કોણ ચિંતા કરશે આ સર્જકોની?


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ગુજરાતી સાહિત્યના આરંભકાળે અનેક ગૌણ સર્જકોએ મહત્વનું પ્રદાન કર્યું. એની જાળવણી વિશે આપણે કંઈ વિચારીશું ખરા?

ભ વ્ય ઈમારતના પાયામાં રહેલા પથ્થરો ક્યારેક સાવ વિસરાઈ જતા હોય છે! ગુજરાતી સાહિત્યની ભવ્ય ઈમારતના પાયામાં કેટલાય સર્જકો ભુલાઈ ગયા છે. જેમની શતાબ્દી હમણા રંગેચંગે ઉજવવામાં આવી એવા શ્રી મધુસૂદન પારેખના પિતા ઇતિહાસકાર ને સાહિત્યકાર હીરાલાલ પારેખે 'ગ્રંથ અને ગ્રંથકાર'ના આઠ ભાગ પ્રસિદ્ધ કર્યાં હતાં. એ આઠ ભાગમાં ગુજરાતના એ સમયના તમામ સર્જકોના જીવન અને સર્જન વિશે વિસ્તૃત માહિતી હતી, પરંતુ એ પછી એ કાર્ય આગળ ચાલ્યું નહીં અને તેને પરિણામે એમાં મળતા કેટલાય સર્જકોના જીવનકાર્યના પૂર્વાર્ધની નોંધ મળે છે, પરંતુ એમના જીવનના ઉત્તરાર્ધની કે એમના અવસાનની કોઈ વિગત આજે ય મળતી નથી.

પ્રસિદ્ધ હાસ્યકાર અને લેખક મધુસૂદન પારેખે 'વાર્ષિક વાઙમય' સમીક્ષાના આઠ ભાગ આપ્યાં, પણ હવે તો એ પ્રવૃત્તિ પણ અટકી ગઈ છે. એને પરિણામે ગુજરાતી સાહિત્યમાં પ્રતિ વર્ષ પ્રકાશિત થતાં પુસ્તકોની કોઈ વિગત કે નોંધ મળતી નથી. થોડા સમય પૂર્વે આપણા જાણીતા લેખિકા ધીરુબહેન પટેલે પારસી લેખકો વિશે વિસ્તૃત અભ્યાસ થવો જોઈએ એમ કહ્યું હતું અને અત્યારે તેઓ ગુજરાતી સાહિત્યની પ્રમાણમાં ઓછી જાણીતી લેખિકાઓ વિશે સંશોધનકાર્ય કરાવી રહ્યા છે અને સાચે જ એ આપણું દુર્ભાગ્ય કહેવાય કે સમર્થ લેખકો વિશે ગ્રંથો મળે છે અને જેમણે સાહિત્યના પ્રેમથી પોતાની રીતે થોડું ઘણું પ્રદાન કર્યું છે એમના જીવનકાર્ય વિશે ભાગ્યે જ કોઈ માહિતી મળે છે. એમની થોડી વિગતો સાહિત્યકોશમાં સાંપડે છે, પણ એમની કૃતિઓ ક્યાં?

એવી સ્થિતિ ગુજરાતી ભાષાના પ્રારંભકાળે લખાયેલાં પુસ્તકોની છે. આ પુસ્તકો કોઈ ગામડાંઓની કે શહેરોની લાયબ્રેરીમાં હવે ધૂળના ઢગલા નીચે દબાઈ રહ્યાં છે અને એ જીર્ણ-શીર્ણ થાય એ પહેલાં એને આધુનિક ટેકનોલોજીની મદદથી સંગ્રહિત કરવાની જરૂર છે.

આજે એકત્ર દ્વારા અતુલ રાવલ આ કાર્ય કરી રહ્યા છે. કેટલાક ઓછા જાણીતા સર્જકોની વાત અહીં યાદ આવે છે. ખંભાતના વિષ્ણુદાસ કવિની કોને ખબર છે? કવિ નર્મદ પૂર્વે થયેલા આ વિષ્ણુદાસે 'રામાયણ' અને 'મહાભારત' વિશે બે વિસ્તૃત ગ્રંથો રચ્યા છે. ઈ.સ. ૧૫૧૯ માં એમણે રામાયણનો ઉત્તરકાંડ લખ્યો હતો. કવિ નર્મદે પણ આ ગ્રંથો વાંચ્યા હતા, પરંતુ આ કવિનો જન્મ ઈ.સ. ૧૫૦૦ પહેલાં થયો હોવો જોઈએ, પણ એમના વિશે કોઈ સામગ્રી પ્રાપ્ત થતી નથી.

તો વળી જુનાગઢની નજીક આવેલા કુતિયાણામાં થયેલા કવિ તુલસી સારસ્વત બ્રાહ્મણ હતા અને એમણે ૧૫૫૮માં 'ધુ્રવાખ્યાન' નામનો ગ્રંથ લખ્યો હતો. એવી જ સ્થિતિ વસ્તાની બાબતમાં થયેલી છે. સોળમાં શતકમાં જન્મેલા બોરસદના લેઉવા પાટીદાર કણબી વૈષ્ણવ સંપ્રદાય પાળતો હતો. એ બાળબ્રહ્મચારી હતો અને માતા-પિતાએ એને લગ્ન કરવા માટે અતિ આગ્રહ કર્યો હતો, પરંતુ સોળમા શતકમાં જન્મેલો વસ્તા મક્કમ રહ્યો હતો, જોકે એને પરિણામે એને ઘર છોડવું પડયું હતું. એણે છેક રામેશ્વર સુધીની યાત્રા કરી હતી અને સંત સમાગમ સેવ્યો હતો. ગોકર્ણેશ્વરની યાત્રાએ જતાં એ પર્વત પરથી પડી ગયો અને તે એક પગે અપંગ બની ગયો હતો. એ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા લોકોને 'ગદ્ધાઈમાં પડનાર' ગણતો હતો. આ વસ્તાએ 'શુકદેવ આખ્યાન', 'સુભદ્રા હરણ' અને 'સાધુચરિત્ર' જેવા ત્રણ ગ્રંથો લખ્યાં છે.

મોટેભાગે નાગર જાતિનો જંબુસરનો વતની કવિ વચ્છરાજ એ સમયનો એક પ્રસિદ્ધ કવિ હતો. એના પિતાનું નામ વિનાયક હતું અને એણે 'રસમંજરી'ની વાત અને 'સ્ત્રીચરિત' નામના બે ગ્રંથો લખ્યાં છે. આમાં 'સ્ત્રી-ચરિત'ના ગ્રંથના અંતે એ ગ્રંથ સમાપ્ત થયાનું વર્ષ ઈ.સ. ૧૫૭૯ આપેલું છે. જ્યારે એની 'રસમંજરી'ની વાર્તાઓને શામળ ભટ્ટની વાર્તાઓના બીજરૂપ ગણી શકાય. વળી 'રસમંજરી'ની વાર્તાઓનો વિષય, તેની રચના, તેનો વસ્તુવિકાસ અને લેખનપદ્ધતિ પરથી એ સિદ્ધ થાય છે કે શામળ પર એની અસર જોવા મળે છે અને ગ્રંથો તો કહે છે કે ગુજરાતી સાહિત્યમાં છપ્પા, ચોપાઈ, દોહા વગેરે છંદો તથા કેવળ કલ્પિત વાતોને પ્રવેશ કરાવવાનું માન કવિ વચ્છરાજને મળવું જોઈએ. અંદાજે ઈ.સ. ૧૬૦૦ પૂર્વે જન્મેલો ખંભાતનો નાગર જ્ઞાાતિનો શિવદાસ વિ.સં. ૧૬૧૭માં દક્ષિણ દેશ વિજાપુરમાં રહીને દ્રૌપદી સ્વયંવર આખ્યાન સર્જે છે. આ ઉપરાંત એણે 'ડાંગવ આખ્યાન', એકાદશી મહાત્મ્ય તથા કેટલાંક પદો પણ લખ્યાં છે.

જ્યારે સોજીત્રા ગામના કવિ દેવીદાસે ૧૬૦૪માં 'ઋક્મિણીહરણ' નામનું ત્રીસ કડવામાં કાવ્ય લખેલું છે. આ ગાંધર્વ જ્ઞાાતિનો કવિ સોળમા શતકમાં થયો હોવો જોઈએ. આમ તુલસી, વસ્તો અને વચ્છરાજ જેવા કવિઓએ ગુજરાતના જુદાં જુદાં પ્રદેશમાં કાવ્યસરિતા વહેતી રાખી. આથી આ સમયને કેટલાક 'પોષણ યુગ' તરીકે ઓળખે છે, જ્યાં ગુજરાતી સાહિત્યને પહેલું પોષણ મળ્યું. એ જમાનામાં સર્જકો પછીની પેઢીને પ્રેરણા આપતા હતા અને એનું એક ઉદાહરણ ઈ.સ. ૧૬૨૪માં વણિક જ્ઞાાતિના અને કૃષ્ણકીર્તન કરતા ગોવર્ધનદાસનું ગણી શકાય. એમને પચાસ વર્ષની વયે કવિ પ્રેમાનંદનો મેળાવ થયો અને એ દિવસથી એમણે પ્રેમાનંદને ગુરુ માન્યા. વળી એની ગુરુભક્તિ એવી હતી કે એ જે જે કવિતા રચતો તે તમામ પોતાના ગુરુ પ્રેમાનંદને સમર્પિત કરી દેતો. ગુરુ પ્રેમાનંદની કૃપાથી એણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એ ઉપરાંત 'દ્વાદશમાસ', 'વનવિવાહ', 'દાનલીલા', 'ગોવર્ધન પૂજા', 'કૃષ્ણ જન્મોત્સવ', 'શંકર સ્તુતિ', 'તિથિઓ', 'સતા વાર' અને 'કૃષ્ણલીલા' જેવાં કાવ્યો લખ્યાં છે. એક નોંધપાત્ર બાબત એ છે કે કૃષ્ણકીર્તન કરનાર દ્વારકાદાસ વૈષ્ણવ સંપ્રદાય પાળતો હતો, પરંતુ 'સિદ્ધિ' મેળવવા માટે શિવ-સ્તુતિના પદો પણ પણ ગાય છે. વળી એના કેટલાક પદો પરથી એ અદ્વૈતવાદ તરફ ગતિ કરતો હોય એવું અનુમાન પણ થઈ શકે છે.

જ્યારે ૧૭મા શતકમાં અમદાવાદનો બ્રહ્મજ્ઞાાની કવિ ગોપાળદાસ જ્ઞાાનવિષયક કાવ્યોની રચના કરે છે. એના પિતાનું નામ નારાયણદાસ હતું અને એના ગુરુનું નામ રાજહંસ સ્વામી સોમરાજ હતું. એણે 'ગોપાળ ગીતા', 'બુદ્ધિવહુને શિખામણ' જેવા બે ગ્રંથો અને કેટલાંક જ્ઞાાનનાં પદો લખ્યાં છે. બ્રહ્મજ્ઞાાન સિવાય અન્ય કોઈ વિષય ઉપર એણે લખ્યું હોય એવું જાણી શકાતું નથી. કવિ પ્રેમાનંદનો સમકાલીન સાહિત્યકારો પર કેવો પ્રભાવ હશે તેનો ખ્યાલ તો એના શિષ્યમંડળ પરથી આવી શકે છે.

વડોદરાના વિશાલાડ વાણિયા જ્ઞાાતિના હરિદાસે ઈ.સ. ૧૯૬૬માં સીતાવિરહ નામનું એક કાવ્ય લખ્યું. એ સમયમાં વણિક જ્ઞાાતિ વિશેષે વેપાર કરતી હોવાથી એ બહુ ભણેલો હોય તેવી સંભાવના નથી, પરંતુ કવિ પ્રેમાનંદના પરિચયથી એના પર જ્ઞાાનના સંસ્કાર પડયાં હતાં અને બુદ્ધિ ખીલતાં એ કવિપદ પામ્યો હતો. આથી એ પોતાની ગ્રંથરચના માટે 'કવિવર કેરી કૃપા'એમ લખે છે અને ઈ.સ. ૧૯૬૬માં નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ, ઈ.સ. ૧૬૭૧માં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ અને ઈ.સ. ૧૬૮૧ માં ભારતસાર જેવા અત્યંત વિસ્તૃત તેર કાવ્યગ્રંથો લખ્યાં છે. નરસિંહ મહેતા વિશેના ગ્રંથોમાં એણે પોતાના ગુરુ પ્રેમાનંદનું અનુકરણ કર્યું નથી. ઉછળતો કાવ્યરસ એ એની કવિતાનું લક્ષણ નથી. શાંત, સદ્ભાવના તેની કવિતામાં જોવા મળે છે. પ્રેમાનંદના આ શિષ્યનું અવસાન પ્રેમાનંદના મૃત્યુ પૂર્વે થયું હતું.

આ રીતે સત્તરમા શતકમાં ધીરે ધીરે ધર્મભાવના અને ભક્તિભાવનાને તિલાંજલિ મળે છે. ઐહિક અભિલાષાઓનું આલેખન થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે કાવ્યદેવી ભક્તાણીનો વેશ છોડી સંસારિણી બનવા લાગી અને ધર્મભાવનાના બંધનથી મુક્ત થયેલું કવિત્વ પોતિકી રીતે કેકારવ કરવા લાગ્યું. અગાઉના શતકમાં સમજાવા લાગેલો દેવ અને મનુષ્ય વચ્ચેનો ભેદ આ સત્તરમા શતકમાં વધુ સ્ફૂટ થયો. આત્મભાવના અંકુરો ફૂટયા. મુસ્લિમ સલ્તનતના શાસનને કારણે ભાષામાં ધીરે ધીરે ફારસી તત્વ પ્રવેશ પામ્યું. અગાઉના સમયને જેમ 'પોષણયુગ' કહ્યું હતું, તેમ  કેટલાંકે સત્તરમા શતકના યુગને 'યૌવનયુગ' કહ્યું છે. પ્રેમાનંદના કાવ્યો લોકપ્રિયતાને પામ્યા અને સર્જકો વચ્ચે પહેલો સ્પર્ધાકાળ શરૂ થયો. પ્રેમાનંદ અને શામળના પક્ષો રચાયા. બેમાંથી કોણ ચડિયાતું? એવી ચર્ચા જાગી. આ રીતે ગુજરાતી સાહિત્યના આરંભકાળે અનેક ગૌણ સર્જકોએ મહત્વનું પ્રદાન કર્યું. એની જાળવણી વિશે આપણે કંઈ વિચારીશું ખરા?

મનઝરૂખો

અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. ઍડગરની પાસે 'નર્વસ-બ્રેકડાઉન'થી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા એક ધનવાન સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટૅન્શન અનુભવતા હતા. એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો ઍડગર પર એક ફોન આવ્યો અને ઍડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. ફોન પર એ પ્રશ્નને કઈ રીતે ઉકેલવો એનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે ઍડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો ઍડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી ઍડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા.

શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનાઢ્ય સજ્જન અત્યાર સુધી ઍડગરની કાર્યપદ્ધતિને નજીકથી નિહાળતા હતા અને ત્યાં જ એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. ઍડગરને કહ્યું, 'મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવાં છે' અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર 'સપ્લાય' કરવાના ખાના સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં. 'તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મુક્યા છે?'

'સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.'

'પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને?'

ઍડગરે કહ્યું, 'ના, હું કોઈ પણ પત્રનો જવાબ તરત મારી સેક્રેટરીને લખાવી નાખું છું. કોઈ કાગળ બાકી રહેવા દેતો નથી.'

શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિ સમજી ગયા કે એમની સૌથી મોટી ભૂલ એ હતી કે એ કોઈ પણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ આપવાને બદલે એ કામને અધ્ધર લટકાવી દેતા હતા. આને પરિણામે બધાં કામ ભેગાં થતાં અને એ જ એમના ટૅન્શનનું કારણ બનતાં હતાં.

ક્ષણનો સાક્ષાત્કાર

એકલી પ્રતિભાથી કશું મળતું નથી, પ્રતિભા સાથે પુરુષાર્થ જરૂરી છે. તમારી આગવી પ્રતિભા તમારે માટે સફળતાના મહેલના દરવાજા ખોલી આપશે, પણ એમાં સ્થાયી નિવાસ કરવો હશે તો આકરી મહેનત વિના જયવારો નથી. ટેલન્ટ તમારી તાકાતની ઓળખ આપશે, પરંતુ અથાગ પરિશ્રમ એ તાકાતને વિકસાવવાની અનેક દિશાઓ ખોલી આપશે. આને માટે સમર્પણ કરવું પડે, આકરી સાધના કરવી પડે અને એ આકરી સાધનાને અંતે જ તમને એની ફળપ્રાપ્તિ થાય.

તમારી પ્રતિભાથી તમે બીજા કરતાં જરૂર જુદા તરી આવશો, પણ સહુમાં શ્રેષ્ઠ થવા માટે તો પુરુષાર્થ જ આવશ્યક છે. આકરી મહેનત માટે જીવનશૈલીમાં ક્રાંતિકારી પરિવર્તન કરવું પડશે. મનની મોજથી જીવતા, થોડા આળસુ પણ ખરા અને 'ફિઝિકલ ફિટનેસ'ની ઝાઝી ફિકર નહીં કરનારા અભિનવ બિન્દ્રાને ખ્યાલ આવ્યો કે માત્ર ટેલન્ટ પર આધાર રાખવાથી શ્રેષ્ઠ બની શકાય નહીં. શ્રેષ્ઠ બનવું હોય તો પોતાની રમતને સંપૂર્ણ સમર્પિત થવું પડશે. પ્રતિભાથી તો અડધો રસ્તો જ કપાય. ઉત્તમતાના ધ્યેયને સિદ્ધ કરવા દ્રઢ નિશ્ચય અને પરિશ્રમ જોઈએ.

અભિનવ બિન્દ્રાએ મોજભરી જિંદગી અને સગવડો વચ્ચે જીવવાનું છોડીને સખત મહેનત કરી. શરીરને બરાબર કસ્યું અને અંતે એને શૂટિંગમાં ઓલમ્પિક્સ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરીને વિશ્વ વિજેતાની શ્રેષ્ઠતા હાંસલ કરી. આમ માત્ર ટેલન્ટના ભરોસે બેસી રહી શકાય નહીં. ઉત્તમતા સદા સમર્પણ માગે છે.

City News

Sports

RECENT NEWS