For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્રીષ્મ ઋતુએ શણગારેલા વૃક્ષો... .

Updated: Apr 27th, 2024

ગ્રીષ્મ ઋતુએ શણગારેલા વૃક્ષો...                         .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- લીમડા અને આસોપાલવ સ્પર્ધામાં છે. બંનેની કાયા ઉપ૨ મંજરીની ઝાંઝરી રણઝણે છે - ઉભય વૃક્ષો ઉ૫૨ સોળ વર્ષની કન્યાના કોડ જેવો ઘાટ રચાય છે...

તમે વ્હેલી સવારે ગ્રીષ્મના ચહેરાની પ્રસન્નતાનાં કારણો જાણવા કોશિશ કરી છે ? વ્હેલી સવારે આકાશ ચીરીને ધીરે-ધીરે બહાર આવતો એ લાલઘુમ્મ ચાંદલો શું છે ? એ કૃદ્ધ સૂર્ય નથી, ધરતીના સૌભાગ્યની હંમેશ પ્રતીતિ કરાવતો એ ગત્યાત્મક ચાંલ્લો છે, એ ચાંલ્લામાંથી તેજનાં ઝરણાં ફૂટે છે - એ તેજના પ્રતાપને આપણે તડકો કહીને એની અભીપ્સાને સમજવામાં ઊણા ઊતરીએ છીએ. એ ગત્યાત્મક ચાંલ્લો પૂર્વથી પશ્ચિમ તરફ જે પ્રભાવ ઢોળે છે એમાંથી તો ધરાની સમૃદ્ધિનો પરિચય પામી શકાય. એ તેજ-મઢયો ચાંલ્લો પૃથ્વીના પ્રત્યેક પદાર્ર્થ સાથે આશ્લેષ રચે છે. પૃથ્વીના દેહ ઉપર પ્રેમની પરાકાષ્ઠાનાં અઢળક આલિંગનો... વૃક્ષ, ડાળ, વેલી, ધૂળ, ઘર અને પાન બધા જ પદાર્થો એ તેજલ સ્નેહથી વીંટળાય છે, સસ્મિત એને સમર્પિત થઈ જાય છે, ક્યારેક ક્ષોભિત થઈ જાય છે. અન્ય જીવો એનો વધારે પડતો પ્રેમ જોઈને લજ્જિત બની જાય છે એનાથી દૂર જાય છે... આપણે કહીએ છીએ છાંયે જાય છે. મૂળમાં તો સ્નેહના અતિરેકની શરમ છે. 

અતિન આનંદનો ઉદ્ગાર શીમળા અને ગરમાળા દ્વારા આપણી આંખોને સંભળાવે છે. શીમળો રાતાંચટ્ટાક પુષ્પો લઈને સ્નેહનું સ્વાગત કરે છે. શીમળાના દેહ ઉપર કોણે કંકુ છાંટણાં કર્યાં ? પેલો સવારનો રાતોચટ્ટાક સૂર્ય રંગ બદલીને પ્રખર થાય છે ત્યારે પણ શીમળો તો અવનિની પ્રસન્નતાનો પર્યાય બનીને એના પ્રેમનો આદર કરે છે. ગરમાળાને અંગેઅંગ સોનેરી પીળચટ્ટા રંગનાં ઝૂમ્મરિયાં તોરણ માફક લટકે  છે... એ તોરણ પણ આવકારનું પ્રતીક છે... ધરતી નિયતિના પ્રેમનો કેવો આદર કરી રહી છે... એને વધાવવા પ્રસન્નતાનો પરિવેશ રચાય છે. એ ધરતી ફળવતી બનવા કોડભરી કન્યા થઈ જાય છે ! એક તરફ સૂરજનું તેજ, બરાબર એની સ્પર્ધામાં શીમળા અને ગ૨માળાનું સૌંદર્ય ! કોણ ચઢે પ્રશ્ન થાય કોણ કોના થકી ? સૂર્ય વધુ પ્રકાશમાન થઈને અવનીની આભા નીરખવા ઉત્સુક છે કે સૂર્યનો સ્નેહ પામવા અવનીએ શણગાર સજ્યા છે 

શીમળાની છાતીમાં રાતાં ફૂલો ફૂટે છે... ધારીને જોઈએ તો શીમળો ઉત્સુક યૌવના લાગે ! શીમળો ચાંલ્લાના અજવાળાને કંકુથી વધારે છે - એ પુષ્પોની ભાષા પેલો સૂરજ તો સમજતો જ હશે... નહિ તો શીમળો આટલો ઉત્સુક થાય ખરો ? શીમળો અને ગરમાળો ધરતીની રિદ્ધિના પદાર્થો છે. ખજાનો છે દ્રશ્યોનો... ગંધનો... મૌનનો... એ પ્રાકૃતિક સ્નેહની મૌન છાલક આપણને પણ ભીંજવ્યા વગર રહેતી નથી. ધ્યાનથી જોઈએ - સાંભળીએ સૂંઘીએ તો એમાંથી નીકળતી ઊર્મિલ મંત્રવાણીના સ્વરોથી તરબતર અવશ્ય થઈ જવાય. 

મોગરાની કાયા ઉપર અબીલ છંટાય છે કે શું ? અવનિના આનંદની એ અબીલ છાંટણાંથી મંગલ પ્રતીતિ થાય છે. ધરતીનો આનંદ ધવલપુષ્પથી મોગરો ઉદ્ધાટિત કરે છે. એ આનંદની સાત્ત્વિકતા વેરે છે કે સ્નેહની સાત્ત્વિકતા છાંટે છે ? અવનિએ એના છૂપા અપ્રગટ પ્રેમની પૂજાનો પાઠ રચ્યો છે. વનસ્પતિ માધ્યમ બની છે... ગરમાળાનાં તોરણ બંધાય, શીમળાની શાખાએ કંકુ વેરાય અને મોગરો ખોબલે-ખોબલે અબીલ ઢોળે.

લીમડા અને આસોપાલવ સ્પર્ધામાં છે. બંનેની કાયા ઉપ૨ મંજરીની ઝાંઝરી રણઝણે છે - ઉભય વૃક્ષો ઉ૫૨ સોળ વર્ષની કન્યાના કોડ જેવો ઘાટ રચાય છે... એ ધવલ દીવડે કંઈક ગોતવા નીકળી પડયાં છે કે શું ? આમ્રવૃક્ષને રોમ-રોમ ઓરતા ફૂટે છે એ મરવાનું રૂપ લઈ જીવન પામે છે... ગંઠાય છે ઓરતા, ગૂંથાય છે. ઓરતા પેલા તેજલ ચાંલ્લાની સાક્ષીએ વિકસે છે ઓરતા. અને વખત આવે એ ઓરતા જ મધુર બની જાય છે... આ મધુ૨૫ કોની ? અવનિની કે સૂર્યના સ્નેહની ?

શિરીષ પણ રેશમના ઝીણા-ઝીણા તારની કટોરીઓ લઈને ઊભો છે. પેલા સૂરજના સ્નેહને, અવિન ગટગટાવે છે એ કટોરીઓ દ્વારા. શિરીષનાં પુષ્પોની કપૂર જેવી ઝીણી ગંધ અવનિના રૃંવે-રૃંવે પ્રગટે છે.

- આવાં અનેક વૃક્ષો અવનિના આનંદની વધાઈ ખાય છે. એ આનંદમાં ઉમેરણ કરતી બોરસલ્લી, મધુમાલતી અને સોનચંપાની વેલીઓ પણ મંદ-મંદ સૂરે લગ્નગાણાંની હલકે પોતાની કાયાને તાલબદ્ધ ડોલાવે છે... પેલો પ્રખર સૂરજ - ચાંલ્લો સંધ્યાટાણે અવનિનો પ્રતિભાવ પ્રતીત કરીને શીતળ બનવા માડે છે... પુષ્પોનું મધ ગટ-ગટ પીવા નીકળી પડેલા ભમરા સૌંદર્ય પાછળ છુપાવા માંડે છે ગુંજન ધીમું પડે છે પછી તેજલ ચાંલ્લાની પ્રખરતાની તુલનામાં એમ જ ધીરે-ધીરે શીતળતાની ચાદરો પથરાય છે. એ ચાદરમાં આદરપૂર્વક આળોટવાનું અવશ્ય મન થાય છે - અવનિની કાયા ઉપર - શીતળતાનો લેપ થાય છે કે તડકાનું ચાંદનીમાં રૂપાંતર થાય છે? 

આમ ગ્રીષ્મલ દિવસોની ડાળ પર નાદ-શ્રવણ, દ્રશ્ય-દર્શન, રસ-ગંધની માદકતા મ્હોરે છે. એ માદકતા જ ધરતીના સૌભાગ્યની સમૃદ્ધિ છે.

Gujarat