For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુસ્સા પર કાબૂ મેળવવા માટે ઉપયોગી પાંચ બાબતો

Updated: Dec 23rd, 2023

ગુસ્સા પર કાબૂ મેળવવા માટે ઉપયોગી પાંચ બાબતો

એક જ દે ચિનગારી-શશિન્

ક્રોધી બનવા માટે તાલીમશાળાની જરૂર નથી. ક્રોધનું કારખાનું માણસની અંદર જ છે. માણસ આત્મસંયમી બને તો જ આત્મવિજયી બની શકે

એ ક માણસ એક ધર્મગુરૂ પાસે જઇને પોતાની મનોવ્યથા રજૂ કરવા ઇચ્છે છે. પણ ચોકીદાર તેને રોકતાં કહે છે, ગુરૂ ધ્યાનસ્થ છે એટલે તમારે ખાસ્સી રાહ જોવી પડશે.

'મને રોકનાર તું કોણ ? ખબર છે હું એટલો ધનિક છું કે ભલભલા મારી કદમબોસી કરે છે, ચલ, હટ, મને જવા દે.' 

ચોકીદારે પોતાની અસમર્થતા દર્શાવી એટલે પેલા આગંતુકે એને બે તમાચા ચોડી, હડસેલી સીધો ગુરૂ પાસે પહોંચી ગયો. ગુરૂ ધ્યાનસ્થ હતા. પેલા આગંતુકે એમને હલાવી ધ્યાન ભ્રષ્ટ કર્યા. ગુરૂ શાણા એન સંયમી હતા. એમણે કહ્યું : 'ભાઈ, તું મને ક્રોધ કેમ અને છે, એ જાણવા મારી પાસે આવ્યો છે ને !'

'આપને મારા આગમનના ઇરાદાની કેવી રીતે ખબર પડી ? આપ જ્યોતિષી પણ છો ?'

'ના, મનપારખું છું. માણસનો ચહેરો એ તેના આચાર-વિચારની અનુક્રમણિકા છે. તારા ચહેરાની લિપિ કહે છે કે તું અત્યંત ક્ષુબ્ધ છું. ક્રોધગ્રસ્ત અને છતાંય ક્રોધ રોકવાનો ઉપાય જાણવા આવ્યો છે. એટલે શાન્ત થા. પોતાની ફરજ બજાવતા નિર્દોષ ચોકીઆતની સાથે તેં મારઝૂડ કરી તેની માફી માગ' 

'આપને ખબર છે કે હું કેટલો ધનાઢ્ય છું. માફી તો નાના માણસ માગે મોટા નહીં.' 

'સારું, હું તારા માટે શરબત મંગાવું છું. જરા ઠંડો થા પછી આપણે વાતો કરીશું.' થોડીવારમાં શરબત આવ્યું. તે માણસનો ક્રોધને કારણે કંઠ સુકાતો હતો. શરબત ગટગટાવી ગયો. ગુરૂએ કહ્યું : 'આજે ઘેર જઇ શાન્ત ચિત્તે આરામ કર. હું બોલાવું ત્યારે આવજે.' પેલો માણસ ધૂઆં-પૂઆં થતો ચાલ્યો ગયો.

દરેક માણસ ક્રોધનાં દુષ્પરિણામો જાણવા છતાં આત્મસંયમને અભાવે મનના આવેગોનો શિકાર બને છે. કામ, ક્રોધ અને લોભને નર્કનાં દ્વાર ગણવામાં આવ્યાં છે. જેઓ મનમાં ઉભરાતા ક્રોધને પોતાની સૂઝ અને સમજણ દ્વારા રોકી શકે છે એ ધન્યવાદને પાત્ર છે. સળગતા અગ્નિને ઠારવાનું કામ પાણી કરે છે તેમ ક્રોધને ઠારવાનું કામ માણસની સાત્વિક બુધ્ધિ કરે છે. ક્રોધી મનુષ્ય એટલે અવિચારી મનુષ્ય. એ પત્નીને અપમાનિત કરી શકે છે, વડીલોને અપમાનિત કરે છે. ગુરૂજનો પર આક્રમણ કરી શકે છે અને કઠોર વચનો દ્વારા સજ્જનોને પણ પોતાના ક્રોધનો શિકાર બનાવી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે મહાભારત રોકવાનો સંદેશો લઇ સંધીકાર તરીકે ગયા હતા પરંતુ અહંકારી અને ક્રોધી દુર્યોધને કૃષ્ણને કેદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું વિરાટ રૂપ દેખાડી તેની બોલતી બંધ કરી દીધી હતી. વેરવૃત્તિ વગરનો ક્રોધ એ શ્રેષ્ઠ વ્યક્તિત્વની પારાશીશી છે. ક્રોધ એટલા માટે ખરાબ છે કે તે માણસને વિવેકભ્રષ્ટ બનાવે છે. શું કરવું અને શું ન કરવું, શું બોલાય અને શું ન બોલાય તેનું તેને ભાન રહેતું નથી. પ્રબોધ ચંદ્રોદયમાં શ્રીકૃષ્ણ મિશ્રએ ક્રોધને સ્વમુખે પોતાની મર્યાદા દર્શાવતા શબ્દો ટાંક્યા છે : 'હું ક્રોધ ભુવને અંધ બનાવી દઉં છું. બહેરૃં કરી દઉં છું. ધૈર્યવાન અને સચેતનને પણ અચેતન બનાવી દઉં છું જેથી મનુષ્ય પોતાનું કર્તવ્ય વિચારી શક્તો નથી, હિતથી વાત સાંભળતો નથી. બુધ્ધિશાળી હોવા છતાં પોતે પ્રાપ્ત કરેલી વિદ્યાનું પણ સ્મરણ રાખી શક્તો નથી.

કોપાવિષ્ટ માણસ પોતાની જાતને તથા અન્યને નુકસાન પહોંચાડી શકે છે. ધર્મ ત્યજી શકે છે, પાપાચરણ કરી શકે છે. ઉચિત વસ્તુને ધ્યાનમાં લેતો નથી પૂજ્યને પૂજ્ય ગણવાને બદલે નિંદાયુક્ત વાક્ય ઉચ્ચારે છે. ક્રોધી વ્યક્તિ દુષ્ટતાની સીમાને ઓળખતો નથી.'

જો કે બધા જ માણસો ક્રોધની બાબતમાં એક સરખા હોતા નથી. ઉત્તમ મનુષ્યનો ક્રોધ ક્ષણિક જ હોય છે. મધ્યમ માણસનો ક્રોધ બે ઘડીનો હોય છે. નીચ માણસનો ક્રોધ એક રાત અને એક દિવસનો હોય છે જ્યારે અતિ નીચ એટલે કે અધમ મનુષ્યનો ક્રોધ જીવનભર ચાલતો હોય છે વેરવૃત્તિ અકબંધ રાખીને. 'રંગભૂમિ' નવલકથામાં મુન્શી પ્રેમચંદ ક્રોધનું સ્વરૂપ વર્ણવતાં કહે છે કે ક્રોધ અત્યંત કઠોર હોય છે. એ જોયા કરે છે કે મારું એક એક વાક્ય નિશાન પર બેસે છે કે નહીં. ક્રોધ મૌન સહન કરી શક્તો નથી. ક્રોધની શક્તિ સીમાહીન છે. એવું એક પણ ઘાતકથી પણ અતિઘાતક શસ્ત્ર નથી જેનાથી વધુ માર-કાટ કરી શકે એવું યંત્ર તેની શસ્ત્રશાળામાં ન હોય. પરંતુ મૌન એ એવો મંત્ર છે જેની આગળ ક્રોધની સઘળી શક્તિ નિષ્ફળ થઇ જાય છે. મૌન ક્રોધ માટે અજેય છે.

ક્રોધી માણસ તે વખતે રાક્ષસના તાબામાં હોય છે. ક્રોધનું નિરંકુશ વર્તન એના જીવનને શોકમય અને દુઃખમય બનાવી બરબાદ કરી દે છે. ક્રોધને પગલે ઇર્ષ્યા, વેરવૃત્તિ, તિરસ્કાર વગેરે પાયમાલકારી દુષ્વૃત્તિઓ હાજર હોય છે.

જેલમાં સબડતા કેદીઓનો તમે ઇન્ટરવ્યૂ લો તો ખબર પડશે કે એક ક્ષણના ક્રોધે તેને જેલના સળિયા ગણતો કેવી રીતે બનાવી દીધો છે. એ.કે.૪૭ કે પિસ્તોલની ચાંપ દબાવી દેનાર આવેશગ્રસ્ત માણસે પોતાની સ્વતંત્રતાને ક્રોધાગ્નિને હવાલે સોંપી દઈને પોતાને તથા પોતાના કુટુંબને કેવી રીતે બરબાદ કરી દીધું હતું.

ઉત્તમ પદ પર બેઠેલા માણસોએ પણ ક્રોધમાં આવી પોતાની પદોન્નતિની મહાન તક ગુમાવ્યાના દાખલા અખબારોમાં વર્ણવાય છે. ક્રોધી માણસના કાન બહેરા થઇ જતા હોય છે. સામેના માણસની વાત સાંભળવા કે સ્વીકારવા તૈયાર હોતો નથી.

ક્રોધની માનસિક અને શારિરીક અસરો પણ ભયાનક હોય છે. લાંબે ગાળે તે મનોરોગી બને છે અને ક્રોધનું ઝેર તેના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક નીવડે છે. ક્રોધ વિષનું સર્જન કરે છે. કહેવાય છે કે વાવાઝોડું થયા પછી શું થાય છે તે લોકો જોઈ શકે છે તેમ જેઓ ક્રોધથી થતી હાનિ સગી આંખે જોઈ શક્તા હોત તો ક્રોધ કરવાની હિંમત જ ન કરત. નિરંકુશ ક્રોધ અથવા કોઈ પણ પ્રકારના ઉગ્ર આવેશથી નાજુક જ્ઞાનતંતુ મંડળને જેટલી હાનિ થાય છે તેટલી હાનિ બીજી કોઈ વસ્તુની થતી નથી.

ક્રોધી માણસને છિદ્રાન્વેષણ કરવાની આદત હોય છે. છિદ્રાન્વેષણની ટેવ ક્રોધના અગ્નિમાં ઘીની આહૂતિનું કામ કરે છે. ક્રોધ એ તાત્કાલિક ઉન્માદ છે. માણસ ક્રોધને કારણે પોતાના અભિન્ન મિત્રોને પણ ક્ષણમાં શત્રુ બનાવી દે છે. માણસ પોતાના મિજાજની ખુલ્લી તલવારે રક્ષા કરે છે પણ બીજાના મિજાજને પણ જાળવી લેવાની ઉદારતા શીખી લે તો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય. સજ્જન બનવાનાં વ્યાખ્યાનો ગોઠવાય છે પણ દુર્જન, દુષ્ટ કે ક્રોધી બનવા માટે કોઈ તાલીમશાળાની જરૂર પડતી નથી. એવી તાલીમ માણસ પોતાના દૂષિત મનને થાબડી થાબડીને જ મેળવી લેતો હોય છે. ક્રોધ ઉત્પાદનનું કારખાનું બહાર નહીં પણ માણસની અંદર જ છે. એ કારખાનું ચલાવવા માટે મજૂરો કે કારીગરોની જરૂર પડતી નથી. માણસ એકલો જ એ માટે પૂરતો છે.

માણસ આત્મસંયમી બને તો જ આત્મવિજયી બની શકે. મિજાજ ખોયા વગર શાન્તિ અને સ્વસ્થ દ્રષ્ટિકોણથી તમે તમારા સ્વામી બની શકો છો. ગુસ્સા પર કાબૂ મેળવવા માટે શું કરશો ? એ માટે આ પાંચ બાબતો તમને આવેશોની જાળમાંથી મુક્ત રહેવા મદદ કરશે :

૧. સદાય પ્રસન્ન રહો. મનને ખેદ અને અસંતોષની આગમાં જલતું ન રાખો.

૨. ક્રોધને પોતાનો શત્રુ માની એને પ્રવેશવાનાં બારણાં બંધ કરી દો.

૩. આત્મવિજય માટે શ્રેષ્ઠ વાંચન અને મનને ધ્યાનની તાલીમ આપશો.

૪. ક્ષુક્તા ત્યજી શ્રેષ્ઠતાનું સદાય ચિંતન કરવું ઉપકારક બનશે.

૫. મહાપુરુષોના જીવન ચરિત્રોમાંથી પ્રેરણા લો. મનને ભટકતું ન રાખતાં મનને ઉત્તમ વિચારોનો તીર્થયાત્રી બનાવો. ક્રોધ આગળ કાયર ન બનો.

Gujarat