For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભગવાન રામચંદ્રના સમયનું 'રામ રાજ્ય' કેવું હતું? આજે તેવું રાજ્ય બને તે માટે જરૂરી 7 બાબતો કઈ?

Updated: Jan 22nd, 2024

ભગવાન રામચંદ્રના સમયનું 'રામ રાજ્ય' કેવું હતું? આજે તેવું રાજ્ય બને તે માટે જરૂરી 7 બાબતો કઈ?

- એક જ દે ચિનગારી-શશિન્

- આજનું જગત 'રામરાજ્ય' બને એ માટે જરૂરી સાત બાબતો કઇ? રામચરિત માનસના રચયિતા તુલસીદાસજી સમાજ જીવનના 'નાડી પરીક્ષક વૈદ્ય' હતા. 

રામ નીતિ અને પવિત્ર જીવનનો પર્યાય હતા. પ્રજાકલ્યાણનો આદર્શ ચરિતાર્થ કરનાર ભગવાન રામ જેવો કર્તવ્યપાલક શાસક આધ્યાત્મિક ઇતિહાસમાં ભાગ્યેજ જોવા મળશે. રામ અને રામરાજ્ય એક બીજાના પર્યાય છે. રામરાજ્ય એટલે રામનું રાજ્ય. એ કેવું હોય ? લોકોને સ્વતંત્રતા મળે, ઇન્સાફ મળે, અને તેમનું સર્વથા રક્ષણ થાય તેવું રાજ્ય. રામના જેવું ન્યાયથી ચલાવતું રાજ્ય. દશરથ પુત્ર રામચંદ્રના રાજ્યમાં જેવી પ્રજા સુખી હતી તેવું રાજ્ય. રામના અમલ જેવો ન્યાયી અને સુખકર રાજ્ય કારભાર, પ્રજાને પૂરતું સુખ હોય તેવું રાજ્ય.

તુલસીદાસ રચિત રામચરિત માનસ આદર્શોની ફળદ્રુપ ભૂમિ છે, જેને અપનાવવાથી કોઇ પણ યુગની પ્રજા કલ્યાણની સાધના કરી શકે છે. રામરાજ્યનું વર્ણન 'રામચરિત માનસ' ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ મળે છે. ભાગવત, મહાપુરાણ, પદ્મપુરાણ વગેરેમાં જ્યાં સમાજ મનોરોગોથી મુક્ત વિચલતા, શુબ્રતા, નીતિ અને ધર્મને અપનાવે એનું નામ કલ્યાણ રાજ્ય. આવું રાજ્ય અશત્રુત્વ અને સમતાનું રાજ્ય હોય છે. તેના અભાવે રાજ્ય કલ્યાણ  - રાજ્ય ન રહેતાં અનેક દૂષણોથી દૂષિત થઇ જાય છે. જેની ઝલક તુલસીદાસે કર્લિકાલ વર્ણનમાં કરી છે. જ્યાં કામ, દામ અને લોભ-લાલચ તથા મોહની બોલબાલા હોય તેવું રાજ્ય કળિયુગી રાજ્ય. કામ અને દામનું સુખ તે કાચું સુખ. રામસ્મરણ તે પાકું સુખ.

'પ્રસન્નિકા કોશ' મુજબ માણસે સમાજ બનાવ્યો ત્યારથી આદર્શ રાજ્યની કલ્પના કરતો આવ્યો છે. આદર્શ રાજ્ય એટલે એવું રાજ્ય જેમાં સૌ સર્વ વાતે સુખી હોય કોઇને કશી વાતની તંગી ના નડે. કોઇ - કોઇનું શૌષણ ના કરે ઝઘડા ના થાય. સૌને આવશ્યકતા પ્રમાણે આહારાદિ વસ્તુઓ મળી રહે, સર્વત્ર શાન્તિ પ્રસરેલી હોય. સૌ પોતપોતાનો ધર્મ બજાવે લાંબુ અને સ્વસ્થ આયુષ્ય ભોગવે. આવા રાજ્ય માટે આદર્શ રાજા જોઈએ. તે પ્રજાને સંતાનની જેમ જાળવે, તેનું પોષણ કરે તેની રક્ષા કરે. તેને અન્યાય તથા શોષણ સામે રક્ષણ આપે. પ્રજાને અગવડ ન પડવા દે.

ભગવાન શ્રીરામના સમયમાં ભારતમાં આવી સ્થિતિ હતી. ત્યારથી આદર્શ રાજ્યને રામ રાજ્યનું નામ અપાયું.  પશ્ચિમમાં ૪૦૦ વર્ષ પૂર્વે ટોમસ મૂર નામના લેખકે રામરાજ્ય જેવા યુટોપિયા નામના દેશની કલ્પના કરી હતી. ત્યાં સૌ પોતપોતાનો ધર્મ પાળે છે વસ્તુઓ વહેંચીને વાપરે છે. કોઇને અન્યાય થતો નથી.

અત્યારે ક્યાંય રામરાજ્ય જેવી સ્થિતિ જણાતી નથી એટલે ભારતની પ્રજાને સર્વથા સુખી કરવા માટે રામરાજ્ય ના આદર્શ સ્વીકારી તેનાં સુપરિણામો ભારતનાં પ્રજાજનોને પરિપ્રાપ્ત થાય તેવો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે. ભગવાન રામની એક કથા મહર્ષિ વાલ્મીકિએ રચી, જે રામાયણ તરીકે ઓળખાય છે. તેમાંથી પ્રેરણા લઇ લોકભોગ્ય શૈલીમાં તુલસીદાસે 'રામચરિત માનસ'ની રચના કરી.

વાલ્મિકિ રામાયણ ત્રણ જાતનાં છે. ઔદિચ્ય, દક્ષિણ અને ગૌડી. આ ઉપરાંત રામકથાના અન્ય ગ્રંથો પણ મળે છે. વાલ્મીકિ, અધ્યાત્મ, યોગવાશિષ્ઠ, રઘુવંશ દશાવતાર ચરિતમ્, દશાવતાર કથા, રંગ નાથ રામાયણ રચના ભાવાર્થ રામાયણ, મંત્ર રામાયણ, રામચંદ્રિકા, રામરસાયણ, રામભજનમ્, રામરહસ્ય, ચંમુવા, મહામાલા, સૌપદ્ય મણિરત્ન, ચાંદ્ર, જૈન, બર્વે, આનંદ,. દશરથ જાતક, રામયાગન, એઅકંડ, અદ્ભુત રામાયણ, વલ્લભ, ઉત્તર રામચરિત્ર, એકશ્લોકી રામાયણ, જાનકીકરણ, ડોંગરેજીનું રામાયણ મોરારિબાપુની રામકથા. ગિરિધર રામાયણ, પુનિત રામાયણ વગેરે. ભક્ત કવિ બિન્દુ મહારાજે પણ રામરાજ્યનું વર્ણન કરતી કવિતા રચી છે.

આ ઉપરાંત એકશ્લોકી રામાયણ પણ મળે છે. શ્રીમદ ભાગવત, મહાભારત તથા રામાયણમાં એક શ્લોકમાં સંક્ષિપ્ત રામકથા આલેખાઇ છે. જેમ કે ,

'આદૌ રામતપો વનાદિ ગમન.

હત્વા મૃગ કાંચન, વૈદેહી વરણ

જટાયુ હરણં, સુગ્રીવ સંભાષણમ્

વાલી નિગ્રંહ સમુદ્ર તરણમ્,

લંકાપુરી દાહનમ્,

પશ્ચારાવણ કુંભકર્ણહનનં

એતિદ્ધિ રામાયણમ્ '

અર્થાત્ પહેલાં રામ તપોવનમાં ગયા. ત્યાં સુવર્ણ મૃગને માર્યો. એવામા સીતાનું હરણ થયું. જટાયુનું મરણ થયું. રામ અને સુગ્રીવ સાથેનો સંબંધ થયો. વાલીનો વધ કરવામાં આવ્યો. રામની સેના સમુદ્ર તરીને શ્રીલંકા ગઇ. હનુમાને લંકા બાળી યુદ્ધમાં રાવણ તથા બીજા રાક્ષસો હણાયા. રામાયણની કથાનો આ સાર છે.રામરાજ્યનું વિસ્તૃત વર્ણન તુલસી દાસ રચિત 'રામચરિત માનસ'ના ઉત્તરકાંડમાં પ્રાપ્ત થાય છે. 'રામરાજ્ય' વિષયક પ્રસિદ્ધ વર્ણન તો લોકોની જીભે વારંવાર રમે છે.

'દૈહિક, દૈવિક ભૌતિક તાપા,

રામ રાજ નહીં કાહુકો વ્યાપા,

સબ નર કરહિં પરસ્પર પ્રીતિ,

ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.'

હનુમાન પ્રસાદ પોદ્દાર રચિત રામચરિત્ર માનસ ચરિત્ર ટીકામાં પદ્ય ૨૦ થી ૨૩માં રામરાજ્યનું વર્ણન કર્યું છે. તદ્નુસાર રામચંદ્રજીનો રાજ્યાભિષેક થતાં ત્રણે લોક હર્ષિત થયાં. સહુનો શોક જતો રહ્યો. રામચંદ્રજીના પ્રતાપથી સહુના આંતરિક ભેદભાવ નષ્ટ થઇ ગયા.

ચારેવર્ણ ચારે આશ્રમ બધા જ પોતાના વૈદિક ધર્માનુસાર ચાલે છે. સુખપ્રાપ્તિ કરે છે. દૈહિક, દૈવિક, ભૌતિક પીડાઓથી મુક્ત થઇને સર્વ લોકો કુલધર્મ અનુસાર જીવન જીવવા લાગ્યા.

રામરાજ્યમાં તપ, જ્ઞાન, યજ્ઞા, દાન આ ચારેયના પગલે ધર્મ જગતમાં પરિપૂર્ણ થઇ ગયો હતો. ક્યાંય પાપનું નામ નહોતું. નર-નારી રામનાં ભક્ત થઇ ગયા હતા. રામરાજ્યમાં અલ્પ (અકાળે) મૃત્યુ કે કોઇ પણ પ્રકારની શારીરિક પીડા કોઇેને નહોતી. કોઇ દુ:ખી કે દીન નહોતું. સર્વ લોકો ધર્મ નિરત, દયાળુ અને ગુણવાન હતા. રઘુનાથજીના રાજ્યની સુખ-શાન્તિનું વર્ણન ખુદ શારદા પણ કરી શક્તાં નથી. મનુષ્યો એક નારીવ્રતનું પાલન કરતાં. મનુષ્યના નીતિ પૂર્ણ જીવનને કારણે પ્રકૃતિ પણ પૂર્ણ ઉદારતાથી ફળ, ફુલ વગેરે આપવામાં કોઇ કસર રાખતી નહોતી. પર્વતોમાંથી અનેક પ્રકારના મણિની ખાણો જગતપ્રાણ રામને જોઇ પ્રગટ થઇ. સર્વ નદીઓમાં સુંદર જળ પ્રવાહિત થવા માંડયું. જે શીતળ, નિર્મળ અને સ્વાદિષ્ટ હતું. સરોવરમાં કમળો ખિલ્યાં હતાં. સમગ્ર વાયુમંડળ મનોહર હતું. રામરાજ્યમાં ચંદ્રના અમૃતપૂર્ણ કિરણોથી પૃથ્વી પરિપૂર્ણ હતી અને વાદળો માગવાથી જળધારા વરસાવતાં હતાં. કાક ભુશુડિંજી કહે છે કે પક્ષીરાજ ગરૂડજી સાંભળો શ્રી રામના રાજ્યમાં જળ, ચેતન, સંપૂર્ણ જગતમાં કાળ, ધર્મ, સ્વભાવ અને ગુણોથી ઉત્પન્ન દુ:ખ કોઇને થતાં નહોતાં.

રામરાજ્યમાં સહુ દંભરહિત, ધર્મપરાયણ અને પુણ્યાત્મા હતા. પુરુષ અને સ્ત્રીઓ ચતુર અને ગુણવાન હતાં. સહુ ગુણોનો આદર કરનાર, પંડિત તથા જ્ઞાની હતાં. બધાં જ કૃતજ્ઞા એટલે કે બીજા દ્વારા કરવામાં આવેલા ઉપકારને માન આપનારાં તથા કપટ, ધૂર્તતા કોઇનામાં નહોતી.

આમ આપણે જોઈ શકીએ છીએ કે તુલસીદાસ કૃત રામરાજ્યના વર્ણનમાં આપણને એક કલ્યાણલક્ષી આદર્શ રાજ્યનાં દર્શન થાય છે. રામનું રાજ્ય એકતંત્રાત્મક હતું પરંતુ સાચા અર્થમાં લોકતંત્રાત્મક હતું. કારણ કે સત્તા નહીં સેવા, માત્ર સેવા નહી. જન કલ્યાણ જ તેમને જીવનમંત્ર હતાં. રામદક્ષ ભારદ્વાજે સાચું જ કહ્યું છે કે, તુલસીદાસે રામરાજ્યની સરખામણી શરદઋતુ સાથે કરી છે, જ્યારે વર્ષા ઋતુ પછી વાતાવરણમાં ન તો ગરમી હોય છે કે ન  તો ઠંડી. તથા બધી જ વસ્તુઓ શુદ્ધ અને સ્વચ્છ પ્રતીત થાય છે.

'રામચરિત માનસ'ના રામરાજ્યના વર્ણનમાં માત્ર ભારતીય રાજતંત્ર માટે જ નહીં પણ વિશ્વના અનેક દેશો માટે પ્રજાકલ્યાણનો અમિટ સંદેશ સમાયેલો છે. આજે વિશ્વમાં જીવન મૂલ્યોનો હ્રાસ ચરમસીમા પર છે. ત્યારે માનવ તથા વિશ્વકલ્યાણ માટે જીવનમૂલ્યોની આવશ્યકતા વધી ગઇ છે. તુલસીદાસે સમાજ જીવનના નાડી પરીક્ષક વૈદ્ય હતા. એમણે મૂલ્યોના પતનના મહારોગની દવા રામરાજ્યના આદર્શ દ્વારા આપી છે. આજનું જગત 'રામરાજ્ય' બને તે માટે જરૂરી સાત બાબતો કઇ છે ?

૧. માનવમૂલ્યોનું જતન અને તેમાં અખૂટ વિશ્વાસ.

૨. કર્તવ્યનિષ્ઠ પ્રજાજનો અને પ્રજા કલ્યાણને વરેલા શાસકો.

૩. સત્તાને નહીં પણ સેવાને તથા જનકલ્યાણને સર્વાધિક મહત્વ.

૪. ઇર્ષ્યા, દ્વેષ અને સત્તાતૃષ્ણાનો ત્યાગ

૫. ધર્મ (નૈતિકતા), કર્તવ્યપરાયણતા અને શ્રેષ્ઠ નાગરિકત્વ વિકસાવવાની ભાવના.

૬. સત્તાના અહંકારનો સર્વથા પરિત્યાગ

૭. શાસક બનીને નહીં પ્રજાના સેવક બની રાજ્ય સંચાલનની ભાવના.

Gujarat