ મગાવવામાં આવ્યા છે. આ જેકેટને માત્ર ૧૦ મિનિટ માટે પાણીમાં ડૂબાડી રાખવામાં આવે તોય તે આઠેક કલાક સુધી ટાઢક આપે છે. એક પોલીસ અધિકારી  જણાવે છે કે આ વર્ષની અસહ્ય ગરમીમાં આ જેકેટ અમારા શ્વાનોના શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખવામાં સહાયક પુરવાર થઈ રહ્યાં છે. પરિણામે તેઓ પોતાનું કામ સારી રીતે કરી રહ્યાં છે. તેમને માટે માત્ર ખાસ પ્રકારના જેકેટ જ આયાત કરવામાં નથી આવ્યાં, પણ ખાસ પ્રકારની પાણીની બોટલ પણ આયાત કરવામાં આવી છે.

પાળેલાં પ્રાણીઓ, પોલીસના શ્વાનો અને રખડતાં પશુઓ ઉપરાંત 'ઝુ'ના પ્રાણીઓને પણ ગરમી સતાવી રહી છે. તેથી જ ભાયખલાની ઝુ ઓથોરિટી અહીંના પશુ-પક્ષીઓને અસહ્ય ગરમીથી બચાવવાના બનતા પ્રયત્નો કરી રહી છે. મોટા ભાગે પ્રાણીઓને વૃક્ષોના છાંયડામાં રાખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ માટે પાણીના પૂલ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ ગરમી સહન ન કરી શકે ત્યારે પૂલના પાણીમાં ડૂબકી મારી શકે. ખાસ કરીને હાથી, રિનોસરોસ, હિપોપોટેમસ જેવા પ્રાણીઓ ગરમી અસહ્ય બને ત્યારે પૂલમાં ચાલ્યા જાય છે.

અસહ્ય ગરમીમાં મનુષ્ય તો ગમે તે રીતે પોતાની સારસંભાળ લઈ લે, પણ અબોલ પશુ-પક્ષીઓની કાળજી કોણ કરે. અલબત્ત, માનવતાને નાતે આપણે  તેમને માટે ઠેર ઠેર પાણી ભરી રાખવાનું, તેમને પૂરતો છાંયડો પૂરો પાડવાનું કે પછી તેઓ હીટ સ્ટ્રોકનો ભોગ બને ત્યારે તેમને પશુઓની હોસ્પિટલમાં કે વેટરનરી પાસે લઈ જવા જેટલું કામ તો કરી જ શકીએ.

Gujarat